વિક્રમાદિત્ય નિષાદ કહે છે, “અમે પેઢીઓથી માત્ર બે જ કામ કરતા આવ્યા છીએ − નૌકાવિહાર અને માછીમારી. મને લાગે છે કે [બિન] રોજગારની હાલની સ્થિતિને જોતાં, મારા બાળકોએ પણ આ જ કરવાનું ચાલુ રાખવું પડશે.” તેઓ છેલ્લાં 20 વર્ષથી વારાણસીના યાત્રાળુઓ અને પ્રવાસીઓને ગંગા નદીના એક ઘાટ (કિનારે) થી બીજા ઘાટ સુધી લઈ જઈ રહ્યા છે.
ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 કહે છે કે ઉત્તર પ્રદેશમાં બેરોજગારી, જેમાં ગંગા એક હજાર કિલોમીટરથી વધુ વહે છે, છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 50 ટકાના દરે સ્થિર થઈ ગઈ છે.
તેઓ કહે છે, “મોદીજી ‘વોકલ ફોર લોકલ’ અને ‘વિરાસત હી વિકાસ [વારસો પણ, વિકાસ પણ]’ માટે પ્રચાર કરી રહ્યા છે. મહેરબાની કરીને મને જણાવો કે તે વિરાસત [વારસો] કોના માટે છે? શું અમારા કાશી [વારાણસી]ના લોકો માટે કે બહારના લોકો માટે?” વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટાયા હતા, અને તેમના પ્રચાર અભિયાને કડવો સ્વાદ પાછળ છોડી દીધો છે, આ નાવિક ઉમેરે છે કે, “અમારે વિકાસ જોવો જ છે.”
નાવિક વિક્રમાદિત્ય નિષાદ પૂછે છે, ‘મહેરબાની કરીને મને જણાવો કે તે વિરાસત [વારસો] કોના માટે છે? શું અમારા કાશી [વારાણસી]ના લોકો માટે કે બહારના લોકો માટે?’
નિષાદ કહે છે કે જાન્યુઆરી 2023માં મોદી દ્વારા શરૂ કરાયેલી રિવર ક્રૂઝે તેમના જેવા નાવિકોની નોકરી છીનવી લીધી છે. મોટા માળખાગત પ્રોજેક્ટ્સ માટે આવેલા બિન-સ્થાનિક લોકો વિશે બોલતાં તેઓ કહે છે, “વિકાસના નામે તેઓ [મોદી] સ્થાનિક લોકોના વિકાસ અને વારસાને છીનવી લે છે અને બહારના લોકોને ધરી દે છે. રાજ્યમાં એક કામદારની સરેરાશ આવક દર મહિને 10,000 રૂપિયા છે, જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી ઓછી છે.
હિંદુઓમાં સૌથી પવિત્ર ગણાતી નદીઓમાં સૌથી મોખરાની ગંગાનું પ્રદૂષણ આ 40 વર્ષીય નાવિક માટે વધુ એક દુઃખદાયક મુદ્દો છે. તેઓ નિર્દેશ કરે છે, “તેઓ કહે છે કે ગંગાનું પાણી હવે સ્વચ્છ છે. પહેલાં એવી પરિસ્થિતિ હતી કે જો અમે સિક્કો નદીમાં નાખતા, તો તેની પારદર્શિતાને કારણે અમે તેને બહાર કાઢી શકતા, હવે તો જો કોઈ નદીમાં પડીને ડૂબી જાય છે તો પણ તેને શોધવામાં દિવસો લાગે છે.”
કેન્દ્ર સરકાર દ્વારા જૂન 2014માં 20,000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ‘નમામિ ગંગે’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નદીનું પ્રદૂષણ ઘટાડવા, તેનું સંરક્ષણ વધારવા અને ગંગાના કાયાકલ્પ કરવાની યોજના હતી. જોકે, 2017ના એક પેપરમાં નોંધવામાં આવ્યું છે કે ઋષિકેશમાં તેના સ્રોતની નજીક અને વારાણસીથી સેંકડો કિલોમીટર ઉપરની તરફ પાણીનો ગુણવત્તા સૂચકાંક (WQI) ખૂબ જ નબળો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા પ્રકાશિત WQIના આંકડાઓ તેને ‘ચિંતાજનક’ ગણાવે છે.
તેમની હોડી પર બેસીને પ્રવાસીઓની રાહ જોતાં તેઓ કહે છે, “તે ક્રૂઝ ‘વારાણસીની ધરોહર’ કેવી રીતે બની શકે? અમારી હોડીઓ વારસાનો ચહેરો છે, વારાણસીની અસલ ઓળખ છે.” તેમના જેવા રહેવાસીઓ પર લાદવામાં આવેલા સાંસ્કૃતિક ફેરફારોથી સ્પષ્ટ રીતે નાખુશ અને વ્યથિત નિષાદ કહે છે, “તેમણે ઘણા પ્રાચીન મંદિરોને તોડી નાખીને વિશ્વનાથ મંદિરનો કોરિડોર બનાવ્યો છે. અગાઉ જ્યારે યાત્રાળુઓ વારાણસીની મુલાકાત લેતા, ત્યારે તેઓ કહેતા કે તેમણે ‘બાબા વિશ્વનાથ’ પાસે જવું પડશે. હવે તેઓ કહે છે કે તેમણે ‘કોરિડોર’ પર જવું પડશે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ