તેઓ ખેડૂતો પણ છે. જો તેમની છાતી ચંદ્રકોની હરોળથી ગર્વપૂર્વક સજ્જ ન હોત તો અહીં દિલ્હીના દરવાજે ખેડૂતોની ભીડમાં તેઓ ક્યાંય ખોવાઈ ગયા હોત. તેઓ પીઢ યોદ્ધાઓ છે, તેમને પાકિસ્તાન સાથેના 1965 અને 1971 ના યુદ્ધમાં તેમની બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમાંથી કેટલાક 1980 ના દાયકામાં શ્રીલંકામાં પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ ગુસ્સામાં છે અને દેખીતી વાત છે કે તેમને સૌથી વધારે ગુસ્સો ત્યારે આવે છે જ્યારે સરકાર અને પ્રસાર માધ્યમોના વગદાર વર્ગ દ્વારા આંદોલનકારીઓને ‘રાષ્ટ્રવિરોધી’, ‘આતંકવાદીઓ’ અને ‘ખાલિસ્તાનીઓ’ તરીકે ચીતરીને બદનામ કરવામાં આવે છે.
પંજાબના લુધિયાણા જિલ્લાના ગિલ ગામના (નિવૃત્ત) બ્રિગેડિયર એસ. એસ. ગિલ મને કહે છે, “દુ:ખની વાત છે કે સરકારે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે બળનો ઉપયોગ કર્યો. તેઓ દિલ્હી પહોંચવા માગતા હતા, પરંતુ સરકારે તેમને અટકાવ્યા, જે અનૈતિક અને ખોટું હતું. તેઓએ (સરકારે) અવરોધો ઊભા કર્યા, રસ્તા ખોદી નાખ્યા, તેમના પર લાઠીચાર્જ કર્યો અને આ ખેડૂતો પર પાણીની તોપોનો ઉપયોગ કર્યો. શા માટે? કેમ? આમ કરવાનું કારણ શું હતું? ખેડૂતોએ તેમના સંકલ્પના બળે આ તમામ અવરોધોને પાર કરી દીધા છે."
સક્રિય સેવામાં 13 ચંદ્રક જીતનારા 72 વર્ષના પીઢ યોદ્ધા ગિલ 16 સભ્યોના પરિવારમાંથી આવે છે. ગિલ ગામમાં તેમના પરિવારની કેટલાક એકર જમીન છે. તેમણે 1971 ના યુદ્ધમાં અને ત્યારબાદ 1990 ના દાયકામાં પંજાબમાં આતંકવાદ વિરોધી અભિયાન સહિતની અન્ય લશ્કરી કામગીરીમાં સેવા આપી હતી.
બ્રિગેડિયર ગિલ કહે છે કે, "આ કાયદાઓ અંગે ખેડૂતોને ન તો પૂછવામાં આવ્યું છે કે ન તો તેમની સલાહ લેવામાં આવી છે. દિલ્હીના દરવાજે અત્યારે આ વિશ્વની સૌથી મોટી ક્રાંતિ થઈ રહી છે. હું સમજી શકતો નથી કે સરકાર આ કાયદાઓ કેમ રદ નથી કરી રહી, જે તેણે ક્યારના ય રદ કરી દેવા જોઈતા હતા."
લાખો ખેડુતો ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે જે કેન્દ્ર સરકારે અગાઉ 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડ્યા, પછીથી 14 સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા અને 20 મી સેપ્ટેમ્બર સુધીમાં કાયદા તરીકે લાદી શકાય તે માટે બળપૂર્વક પસાર કરાવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે: કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020.











