સિંગધુઈ ગામના રહેવાસી રવીન્દ્ર ભુઇયા કહે છે, “દારૂ પીને ભૂખ જેવા ઘણા દુ:ખોને સરળતાથી ભૂલી શકાય છે.”
પચાસ વર્ષીય ભુઈયા એક સાબર આદિવાસી (પશ્ચિમ બંગાળમાં સાવર તરીકે સૂચિબદ્ધ) છે. મુંડા આદિવાસી સમુદાય સાથે સંબંધિત સાબર લોકો ભારતના પૂર્વીય ભાગોમાં રહે છે અને સાઉડા, શોરા, શબોર અને શુરી તરીકે પણ ઓળખાય છે. લોધા શબોર પશ્ચિમ મેદિનીપુર (અવિભાજિત)માં મોટી સંખ્યામાં છે, અને ખાડિયા શબોર મોટાભાગે પુરુલિયા, વા કુડા અને પશ્ચિમ મેદિનીપુર (અવિભાજિત)માં વસે છે.
મહાશ્વેતા દેવીનું ‘ધ બુક ઓફ ધ હન્ટર’ (પ્રથમ વખત 1994માં બંગાળીમાં ‘બૈધખંડો’ તરીકે પ્રકાશિત થયેલ) પુસ્તક આ સમુદાયની અતિશય ગરીબી અને હાંસિયામાં ધકેલાઈ જવાની પરિસ્થિતિનું વર્ણન કરે છે. દાયકાઓ પછી, પરિસ્થિતિમાં કંઈ મોટો ફેર નથી આવ્યો અને 2020નો અહેવાલ લિવિંગ વર્લ્ડ ઓફ ધ આદિવાસીઝ ઓફ વેસ્ટ બેંગાલ દર્શાવે છે કે, “સર્વેક્ષણ કરાયેલા 67 ટકા ગામડાઓમાં લોકો ભૂખમરાથી પીડાતા હોવાનું નોંધાયું હતું.”
આ સમુદાયને અંગ્રેજો દ્વારા 18મી સદીના ઉત્તરાર્ધથી 1952 સુધી, જ્યારે તેમને બિન-સૂચિત કરવામાં આવ્યા હતા, ત્યાં સુધી ‘ગુનાહિત જનજાતિઓ’ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંપરાગત રીતે શિકારીઓ તરીકે રહેતા આ લોકો ફળો, પાંદડાં અને મૂળ એકઠા કરવામાં અને જંગલમાં પ્રાણીઓનો શિકાર કરવામાં પણ પારંગત છે. આઝાદી પછી, કેટલાકને ખેતી કરવા માટે જમીન આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી મોટાભાગની જમીન પથરાળ અને ઉજ્જડ હતી, તેથી તેઓ સ્થળાંતરિત મજૂરો તરીકે કામ કરવા લાગ્યા છે. બિન-સૂચિત કરાયા હોવા છતાં તેઓ હજુ પણ કલંકિત ગણાય છે, અને તેથી તેઓ સ્થાનિક પોલીસ અને વન સેવા અધિકારીઓની દયા પર જીવી રહ્યા છે, જેમણે તેમની અવરજવર પર અંકુશ મૂક્યો છે.
કમાણીની તકો ઓછી હોવાથી પશ્ચિમ મેદિનીપુર અને જાડગ્રામ જિલ્લાના સાબર સમુદાયમાં ભૂખમરો સ્પષ્ટપણે દેખાય છે. ભુઇયા જેવા ઘણા લોકો તેમની ભૂખને વેઠવા માટે દારૂનો સહારો લે છે, અથવા બોંકિમ મોલ્લિક કહે છે તેમ, “અમે દિવસમાં ત્રણ વાર પાંતાભાત [આથવેલા ચોખા] ખાઈએ છીએ. અમે તેના આધારે જીવીએ છીએ.” તોપોબોન ગામના 55 વર્ષીય રહેવાસી મોલ્લિક જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ)નો ઉલ્લેખ કરી રહ્યા છે, જે અંતર્ગત ઘરના દરેક સભ્યને દર મહિને પાંચ કિલોગ્રામ ચોખા આપવામાં આવે છે. તેઓ તેમના જર્જરિત ઘરની બહાર પાંતાભાત ખાતાં ખાતાં કહે છે, “મીઠું કે તેલ એક વૈભવી વસ્તુ છે.”























