રસોડામાં ચૂલો સળગી રહ્યો છે. ટિઆમોંગલા સમય વેડફી શકે તેમ નથી. તેઓ રસોડામાં ભારે વ્યસ્ત છે, આજે સવારે જ પોતાના વાડામાંથી તોડેલા મિપાંગ (અળવી)નાં પાન, લસણિયા સ્વાદવાળી લીલી ડુંગળી, આજે જ જંગલમાંથી શોધીને લાવેલા થોટો છોડનાં પાંદડા, કરચલાની ચટણી અને બીજી ઘણી વસ્તુઓ ભેગી કરી રહ્યાં છે.
ચાંગકી ગામનાં 55 વર્ષીય ખેડૂત ટિઆમોંગલા આજે મિપાંગમિંગ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે – જે આઓ નાગા સમુદાયની એક ખાસ વાનગી છે અને તેઓ તે મહેમાનો માટે અથવા ખાસ પ્રસંગોએ બનાવે છે. ટિઆમોંગલા લોંગચારી ચાંગકી ભાષામાં વાત કરતાં સમજાવે છે, “આ રોસપ કરતાં સાવ અલગ વાનગી છે, રોસપ અમારા સમુદાયમાં બનતી મિક્સ શાકભાજીની એક વધુ પ્રચલિત વાનગી છે.” તેઓ મિપાંગમિંગને પોતાના જ ખેતરમાં ઉગેલા સ્થાનિક ચોખા અને તળેલી દેશી મરઘી સાથે પીરસશે.
મિપાંગમિંગને તેનો અનોખો સ્વાદ અને સુગંધ આપતી અન્ય સામગ્રીઓમાં મીઠું, લીલાં મરચાં, ટમેટાં, મિશિગન (સિચુઆન પેપર)નાં પાન, તેજંગ લેહસન (સ્થાનિક લીલું લસણ), આદુનાં પાન અને જાંગપાંગનાતસુ (કરચલાની આથેલી ચટણી)નો સમાવેશ થાય છે. તેઓ ઋતુ પ્રમાણે મળતાં તાજાં શાકભાજીનો પણ ઉપયોગ કરે છે
ચાંગકી ગામમાં 2,486 લોકો વસે છે (વસ્તી ગણતરી 2011 મુજબ), જેમાંના મોટા ભાગના લોકો આઓ નાગા સમુદાયના છે (જે અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે). ચાંગકી એ આઓ નાગા ભાષા સમૂહની એક લુપ્તપ્રાય બોલી છે, અને આ ભાષા સમૂહને યુનેસ્કો (UNESCO) દ્વારા લુપ્તપ્રાય તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
ચાંગકી ગામની અન્ય મહિલાઓની જેમ ટિઆમોંગલા પણ પોતે જે સ્થાનિક વાનગીઓ બનાવે છે તેના માટે મિપાંગ, થોટો અને અન્ય સામગ્રીઓ શોધીને લાવવા ડાંગરનાં ખેતરો, જંગલની કેડીઓ અને જળાશયોની આસપાસ લગભગ બે કલાક જેટલી મુસાફરી કરે છે.
તેઓ પારીને કહે છે, “જૂના જમાનામાં જંગલમાંથી વસ્તુઓ શોધીને લાવવાનું કામ બહુ મહત્ત્વનું હતું કારણ કે બહારથી કોઈ ચીજવસ્તુ સહેલાઈથી મળતી નહોતી.” તેમની પેઢીની મહિલાઓ માટે સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરવો એ એક સહજ વાત છે. “અમે અમારાં ઝૂમ ખેતરો, ડાંગરનાં ખેતરો અને વાડામાં જે ઉગાડતાં, બસ એ જ ખાતાં. જ્યારે આજના સમયમાં તો અમે નજીકનાં બજારોમાંથી પણ શાકભાજી ખરીદી લાવીએ છીએ.”
જંગલમાંથી ખાવાલાયક વસ્તુઓ શોધવાનું કામ મુખ્યત્વે મહિલાઓ જ કરે છે, જોકે પુરુષો પણ જ્યારે જંગલ કે ખેતરમાં જાય ત્યારે આવી વસ્તુઓ લેતા આવે છે. “અમે અમારાં માતાપિતા કે અનુભવી લોકોની પાછળ પાછળ ફરીને જંગલમાંથી વસ્તુઓ શોધવાની કળા અને કઈ વસ્તુ ખાવાલાયક છે અને કઈ નથી તેનું જ્ઞાન મેળવ્યું. આજની યુવા પેઢી ખેતી કે જંગલમાંથી વસ્તુઓ શોધવાને બદલે પૈસા કમાવવા માટે બીજા વ્યવસાયો તરફ વળી છે,” તેઓ આટલું કહેતાં જાય છે અને સાથે સાથે ઓઇસ્ટર મશરૂમ સાફ કરતાં જાય છે. આ મશરૂમ તેમનાં પાડોશી દીમાપુરના બજારમાંથી તેમના માટે લાવ્યાં છે. સાથે સાથે તેઓ અમૂલ્ય ગણાતાં થોટોનાં પાંદડા પણ તૈયાર કરી રહ્યા છે. “થોટો અને મિપાંગ [અળવીના પાન]ની જોડી ખૂબ જ સરસ લાગે છે.”
આ વાનગીની એક મુખ્ય સામગ્રી છે કરચલાની ચટણી – જેનો આઓ નાગા રસોઈમાં ભરપૂર ઉપયોગ થાય છે. ટિઆમોંગલા ગર્વથી કહે છે, “ચાંગકીમાં બનતી કરચલાની ચટણી શ્રેષ્ઠ ગણાય છે અને તેની માંગ પણ ખૂબ છે.”
જેવી તેઓ બરણી ખોલે છે કે તરત આખો ઓરડો એક મીઠી, માછલી જેવી આથેલી સુગંધથી ભરાઈ જાય છે. જાંગપાંગનાતસુ એ આઓ નાગા સમુદાયની એક ખાસ વાનગી છે જે ખેતરોની આસપાસ છીછરા પાણીમાં જોવા મળતા કરચલામાંથી બને છે. કરચલાને પહેલાં શેકવામાં આવે છે, પછી તેનાં કોચલાં કાઢીને તેને કાળા તલ સાથે સારી રીતે ખાંડવામાં આવે છે. ત્યારબાદ તેને કેળનાં પાંદડામાં લપેટીને ચૂલા પાસે થોડા દિવસો માટે આથો આવવા માટે મૂકી દેવામાં આવે છે. આઓ નાગા સમુદાયની રસોઈમાં બનતી જાતજાતની ચટણીઓ, કઢી અને શાકમાં સ્વાદ ઉમેરવા માટે આ એક અનિવાર્ય સામગ્રી છે.રસોડામાં ચૂલો સળગી રહ્યો છે. ટિઆમોંગલા સમય વેડફી શકે તેમ નથી. તેઓ રસોડામાં ભારે વ્યસ્ત છે, આજે સવારે જ પોતાના વાડામાંથી તોડેલા મિપાંગ (અળવી)નાં પાન, લસણિયા સ્વાદવાળી લીલી ડુંગળી, આજે જ જંગલમાંથી શોધીને લાવેલા થોટો છોડનાં પાંદડા, કરચલાની ચટણી અને બીજી ઘણી વસ્તુઓ ભેગી કરી રહ્યાં છે.
ચાંગકી ગામનાં 55 વર્ષીય ખેડૂત ટિઆમોંગલા આજે મિપાંગમિંગ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે – જે આઓ નાગા સમુદાયની એક ખાસ વાનગી છે અને તેઓ તે મહેમાનો માટે અથવા ખાસ પ્રસંગોએ બનાવે છે. ટિઆમોંગલા લોંગચારી ચાંગકી ભાષામાં વાત કરતાં સમજાવે છે, “આ રોસપ કરતાં સાવ અલગ વાનગી છે, રોસપ અમારા સમુદાયમાં બનતી મિક્સ શાકભાજીની એક વધુ પ્રચલિત વાનગી છે.” તેઓ મિપાંગમિંગને પોતાના જ ખેતરમાં ઉગેલા સ્થાનિક ચોખા અને તળેલી દેશી મરઘી સાથે પીરસશે.
મિપાંગમિંગને તેનો અનોખો સ્વાદ અને સુગંધ આપતી અન્ય સામગ્રીઓમાં મીઠું, લીલાં મરચાં, ટમેટાં, મિશિગન (સિચુઆન પેપર)નાં પાન, તેજંગ લેહસન (સ્થાનિક લીલું લસણ), આદુનાં પાન અને જાંગપાંગનાતસુ (કરચલાની આથેલી ચટણી)નો સમાવેશ થાય છે. તેઓ ઋતુ પ્રમાણે મળતાં તાજાં શાકભાજીનો પણ ઉપયોગ કરે છે
ચાંગકી ગામમાં 2,486 લોકો વસે છે (વસ્તી ગણતરી 2011 મુજબ), જેમાંના મોટા ભાગના લોકો આઓ નાગા સમુદાયના છે (જે અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે). ચાંગકી એ આઓ નાગા ભાષા સમૂહની એક લુપ્તપ્રાય બોલી છે, અને આ ભાષા સમૂહને યુનેસ્કો (UNESCO) દ્વારા લુપ્તપ્રાય તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
ચાંગકી ગામની અન્ય મહિલાઓની જેમ ટિઆમોંગલા પણ પોતે જે સ્થાનિક વાનગીઓ બનાવે છે તેના માટે મિપાંગ, થોટો અને અન્ય સામગ્રીઓ શોધીને લાવવા ડાંગરનાં ખેતરો, જંગલની કેડીઓ અને જળાશયોની આસપાસ લગભગ બે કલાક જેટલી મુસાફરી કરે છે.
તેઓ પારીને કહે છે, “જૂના જમાનામાં જંગલમાંથી વસ્તુઓ શોધીને લાવવાનું કામ બહુ મહત્ત્વનું હતું કારણ કે બહારથી કોઈ ચીજવસ્તુ સહેલાઈથી મળતી નહોતી.” તેમની પેઢીની મહિલાઓ માટે સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરવો એ એક સહજ વાત છે. “અમે અમારાં ઝૂમ ખેતરો, ડાંગરનાં ખેતરો અને વાડામાં જે ઉગાડતાં, બસ એ જ ખાતાં. જ્યારે આજના સમયમાં તો અમે નજીકનાં બજારોમાંથી પણ શાકભાજી ખરીદી લાવીએ છીએ.”
જંગલમાંથી ખાવાલાયક વસ્તુઓ શોધવાનું કામ મુખ્યત્વે મહિલાઓ જ કરે છે, જોકે પુરુષો પણ જ્યારે જંગલ કે ખેતરમાં જાય ત્યારે આવી વસ્તુઓ લેતા આવે છે. “અમે અમારાં માતાપિતા કે અનુભવી લોકોની પાછળ પાછળ ફરીને જંગલમાંથી વસ્તુઓ શોધવાની કળા અને કઈ વસ્તુ ખાવાલાયક છે અને કઈ નથી તેનું જ્ઞાન મેળવ્યું. આજની યુવા પેઢી ખેતી કે જંગલમાંથી વસ્તુઓ શોધવાને બદલે પૈસા કમાવવા માટે બીજા વ્યવસાયો તરફ વળી છે,” તેઓ આટલું કહેતાં જાય છે અને સાથે સાથે ઓઇસ્ટર મશરૂમ સાફ કરતાં જાય છે. આ મશરૂમ તેમનાં પાડોશી દીમાપુરના બજારમાંથી તેમના માટે લાવ્યાં છે. સાથે સાથે તેઓ અમૂલ્ય ગણાતાં થોટોનાં પાંદડા પણ તૈયાર કરી રહ્યા છે. “થોટો અને મિપાંગ [અળવીના પાન]ની જોડી ખૂબ જ સરસ લાગે છે.”
આ વાનગીની એક મુખ્ય સામગ્રી છે કરચલાની ચટણી – જેનો આઓ નાગા રસોઈમાં ભરપૂર ઉપયોગ થાય છે. ટિઆમોંગલા ગર્વથી કહે છે, “ચાંગકીમાં બનતી કરચલાની ચટણી શ્રેષ્ઠ ગણાય છે અને તેની માંગ પણ ખૂબ છે.”
જેવી તેઓ બરણી ખોલે છે કે તરત આખો ઓરડો એક મીઠી, માછલી જેવી આથેલી સુગંધથી ભરાઈ જાય છે. જાંગપાંગનાતસુ એ આઓ નાગા સમુદાયની એક ખાસ વાનગી છે જે ખેતરોની આસપાસ છીછરા પાણીમાં જોવા મળતા કરચલામાંથી બને છે. કરચલાને પહેલાં શેકવામાં આવે છે, પછી તેનાં કોચલાં કાઢીને તેને કાળા તલ સાથે સારી રીતે ખાંડવામાં આવે છે. ત્યારબાદ તેને કેળનાં પાંદડામાં લપેટીને ચૂલા પાસે થોડા દિવસો માટે આથો આવવા માટે મૂકી દેવામાં આવે છે. આઓ નાગા સમુદાયની રસોઈમાં બનતી જાતજાતની ચટણીઓ, કઢી અને શાકમાં સ્વાદ ઉમેરવા માટે આ એક અનિવાર્ય સામગ્રી છે.
ટિઆમોંગલા બહુમુખી પ્રતિભાનાં ધની છે. તેઓ એક કુશળ કુંભાર અને પૂર્ણ સમયનાં ખેડૂત પણ છે. વાંચો: ચાંગકીના મહિલા કુંભારો
તેઓ કહે છે કે આ વર્ષે (2025માં) હવામાન ખૂબ જ અનિશ્ચિત રહ્યું છે અને ભૂસ્ખલનને કારણે ડાંગરનાં ઘણાં ખેતરો નાશ પામ્યાં છે. “એક ભૂસ્ખલનમાં મારા ખેતરના અમુક ભાગોની સાથે રોપાઓ પણ નાશ પામ્યા હતા, એટલે મારાં ઝૂમ ખેતરોમાં હું મોટાભાગે આદુ ઉગાડી રહી છું કારણ કે તેને વેચવાથી વધુ પૈસા મળે છે.”
આ વાનગી રાંધવા માટે તેઓ પોતે બનાવેલા ચાંગકી માટલાનો જ ઉપયોગ કરી રહ્યાં છે, કારણ કે તેમના મતે આ વાનગીનો શ્રેષ્ઠ સ્વાદ આવાં દેશી વાસણોમાં જ આવે છે. સરસવના તેલના વઘારનો અવાજ અને તેની તીવ્ર સુગંધ આથેલા કરચલાની માદક સુવાસ સાથે આખા ભળીને આખા રસોડામાં ફેલાઈ રહી છે. અમારા માટે હવે જમવાની રાહ જોવી મુશ્કેલ બની ગઈ છે.