“તે બપોરે મને ખાતરી નહોતી કે હું અને મારું બાળક બચી શકીશું. મારી ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી. આજુબાજુમાં કોઈ હૉસ્પિટલ ન હતી, કોઈ સ્વાસ્થ્ય કાર્યકર હાજર ન હતો. મને શિમલાની એક હૉસ્પિટલમાં જઈ રહેલી જીપમાં રસ્તામાં પ્રસૂતિ થઇ હતી. મારા માટે રાહ જોવી શક્ય ન હતી. મેં ત્યાં જ બાળકને જન્મ આપ્યો - બોલેરોની અંદર.” આ ઘટના ઘટ્યાના છ મહિના પછી, જ્યારે આ રિપોર્ટર એપ્રિલ ૨૦૨૨માં તેમને મળ્યાં, ત્યારે અનુરાધા મહતો (નામ બદલેલ છે) તેમના નાના બાળકને ખોળામાં લઈને બેઠાં હતાં, અને તેમને તે દિવસ હજુ પણ પૂરેપૂરી વિગતો સહીત યાદ છે.
જ્યારે વરસાદ પડે ત્યારે રસ્તાઓ કેવા જોખમી હોય છે તે સમજાવતા 25-30 વર્ષના અનુરાધા કહે છે, “બપોરના લગભગ ત્રણ વાગ્યા હતા. મારી ગર્ભાશયની કોથળીમાંથી પાણી પડતાં જ મારા પતિએ આશા દીદીને જાણ કરી. તેઓ ૧૫ થી ૨૦ મિનીટની અંદર ત્યાં આવી પહોંચ્યાં. મને યાદ છે કે તેમણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી દીધી હતી. તે દિવસે વરસાદ પડી રહ્યો હતો. એમ્બ્યુલન્સ વાળા લોકોએ કહ્યું કે તેઓ ૧૦ મિનિટમાં નીકળી જશે, પરંતુ અમે જે જગ્યાએ હતાં ત્યાં પહોંચવામાં તેમને સામાન્ય કરતાં ઓછામાં ઓછો એક કલાક વધુ લાગે એમ હતું.”
તેઓ તેમના ત્રણ બાળકો અને સ્થળાંતર કામદાર તરીકે મજૂરી કરતા પતિ સાથે હિમાચલ પ્રદેશના કોટી ગામના પહાડી વિસ્તારમાં એક કામચલાઉ ટીનની ઝૂંપડીમાં રહે છે. આ પરિવાર મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના ગોપાલપુર ગામનો છે.
અનુરાધા, જેઓ ૨૦૨૦માં શિમલા જિલ્લાના મશોબ્રા બ્લોકમાં, કોટી ખાતે તેમના પતિ સાથે રહેવા ગયાં હતાં, કહે છે, “આર્થિક સમસ્યાઓના કારણે અમારે [બિહારમાં] અમારા ગામથી અહીં આવવું પડ્યું. બે જગ્યાએ ભાડું ચૂકવવું કઠીન હતું.” તેમના ૩૮ વર્ષીય પતિ, રામ મહતો (નામ બદલેલ છે), બાંધકામ સાઇટ પર કડિયા તરીકે કામ કરે છે. તેમને કામ અર્થે અલગ અલગ જગ્યાઓએ જવું પડે છે. હાલમાં, તેઓ તેમની ટીનની ઝુંપડીની બરાબર આગળ એક સાઇટ પર કામ કરી રહ્યા છે.
સામાન્ય દિવસોમાં પણ તેમના ઘેર સરળતાથી એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. અને જો તેમને લગભગ ૩૦ કિલોમીટર દૂર જિલ્લા મુખ્યાલય, શિમલામાં આવેલી કમલા નેહરુ હૉસ્પિટલથી આવવાનું હોય, તો કોટી પહોંચવામાં ૧.૫ થી ૨ કલાક લાગે. પરંતુ વરસાદ અને હિમવર્ષા દરમિયાન તે બમણો સમય લે છે.










