સપ્ટેમ્બર 2023નો સમય છે, અને અમે પશ્ચિમ ઘાટની ‘ફૂલોની ખીણ’માં ફૂલોની મોસમ દરમિયાન ત્યાં હાજર છીએ, જ્યાં દર વર્ષે ગુલાબી અને જાંબલી ફૂલોની સેંકડો જાતો ખીલે છે, જેમાંથી ઘણી આ જૈવવિવિધતા હોટસ્પોટની મૂળ વતની છે.
પરંતુ આ વર્ષે, જમીન પર માત્ર સૂકાયેલા ફૂલો જ વીખરાએલા છે.
1,200 મીટરની ઉંચાઈ પર સ્થિત કાસ ઉચ્ચપ્રદેશને 2012માં યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારથી, તે મહારાષ્ટ્રમાં એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બની ગયું છે, ખાસ કરીને ઓગસ્ટથી ઓક્ટોબર સુધી — ફૂલોની મોસમ દરમિયાન. અને સમસ્યાનું મૂળ આ જ છે.
સુલાબાઈ બડાપુરી કહે છે, “પહેલાં અહીં કોઈ આવતું નહોતું. કાસ અમારા માટે ફક્ત એક ટેકરી જ હતી. અમે ઢોર અને બકરા ચરાવતાં હતાં. હવે લોકો ફૂલોને પગતળે રગદોળે છે, ફોટા ખેંચે છે, અને તેમને મૂળમાંથી ખેંચી કાઢે છે!” પ્રવાસીઓની ઉદાસીનતાથી નિરાશ થયેલાં 57 વર્ષીય સુલાબાઈ ઉમેરે છે, “આ કોઈ બાગ (બગીચો) નથી; આ ફૂલો ખડક પર ખીલેલાં છે.”
કાસ ખાતેનો ઉચ્ચપ્રદેશ સતારા જિલ્લાના સતારા તાલુકામાં 1,600 હેક્ટર જમીન પર આવેલો ખડક છે અને તેને કાસ પઠાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉચ્ચપ્રદેશની રક્ષા કરતાં સુલાબાઇ કહે છે, “ભીડ બેકાબૂ બની જાય છે.” તેઓ કાસ પર રક્ષકો, કચરો એકત્ર કરનારાઓ, દ્વારપાળો અને આ સ્થળના સંરક્ષણના હેતુથી તૈયાર થયેલ કાસ વન વ્યવસ્થાપન સાથે માર્ગદર્શક તરીકે કામ કરતા 30 લોકોમાંનાં એક છે.
સતારાની સંયુક્ત વ્યવસ્થાપન વન સમિતિ અનુસાર, ફૂલોની મોસમ દરમિયાન પ્રવાસીઓની સરેરાશ સંખ્યા દરરોજ 2,000ને વટાવી જાય છે. અને જ્યારે સુલાબાઈ તેમને વિનંતી કરે છે ત્યારે ભાગદોડ કરતા મુલાકાતીઓ થોડા સમય માટે થોભે છે, “અહો મેડમ! મહેરબાની કરીને ફૂલો પર ન ચાલો. તેઓ નાજુક હોય છે અને ટૂંક સમયમાં ઓક્ટોબરમાં મૃત્યુ પામશે.” માત્ર માફી માગવા ખાતર માફી માગીને ફરી પાછા ફોટો ખેંચવા લાગે છે.
ફૂલોની મોસમ દરમિયાન, આ ઉચ્ચપ્રદેશમાં છોડની 850 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી 624 પ્રજાતિઓ રેડ ડેટા બુકમાં સૂચિબદ્ધ છે, જે તમામ લુપ્તપ્રાય પ્રજાતિઓનો રેકોર્ડ રાખતો દસ્તાવેજ છે. આ 624 પ્રજાતિઓમાંથી 39 પ્રજાતિઓ કાસ પ્રદેશમાં સ્થાનિક છે. અહીં 400થી વધુ ઔષધીય છોડ ઉગે છે. નજીકના વંજોલવાડી ગામના 62 વર્ષીય ખેડૂત લક્ષ્મણ શિંદે કહે છે, “કેટલાક વડીલો એવા હતા જેઓ ઘૂંટણના દુખાવા, શરદી, તાવ માટે ઔષધીય વનસ્પતિઓના ઉપયોગને જાણતા હતા. બધા લોકો તેનાથી માહિતગાર ન હતા.”
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વનસ્પતિ જીવન ઉપરાંત, કાસ વિવિધ પ્રકારનાં દેડકાં સહિત ઉભયજીવીઓની લગભગ 139 પ્રજાતિઓનું ઘર પણ છે. અહીં રહેતા સસ્તન પ્રાણીઓ, સરિસૃપ અને જંતુઓ જૈવપ્રણાલીને ટકાવી રાખવામાં મદદ કરે છે.
પૂણે સ્થિત સ્વતંત્ર સંશોધક પ્રેરણા અગ્રવાલે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી કાસ પર સામૂહિક પ્રવાસનની પર્યાવરણીય અસરનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે, “આ સ્થાનિક પ્રજાતિઓ ભીડ અને તેમને પગતળે કચડી નાખવા જેવા બાહ્ય જોખમો પ્રત્યે સંવેદનશીલ હોય છે. જાંબલી દતિપર્ણ [યુટ્રિક્યુલેરિયા પુરપુરાસેન્સ] જેવા ફૂલોને નુકસાન થાય છે. મલબાર હિલ બોરેજ [એડલોકેરિયમ મેલાબેરિકમ] પ્રજાતિઓમાં પણ ઘટાડો થયો છે.”
વ્યંગાત્મક રીતે, આ પ્રવાસનના થકી જ ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનાની વચ્ચે આસપાસનાં ગામડાંના લોકો માટે મોસમી રોજગારીની તકો ખોલી છે. કસાની, એકિવ અને અટાલી ગામોના ખેતરોમાં દૈનિક વેતન તરીકે 150 રૂપિયા કમાય છે તેની સાથે આ કમાણીને સરખાવતાં સુલાબાઈ કહે છે, “મને એક દિવસ પેટે 300 રૂપિયા મળે છે. [તે] ખેતરમાં મજૂરોને મળે છે એના કરતાં વધુ સારું છે.”
વર્ષના બાકીના સમયગાળા દરમિયાન, તેઓ તેમના પરિવારની એક એકર વરસાદ–આધારિત જમીનમાં ડાંગરની ખેતી કરે છે. કસાની ગામમાં કાસથી ચાર કિલોમીટર દૂર રહેતાં અને પોતાના ઘરેથી આવ–જા કરતાં સુલાબાઈ કહે છે, “ખેતી સિવાય પૂરતું કામ નથી મળી રહેતું. આ ત્રણ મહિના દરમિયાન થોડી સારી આવક મળી રહે છે.”
દર વર્ષે આ ઉચ્ચપ્રદેશમાં 2,000-2,500 મીમી જેટલો ખૂબ જ વધુ વરસાદ પડે છે. ચોમાસા દરમિયાન આ ખડકો પરની દુર્લભ માટી અનન્ય વનસ્પતિઓ અને વનસ્પતિ જીવનની મૂળ પ્રજાતિઓને ઉગવામાં મદદ કરે છે. પૂણે સ્થિત સંરક્ષણવાદી અને વનસ્પતિશાસ્ત્રી ડૉ. અપર્ણા વટવે કહે છે, “કાસ પરનો લેટરાઇટ ખડક તેના છિદ્રાળુ માળખામાં પાણી જાળવી રાખીને વાદળીની જેમ કામ કરે છે, અને ધીમે ધીમે તેને નજીકના પ્રવાહોમાં વહેંચે છે.” તેઓ ચેતવણી આપતાં કહે છે, “આ ઉચ્ચપ્રદેશોને કોઈપણ નુકસાન થશે, તો તે આ પ્રદેશના જળસ્તરને ખલેલ પહોંચાડશે.”
ડૉ. વટવેએ મહારાષ્ટ્રના ઉત્તરીય પશ્ચિમ ઘાટ અને કોંકણના 67 પઠારોમાં ક્ષેત્ર અભ્યાસ હાથ ધર્યો છે. ઉચ્ચપ્રદેશની 15 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વધતા પ્રવાસન અને રહેવાસીઓ, અને તેમાન લીધે હોટલો અને રિસોર્ટ્સની સંખ્યામાં થઈ રહેલા ધરખમ વધારાનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, “આ (કાસ) એક નાજુક સ્થળ છે. અતિશય માળખાગત પ્રવૃત્તિઓ જૈવપ્રણાલીની કામગીરીને ખલેલ પહોંચાડે છે.”
અહીંના જંતુઓ અને ફૂલો માનવજન્ય કારણોને કારણે અદ્રશ્ય થઈ રહ્યાં હોવાથી અહીં રહેતા ઘણા સસ્તન પ્રાણીઓ, સરિસૃપ અને જંતુઓનો ખોરાક ઘટી જવાનું જોખમ છે. વૈજ્ઞાનિક સમીર પાધ્યે કહે છે, “અહીંની [પ્રાણીસૃષ્ટિનું] દસ્તાવેજીકરણ જરૂરી છે કારણ કે તેમની પાસે ફરવા માટે બહુ ઓછી જગ્યા છે, અને તેઓ બીજે ક્યાંય ટકી શકે તેમ નથી. જો તમે આવા વસવાટોને પ્રદૂષિત કરો છો અથવા ખરાબ કરો છો, તો તેમની પાસે બીજે ક્યાંય જવા માટે જગ્યા નથી. પછી તેઓ લુપ્ત જ થઈ જશે.” તેઓ ઉમેરે છે કે, લુપ્ત થતા જંતુઓ અને ફૂલો, જે ખીલવાની ભાતમાં ભારે ઘટાડા તરફ દોરી જાય છે, તે સમગ્ર જૈવપ્રણાલીને ખલેલ પહોંચાડી શકે છે. વધુમાં પાધ્યે નોંધે છે કે, સ્થાનિક પ્રજાતિઓને નુકસાન થશે, તો તે ઉચ્ચપ્રદેશના કિનારે આવેલા ગામડાઓ માટે પરાગનયન અને જળ સંસાધનોને પણ અસર કરશે.
લક્ષ્મણ અમને ઘુંટણ અને સાંધાના દુખાવા માટે અસરકારક જંગલી હળદર (હિચેનિયા કોલીના) છોડ બતાવે છે. ચાર દાયકા પહેલાંના સમયને યાદ કરતાં તેઓ કહે છે, “તે દિવસોમાં [કાસ પર] ફૂલો ખૂબ જ ગાઢ હતા.” ફૂલોની મોસમ દરમિયાન, તેઓ કાસ પર પ્લાસ્ટિક અને બિન-નિકાલજોગ કચરો એકત્રિત કરે છે, અને દરરોજ રૂપિયા 300 કમાય છે; વર્ષના બાકીના સમય દરમિયાન તેઓ તેમની બે એકર જમીન પર ડાંગરની ખેતી કરે છે.
સુલાબાઈ કહે છે, “અમારો જન્મ અહીં જ થયો હતો. અમે અહીંના ખૂણે ખૂણાથી પરિચીત છીએ. તેમ છતાં, અમે સાક્ષર ન હોવાથી કોઈ અમારી વાત પર લક્ષ આપતું નથી. પણ જુઓ કે શિક્ષિત લોકો પ્રકૃતિનું શું કરી રહ્યા છે?”
કાસ આજે અલગ દેખાય છે. સુલાબાઈ દુઃખ સાથે કહે છે, “તે [બગડેલું] લાગે છે. હવે કાસ મારા બાળપણમાં હતું એવું નથી રહ્યું...”
અનુવાદક: ફૈઝ મોહંમદ