પોતાને ભજવવાના પાઠનું પુનરાવર્તન કરતા કલાકારોના અવાજો પુરિસઈની ગલીઓમાં ગુંજી રહે છે, આ ગામ ઓક્ટોબર મહિનામાં ઊંઘતું નથી. આતુર પ્રેક્ષકો ગામડાના ચોકમાં ઉમટી પડે છે, હવામાં સંગીત વહી રહે છે, અને શેરીઓના હરોળબદ્ધ સાધારણ ઘરો ગ્રીન રૂમમાં ફેરવાઈ જાય છે. કુપુસામી અને ચંદ્રાની ચાની નાનકડી દુકાનો જેવા નાના સ્થાનિક વ્યવસાયો ગ્રાહકોને રાતભર સેવા આપે છે. દેશભરમાંથી કલાકારો અહીં આવે છે -- ઝારખંડના લોક નાટ્ય કલાકારો, સ્થાનિક તેરુક્કૂત કલાકારો, તમિળનાડુના બીજા ભાગોમાંથી પરઈ મંડળીઓ, કેરળ, પુડુચેરીના કલાકારો અને ચેન્નાઈના અને તેથીય આગળના આધુનિક નાટ્ય કલાકારો. 6 ઠ્ઠી ઓક્ટોબર, 2024 નો દિવસ છે, અને પુરિસઈ ઉત્સવ તરીકે વધુ જાણીતો પ્રખ્યાત કલઈમામનિ કન્નપ્પ તમ્બીરાન મેમોરિયલ થિયેટર ફેસ્ટિવલ એક વર્ષ પછી ફરીથી ઉજવાઈ રહ્યો છે.
અગાઉ તે ત્રણ દિવસનો કાર્યક્રમ થતો. કોવિડ-19 મહામારીએ આવી ઘણી પરંપરાઓને વિક્ષેપિત કર્યા પછી હવે તે એકાંતરે વર્ષે વધુમાં વધુ દોઢ દિવસ માટે યોજવામાં આવે છે. આ ઉત્સવના મૂળ 1989 માં જાય છે, જ્યારે તેને કોડઈ વિળા (ઉનાળાના ઉત્સવ) તરીકે ઓળખવામાં આવતો હતો, તેની શરૂઆત આધુનિક નાટ્યકાર એન. મુતુસામી દ્વારા પુરિસઈના કન્નપ્પ તમ્બીરાન અને તેમના મોટા દીકરા કાસી સાથે મળીને કરવામાં આવી હતી. મુતુસામી આ લોક સ્વરૂપની સ્વાભાવિક ઉર્જાથી પ્રેરિત થયા હતા અને વાર્તા કહેવાની આધુનિક તકનીકો સાથે તેરુક્કૂતને મિશ્રિત કરવા માટે તેમણે તમ્બીરાન સાથે મળીને કામ કર્યું હતું.
આ ગામ તેરુક્કૂત કલાકારોના કેદ્ર તરીકે જાણીતું છે. આ ગામના રહેવાસી, તેરુક્કૂત કલાકાર અને ઉત્સવના આયોજકોમાંના એક, 49 વર્ષના પલની મુરુગન કહે છે, "અહીં દરેક વ્યક્તિ કલાકાર છે, પછી તે ખેડૂત હોય કે દાડિયા મજૂર." શહેરમાં કાર્યરત આધુનિક રંગભૂમિ અને સમકાલીન નૃત્યમાં દાયકાઓ ગાળ્યા પછી મુરુગન તેરુક્કૂતમાં પાછા ફર્યા છે. તેઓ સ્વીકારે છે, "વર્ષોથી રિહર્સલ કર્યા બાદ કરેલી રજૂઆતો પછી તેરુક્કૂતની સહજતા સાથે અનુકૂલન સાધવું પડકારજનક હતું. પરંતુ તે ઘરવાપસી જેવું છે."
































