ભાતને જરા વધુ ખાવાલાયક બનાવવા માટે લાલ મરચાં અને મીઠું વાટતાં બાતો મલ્લિક કહે છે, “રોજિંદા ખાવા માટે પાંતો ભાત [આથવેલું ચોખાનું પાણી] સિવાય અમારી પાસે બીજું છે પણ શું?”
સાંજનો સમય છે, અને બતો અને તેમના પતિ, યોગેન મલ્લિક હમણાં જ નજીકના જંગલમાંથી પરત ફર્યાં છે. આદિવાસી ફળિયાના અન્ય તમામ પરિવારોની જેમ જ આ દંપતી પણ સાપ્તાહિક બજારમાં વેચવા માટે સાલ (શોરિયા રોબસ્ટા)નાં પાન વીણવા માટે આખો દિવસ જંગલમાં વિતાવે છે.
તેમનું ઘર પશ્ચિમ બંગાળના ઝારગ્રામ જિલ્લાના બેનાશુલી ગામમાં આવેલું છે. આ એક એવો સમુદાય છે જેમાં મોટે ભાગે સાબર આદિવાસીઓ (પશ્ચિમ બંગાળમાં સાવર તરીકે નોંધાયેલા) છે. આ આદિવાસી સમુદાય દેશના સૌથી ગરીબ અને વંચિત નાગરિકોમાંનો એક છે, જેઓ ભૂખમરા અને કુપોષણની ખાઈ પર પોતાનું જીવન ગુજારી રહ્યા છે.
સાબર લોકોના જીવનની કથાઓ નોંધવા માટે હું ઘણાં વર્ષોથી આ પ્રદેશની મુલાકાત લઈ રહ્યો છું. અંગ્રેજો દ્વારા ‘ગુનાહિત આદિજાતિ’ તરીકે લેબલ કરાયેલા આ લોકોને 1952માં ગુનાહિત આદિજાતિની યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બહુ ઓછા લોકો પાસે પોતાની જમીન છે અને તેઓ જીવતા રહેવા માટે જંગલ પર આધાર રાખે છે. વાંચો: ભૂખે મરતા સાબર લોકો
જ્યારે પણ હું પાછો આવું છું, ત્યારે હું જોઉં છું કે તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી, ન તો વર્ષોમાં, ન તો દાયકાઓમાં. તેમની ભૂખ સંતોષવા માટે, મહુડા (મધુકા લોંગિફોલિયા)માંથી બનાવેલો દેશી દારૂ ખોરાકનો વિકલ્પ બની ગયો છે, કારણ કે તેને પીવાથી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. ખરેખર, લગભગ દરેક ઘરમાં દારૂના બેફામ અને વધતા જતા દુષણને કારણે (લગભગ બધે જ દેશી દારૂ ગાળવામાં આવે છે), કુપોષણ અને એનિમિયા (લોહીની ઉણપ) એ અહીં કાયમી ધામા નાખ્યા છે.























