વર્ષ હતું 1949 નું. 14 વર્ષનો જીબન કૃષ્ણ પોદ્દાર તેના માતા-પિતા અને દાદી સાથે બરિસાલ જિલ્લામાં આવેલા તેના ઘેરથી પશ્ચિમ બંગાળ ભાગી ગયો હતો. 1946 ના નોઆખલીના રમખાણોને કારણે લોકોએ મોટી સંખ્યામાં સ્થળાંતર કરવાનું શરુ કર્યું હતું, જે ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું હતું. ઘર છોડ્યાના બે વર્ષ પછી આ પરિવાર આખરે સુંદરવનમાં સ્થાયી થયો હતો.
હવે ઉંમરના 80 મા દાયકામાં પહોંચેલા અને વરસાદી સાંજે પોતાના ઘરના વરંડામાં બેઠેલા જીબન એ સફરને યાદ કરે છે જે તેમને પાથારપ્રતિમા બ્લોકના કૃષ્ણદાસપુર ગામમાં લઈ આવી હતી, હવે તેઓ આ જગ્યાને પોતાનું ઘર કહે છે: “ત્યાં હિંસા ફાટી નીકળી હતી, તેથી અમારે ત્યાંથી ભાગવું પડ્યું હતું. મારા માતા ઉષા રાણી પોદ્દારે અમારો બધો સામાન 14 બેગમાં ભરી દીધો હતો. અમે વહાણ દ્વારા [તે સમયે પૂર્વ બંગાળમાં આવેલા] ખુલના શહેરમાં પહોંચ્યા હતા. એક ટ્રેન અમને બેનાપોલ લઈ ગઈ હતી. અમે અમારા પૈસા અને ઘરેણાં કપડાંમાં અને બીજા સામાનમાં છુપાવી દીધા હતા.
જીબનને યાદ છે કે તેમના પરિવારને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક શરણાર્થી શિબિરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેઓ બીજા 20000 થી વધુ લોકો સાથે 11 મહિના સુધી રહ્યા હતા. શરણાર્થીઓને દંડકારણ્ય (મધ્ય ભારતના જંગલથી છવાયેલા બસ્તર પ્રદેશ), આંદામાન ટાપુઓ અથવા પશ્ચિમ બંગાળના સુંદરવનમાં સ્થાયી થવા માટે કહેવામાં આવ્યું હતું.
જીવન કહે છે, “મારા પિતા સરતચંદ્ર પોદ્દારે સુંદરવન પસંદ કર્યું હતું.” તેઓ પોતાની માલિકીની જમીન લઈને તેની પર ખેતી કરવા માગતા હતા. માચ અને ચાશ (માછલી અને ખેતી માટેના બંગાળી શબ્દો) એ બે (તેમને માટે) મુખ્ય આકર્ષણો હતા. તેમને લાગ્યું કે દંડકારણ્ય અને આંદામાન તો નિર્જન જંગલો છે જ્યાં રહેવું મુશ્કેલ હશે."
'જ્યારે અમે ખેતી કરવાનું શરૂ કર્યું ત્યારે પરિસ્થિતિ મુશ્કેલ હતી. આ વિસ્તાર એટલે 60 ટકા પાણી અને 40 ટકા જંગલ હતું. પીવાનું પાણી ચોખ્ખું ન હતું અને ઘણા લોકો કોલેરાથી મૃત્યુ પામ્યા હતા. ડોક્ટર 15 દિવસમાં એકવાર આવતા હતા. દુકાળ પડ્યો હતો અને પરિણામે અમારે ભૂખમરો સહન કરવો પડ્યો હતો'
જીબનનો પરિવાર હાવડાથી સુંદરવન માટે વહાણ દ્વારા રવાના થયેલા 150 પરિવારોમાંથી એક હતો. તેઓ મથુરાપુર બ્લોકમાં આવ્યા હતા જ્યાં ભારત સરકારે તેમને ખેતી માટે જંગલો સાફ કરવાનું કહ્યું હતું. "જ્યારે અમે ખેતી કરવાનું શરૂ કર્યું ત્યારે પરિસ્થિતિ મુશ્કેલ હતી. આ વિસ્તાર એટલે 60 ટકા પાણી અને 40 ટકા જંગલ હતું. પીવાનું પાણી ચોખ્ખું ન હતું અને ઘણા લોકો કોલેરાથી મૃત્યુ પામ્યા હતા. ડોક્ટર 15 દિવસમાં એકવાર આવતા હતા. દુકાળ પડ્યો હતો અને પરિણામે અમારે ભૂખમરો સહન કરવો પડ્યો હતો."
જીબનના પિતાને સરકારી ઓફિસમાં નોકરી મળી હતી જ્યાં તેમનું કામ બીજા કર્મચારીઓ માટે હાથ પંખો ચલાવવાનું હતું. તેમની માતાએ ભેંસો પાળી હતી અને દૂધ અને ઈંડા વેચ્યા હતા.
આખરે આ પરિવારને કૃષ્ણદાસપુર ગામમાં 10 વીઘા જમીન (પશ્ચિમ બંગાળમાં એક વીઘા એટલે એક એકરના ત્રીજા ભાગની આસપાસ થાય છે) ફાળવવામાં આવી હતી, ત્યાં તેઓએ ચોખાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. થોડા પૈસા બચાવ્યા પછી તેઓએ વધુ જમીન ખરીદીને ગામમાં એક ઘર બનાવ્યું હતું, આ ગામની વસ્તી (2011ની વસ્તી ગણતરી મુજબ) હાલ 2653 છે.
જીબન તેમના પત્ની અને 11 બાળકો સાથે રહે છે, અને 2010 ની આસપાસ ગામડાની પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર તરીકે નિવૃત્ત થયા હતા. ગામની પોસ્ટ ઓફિસમાંથી પટાવાળા તરીકે નિવૃત્ત થનાર 64 વર્ષના પ્રિયરંજન દાસ પણ તેમના મૂળ પૂર્વ બંગાળમાં હોવાનું જણાવે છે. તેઓ બે વર્ષના હતા ત્યારે 1950 ના દાયકાની શરૂઆતમાં તેમના માતાપિતા સાથે નોઆખલીથી આવ્યા હતા. તેઓ યાદ કરે છે, “અહીં ખાવા માટે કંઈ નહોતું એટલે અમે છોડની દાંડીઓ ઉકાળીને ખાતા હતા. કોલેરાનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો, પરિણામે ઘણા લોકો અહીંથી સ્થળાંતર કરી ગયા હતા. પરંતુ અમે અહીં જ રોકાઈ ગયા હતા."
1765 પછી જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બંગાળમાં નાગરિક વહીવટ હસ્તગત કર્યો ત્યારે પશ્ચિમ બંગાળના વિવિધ ભાગો, છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશ અને ઓડિશામાંથી બીજા ઘણા પરિવારો સુંદરવનમાં આવ્યા હતા. અમિતેશ મુખોપાધ્યાય (લિવિંગ વિથ ડિઝાસ્ટર્સ: કમ્યુનિટીસ એન્ડ ડેવલપમેન્ટ ઈન ધ ઈન્ડિયન સુંદરબન્સ) અને અન્નુ જલૈસ (પીપલ એન્ડ ટાઈગર્સ: એન એન્થ્રોપોલોજીકલ સ્ટડી ઓફ ધ સુંદરબન્સ ઓફ વેસ્ટ બેંગોલ, ઈન્ડિયા) લખે છે કે વસાહતી (અંગ્રેજ) શાસકો પોતાની મહેસૂલી આવક વધારવામાં રસ ધરાવતા હતા, આથી જમીન હાંસલ કરીને તેના પર ખેતી કરાવવા માટે તેઓ ઉપખંડના વિવિધ ભાગોમાંથી શ્રમિકોને અહીં લાવીને કામે રાખતા હતા.
સુંદરવનમાં કામ કરતી બિન-સરકારી સંસ્થા ટાગોર સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટના રબિ મંડલ કહે છે: “મેદિનીપુરમાં પૂર અને દુષ્કાળ, 1947 નું બંગાળનું વિભાજન અને 1971 ની બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડતને કારણે ઘણા લોકોએ હિજરત કરી હતી, અને તેમાંના ઘણા સુંદરવનમાં આવીને સ્થાયી થયા હતા."
સ્કોટિશ ઉદ્યોગપતિ ડેનિયલ હેમિલ્ટન ગોસાબા બ્લોકના ટાપુઓમાં સહકારી ચળવળ દ્વારા ગ્રામીણ પુનર્નિર્માણનું કામ કરી રહ્યા હતા ત્યારે 1905 ની આસપાસ ફરી એક વાર મોટા પાયે સ્થળાંતર થયું હતું. તેમણે શ્રમિકોને ખેતી માટે જમીન ગણોતપટે આપી હતી. સ્થળાંતરિતોના ઘણા વંશજો હજી આજે પણ ગોસાબામાં રહે છે, અને સુંદરવનના વિકાસમાં ડેનિયલના યોગદાનને યાદ કરે છે.
જોતિરામપુર ગામમાં રહેતા એંસી વર્ષના રેવતી સિંહ મૂળ રાંચીના છે. તેમના દાદા આનંદમયી સિંહ હેમિલ્ટનની સહકારી ચળવળ દરમિયાન1907 માં ગોસાબા આવ્યા હતા. “તેઓ ટ્રામ દ્વારા કેનિંગ બ્લોક પહોંચ્યા હતા. તેઓ કદાચ ત્યાંથી ચાલતા ગોસાબા ગયા હશે, જેનું હાલ પગપાળા અંતર 12 કલાકથી વધુ છે. પછીથી હેમિલ્ટને તેમને લઈ જવા માટે નાની હોડી બનાવી હતી.”
રેવતીએ સાંભળ્યું છે કે તે સમયે અહીં વસ્તી ઓછી હતી, અને વાઘ અને મગરો વારંવાર હુમલા કરતા હતા અને પીવાનું શુદ્ધ પાણી નહોતું. શું પરિસ્થિતિ બદલાઈ છે? તેઓ કહે છે, "હવે વાઘના હુમલા ઓછા થયા છે. ત્યારે નોકરીઓ નહોતી, અને હજી પણ કામ મળવું એ એક સમસ્યા છે. હું ચોખાની ખેતી કરતો હતો પરંતુ નદીનાં પાણી ખેતરોમાં ભરાઈ જતા હોવાથી ખેતી કરવાનું બંધ કરી દીધું હતું. રેવતીના ત્રણ દીકરાઓ અસંગઠિત ક્ષેત્રમાં નાનાં-મોટાં કામ કરે છે.
લખન સરદારના દાદા ભાગલ સરદાર પણ સહકારી ચળવળનો ભાગ બનવા માટે રાંચીથી સ્થળાંતર કરીને આવ્યા હતા, લખનને યાદ છે કે હેમિલ્ટનના આમંત્રણથી પ્રખ્યાત કવિ અને લેખક રવિન્દ્રનાથ ટાગોર 1932 માં ગોસાબાની મુલાકાતે આવ્યા હતા.
સુંદરવનની વસ્તીનો મોટો ભાગ પશ્ચિમ બંગાળના મેદિનીપુર વિસ્તારનો છે. મેદિનીપુરમાં વારંવાર આવતા પૂર અને અવારનવાર પડતા દુષ્કાળના કારણે ત્યાંના રહેવાસીઓને (પોતાનાં ગામ છોડીને) શ્રમિક તરીકે અથવા ખેડૂત તરીકે કામ કરવા સુંદરવનમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જોતિરામપુર ગામના જ્યોતિર્મય મંડલ યાદ કરે છે કે હેમિલ્ટનની સહકારી ચળવળની શરૂઆત પહેલાં તેમના દાદા-દાદી મેદિનીપુરથી સુંદરવન સુધી પગપાળા ગયા હતા. “દાદા રાતના ચોકીદાર તરીકે કામ કરતા હતા અને આખરે તાવથી મૃત્યુ પામ્યા હતા. મારા દાદી દિગમ્બરી મંડલ ઘર ચલાવવા લોકોની ભેંસોની રખેવાળી કરતા હતા, ચોખાની ખેતી કરતા હતા અને ઘી વેચતા હતા."
ગોસાબાના આરામપુર ગામમાં મોહમ્મદ મોલ્હોર શેખ રોજીરોટી મેળવવા લાકડા કાપે છે. તેમના પરદાદા પોતાના બે ભાઈઓ સાથે 150 વર્ષ પહેલા મેદિનીપુરથી સુંદરવન આવ્યા હતા. “તેઓ લોખંડના સળિયા પર મશાલ પેટાવીને કેવી રીતે વાઘનો પીછો કરતા હતા એની વાર્તાઓ અમે સાંભળી છે. તેઓ અવારનવાર પૂર અને દુષ્કાળનો સામનો કેવી રીતે કરતા હતા અને તેમના ચોખાના ખેતરોનો વિનાશ કેવી રીતે સહન કરવો પડ્યો હતો એ પણ અમે સાંભળ્યું છે.”
પશ્ચિમ બંગાળમાં 1943 ના ભયંકર દુષ્કાળ દરમિયાન મેદિનીપુરથી ફરી એક વાર મોટા પાયે સ્થળાંતર થયું હતું. હાલ ઈકોતેર વર્ષના હરિપ્રિયા કારના પતિનો પરિવાર આ સમયગાળા દરમિયાન ગોસાબામાં સ્થળાંતરિત થયો હતો. જોતિરામપુર ગામ, જ્યાં તેઓ રહે છે, તેનું નામ તેમના સસરા જોતિરામ કારના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેઓ કહે છે, “જોતિરામ અને ખેત્રમોહન ભાઈઓ હતા જેઓ પોતાની સાથે 27 પરિવારોને લઈને મેદિનીપુરથી ગોસાબા આવ્યા હતા. આ પરિવારો આસપાસના જંગલો સાફ કરીને અહીં સ્થાયી થયા હતા."
હરિપ્રિયા અમારી સાથે વાત કરતા હતા ત્યારે તેમના ઘરમાં અંધકાર છવાઈ ગયો હતો. થોડા કલાકો પહેલા જ વીજ પુરવઠો કપાઈ ગયો હતો. અહીં આજીવિકાના વિકલ્પો ઓછા છે, તબીબી સહાય મેળવવી મુશ્કેલ છે, અને રસ્તાઓ સાથેનું જોડાણ અને વાહનવ્યવહાર એ એક ખૂબ મોટો અવરોધ છે. તેમ છતાં સુંદરવનના મૂળ વસાહતીઓના વંશજોનું જીવન તેમના પૂર્વજો જેટલું મુશ્કેલ નથી. ભૂતકાળની મુશ્કેલીઓ અને નુકસાનના અહેસાસ સાથે વધુ સારા જીવન માટેનો સંઘર્ષ ચાલુ રહે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક