ચાંગકીના મહિલા કુંભારોએ બનાવેલા માટીના ઘડા એક સમયે સ્થાનિક યુદ્ધોમાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવતા હતા. આ પ્રદેશમાં ખોરાક રાંધવા માટે આ ઘડા જરૂરી હતા, કોઈ પણ તેમને ખવડાવતા ઘડાને નુકસાન પહોંચાડવાનું જોખમ લેવા માંગતું નહોતું! જ્યારે આગ અને બીજી આફતો કોઈ ગામનો સંપૂર્ણ વિનાશ કરી નાખતી ત્યારે ખાદ્ય સહાય તરીકે ચાંગકીમાંથી ઘડામાં અનાજ જતું. આઓ આદિવાસી સમુદાયની મહિલાઓ ગર્વથી મને કહે છે કે આવું હતું ચાંગકીના ઘડાનું ટકાઉપણું અને મહત્વ.
સદીઓ પછી આઘડા પરંપરાગત રીતે હાથેથી જ બનાવવામાં આવે છે. ટિયામોંગ્લા લોંગચારી કહે છે, "અમે ચાકડો અથવા કોઈપણ મશીનનો ઉપયોગ કરતા નથી. આ ઘડા પહેલેથી છેલ્લે સુધી હાથેથી જ બનાવવામાં આવે છે. આ માટી મોકોકચુંગના ખેતરો, ટેકરીઓ, જંગલો અને નદીકિનારેથી અને તેની આસપાસથી મેળવવામાં આવે છે કારણ કે આ ઘડા બનાવવા માટે માત્ર આ ઊંચાઈ અને આ પ્રદેશમાંથી મેળવેલી માટીનું મિશ્રણ જ યોગ્ય છે.
૫૫ વર્ષના ટિયામોંગ્લા કહે છે કે માટીના ઘડા બનાવવાની આ પરંપરામાં "અમારા દાદી અને પરદાદી જે રીતે ઘડા બનાવતા હતા તે જ રીતે ઘડા બનાવવામાં આવે છે." નાગાલેન્ડના ગામમાં બાકી રહેલા છેલ્લા કુંભારોમાંના એક ટિયામોંગ્લા પોતાને ઘેર, જ્યાં તેઓ તેમની વૃદ્ધ માતા સાથે રહે છે ત્યાં, જ આ ઘડા બનાવે છે. ભૂતકાળમાં દરેક ઘરમાં મહિલાઓ પોતાના ઘરમાં ઉપયોગ માટે અને વેચાણ માટે ઘડા બનાવતી હતી, પરંતુ નાગાલેન્ડના ચાંગકી ગામમાં હજી આજે પણ તેમના ઘરમાં ઘડા બનાવતી હોય તેવી ફક્ત 15 મહિલાઓ જ બચી છે.
આ વાર્તાનું ફિલ્માંકન કરતી વખતે પારીના પ્રતિનિધિ જે મહિલાઓને મળ્યા હતા તેઓએ કહ્યું કે તેમને ભેગા મળીને નાગાલેન્ડના આદિવાસી સમુદાયની મહિલાઓની એક વિશેષ અને પ્રાચીન પરંપરાને અનુસરવામાં અને તેને આગળ વધારવામાં આનંદ આવે છે. અને તેમાંથી તેઓને જે વધારાની આવક મળે છે તે તેમના બાળકોના શિક્ષણ અને બીજા ખર્ચ માટે ઉપયોગી થાય છે.








