ગુડલા મંગમ્મા કહે છે, “જ્યારે અમે સ્થળાંતર કરીને હૈદરાબાદ ગયાં, ત્યારે અમને જે નોકરી મળે એ અમે લઈ લેતાં. અમે અમારી દીકરીને સારું શિક્ષણ અપાવવા માટે પૂરતા પૈસા કમાવવા માગતાં હતાં.” તેઓ અને તેમના પતિ, ગુડલા કોટૈયા, 2014માં તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાં આવેલું તેમનું ગામ છોડીને રાજ્યની રાજધાની હૈદરાબાદ આવ્યાં હતાં. આ તેમના પ્રથમ બાળક, કલ્પનાના જન્મ પછી તરતની વાત છે.

પરંતુ શહેર તેમના ભણી ઉદાર ન હતું. જ્યારે તેમને કોઈ કામ મળતું ન હતું, ત્યારે કોટૈયાને કમાણી કરવા માટે હાથથી મેલું સાફ કરવાનું કામ લેવાની ફરજ પડતી હતી. તેમણે ગટરના ગંદા પાણીની સફાઈ કરવાનું શરૂ કર્યું.

હૈદરાબાદમાં, કપડા ધોવાના કોટૈયાના પરંપરાગત વ્યવસાયની કોઈ માંગ ન હતી – તેઓ ચકલી સમુદાય (તેલંગાણામાં અન્ય પછાત વર્ગ) ના હતા. તેમને કામ શોધવામાં કેમ મુશ્કેલી પડતી હતી તે સમજાવતાં મંગમ્મા કહે છે, “અમારા પૂર્વજો કપડાં ધોતા હતા અને ઇસ્ત્રી કરતા હતા. પણ હવે અમારા માટે બહુ ઓછું કામ છે; બધાં લોકો પાસે પોતપોતાનાં વોશિંગ મશીન અને ઇસ્ત્રી હોય છે.”

કોટૈયાએ બાંધકામની જગ્યાઓ પર દૈનિક વેતનનું કામ પણ અજમાવી જોયું. મંગમ્મા કહે છે, “બાંધકામની જગ્યાઓ હંમેશાં ઘરથી દૂર રહેતી અને તેમણે ત્યાં જવા માટે મુસાફરીના પૈસા ખર્ચ કરવા પડતા હતા, તેથી તેમને લાગ્યું કે હાથથી મેલું સાફ કરવાનું કામ કરવું વધારે સારું છે, કારણ કે તે કામ ઘરની નજીક હતું.” તેમનો અંદાજ છે કે તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ આ કામ કરતા હતા, જેનાથી તેમને દિવસના 250 રૂપિયા મળતા હતા.

મંગમ્માને મે 2016ની તે સવાર યાદ છે જ્યારે કોટૈયા સવારે 11 વાગ્યાની આસપાસ ઘેરથી નીકળ્યા હતા. ત્યારે તેમણે તેમનાં પત્નીને કહ્યું હતું કે તેઓ ગટર સાફ કરવા જઈ રહ્યા છે, અને તેમને ઘરની બહાર પાણીની એક ડોલ મૂકવા કહ્યું હતું જેથી તેઓ ઘેર પરત ફરીને ઘરમાં પ્રવેશતા પહેલાં પોતાને ધોઈ શકે. મંગમ્મા કહે છે, “મારા પતિ સફાઈ કર્મીકુલુ [નગરપાલિકાના સફાઈ કામદાર] ન હતા. તેઓ આ કામ એટલા માટે કરતા હતા કારણ કે અમારે પૈસાની જરૂર હતી.”

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ડાબે: હૈદરાબાદના કોટી વિસ્તારમાં જે શેરીમાં તેઓ રહે છે ત્યાં ઊભેલાં ગુડલુ મંગમ્મા. જમણે: તેમના ઘરની દિવાલ પર તેમના પતિ ગુડલુ કોટૈયાની છબી છે, જેઓ 1 મે , 2016 ના રોજ તેમના સહકર્મીને બચાવવા જતાં ગટરમાં પડતાં મૃત્યુ પામ્યા હતા

તે દિવસે કોટૈયાને જૂના શહેરના સુલતાન બજારના ગીચ વિસ્તારમાં કામ કરવા માટે કામે રાખવામાં આવ્યા હતા, જ્યાં ગટર વારંવાર ભરાયેલી રહે છે. જ્યારે આવું થાય છે, ત્યારે હૈદરાબાદ મહાનગર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના તૃતીય પક્ષ કોન્ટ્રાક્ટરો ગટર સાફ કરવા અને તેમાંથી કચરો દૂર કરવા માટે માણસોને કામે રાખે છે.

કોટૈયાના સહકર્મી અને મિત્ર એવા બોંગુ વીરા સ્વામી તેમાંના એક હતા, જેઓ કોઈપણ સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતર્યા હતા અને થોડીવારમાં જ બેભાન થઈને પડી ગયા હતા. તેમને જોતાં જ તેમની સાથે કામ કરી રહેલા કોટૈયા બેભાન થયેલ વ્યક્તિને બચાવવા કૂદી પડ્યા હતા. થોડીવાર પછી કોટૈયા પણ બેભાન થઈને પડી ગયા હતા.

તેમાંના કોઈપણને માસ્ક, મોજા કે તેના જેવી અન્ય કોઈ રક્ષણાત્મક સામગ્રી આપવામાં આવી ન હતી. આ બે મિત્રોના મૃત્યુથી ગટર સાફ કરતા માર્યા ગયેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 1993 થી એપ્રિલ 2022ની વચ્ચે “ગટર અને જીવાણુનાશન માટેની ટાંકીઓની જોખમી સફાઈ કરતી વખતે થયેલા અકસ્માતોને કારણે 971 લોકો મૃત્યુ પામ્યા હતા.”

જ્યારે મંગમ્માએ કોટૈયા અને વીરા સ્વામીને તેમના મૃત્યુના થોડા કલાકો પછી જોયા, ત્યારે તેઓ યાદ કરે છે કે, “તે ગટરની દુર્ગંધ એ વખતે પણ આવતી હતી.”

ગુડલા કોટૈયાનું 1 મે, 2016ના રોજ અવસાન થયું હતું. તે મે દિવસ હતો, જે દિવસ સમગ્ર વિશ્વમાં કામદારોના અધિકારોને પ્રોત્સાહન આપતો હતો. ન તો તેઓ પોતે કે ન તો તેમનાં પત્ની જાણતાં હતાં કે મેલું સાફ કરવા માટે કોઈને કામ પર રાખવું ગેરકાયદેસર છે; તે 1993થી ગેરકાયદેસર છે. આવું કરવું હવે હાથથી મેલું ઉઠાવનારા કામદારોના નિયોજન અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013 હેઠળ શિક્ષાપાત્ર છે. આનું ઉલ્લંઘન કરવા બદલ બે વર્ષ સુધીની કેદ અથવા એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને થઈ શકે છે.

મંગમ્મા કહે છે, “મને ખબર નહોતી કે તે [હાથથી મેલું સાફ કરવું] ગેરકાયદેસર હતું. તેમના મૃત્યુ પછી, પણ મને ખબર નહોતી કે મારા પરિવારને વળતર મળે તે અંગેના કાયદા ઉપલબ્ધ છે.”

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ડાબે: હૈદરાબાદના કોટી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ ઈમારતના ભોંયરામાં , મંગમ્માના વર્તમાન ઘરનું પ્રવેશદ્વાર . જમણે: સ્વર્ગસ્થ કોટૈયાનો પરિવાર (ડાબેથી): વંશી , મંગમ્મા અને અખિલા

તેમને એ વાતની પણ જાણકારી નહોતી કે કોટૈયાનું મૃત્યુ કેવી રીતે થયું તે જાણ્યા પછી તેમના સંબંધીઓ તેમનાથી દૂરી કેળવી લેશે. તેઓ કહે છે, “સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે તેઓ મને સાંત્વના આપવા પણ આવ્યાં નથી. જ્યારે તેઓને ખબર પડી કે મારા પતિ ગટરનો કચરો સાફ કરતી વખતે મૃત્યુ પામ્યા છે, તો તેઓએ મારી સાથે અને મારા બાળકો સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.”

તેલુગુમાં, હાથથી મેલું સાફ કરનારાઓને ‘પાકી’ (સફાઈ કામદાર) તરીકે ઓળખવામાં આવે છે – જે એક ગાળ છે. કદાચ સામાજિક બહિષ્કારના ડરથી, વીરા સ્વામીએ તેમનાં પત્નીને કહ્યું જ નહોતું કે તેઓ આજીવિકા માટે શું કામ કરે છે. તેમનાં પત્ની બોંગુ ભાગ્યલક્ષ્મી કહે છે, “મને ખબર નહોતી કે તેમણે હાથથી મેલું સાફ કરવાનું કામ હાથ ધર્યું હતું. તેમણે મારી સાથે ક્યારેય તેની ચર્ચા કરી નથી.” તેમણે વીરા સ્વામી સાથે સાત વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને તેઓ તેમના પતિને પ્રેમથી યાદ કરીને કહે છે, “હું હંમેશા તેમના પર હંમેશાં ભરોસો કરતી હતી.”

કોટૈયાની જેમ, વીરા સ્વામી પણ હૈદરાબાદમાં સ્થળાંતરિત થયા હતા. 2007માં, તેઓ અને ભાગ્યલક્ષ્મી તેમના પુત્રો – 15 વર્ષીય માધવ અને 11 વર્ષીય જગદીશ – અને વીરા સ્વામીનાં માતા રાજેશ્વરી સાથે તેલંગાણાના નાગરકર્નુલ શહેરથી સ્થળાંતરિત થયાં હતાં. આ પરિવાર મદિગા સમુદાયનો છે, જે રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેઓ કહે છે, “અમારો સમુદાય જે કામ કરે છે, તે મને પસંદ નહોતું, અને મને લાગ્યું કે જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે તેમણે તે કામ કરવાનું બંધ કરી દીધું હતું..

કોટૈયા અને વીરા સ્વામીનું ગટરમાં ઝેરી વાયુથી મૃત્યુ થયું તેના થોડા અઠવાડિયા પછી, તેમને જે કોન્ટ્રાક્ટરે કામે રાખ્યા હતા તેમણે મંગમ્મા અને ભાગ્યલક્ષ્મીને 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.

કેટલાક મહિનાઓ પછી, સફાઈ કર્મચારી આંદોલન (એસ.કે.એ.) ના સભ્યો, જે ભારતમાં હાથથી મેલું સાફ કરવાની પ્રથાને નાબૂદ કરવા માટે કામ કરતી સંસ્થા છે, તેમણે મંગમ્માનો સંપર્ક કર્યો હતો. તેઓએ તેમને કહ્યું કે તેમનો પરિવાર 10 લાખ રૂપિયા સુધીના રાહત પેકેજ માટે પાત્ર છે. 2014માં સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં આ વળતર નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારોને 1993 થી ગટર અથવા જીવાણુનાશન ટાંકી સાફ કરવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ચૂકવણી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વધુમાં, હાથથી મેલું સાફ કરનારા કામદારોના પુનર્વસન માટે સ્વરોજગાર યોજના દ્વારા સરકાર રોકડ સહાય પૂરી પાડે છે. અને હાથથી મેલું સાફ કરનારા કામદારો અને તેમના આશ્રિતોને મૂડી સબસિડી (15 લાખ રૂપિયા સુધી) અને કૌશલ્ય વિકાસ તાલીમ પણ આપે છે.

સફાઈ કર્મચારી આંદોલને તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કર્યા પછી, મૃત્યુ પામેલા સફાઈ કામદારોના પરિવારોને 2020માં સંપૂર્ણ વળતર મળ્યું – કોટૈયા અને વીરા સ્વામીના પરિવારો સિવાય. સફાઈ કર્મચારી આંદોલનના તેલંગાણા વિભાગના વડા કે. સરસ્વતી કહે છે કે તેઓ કોર્ટમાં તેમના મુકદ્દમા લડવા માટે વકીલ સાથે કામ કરી રહ્યાં છે.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ડાબે: ભાગ્યલક્ષ્મી તેમનાં સાસુ રાજેશ્વરી સાથે. જમણે: ભાગ્યલક્ષ્મીના સ્વર્ગસ્થ પતિ બોંગુ વીરા સ્વામીની છબી, જેમને કોટૈયાએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો

પણ મંગમ્મા ખુશ નથી. તેઓ કહે છે, “મને છેતરવામાં આવી છે. મને પૈસા મળવાની આશા આપવામાં આવી હતી અને હવે તે આશા ક્યાંય જોવા મળતો નથી.”

ભાગ્યલક્ષ્મી ઉમેરે છે, “ઘણા કાર્યકર્તાઓ, વકીલો, સમાચાર માધ્યમના લોકો અમારી પાસે આવ્યા હતા. થોડા સમય માટે, મને આશા હતી. હવે, મને લાગતું નથી કે મને તે પૈસા મળશે.”

*****

આ વર્ષે ઑક્ટોબરના અંતમાં એક સવારે, મંગમ્મા હૈદરાબાદના કોટી વિસ્તારમાં જૂની એપાર્ટમેન્ટ ઈમારતના પાર્કિંગની જગ્યાના ઢોળાવ પર કટ્ટેલા પોયી (કામચલાઉ ચૂલો) બનાવી રહ્યાં હતાં. અડધો ડઝન ઇંટોથી સજ્જ, તેઓ તેમને જોડીમાં એકબીજાની ટોચ પર મૂકીને ત્રિકોણ બનાવે છે. તેઓ કહે છે, “ગઈકાલે અમારી પાસે ગેસ [એલ.પી.જી.] ખતમ થઈ ગયો હતો. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં નવું સિલિન્ડર આવશે. ત્યાં સુધી, અમે કટ્ટેલા પોયી પર રસોઇ કરીશું. મારા પતિનું અવસાન થયું ત્યારથી અમારી હાલત આવી જ છે.”

કોટૈયાના અવસાનને છ વર્ષ વીતી ગયાં છે. 30 વર્ષીય મંગમ્મા કહે છે, “જ્યારે મારા પતિનું અવસાન થયું, ત્યારે મને સૌથી લાંબા સમય સુધી હું જાણે ખોવાઈ ગઈ હોય તેવો અનુભવ થયો. મારું દીલ તૂટી ગયું હતું.”

તેઓ અને તેમના બે નાના બાળકો, વંશી અને અખિલા, બહુમાળી ઇમારતના ઝાંખા પ્રકાશવાળા ભોંયરામાં રહે છે  દાદરની બાજુમાં એક નાનકડા ઓરડામાં. જ્યારે તેઓ એ જ વિસ્તારમાં એક મકાનનું 5,000-7,000 ભાડું ચૂકવતાં હતાં તે પોસાયું નહીં એટલે તેઓ 2020ના અંતમાં અહીં આવ્યાં હતાં. મંગમ્મા પાંચ માળની ઇમારતની રક્ષા કરે છે અને પરિસરની સફાઇ પણ કરે છે. તેમને મહિને 5,000 રૂપિયા પગાર અને તેમના પરિવાર સાથે રહેવા માટે ઓરડો આપવામાં આવ્યો છે.

તેઓ કહે છે, “તે જગ્યામાં અમે ત્રણ જણ માંડ માંડ રહી શકીએ છીએ.” ઉજળી  સવારે પણ તેમનો ઓરડો અંધકારમય હોય છે. કોટૈયાની છબી ઘસાઈ ગયેલી દિવાલ પર લગાવેલી છે; નીચી છત પરથી પંખો લટકે છે. તેઓ પૂછે છે, “હું કલ્પના [મોટી પુત્રી]ને હવે અહીં બોલાવતી નથી. તે આવશે તો ક્યાં રહેશે અને ક્યાં બેસશે?”

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ડાબે: ભોંયરામાં આવેલ મંગમ્માના ઘરની અંદર. જમણે: એલ.પી.જી. સિલિન્ડરમાં ગેસ ખતમ થઈ ગયા પછી ઈમારતના પાર્કિંગ વિસ્તારમાં ઈંટો વડે ચૂલો બનાવતી વેળાએ

2020માં, જ્યારે કલ્પના 19 વર્ષની હતી, ત્યારે મંગમ્માએ તેના લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમણે કોન્ટ્રાક્ટર પાસેથી મળેલા 2 લાખ રૂપિયાનો ઉપયોગ લગ્નના ખર્ચ માટે કર્યો હતો. તેમણે ગોશામહાલમાં એક ખાનગી શાહુકાર પાસેથી પણ ઉછીના પૈસા લીધા હતા, જે તેમની પાસેથી દર મહિને 3 ટકા વ્યાજ વસૂલે છે. તેઓ મતવિસ્તારની કચેરીની સફાઈ કરીને જે કમાણી કરે છે તેનો અડધો ભાગ લોનની ચુકવણીમાં જાય છે.

લગ્નના લીધે પરિવાર નાદાર થઈ ગયો. તેઓ કહે છે, “અમારે હવે 6 લાખ રૂપિયાનું દેવું છે. [મારી કમાણી] અમારા રોજિંદા ખર્ચાઓને માંડ માંડ આવરી શકે છે.” એપાર્ટમેન્ટના પરિસરની સફાઈ માટે તેમને જે કમાણી થાય છે, તે ઊપરાંત, તેઓ હૈદરાબાદના જૂના શહેરમાં, ગોશામહલ વિધાનસભા મતવિસ્તારની કચેરીમાં સફાઈ કામદાર તરીકે કામ કરીને મહિને 13,000 રૂપિયાની કમાણી કરે છે.

17 વર્ષીય વંશી અને 16 વર્ષીય અખિલા નજીકની કોલેજોમાં અભ્યાસ કરે છે. તેમના શિક્ષણ માટેની કુલ ફી પ્રતિ વર્ષ 60,000 રૂપિયા છે. વંશી પાર્ટ-ટાઇમ અકાઉન્ટન્ટ તરીકે કામ કરીને અભ્યાસ કરી રહી છે. તે અઠવાડિયામાં છ દિવસ, બપોરે 3 થી 9 વાગ્યા સુધી, દિવસના 150 રૂપિયા કમાણી કરીને તેની ફી ભરવામાં મદદ કરે છે.

અખિલા તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરવાનું સપનું જુએ છે, પરંતુ તેમની માતાને ખાતરી નથી કે તે કરી શકશે કે કેમ. મંગમ્મા ઉદાસ સ્વરે કહે છે, “મારી પાસે તેનો અભ્યાસ ચાલું રાખવા માટે સંસાધનો નથી. હું તેના માટે નવાં કપડાં પણ ખરીદી શકતી નથી.”

ભાગ્યલક્ષ્મીના બાળકો નાના છે. તેઓ જે ખાનગી શાળામાં જાય છે તેની વાર્ષીક ફી 25,000 રૂપિયા છે. તેમની માતા કહે છે, “તેઓ સારા વિદ્યાર્થીઓ છે. મને તેમના પર ખૂબ ગર્વ છે.”

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ડાબે: વીરા સ્વામીનો પરિવાર (ડાબેથી): ભાગ્યલક્ષ્મી , જગદીશ , માધવ અને રાજેશ્વરી. જમણે: હૈદરાબાદમાં એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આવેલું તેમનું ઘર

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ડાબે: ભાગ્યલક્ષ્મીના પરિવારનો કેટલોક સામાન બહાર પાર્કિંગ વિસ્તારમાં પડેલો છે. જમણે: પ્લાસ્ટિકના પડદા દ્વારા ચિહ્નિત થયેલું રસોડું

ભાગ્યલક્ષ્મી સફાઈ કામદાર તરીકે પણ કામ કરે છે. વીરા સ્વામીના અવસાન પછી તેમણે તે કામ હાથ ધર્યું હતું. તેઓ કોટીના અન્ય એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં એક ઓરડામાં તેમના પુત્રો અને સાસુ સાથે રહે છે. વીરા સ્વામીની છબી તેમના સામાનથી ભરેલા ઓરડામાં એક નાનકડા ટેબલ પર મૂકેલી છે, જેમાંથી ઘણી વસ્તુઓ બીજા લોકો દ્વારા દાન કરવામાં આવી છે અથવા ફેંકી દેવામાં આવી છે.

અંદર જગ્યાનો અભાવ હોવાથી, પરિવારનો કેટલોક સામાન તેમના રૂમની બહાર પાર્કિંગના એક ખૂણામાં પડેલો છે. બહાર મૂકવામાં આવેલ એક સિલાઈ મશીન ધાબળા અને કપડાંથી ઢંકાઇ ગયું છે. તે કેમ ત્યાં પડ્યું છે તે સમજાવતાં ભાગ્યલક્ષ્મી કહે છે: “મેં 2014માં સિવણના કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો, અને થોડા સમય માટે થોડાં બ્લાઉઝ અને અન્ય વસ્તુઓની સિલાઈ કરી હતી.” અંદર દરેકને સૂવા માટે પૂરતી જગ્યા ન હોવાથી, છોકરાઓ – માધવ અને જગદીશ – રૂમમાં સૂવે છે. ભાગ્યલક્ષ્મી અને રાજેશ્વરી બહાર પ્લાસ્ટિકની ચાદર અને સાદડીઓ પર સૂઈ રહે છે. રસોડું ઈમારતના બીજા ભાગમાં છે. તે એક નાની અને ઓછી પ્રકાશિત જગ્યા છે, જે પ્લાસ્ટિકની ચાદરો દ્વારા ચિહ્નિત થયેલ છે.

ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સની સફાઈ કરીને 5,000 રૂપિયાની કમાણી કરે છે. તેઓ કહે છે કે તેમણે વરસો વરસ સુધી જે લોન લીધી છે તેના લીધે, શાહુકારો પાસે તેમનું 4 લાખ રૂપિયા દેવું છે. તેઓ કહે છે, “હું એપાર્ટમેન્ટમાં [પણ] કામ કરું છું જેથી હું મારા દીકરાઓને તેમની શાળાના કામમાં મદદ કરી શકું. હું મારી લોન પેટે દર મહિને 8,000 રૂપિયા ચૂકવું છું.”

આ પરિવારનું શૌચાલય ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર કોમર્શિયલ વિભાગના કામદારો માટેના શૌચાલય સાથે સહિયારું છે. તેઓ કહે છે, “અમે દિવસ દરમિયાન તેનો ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ. પુરુષો સતત આવતા-જતા રહે છે.” જે દિવસોમાં તેઓ શૌચાલય સાફ કરવા જાય છે, તે દિવસે “મને એવા જ વિચારો આવે છે કે ગટરની દુર્ગંધથી મારા પતિનું મૃત્યુ થયું હતું. કાશ તેમણે મને કહ્યું હોત, તો મેં તેમને તે કામ કરવા ન દીધું હોત. તેઓ અત્યારે જીવતા હોત, અને હું આ ભોંયરામાં અટવાઈ ન હોત.”

આ વાર્તાને રંગ દે ના અનુદાનનું સમર્થન મળેલ છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Amrutha Kosuru

অমৃতা কোসুরু বিশাখাপত্তনম ভিত্তিক স্বতন্ত্র সাংবাদিক। তিনি চেন্নাইয়ের এশিয়ান কলেজ অফ্‌ জার্নালিজ্‌ম থেকে পড়াশোনা করেছেন।

Other stories by Amrutha Kosuru
Editor : Priti David

প্রীতি ডেভিড পারি-র কার্যনির্বাহী সম্পাদক। তিনি জঙ্গল, আদিবাসী জীবন, এবং জীবিকাসন্ধান বিষয়ে লেখেন। প্রীতি পারি-র শিক্ষা বিভাগের পুরোভাগে আছেন, এবং নানা স্কুল-কলেজের সঙ্গে যৌথ উদ্যোগে শ্রেণিকক্ষ ও পাঠক্রমে গ্রামীণ জীবন ও সমস্যা তুলে আনার কাজ করেন।

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad