પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ અને ખનૌરી સરહદ પર ફેબ્રુઆરી 2024માં વિરોધ કરી રહેલા ખેડૂતો પર સરકારની દમનકારી કાર્યવાહી, આંસુ ગેસના ગોળાનો ઉપયોગ અને લાઠીચાર્જ સામે ખેડૂતો ઉગ્ર બન્યા છે. આ પણ વાંચોઃ ‘શંભુ સરહદ પર મારો જીવ ઘૂંટાય છે’
ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે સરકાર દ્વારા મૂકવામાં આવેલા ભૌતિક અવરોધો અને પ્રતિબંધોના જવાબમાં, એક વક્તાએ ઉગ્ર અવાજ ઉઠાવ્યોઃ “દિલ્હી હમારી હૈ. દેશ પર વોહી રાજ કરેગા, જો કિસાન મજૂર કી બાત કરેગા! [દિલ્હી આપણી છે! દેશ પર તેનું જ શાસન ચાલશે, જે કિસાનો અને મજૂરોની વાત કરશે!]”
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂત અને મજૂર સંગઠનોના નેતાઓએ ‘કોર્પોરેટ, સાંપ્રદાયિક, સરમુખત્યારશાહી શાસન’ ના વિરોધમાં વર્તમાન સરકારને સજા કરવાની હાકલ કરી હતી.
રાકેશ ટિકૈતે તેમના ભાષણમાં કહ્યું હતું, “22 જાન્યુઆરી, 2021 પછી સરકારે ખેડૂત સંગઠનો સાથે વાત જ નથી કરી. જ્યારે કોઈ વાતચીત જ નથી થઈ, ત્યારે મુદ્દાઓનું સમાધાન કેવી રીતે થશે?” ટિકૈત ભારતીય કિસાન યુનિયન (બી.કે.યુ.) ના રાષ્ટ્રીય પ્રવક્તા અને એસ.કે.એમ.ના નેતા છે.
અખિલ ભારતીય કિસાન સભા (એ.આઇ.કે.એસ.) ના મહાસચિવ ડૉ. વિજૂ કૃષ્ણને જણાવ્યું હતું કે, “2020-21માં ખેડૂતોના સંઘર્ષના અંતે, નરેન્દ્ર મોદી સરકારે વચન આપ્યું હતું કે C2 + 50 ટકા પર એમ.એસ.પી. (લઘુતમ ટેકાના ભાવ) ની કાનૂની બાંયધરી આપવામાં આવશે. જો કે, હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. તેમણે ખાતરી આપી હતી કે લોન માફી આપવામાં આવશે, જેના પર હજુ સુધીય અમલ કરવામાં નથી આવ્યો.” ખેડૂત આંદોલન વિષે પારીનું સંપૂર્ણ કવરેજ વાંચો.
કૃષ્ણને મંચ પરથી બોલતી વખતે આખા વર્ષ દરમિયાન ખેડૂતોના વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા 736 થી વધુ ખેડૂતો અને પરિવારોને વળતર આપવાના સરકારના હજુ સુધી પૂરા ન થયેલા વચનો અને તેમની સામેના તમામ કેસ પાછા ખેંચવાનો ઉલ્લેખ કર્યો હતો. મહાપંચાયતમાં પારી સાથે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, “વીજ કાયદામાં સુધારા પાછા ખેંચવાના હતા, જેના પર હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી.”