દિવાળીના 10 દિવસ પહેલા મુકેશ રામ પોતાને ગામ મોહમ્મદપુર પાછા ફર્યા હતા. તેઓ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં બાંધકામના સ્થળે શ્રમિક તરીકે કામ કરતા હતા.

દિવાળી પછી છઠ્ઠા દિવસે કરવામાં આવતી છટ પૂજાની ઉજવણી માટે 40 વર્ષના મુકેશ રામ બિહારના ગોપાલગંજ જિલ્લામાં પોતાને ઘેર પાછા આવી ગયા હતા. તેમના ઘેર આવવાથી પત્ની પ્રભાવતી દેવી અને તેમના ચાર બાળકો ખુશ હતા.

ગામ પાછા ફર્યા પછી તેઓ પોતાના ઘરથી છ કિલોમીટર દૂર મંગલપુર પુરાણા બજારમાં એક બાંધકામના સ્થળે દાડિયા મજૂરીનું કામ કરતા હતા. તેઓ સવારે 8 વાગ્યે ઘેરથી નીકળી જતા અને સાંજે 6 વાગ્યે પાછા આવતા.

2 જી નવેમ્બર, 2021 ના રોજ તેઓ ઘેર મોડા પાછા ફર્યા અને માથામાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરવા લાગ્યા.

દુખાવો ચાલુ રહ્યો અને બીજે દિવસે સવારે તો તેઓ આંખો પણ ખુલ્લી રાખી શકતા નહોતા. ગમે તેમ કરીને મુકેશ કામ પર જવા માટે તૈયાર તો થયા પરંતુ અસહ્ય દુખાવાને કારણે તેઓ ઘરની બહાર જ ન નીકળી શક્યા.

તેમની આ હાલત જોઈને પ્રભાવતીએ તેમને 35 કિલોમીટર દૂર ગોપાલગંજ શહેરમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવા માટે ગાડી ભાડે કરી. “સુબેરે લે જાત, લે જાત, 11 બજે મઉગત હો ગઈલ [સવારે હોસ્પિટલ લઈ જતા, લઈ જતા 11 વાગે તેઓ મૃત્યુ પામ્યા]."

પરંતુ 35 વર્ષના વિધવા પ્રભાવતી પોતાના સ્વર્ગસ્થ પતિના મૃતદેહને લઈને ઘેર પહોંચ્યા ત્યારે તેઓ આઘાતમાં હતા - તેમનું ઘર સીલ કરી દેવામાં આવ્યું હતું. મોહમ્મદપુર સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેમના ઘર પર છાપો માર્યો હતો.

The police sealed Mukesh and Prabhabati's house after filing an FIR, accusing him of selling illicit liquor.
PHOTO • Umesh Kumar Ray
Prabhabati was widowed by illegal hooch and made homeless by prohibition laws
PHOTO • Umesh Kumar Ray

ડાબે: પોલીસે મુકેશ પર ગેરકાયદેસર દારૂ (લઠ્ઠો) વેચવાનો આરોપ મૂકી, એફઆઈઆર દાખલ કરીને મુકેશ અને પ્રભાવતીના ઘરને સીલ કરી દીધું હતું. જમણે: લઠ્ઠાએ પ્રભાવતીને વિધવા બનાવી દીધી અને દારૂબંધીના કાયદાએ બેઘર

તેઓ યાદ કરે છે, "હું પાછી આવી અને જોયું તો અમારું ઘર સીલ કરી દેવામાં આવ્યું હતું. મારે મારા પતિના મૃતદેહને આખી રાત ઘરની બહાર રાખવો પડ્યો હતો. મેં અને મારા બાળકોએ કેટલાક પુઆરા [સૂકા ઘાસ] નું તાપણું કરીને ખુલ્લા આકાશ નીચે રાત કાઢી હતી."

તેઓ કહે છે, “ઘરબો સે ગઈની, આ મર્દો સે ગઈની? ઐ તા કોનો બાત નૈખે ભઈલ ના. કોનો તા આધાર કરે કે ચાહી [મારું તો ઘર ગયું અને વરેય ગયો. આવું તે કંઈ હોતું હશે? શેને આધારે તેમણે  આવું કર્યું?"

*****

આ વાર્તા પ્રકાશિત થઈ તે દિવસ સુધીમાં બિહાર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે 14 મી એપ્રિલ, 2023 ના રોજ  પૂર્વ ચંપારણ જિલ્લાના જુદા જુદા ગામોમાં લઠ્ઠો  પીવાથી 26 મૃત્યુ નોંધાયા છે અને  હજી પણ ઘણા લોકો બીમાર છે.

બિહાર પ્રોહિબિશન એન્ડ એકસાઈઝ એક્ટ (બિહાર પ્રતિબંધ અને આબકારી અધિનિયમ), 2016 હેઠળ બિહારમાં વિદેશી અને દેશી દારૂ અને તાડીના  ઉત્પાદન, ખરીદ, વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે.

આમ લઠ્ઠાએ પ્રભાવતીને વિધવા બનાવી દીધી અને દારૂબંધીના કાયદાએ બેઘર.

મોહમ્મદપુર સ્ટેશનની પોલીસે સ્થાનિકોના નિવેદનને આધારે એફઆઈઆર  દાખલ કરી છે. તેમાં જણાવાયું છે કે મુકેશ દારૂ વેચતો હતો અને તેના ઘરમાંથી 1.2 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ એફઆઈઆર મુજબ બાતમી મળતાં પોલીસ મુકેશ રામને ઘેર પહોંચી અને 200 મિલીલીટરનું એક એવા દારૂના છ પોલીથીન પાઉચ અને ત્રણ ખાલી પાઉચ જપ્ત કર્યા. હતા.

Prabhabati shows a photo of her and Mukesh.
PHOTO • Umesh Kumar Ray
PHOTO • Umesh Kumar Ray

ડાબે: પ્રભાવતી તેમનો અને મુકેશનો ફોટો બતાવે છે. જમણે:મુકેશના મૃત્યુ પછી પ્રભાવતી દેવી અને તેમના ચાર બાળકો હવે મોહમ્મદપુર ગામમાં તેમના જૂના ઘર પાસે આ કામચલાઉ ઝૂંપડીમાં રહે છે

આ આરોપોને નકારી કાઢતાં એસ્બેસ્ટોસ શીટની છતવાળા સીલ કરાયેલા પાકા ઘર તરફ ઈશારો કરી પ્રભાવતીએ પારીને કહ્યું, "જાઓ, જઈને દારૂ વેચનારાઓના ઘરો તો જુઓ, અમે પણ જો એવું જ કરતા હોત (દારૂ વેચતા હોત), તો અમારું ઘર આવું હોત?"

એફઆઈઆરમાં પોલીસ દ્વારા કરાયેલા આક્ષેપોને તેઓ નકારી કાઢે છે અને તેમના ઘરમાંથી લઠ્ઠો વેચવાનો ધંધો ચાલતો હોવાનો ઈનકાર કરે છે. તેઓ કહે છે, "હમરે માલિક સાહેબ કે દારુ બેચતે દેખતી તા હમ ખુદ કહતી કી હમરા કે લે ચલી [મારા પતિ ખરેખર દારૂ વેચતા હોત તો મેં જાતે જ જઈને પોલીસને કહ્યું હોત કે અમને પકડી જાઓ]."

તેઓ કહે છે, “પૂછો તમે ગામના લોકોને. બધાય કહેશે કે માલિક સાહેબ [તેમના પતિ] કડિયાકામ કરતા હતા." જો કે મુકેશ ક્યારેક ક્યારેક દારૂ પીતા હતા એ વાતનો તેઓ ઈનકાર કરતા નથી. “તેમના મિત્રો તેમને પીવડાવે ત્યારે જ તેઓ પીતા હતા. જે દિવસે તેઓ માથાના દુખાવા સાથે ઘેર પાછા ફર્યા ત્યારે તેમણે મને કહ્યું નહોતું કે તેઓ દારૂ પીને આવ્યા હતા."

મુકેશના મૃતદેહને શબપરીક્ષણ માટે મોકલવામાં આવ્યો જ ન હતો, તેથી ખરેખર શું થયું હતું એ પ્રભાવતી ક્યારેય જાણી શકશે નહીં.

*****

યુપી-બિહાર સીમા પર સ્થિત સિધબલિયા બ્લોકના મોહમ્મદપુર ગામની વસ્તી 7273 (જનગણતરી 2011) છે અને અંદાજે દસમા ભાગના (628) લોકો અનુસૂચિત જાતિ સમુદાયોના છે. મોટાભાગના લોકો કામની શોધમાં અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે અને તેમ ન કરી શકનારા ગામમાં રહીને દાડિયા મજૂર તરીકે કામ કરે છે.

મુકેશનો જીવ લેનાર ગોપાલગંજ જિલ્લાની લઠ્ઠાકાંડની ઘટનામાં લઠ્ઠો પીવાથી 18 લોકોના મોત નિપજ્યા હતા, મૃતકોમાં મુકેશ સહિત 10 લોકો બિહારમાં મહાદલિત ગણાતી ચમાર જાતિના હતા. તેમનો પરંપરાગત વ્યવસાય મરેલા ઢોરની ખાલ કાઢીને તેને વેચવાનો છે.

After Mukesh's death, the family is struggling to managing their expenses.
PHOTO • Umesh Kumar Ray
Prabhabati with her children, Preeti, Sanju and Anshu (from left to right)
PHOTO • Umesh Kumar Ray

મુકેશના મૃત્યુ પછી તેમના પરિવાર માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. પ્રભાવતી તેમના બાળકો, પ્રીતિ, સંજુ અને અંશુ સાથે (ડાબેથી જમણે)

બિહાર રાજ્યમાં ગયા વર્ષે માત્ર ડિસેમ્બર મહિનામાં જ લઠ્ઠો પીવાથી 72 લોકો મૃત્યુ પામ્યા હતા અને 2016 થી માંડીને આજ સુધીમાં મૃતકોનો આંક 200 પર પહોંચ્યો છે અને તેમના પરિવારોને કોઈ જ વળતર મળ્યું નથી.

ઘણીવાર પોલીસ અને અન્ય અધિકારીઓ આ મૃત્યુની દારૂના કારણે થયેલા મૃત્યુ તરીકે નોંધ કરતા નથી તેથી આ આંકડાઓ ભ્રામક હોઈ શકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ લઠ્ઠાને મૃત્યુનું કારણ માનવાનો જ સ્પષ્ટ ઈનકાર કરી દે છે.

*****

પ્રભાવતીનું ઘર અચાનક જ સીલ કરવામાં આવ્યું હતું; તેઓ કપડાં, ચોકી (લાકડાનો  પલંગ), અનાજ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓ પણ બહાર કાઢી લઈ શક્યા નહોતા. તે સમય દરમિયાન તેમના નણંદ અને તેમના પડોશીઓએ તેમને મદદ કરી હતી.

મુકેશ શિમલામાં નોકરી કરતા હતા ત્યારે તેઓ દર મહિને 5000-10000 રુપિયા ઘેર મોકલતા. તેઓ ગુજરી ગયા ત્યારથી પ્રભાવતી તેમના ચાર બાળકો - બે દીકરીઓ 15 વર્ષની સંજુ અને 11 વર્ષની પ્રીતિ અને બે દીકરાઓ 7 વર્ષના દીપક અને 5 વર્ષના અંશુ - નું ભરણપોષણ કરવા ખેત મજૂર તરીકે કામ કરે છે. પરંતુ આ કામ આખા વર્ષમાં ફક્ત બે જ મહિના માટે મળે છે. પરિણામે તેમણે તેમના માસિક 400 રુપિયાના વિધવા પેન્શનથી કામ ચલાવવું પડે છે.

ગયા વર્ષે તેમણે ભાગિયા ખેડૂત તરીકે 10 કટ્ટા (આશરે 0.1 એકર) જમીન ગણોતપટે લીધી હતી અને તેમાં ડાંગરની ખેતી કરી લગભગ 250 કિલો ચોખાની લણણી કરી હતી. જમીન માલિકે તેમને બિયારણ આપ્યું હતું અને રાસાયણિક ખાતર, છાણિયું ખાતર, સિંચાઈ વિગેરેના ખર્ચ માટે પ્રભાવતીના બહેને તેમને 3000 રુપિયા આપ્યા હતા.

પ્રભાવતીના બહેને મુકેશ અને પ્રભાવતીના મોટા દીકરા દીપકને ભણાવવાની જવાબદારી પણ ઉપાડી લીધી છે અને હાલમાં દીપક તેમની સાથે જ રહે છે. 500 રુપિયા અહીંથી ને 1000 રુપિયા ત્યાંથી એમ નાની-મોટી ઉછીની લીધેલી રકમ મળીને પ્રભાવતીને માથે કુલ 100000 રુપિયાનું  દેવું છે. તેઓ તેનો ઉલ્લેખ દેવા તરીકે નહીં, પરંતુ 'હાથ ઉઠાઈ' [કોઈપણ વ્યાજ વિના ઉધાર લીધેલી નાની રકમ] તરીકે કરે છે. તેઓ કહે છે, “હું કોઈકની પાસેથી 500 [રુપિયા] તો કોઈકની પાસેથી 1000 [રુપિયા] માગીને લઉં છું. થોડા દિવસોમાં હું પાછા ચૂકવી દઉં છું. 500 રુપિયા કે 1000રુપિયા લઉં અને થોડા દિવસમાં પાછા આપી દઉં તો તેઓ [પૈસા ઉછીના આપનાર] કોઈ વ્યાજ વસૂલતા નથી."

Prabhabati has leased 10 kattha of land to cultivate paddy.
PHOTO • Umesh Kumar Ray
She stands next to small shop she was given by the Bihar government as part of a poverty alleviation scheme
PHOTO • Umesh Kumar Ray

પ્રભાવતીએ ડાંગરની ખેતી કરવા માટે 10 કટ્ટા જમીન ગણોતપટે લીધી છે. તેઓ બિહાર સરકાર દ્વારા ગરીબી નાબૂદી યોજનાના ભાગ રૂપે તેમને આપવામાં આવેલી નાનકડી દુકાનની બાજુમાં ઊભા છે (જમણે)

મુકેશના મૃત્યુના ત્રણ મહિના પછી બિહાર સરકાર તરફથી ગરીબી નાબૂદી યોજના હેઠળ પ્રભાવતીને એક નાની ગુમટી (લાકડાની બનેલી એક નાનકડી દુકાન) અને 20000 નો સામાન આપવામાં આવ્યો હતો.

તેઓ કહે છે, “સર્ફ [ડિટરજન્ટ], કુરકુરે [નાસ્તો], બિસ્કીટ, આ બધું મને વેચવા માટે આપવામાં આવ્યું હતું. પરંતુ નફો સાવ નજીવો હતો, અને દિવસના અંતે હું માંડ 10 રુપિયા બચાવી શકતી. એ 10 રુપિયા ખર્ચીને મારા બાળકો કંઈક ખાવાનું લેતા. એમાં મને નફો ક્યાંથી થાય? તેના ઉપરથી હું બીમાર પડી. દુકાનની મૂડી મારી સારવાર પાછળ ખર્ચાઈ ગઈ.

પ્રભાવતીને ભવિષ્યની ચિંતા છે. તેઓ કહે છે, "હું મારા બાળકોને કેવી રીતે ઉછેરીશ? હું મારી બે દીકરીઓને કેવી રીતે પરણાવીશ? આ બધું વિચારીને જ મારા  માથામાં સણકા મારે છે અને માથું દુખવા માંડે છે. હું રડી રડીને માંદી પડી જાઉં છું. હું સતત વિચાર્યા કરું છું કે ક્યાં જાઉં, શું કરું, જેથી હું બે પૈસા કમાઈ શકું અને મારા બાળકોને ખવડાવી શકું." તેઓ ઉમેરે છે, "હમરા ખાની દુઃખ આ હમરા ખાની બિપદ મુદઈ કે ના હોખે [ભગવાન કરે આવું દુઃખ, આવી વિપદા મારા દુશ્મનનેય ન ભોગવવી પડે].

તેમના પતિના મૃત્યુએ પરિવારને ગરીબીની ગર્તામાં ધકેલી દીધો હતો: તેઓ નિરાશાથી કહે છે, “માલિક સાહેબ જીવતા હતા ત્યારે અમે માંસ-મચ્છી ખાતા હતા. પરંતુ તેમના ગયા પછી તો શાકભાજીય નસીબ નથી થયા. મહેરબાની કરીને એવું કંઈ લખો કે સરકાર મારી કંઈક મદદ કરે, અને થોડાઘણા પૈસા હાથમાં આવે."

આ વાર્તા બિહારના એક ટ્રેડ યુનિયનિસ્ટની સ્મૃતિમાં અપાયેલ ફેલોશિપ દ્વારા સમર્થિત છે. તેમણે રાજ્યમાં છેવાડાના લોકો માટે લડવામાં પોતાની જિંદગી ખર્ચી નાખી હતી.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Umesh Kumar Ray

উমেশ কুমার রায় ২০২২এর পারি ফেলো। বিহার-নিবাসী এই স্বতন্ত্র সাংবাদিকটি প্রান্তবাসী সম্প্রদায়দের নিয়ে লেখালেখি করেন।

Other stories by Umesh Kumar Ray
Editor : Devesh

দেবেশ একজন কবি, সাংবাদিক, চলচ্চিত্র-নির্মাতা ও অনুবাদক। তিনি পিপলস্ আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার হিন্দি সম্পাদক ও হিন্দি অনুবাদ-সম্পাদক।

Other stories by Devesh
Editor : Sanviti Iyer

সম্বিতি আইয়ার পিপল্‌স আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার কনটেন্ট কোঅর্ডিনেটর। স্কুলপড়ুয়াদের সঙ্গে কাজ করে তাদের ভারতের গ্রামসমাজ সম্পর্কে তথ্য নথিবদ্ধ করতে তথা নানা বিষয়ে খবর আহরণ করার প্রশিক্ষণেও সহায়কের ভূমিকা পালন করেন তিনি।

Other stories by Sanviti Iyer
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik