તેઓ આખી રાત જાગતા રહ્યા. માંડ 15 વર્ષના એ કિશોર, તમિળનાડુના અનુમંદાઈ ગામની મારિયમ્મન કોઈલ સ્ટ્રીટ પર જે જોઈ રહ્યા હતા તેનાથી તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. 70 વર્ષીય વીરરાઘવન પોતાના યુવાનીના દિવસો યાદ કરતાં કહે છે, “તે બધાં ભારે સુશોભિત પોશાકો, ચમકતા મુગટ, સોનેરી ઘરેણાં, સુંદર રંગો અને ચળકાટ મારતા મેકઅપમાં સજ્જ હતાં. તેઓ ગાતાં હતાં, નાચતાં હતાં અને અભિનય કરતાં હતાં, અને સૌ કોઈ તેમને અહોભાવથી જોઈ રહ્યું હતું. પ્રેક્ષકોમાં બેઠેલા ‘તાતા’ અને ‘પાતી’ (દાદા અને દાદી) જાણે કોઈ દેવતા સામે ઊભા હોય તેમ પ્રાર્થનાની મુદ્રામાં હાથ જોડી રહ્યાં હતાં. એ રમૂજી લાગતું હતું.”
જે રાત્રે તેમણે પહેલી વાર તેરુક્કૂત નિહાળ્યું ત્યારે આ અનુભવી કલાકારના મનમાં ઊંડે સુધી તેની છાપ કોતરાઈ ગઈ હતી. તેરુક્કૂત શેરી નાટકનો એક પ્રકાર છે જેનો શાબ્દિક અર્થ પણ એ જ થાય છે. તેઓ કહે છે, “હું ખાઈ કે સૂઈ શકતો ન હતો. મારા અંતરનો અવાજ સતત કહેતો હતો, ‘મારે તેમની સાથે રહેવું છે. તેઓ જે કરી રહ્યા છે તે જ મારે કરવું છે’.” ત્યારે તેઓ છઠ્ઠા ધોરણમાં ભણતા હતા, પણ તેમનું ભાવિ નક્કી થઈ ગયું હતું. સંગીત, નૃત્ય કે કથાકથન (સ્ટોરીટેલીંગ)ની કોઈ ઔપચારિક તાલીમ વિના, તેમણે શાળા છોડી દીધી અને એક તેરુક્કૂત મંડળીમાં જોડાઈ ગયા.
તેમનાં માતાપિતા, જેઓ રાજ્યમાં ઓ.બી.સી. (અન્ય પછાત વર્ગ) તરીકે સૂચિબદ્ધ વન્નિયર સમુદાયના ખેતમજૂર હતા, તેમણે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. તેઓ યાદ કરે છે, “અમારી કમાણી બહુ ન હતી, પણ હું શીખવા માટે ઉત્સાહિત હતો. શરૂઆતમાં તેઓ મને નાનાં કામ સોંપતા.” આખરે, વીરરાઘવનને મહાભારત-આધારિત પ્રદર્શનમાં દુર્યોધનની પ્રથમ ભૂમિકા મળી, જેના સંવાદોનો તેમણે દિવસ-રાત અભ્યાસ કર્યો. તેઓ કહે છે, “હું જરાય ગભરાયો નહોતો, ઊલટાનો હું ખૂબ જ ઉત્સાહિત હતો.” આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં હોવા છતાં તેમના ચહેરા પરનું સ્મિત અને ગર્વ ઝાંખાં પડ્યાં નથી.
વીરરાઘવન ફક્ત કળા શીખવા માટે જ નહીં, પરંતુ જે મહાકાવ્યો પર પ્રદર્શનો આધારિત હતા તેને સમજવા માટે સમર્પિત થઈ ગયા. તેમણે પોતાનું જ્ઞાન વધારવા માટે નૂલ અગરાતી, પેરિયા પુરાણમ અને ભારતમ જેવા પૌરાણિક તમિળ ગ્રંથોમાં ઊંડા ઉતરીને વિસ્તૃત વાંચન કર્યું.
90ના દાયકાના અંત સુધી તેઓ એક શોના ભાગ્યે જ 5 થી 10 રૂપિયા કમાતા હતા. તેઓ સ્મિત સાથે કહે છે, “અમારા શો લગભગ આખું વર્ષ ચાલતા, વર્ષના 250 દિવસ અમે ફક્ત આ જ કરતા હતા.” પ્રદર્શનનો ખર્ચ ગામ પંચાયત અને ગ્રામજનોના દાન દ્વારા ઉઠાવવામાં આવતો. તેઓ ઉમેરે છે, “પ્રેક્ષકો પણ કળા પ્રત્યેના પ્રેમ અને તે દેવતાઓ માટે છે એમ માનીને પૈસા આપતા.” તેઓ કહે છે કે લોકો બહુ કમાતા ન હતા, બધું તેમના કળાપ્રેમના લીધે હતું.




























