સૂરજ કાટ્ટુપલ્લીના દરિયાકિનારેથી ઉપર ઊગે એ પહેલાં જ કિનારે ચહલપહલ શરુ થઈ જાય છે. ઇરુલર સમુદાયના સભ્યો ઘૂંટણ ડૂબે ત્યાં સુધીના મોજામાં ઊભા રહીને બંગાળની ખાડીમાં ભરતી ઓસરી જાય તેની રાહ જોઈ રહ્યા છે. ખાસ બનાવેલી જાળીનો ઉપયોગ કરીને તેઓ ભરતી દરમિયાન દરિયાકાંઠે ઢસડાઈ આવેલા કિલિંજલ (શંખ-છીપલાં) ઝડપથી એકઠા કરે છે.
રમેશ (તેઓ ફક્ત આ જ નામનો ઉપયોગ કરે છે) કહે છે, "ભરતી દરમિયાન અમે શંખ-છીપલાં એકઠા કરી શકતા નથી, તેથી અમે ઓટ શરૂ થાય ત્યાં સુધી રાહ જોઈએ છીએ. દરમિયાન કાં તો અમે ખાવા માટે ઘેર જઈએ છીએ અથવા અહીં દરિયા કિનારે જ રહીએ છીએ." ઇરુલર સમુદાયના તેમના જેવા સભ્યો માટે શંખ-છીપલાં એકઠા કરવા એ માત્ર એક ધંધો નથી, પરંતુ તમિળનાડુના તિરુવલ્લુર જિલ્લામાં સમુદ્રના લય સાથે નજીકથી સંકળાયેલી પરંપરાગત આજીવિકા છે.
એકઠા કરેલા શંખ-છીપલાં સૂકવીને બળદગાડા પર લાદીને લઈ જવામાં આવે છે જ્યાં તેને કચડીને ચૂનાના પથ્થરમાં ફેરવવામાં આવે છે. શ્રમિકોને એક ગાડાના ભાર માટે લગભગ 500 રુપિયા ચૂકવવામાં આવે છે, અને સરેરાશ એક વ્યક્તિ અઠવાડિયાના સાત ફેરા કરી શકે છે. શંખ-છીપલાં પર પ્રક્રિયા કરીને તેને ચૂનાના પથ્થર અને સુન્નામ્બ - બાંધકામમાં વપરાતા કચડાયેલા શંખ-છીપલાં - માં ફેરવવામાં આવે છે.
























