રુખસાના ખાતૂનને લાગ્યું કે તેઓને હવે તેમના પરિવારને ખવડાવવાની ચિંતા નહીં કરવી પડે.આ ૨૦૨૦નો નવેમ્બર મહિનો હતો,અને ત્રીજા પ્રયાસ પછી, જે બે વર્ષથી પણ વધારે સમય સુધી ખેંચાતો રહ્યો હતો, તેઓને અંતે રેશન કાર્ડ મળ્યું. એકાએક,મહામારીના વર્ષના સૌથી ખરાબ મહિનાઓ હવે જતા રહ્યા હોય એવું લાગવા લાગ્યું.
તે એક ‘પ્રાયોરિટી હાઉસહૉલ્ડ’ કાર્ડ હતું, જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ), ૨૦૧૩ હેઠળની એક શ્રેણી છે. તેમાં પાત્ર લાભાર્થીઓની ઓળખ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે.
એ કાર્ડમાં તેમના જૂના ઘરનું સરનામું હતું જ્યાં તેઓ તે સમયે રહેતા હતા - એ ગામ તાજેતરમાં બિહારના દરભંગા જિલ્લા મ્યુનિસિપલ કાઉન્સિલના ધૂળિયા વિસ્તારમાં ભળી ગયું હતું. રૂખસાના આખરે તેઓના સાત સભ્યોના પરિવાર માટે સબસિડીવાળું રેશન મેળવવામાં સફળ રહી.
પછી તેઓ બધા ઓગસ્ટ ૨૦૨૧માં દિલ્હી પાછા ફર્યા, અને તેમનો પરિવાર કાયદેસર રીતે જે અનાજ મેળવવાનો હકદાર હતો તે મેળવવામાં તેમને ફરીથી મુશ્કેલી પડવા લાગી.
કેન્દ્ર સરકારની વન નેશન, વન રેશન કાર્ડ (ઓએનઓઆરસી) યોજના હેઠળ, એનએફએસએના જે લાભાર્થીઓ ‘પ્રાયોરિટી હાઉસહૉલ્ડ’ અને ‘ગરીબમાં ગરીબ’ શ્રેણી હેઠળ વર્ગીકૃત હોય તેઓ કોઈપણ વાજબી ભાવની દુકાનમાંથી તેમના અનાજનો હિસ્સો મેળવી શકે છે. દુકાનો જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીઍસ) હેઠળ આધાર-લિંક્ડ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને ચીજવસ્તુઓનું વિતરણ કરી શકે છે. પરંતુ જ્યારે પણ રૂખસાના તેમના હિસ્સાનું મહિનાનું રેશન લેવા માટે પશ્ચિમ દિલ્હીના શાદીપુર મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી વાજબી ભાવની દુકાને જતા, ત્યારે ઈલેક્ટ્રોનિક પોઈન્ટ-ઓફ-સેલ (ઇપીઓએસ) મશીનમાં બતાવતું હતું: ‘આઈએમપીડીઍસમાં રેશન કાર્ડ મળતું નથી.’
પીડીઍસ હેઠળ વિતરણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને અનાજની ફાળવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં સ્થળાંતરિત મજૂરો આખા દેશમાં ગમે તે જગ્યાએથી પોતાના હિસ્સાનું રેશન મેળવી શકે તે માટે ઓએનઓઆરસી યોજના હેઠળ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઑફ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (આઈએમપીડીઍસ) પ્રણાલીની રચના કરવામાં આવી.













