5 ઓગસ્ટના રોજ જ્યારે કુસ્તીબાજ રવિ દહિયા જાપાનમાં ઓલિમ્પિક સિલ્વર મેડલ મેળવવા માટે પોડિયમ પર ઊભા હતા, ત્યારે ઋષિકેશ ઘાડગે ભાવુક થઈ ગયા હતા. આવી ખુશી તેમણે ઘણા લાંબા સમય પછી અનુભવી હતી.
મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના 20 વર્ષીય ઉભરતા કુસ્તીબાજ ઋષિકેશ માટે, માર્ચ 2020માં કોવિડ-19 ફાટી નીકળ્યા પછીના 18 મહિના નિરાશાજનક રહ્યા છે. અને નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાય તેવી શક્યતા ઘણી ઓછી છે. તેઓ કહે છે, “તે નિરાશાજનક બાબત છે. મને લાગે છે કે મારી પાસે સમય બહુ ઓછો છે.”
એક ઉદાસ સ્મિત સાથે, તેઓ જટિલ સમસ્યા તરફ ઇશારો કરે છે: “હવે સોશ્યલ ડિસ્ટન્સિંગ કરતાં કરતાં કુસ્તી માટે તાલીમ કેવી રીતે મેળવવી?”
પોતાનો ઉત્સાહ વધારવા માટે, ઋષિકેશે ઉસ્માનાબાદ શહેરની બહાર આવેલી કુસ્તી એકેડેમી, હટલાઈ કુસ્તી સંકુલમાં તેમના મિત્રો સાથે ટોક્યો 2020 ઓલિમ્પિક્સને ઉત્સુકતાથી નિહાળ્યું. 8 ઓગસ્ટના રોજ જ્યારે આ રમતોત્સવ સમાપ્ત થયો, ત્યારે ભારતે સાત મેડલ સાથે અત્યાર સુધીનો શ્રેષ્ઠ ઓલિમ્પિક દેખાવ કર્યો – જેમાંથી બે મેડલ કુસ્તીમાં જીત્યાં હતાં.
દહિયાનું સિલ્વર મેડલ અને બજરંગ પુનિયાનું બ્રોન્ઝ મેડલ — પુરુષોની અનુક્રમે 57 kg અને 65 kg ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં — ઋષિકેશ જેવા સાધારણ પરિવારોના કુસ્તીબાજોને પ્રેરણા મળી છે. ટોક્યોમાં પોતાની જીત પછી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં, હરિયાણાના નહરી ગામના એક ગણોતિયા ખેડૂતના 23 વર્ષીય પુત્ર દહિયાએ કહ્યું કે તેમના પરિવારે તેમને સફળ થતો જોવા માટે ઘણો ભોગ આપ્યો છે. પરંતુ દેશને ત્રણ ઓલિમ્પિયન આપનારા તેમના ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ હતો. તેઓ કહે છે, “તેને દરેક વસ્તુની જરૂર છે... સારી શાળાઓ તેમજ રમતગમતની સુવિધાઓ પણ.”












