વર્ષ 2017માં, ઉદ્દંડરાયુનિપાલેમ ગામના એક ખેડૂત, ગિંજુપલ્લી શંકર રાવે, અમરાવતીના નવા શહેરમાં તેમને ફાળવવામાં આવેલો 1,000 ચોરસ વારનો એક રહેણાંક પ્લોટ વિજયવાડાના ખરીદદારોને વેચી દીધો. તેના તેમને પૂરા 2 કરોડ રૂપિયા મળ્યા. તેમાંથી 80 લાખ રૂપિયા વાપરીને તેઓએ પોતાના 90 વર્ષ જૂના સાદા ઘરને બે માળના આલીશાન મકાનમાં ફેરવી નાખ્યું. તેઓ ખુશ થતાં કહે છે, “એ પૈસાથી મેં આ ઘર ફરીથી બનાવડાવ્યું, એક શેવરોલે ગાડી અને એક મોટરબાઈક ખરીદી, મારી દીકરીને આગળ ભણવા માટે ઑસ્ટ્રેલિયા મોકલી, અને તેના લગ્ન માટે પણ થોડા બચાવી રાખ્યા છે.”
ગુંટૂર જિલ્લાનું ઉદ્દંડરાયુનિપાલેમ ગામ કૃષ્ણા નદીના ઉત્તર કિનારે આવેલા એ 29 ગામોમાંનું એક છે જ્યાં આંધ્ર પ્રદેશની નવી ‘ગ્રીનફિલ્ડ’ રાજધાની અમરાવતીનું નિર્માણ થઈ રહ્યું છે. અમરાવતી સસ્ટેનેબલ કેપિટલ સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર ‘લેન્ડ પૂલિંગ સ્કીમ’ (એલપીએસ) હેઠળ માત્ર પહેલા તબક્કામાં જ 33,000 એકરથી વધુ જમીન મેળવી રહી છે.
આ 29 ગામોમાં હવે જ્યાં જુઓ ત્યાં નવીનક્કોર ઇમારતો દેખાય છે, કેટલીક બની ગઈ છે, તો કેટલીકનું બાંધકામ ચાલી રહ્યું છે. 2014માં નવી રાજધાનીની જાહેરાત થઈ ત્યારથી ગામડાઓમાં રિયલ એસ્ટેટ એજન્સીઓનો રાફડો ફાટ્યો છે. આનો સૌથી મોટો ફાયદો ઉચ્ચ જાતિના જમીનદારોને, ખાસ કરીને કમ્મા સમુદાયના લોકોને મળ્યો છે. શંકર રાવ (ઉપરના કવર ફોટોમાં જમણી બાજુ, તેમના પાડોશી નરીના સુબ્બા રાવ સાથે) કહે છે, “લગભગ 90 ટકા જમીનમાલિકોએ મારી જેમ જ, તેમને ફાળવાયેલી જમીનનો અમુક હિસ્સો વેચીને નવાં મકાનો બનાવડાવ્યાં છે.”









