ફાતિમા બીબી ક્યારેય કંઈક કરવા માટે બહુ લાંબો સમય રાહ જોઈને હાથ પર હાથ ધરી બેસી રહેનારા લોકોમાંના ન હતા. તેમણે શક્ય તેટલી ઝડપે એ તક ઝડપી લેવાનું પસંદ કર્યું. આજે એક કુશળ કારીગર અને હસ્તકલા ઉદ્યોગસાહસિક ફાતિમા બીબી મૂંજમાંથી વિવિધ ઘરગથ્થુ ઉત્પાદનો બનાવે છે અને વેચે છે, મૂંજ એ એક છેડેથી સાંકડા અને પાતળા થતા જતા બરું જેવા પોલા સરપટ ઘાસના બહારના પાન છે, જે તેમાંથી બનાવેલ ઉત્પાદનોની શ્રેણીને તેનું નામ આપે છે.
ભૂતકાળની વાતની યાદ પર હસતા તેઓ કહે છે, "હું નાની છોકરી હતી ત્યારે મને લાગતું હતું કે મારી પહોંચ રસોડા સુધી હશે - રસોઈ બનાવવી અને ઘર સંભાળવું." ચપળતાપૂર્વક પોતાનો કાળો નકાબ (બુરખો) ઉતારીને તેઓ એને આગળના દરવાજા પાસે ખીલી પર લટકાવીને વાત કરતા કરતા પોતાના ઘરમાં પ્રવેશે છે. 28 વર્ષના ફાતિમા દ્રઢતાપૂર્વક ઉમેરે છે, "પરંતુ જ્યારે મેં કંઈક અજમાવવાનું પ્રયાસ કરવાનું નક્કી કર્યું ત્યારે મારા પરિવારે મને બહાર જવાની અને જિંદગીમાં કંઈક હાંસલ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. હું ભલેને એક યુવાન મુસ્લિમ મહિલા છું, પરંતુ એવું કંઈ જ નથી જે હું ન કરી શકું.” બપોરના તડકામાં તેમના સફેદ દુપટ્ટા પર ચાંદીના રંગની ટિક્કીઓ ચમકતી હતી.
ફાતિમા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અગાઉના અલાહાબાદ) જિલ્લાના માહેવા શહેરમાં રહે છે, જ્યાં મોટાભાગે (લોકોના) જીવનની ગતિ નજીકથી વહેતી યમુનાના પ્રવાહ જેવી ધીમી છે. "લોકો મારા સસરાને પૂછતા, 'તમારા ઘરની છોકરી પૈસા કમાવા (ઘરની) બહાર જશે?' હું આ નગરની દીકરી નથી, તેથી મારા માટે નિયમો થોડા વધુ કડક છે."
એક છોકરી તરીકે ફાતિમાને ખબર ન હતી કે તે (ભવિષ્યમાં) શું કરશે, પરંતુ મોહમ્મદ શકીલ સાથેના તેમના લગ્ન તેમને માહેવાના એક અનુભવી મૂંજ કારીગર, તેમના સાસુ, આયેશા બેગમના ઘેર લઈ આવ્યા.
આયેશાના ચપળ અનુભવી હાથ કેવી રીતે મૂંજને પકડમાં લઈને તમામ આકાર અને કદની ઢાંકણાવાળી અને વગરની ટોપલીઓ; કોસ્ટર; ટ્રે; પેન સ્ટેન્ડ; બેગ; કચરાની ટોપલીઓ; અને નાના ઝૂલા, ટ્રેક્ટર વિગેરે જેવી સુશોભનની વસ્તુઓ જેવા વિધવિધ ઉત્પાદનોનું રૂપ આપતા હતા એ આ નવવધૂ ઉત્સુકતાપૂર્વક જોતી. આ ઉત્પાદનોના વેચાણથી સ્થિર આવક થતી, જે ઘરની મહિલાઓને યોગ્ય લાગે તે રીતે વાપરવા માટે તેમની પાસે રહેતી.
તેઓ કહે છે, "મેં પિપિરાસામાં અમારા ઘરમાં મારી માતાને આ કામ કરતા [મૂંજ ઉત્પાદનો બનાવતા] જોયા હતા." થોડા સમયમાં જ ફાતિમાએ પણ આ કળા શીખી લીધી. નવ વર્ષની આફિયા અને પાંચ વર્ષની આલિયાનની માતા (ફાતિમા) કહે છે, “હું એક ગૃહિણી હતી, ઘર સંભાળતી હતી, પણ મને કંઈક વધુ કરવાની ખૂબ ઈચ્છા હતી. હવે [આ કામમાંથી] હું મહિને લગભગ 7000 રુપિયા કમાઈ શકું છું,” .
ફાતિમા મૂંજ કલાકૃતિઓ બનાવતા નથી હોતા ત્યારે તેઓ એ હસ્તકલાનો વિધવિધ રીતે પ્રચાર-પ્રસાર કરવામાં વ્યસ્ત હોય છે: તેઓ મૂંજ ઉત્પાદનો ભેગા કરી એને સારામાં સારી રીતે પ્રદર્શિત કરી તેનું વિજ્ઞાપન કરે છે, નવા ખરીદદારો શોધે છે, તાલીમ વર્કશોપનું આયોજન અને સંચાલન કરે છે, અને હસ્તકલા માટે નવી નીતિ ઘડવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાના મહિલા સ્વ-સહાય જૂથ (સેલ્ફ-હેલ્પ ગ્રુપ-SHG) નું સફળતાપૂર્વક સંચાલન પણ કરે છે, જેને તેમણે 'એન્જલ' નામ આપ્યું છે - આ નામ બીજી મહિલાઓને હંમેશા સાથે લઈને ચાલતી દ્રઢ મનોબળવાળી, દયાળુ મહિલાઓની વાર્તાઓથી પ્રેરિત છે. તેઓ સમજાવે છે, "મને એવી વાર્તાઓ અને ફિલ્મો ગમે છે જેમાં મહિલાઓ બીજી મહિલાઓ સાથે આનંદથી રહે છે, (એકબીજા સાથે) હોડમાં ઉતરતી નથી."
રાજ્યના મુખ્યમંત્રીને મળવા સહિત તેમને અત્યાર સુધીમાં મળેલી એક ખાસ ઓળખ અને આદર એ તેમને માટે એક મોટો રોમાંચ છે. પોતે અનુભવેલી સ્વતંત્રતાની ભાવનાની વાત કરતા તેઓ કહે છે, “પહેલાં મારા પતિ [એક મોટર મિકેનિક] ને મારા આવવા-જવા વિશે નવાઈ લાગતી હતી પરંતુ હવે મને જે ઓળખ મળી છે તે જોઈને તેમને મારા પર ગર્વ છે. છેલ્લા બે વર્ષમાં હું અઠવાડિયામાં માંડ બે દિવસ ઘેર રહી શકી છું." તેમનો બધો સમય તેમના એસએચજીના સભ્યો અને ખરીદદારોને મળવામાં, બીજાને તાલીમ આપવામાં અને પોતાના બાળકોની સંભાળ રાખવામાં વીતે છે.
માહેવાની ઉદ્યોગસાહસિક મહિલાઓએ મૂંજને પ્રોત્સાહન આપવાના પગલાને હૃદયપૂર્વક આવકાર્યું અને પોતાની આવકમાં ઉમેરો કરવાની તક ઝડપી લીધી
તેમ છતાં હજી લોકો તેમના વિષે વાતો કરવાનું બંધ નથી કરતા. તેઓ કહે છે, "હું જ્યારે પુરુષો હાજર હોય એવી તાલીમ સભાઓમાં હાજરી આપું છું અને જૂથનો ફોટો લેવામાં આવે છે ત્યારે લોકો આવીને મારા સાસુને કહે છે, 'આને જુઓ તો ખરા, પુરુષો સાથે ફોટો પડાવે છે!' પરંતુ હું એ પ્રકારની વાતોથી મારું કામ અટકવા દેતી નથી. ઉત્તર પ્રદેશના નાનકડા ગામના સંકુચિત સામાજિક ધોરણોની ગોફણો અને તેમના પર છોડતા શબ્દ-બાણથી તેઓ ભાંગી પડતા નથી.
યુપીમાં પશ્ચિમ ઉપરહરને (જનગણના 2011 પ્રમાણે) 6408 લોકોની વસ્તીવાળા નગર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક લોકો હજી પણ તેને 'માહેવા ગામ' તરીકે ઓળખે છે. કરછના તહેસીલમાં આવેલું એ નગર સંગમથી - યમુના અને ગંગા નદીઓના સંગમ સ્થાન અને હિન્દુ તીર્થયાત્રાના એક મહત્વપૂર્ણ સ્થળથી - થોડાક જ કિલોમીટર દૂર આવેલું છે .
યમુના એ માહેવાના લોકોના જીવન અને આજીવિકાને સ્પર્શતી એક મહત્વપૂર્ણ કડી છે. અહીંના મહિલા કારીગરો સંગમ ખાતે તીર્થયાત્રીઓ માટે તાડના પાંદડામાંથી વણાયેલી ફૂલો અને બીજા નૈવેદ્યથી ભરેલી નાની ટોપલીઓ પૂરી પાડે છે. પુરુષો પ્રયાગરાજ શહેરમાં મિકેનિક અને ડ્રાઇવર તરીકે કામ કરવા માટે બહાર જાય છે, નજીકમાં નાની દુકાનો ચલાવે છે અથવા ખાણીપીણીની જગ્યાઓએ કામ કરે છે.
રસપ્રદ વાત એ છે કે પ્રયાગરાજ જિલ્લામાં મુસ્લિમ સમુદાયની વસ્તી (જિલ્લાની કુલ વસ્તીના) 13 ટકા છે (વસ્તીગણતરી 2011), માહેવાની મુસ્લિમ વસ્તી (નગરની કુલ વસ્તીના) માત્ર એક ટકાથી થોડી વધુ છે. તેમ છતાં મુખ્યત્વે અને મોટેભાગે ફક્ત ફાતિમા અને આયેશા જેવી મુસ્લિમ મહિલાઓ જ હસ્તકલા પુનર્જીવિત કરવાના પ્રયત્નો કરી રહી છે. ફાતિમા કહે છે, “અમે બધી મહિલાઓને તાલીમ આપીએ છીએ, પરંતુ છેવટે, હસ્તકલા સાથે સંકળાયેલી લગભગ તમામ મહિલાઓ મોટેભાગે એક જ સમુદાયની છે. બીજા લોકો કામ પૂરું કરવા માટે પાછા ફરતા નથી. કદાચ તેઓ બીજા કામમાં વ્યસ્ત થઈ જાય છે."
*****
માહેવામાં પોતાના ઘરની અગાસી પર ફાતિમા સ્ટોરરૂમનો દરવાજો ખોલે છે, એ રૂમમાં કાઢી નાખવામાં આવેલી ઘરની વસ્તુઓની ઉપર કિંમતી સૂકા મૂંજના બંડલોના ઢગલા ખડકેલા છે. તેઓ કહે છે, “અમને માત્ર ઠંડીની ઋતુમાં [નવેમ્બરથી ફેબ્રુઆરી] મૂંજ મળે છે અને અમે લીલા ઘાસની પટ્ટીઓ કાપીને સૂકવીએ છીએ અને તેનો અહીં સંગ્રહ કરીએ છીએ. આ ઘરની સૌથી સૂકી જગ્યા છે અને ત્યાં સહેજ પણ પવન નથી. વરસાદ અને પવન ઘાસનો રંગ બદલી નાખે છે અને તેને પીળું પાડી દે છે."
કોઈ પણ વસ્તુ બનાવવા માટે પીળું ઘાસ યોગ્ય નથી કારણ કે એ ઘાસ ખૂબ બરડ હોવાની નિશાની છે અને તેને રંગી શકાતું નથી. હળવા પીળાશ પડતા સફેદ મૂંજ ઘાસને કારીગર ઇચ્છે તે રંગમાં રંગી શકે છે. આવું ઘાસ મેળવવા માટે તાજા કાપેલા મૂંજને બંડલમાં બાંધીને એક અઠવાડિયા સુધી કાળજીપૂર્વક - પવન ન હોય તેવા દિવસોમાં, ખુલ્લામાં, તડકામાં - સૂકવવું જોઈએ .
ફાતિમાના સાસુ આયેશા બેગમ પણ ઘાસનો સંગ્રહ કેટલોક છે તે તપાસવા ઉપર ચડ્યા છે. હવે લગભગ 50 વર્ષના નિષ્ણાત, અનુભવી કારીગર આયેશાને તે સમય યાદ છે જ્યારે કોઈ પણ વ્યક્તિ યમુનાના કિનારે થોડું ચાલીને તેને જેટલી જરૂર હોય તેટલું ઘાસ ભેગું કરી શકતી. છેલ્લાં કેટલાંક દાયકાઓમાં આડેધડ થઈ રહેલા વિકાસ અને શહેરીકરણને કારણે નદી કિનારે જ્યાં જંગલી ઘાસ આપમેળે ઉગી નીકળતું તેવી ખુલ્લી જમીન ઓછી થઈ ગઈ છે.
અમે (અગાશી પરથી) આયેશા જ્યાં કામ કરે છે તે આંગણામાં પાછા ઉતરીએ છીએ ત્યારે તેઓ કહે છે, "હવે યમુના પર કરીને આવતા મલ્લાહ [હોડીવાળા] અમને મૂંજ લાવી આપે છે અને 300-400 રૂપિયા દીઠ એક ગટ્ટા (બંડલ) વેચે છે. [એક ગટ્ટાનું વજન લગભગ 2-3 કિલો હોય છે]." મૂંજના એક ગટ્ટામાંથી કારીગર અંદાજે 12 x 12 ઇંચની બે ટોપલીઓ બનાવી શકે છે જે કુલ 1500 રુપિયામાં વેચાય છે. આ કદની ટોપલીઓનો ઉપયોગ સામાન્ય રીતે છોડ ઉગાડવા અથવા કપડાં મૂકવા માટે થાય છે.
આ સરપટ ઘાસ, જે 7 થી 12 ફૂટની ઊંચાઈએ પહોંચે છે, તે મૂંજ હસ્તકલામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એક બીજું ઘાસ, કાસા નામનું વધુ પાતળું બરું, સહાયક પરંતુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, તેનો ઉપયોગ કઠણ મૂંજને બાંધવા માટે થાય છે; કાસા અંતિમ ઉત્પાદનમાં ભાગ્યે જ દેખાય છે. ચુસ્ત રીતે બાંધેલ નાના મુઠ્ઠીભર બંડલમાં વેચાતું આ ઘાસ નદી કિનારે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને બંડલ દીઠ 5-10 રુપિયામાં વેચાય છે.
પોતાના ઘરની અંદરના આંગણામાં બેસીને આયેશા ફરીથી કામે લાગે છે. તેઓ ટોપલીઓના ઢાંકણા પર બેસાડવા માટે થોડાં નોબ્સ બનાવી રહ્યા છે. ફક્ત કાતરની એક જોડી અને તીક્ષ્ણ સોય વડે તેઓ ઘાસના બારીક પાનને ઝટકા સાથે ચીરે છે, ખેંચે છે, ધકેલે છે અને મજબૂત રીતે ગૂંથે છે, ક્યારેક-ક્યારેક કડક ઘાસને વધુ લવચીક બનાવવા પાણીની ડોલમાં ડુબાડે છે.
આયેશા કહે છે, “હું મારા સાસુને જોઈને [આ કામ] શીખી. 30 વર્ષ પહેલાં હું અહીં નવવધૂ તરીકે આવી હતી ત્યારે મેં જે પહેલી વસ્તુ બનાવી હતી તે હતી રોટી કા ડબ્બા [રોટલી માટેનો ડબ્બો]." એકવાર તેમણે જન્માષ્ટમી (કૃષ્ણજન્મની ઉજવણી રૂપે ઉજવાતો એક તહેવાર) પર લાલજી ભગવાનની (બાળકૃષ્ણની) મૂર્તિને ઝૂલાવવા માટે એક નાનો ઝૂલો પણ બનાવ્યો હતો.
ઊંડા ઘાવાળા, આંટણ પડી ગયેલા પોતાના હાથ બતાવતા તેઓ કહે છે, "આ છરી જેવા પાતળા પરંતુ ખૂબ જ મજબૂત ઘાસ સાથે કામ કરતા કરતા અમારી આંગળીઓ કપાઈ જાય છે." શરૂઆતના દિવસોને યાદ કરીને તેઓ ઉમેરે છે, “[પહેલાના સમયમાં] ઘરના બધા જ લોકો સાથે મળીને આ કામ કરતા - મહિલાઓ અને બાળકો મૂંજના વિવિધ ઉત્પાદનો બનાવતા અને પુરુષો એને બજારમાં વેચતા. જો એક ઘરની બે થી ત્રણ મહિલાઓ સાથે મળીને આ કામ કરતી તો અમે દિવસના લગભગ 30 રુપિયા કમાઈ શકતા, જે અમારું ઘર ચલાવવા માટે પૂરતા હતા.
લગભગ એક દાયકા પહેલા, મૂંજની માંગ ઘટી ગઈ હતી; આ હસ્તકલા સાથે સંકળાયેલી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો હતો અને બહુ ઓછા ઉત્પાદનો વેચાતા હતા. પછી અણધારી મદદ મળી - 2013 માં યુપી સરકારે તેની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ઓઓડીપી - ODOP) યોજના શરૂ કરી અને મૂંજને પ્રયાગરાજ જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદન તરીકે પસંદ કરવામાં આવ્યું, મૂંજ સંબંધિત હસ્તકલાનો ઇતિહાસ ઓછામાં ઓછા સાત દાયકાઓ જૂનો છે.
પ્રયાગરાજ જિલ્લાના ઉદ્યોગના ડેપ્યુટી કમિશનર અજય ચૌરસિયા કહે છે, "ઓડીઓપીના દરજ્જાને કારણે [મૂંજ ઉત્પાદનોની] માંગ અને વેચાણમાં વધારો થયો છે, અને ઘણા કારીગરો (આ હસ્તકલા તરફ) પાછા ફર્યા છે અને નવા લોકો પણ [આ કળામાં] જોડાઈ રહ્યા છે." તેઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વડા પણ છે, જે રાજ્ય સરકારની સંસ્થા છે જેના દ્વારા કારીગર મહિલાઓને ઓડીઓપી યોજનાના લાભો આપવામાં આવે છે. તેઓ ઉમેરે છે, "અમે જે મહિલાઓ આ કરવા માટે આગળ આવે છે તેમને તાલીમ આપી રહ્યા છીએ અને કિટનું વિતરણ કરી રહ્યા છીએ અને અમારું લક્ષ્ય વાર્ષિક 400 મહિલાઓને તાલીમ આપવાનું છે." આ કેન્દ્ર પ્રાંતીય અને રાષ્ટ્રીય સ્તરે નિયમિત મેળાઓનું આયોજન કરીને આ હસ્તકલાને પ્રોત્સાહન પૂરું પાડે છે.
માહેવાની ઉદ્યોગસાહસિક મહિલાઓએ મૂંજને પ્રોત્સાહન આપવાના પગલાને હૃદયપૂર્વક આવકાર્યું અને પોતાની આવકમાં ઉમેરો કરવાની તક ઝડપી લીધી. ફાતિમા કહે છે કે હવે તેમને વોટ્સએપ પર ઓર્ડર મળે છે અને કામ અને કમાણી મહિલાઓમાં સમાન રીતે વહેંચવામાં આવે છે.
ઓડીઓપી યોજનાએ તેમના ઘરઆંગણે ભંડોળ પણ લાવી દીધું છે. ફાતિમા કહે છે, “આ યોજનાને કારણે અમે લોન મેળવી શકીએ છીએ. મારા એસએચજીમાં ઘણાએ કામ શરૂ કરવા માટે 10000 થી 40000 રુપિયા લીધા છે." આ યોજના લોનની કુલ રકમ પર 25 ટકા સબસિડી આપે છે - એટલે કે લોનની રકમના 25 ટકા માફ કરવામાં આવે છે. લોનની બાકીની રકમ જો ત્રણ મહિનાની અંદર ચૂકવવામાં આવે તો તે વ્યાજમુક્ત છે, અને ત્યારપછી તેના પર વાર્ષિક પાંચ ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવે છે.
આ યોજના અન્ય સ્થળોએથી પણ મહિલાઓને આકર્ષવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. આયેશાની પરિણીત પુત્રી નસરીન માત્ર 10 કિલોમીટર દૂર ફૂલપુર તહેસીલના અંદાવા ગામમાં રહે છે. 26 વર્ષના નસરીન, જેઓ શિક્ષણ અને મનોવિજ્ઞાનમાં સ્નાતક છે તેઓ કહે છે, "અહીં [અંદાવામાં] એ જ ઘાસનો ઉપયોગ માત્ર વરસાદના પાણીને (ઘરની) અંદર પ્રવેશતું અટકાવવા માટે ટાઈલ્સ મૂકતા પહેલા છત ઢાંકવા માટે કરવામાં આવે છે." પોતાના ઘરમાં (પિયરમાં) મૂંજકલાની આર્થિક સંભાવના જોઈને તેઓ અહીં એ હસ્તકલા શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વીસ વર્ષ પહેલાં રોટલી રાખવા માટેની મૂંજની ટોપલી 20 રુપિયામાં વેચાતી. આજે એ જ ટોપલી 150 કે તેથી વધારે રુપિયામાં વેચાય છે, અને ફુગાવા છતાં તેને પ્રમાણમાં સારી કમાણી ગણવામાં આવે છે. તેથી જ 60 વર્ષની ઉંમરે પણ ફાતિમાના પાડોશી, જેમનું નામ પણ આયેશા બેગમ છે, તેમનો આ હસ્તકલા માટેનો ઊંડો રસ હજી ય એવો એ એવો જ છે, જરા ય ઝાંખો નથી થયો - જો કે તેમની આંખો ઝાંખી થઈ છે, જો તેઓ ખૂબ લાંબો સમય કામ કરે તો આંખોને તકલીફ થાય છે. તેઓ કહે છે, “હું બનાવેલી વસ્તુ દીઠ લગભગ 150-200 રૂપિયા કમાઈ શકું છું. નવરા બેસી રહેવાને બદલે હું પૈસા કમાઉ છું અને મારો સમય પણ પસાર થાય છે." તેઓ પોતાના ઘરના આગળના આંગણામાં સાદડી પર બેઠા છે, તેમની પીઠ દીવાલને ટેકવેલી છે અને ટોપલીનું ઢાંકણું ગૂંથતી તેમની આંગળીઓ અંદર અને બહાર ફરતી રહે છે.
તેમની વાત સાંભળી રહેલા તેમના પતિને ધ્યાન દોરે છે, "આ પછી તે પીઠના દુખાવાની ફરિયાદ કરશે." ચાની દુકાનના એક નિવૃત્ત માલિક, મોહમ્મદ મતીનને અમે જ્યારે પૂછીએ છીએ કે શું પુરુષો આ કામ કરે છે ત્યારે તેઓ હસે છે. તેઓ કહે છે, "કેટલાક પુરુષો એ (કામ) કરી શકે છે, પરંતુ હું કરી શકતો નથી."
બપોર થવા આવી છે અને ફાતિમાની માતા, આસ્મા બેગમ, તૈયાર ઉત્પાદનો સાથે તેમની દીકરીને ઘેર આવ્યા છે. ફાતિમા બીજા દિવસે પ્રયાગરાજના સર્કિટ હાઉસ ખાતે યોજાઈ રહેલા નાના પ્રદર્શનમાં પ્રદર્શિત કરવા અને વેચવા માટે એ ઉત્પાદનો લઈ જશે. આસ્મા તેમણે કરેલું કામ બતાવવા માટે એક ટોપલી ઉઠાવે છે, જેના ઢાંકણા પર ઝીણવટપૂર્વક વિસ્તૃત રીતે કામ કરેલ છે. તેઓ સમજાવે છે, “ગરમ વાનગીઓ માટે સરસ કોસ્ટર બનાવવા માટે ત્રણ દિવસ જેટલો સમય લાગી શકે છે. તમારે તે ધીમેથી કરવું પડે નહીં તો ઘાસ ફાટી જાય." કારીગરો વધુ લવચીક, પાતળી વસ્તુ બનાવવા માટે ઘાસની વધારે સાંકડી પટ્ટીઓનો ઉપયોગ કરે છે જે બનાવવામાં વધુ સમય લાગે છે અને તેની ઊંચી કિંમત મળી રહે છે.
લગભગ 50-52 વર્ષના આસ્મા એક આદરણીય કલાકાર છે જેમણે તાજેતરમાં જ માહેવાથી લગભગ 25 કિલોમીટર દૂર પિપિરાસામાં પોતાને ઘેર 90 મહિલાઓને મૂંજ હસ્તકલાની તાલીમ આપી હતી. તેમના વિદ્યાર્થીઓની ઉંમર 14 થી 50 વર્ષની વચ્ચે છે. તેઓ કહે છે, "આ સારું કામ છે. આ (કામ) કોઈપણ વ્યક્તિ શીખી શકે છે, (એમાંથી) પૈસા કમાઈ શકે છે અને આ (કામ) કરીને જીવનમાં આગળ વધી શકે છે." તેઓ ઉમેરે છે, "હું જ્યાં સુધી જાત ચાલશે ત્યાં સુધી હું આ કામ કરીશ. મારી દીકરી ફાતિમા જે કામ કરી રહી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું.”
આસ્માએ 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને 18 વર્ષની ઉંમરે ફાતિમાના પિતા સાથે તેમના લગ્ન થયા હતા, જેઓ લગભગ બે એકર જમીન ધરાવતા ખેડૂત હતા. પ્રશિક્ષક તરીકે આસ્મા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી દર મહિને 5000 રુપિયા કમાય છે અને છ મહિનાના તાલીમ સત્રમાં ભાગ લેનારી છોકરીઓને મહિને 3000 રુપિયા આપવામાં આવે છે. તેઓ કહે છે, “આ છોકરીઓ [આમ] કંઈ કરતી નથી અને હવે તેઓ કંઈક શીખી રહી છે અને ઘરમાંને ઘરમાં રહીને પૈસા કમાઈ રહી છે. કેટલાક તે પૈસાનો ઉપયોગ આગળ ભણવા માટે કરશે."
ભવિષ્યમાં મૂંજ કારીગરો માટે એક મ્યુઝિયમ અને વર્કશોપ બનાવવાની યોજના છે. ફાતિમા કહે છે, “અમે મ્યુઝિયમની સ્થાપનાની રાહ જોઈ રહ્યા છીએ જેથી મુલાકાતીઓ અમે જે કામ કરીએ છીએ તે જોઈ શકે અને તેની કદર કરી શકે. તેમાં સૌથી વધુ ઝીણવટથી બનાવેલા ઉત્પાદનો પ્રદર્શિત કરાશે અને તમે (એ બનાવવાની) પ્રક્રિયા જોઈ શકશો." મ્યુઝિયમ સાથે જોડાયેલ વર્કશોપ વધુ મહિલાઓને (આ ક્ષેત્રે) આગળ આવવા પ્રોત્સાહિત કરશે. ચૌરસિયાના જણાવ્યા અનુસાર ગયા વર્ષે કેન્દ્ર સરકારે એક ક્રાફ્ટ વિલેજ માટે 3 કરોડ રુપિયા ફાળવ્યા હતા, એ ક્રાફ્ટ વિલેજમાં જ આ મ્યુઝિયમ હશે. તેઓ ઉમેરે છે, "એ કામ શરૂ થઈ ગયું છે પરંતુ પૂરું થવામાં થોડો સમય લાગશે."
ફાતિમા કહે છે, “વર્કશોપમાં, કેટલાક ફક્ત ગૂંથણ કરશે, કેટલાક ફક્ત રંગકામ કરશે - કામની વહેંચણી કરવામાં આવશે. એ સારું રહેશે, અમે બધા સાથે બેસીને કામ કરીશું, મૂંજ મહિલા કારીગરોનો સમુદાય રચાશે." ભવિષ્ય માટેના તેમના સપના મજબૂત ઘાસ સાથે ચુસ્તપણે સંકળાયેલ છે.
આ વાર્તા માટે ખૂબ મદદ કરવા બાદલ આ રિપોર્ટર સેમ હિગનબોથમ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર, ટેક્નોલોજી એન્ડ સાયન્સીસ (એસએચયુએટીએસ - SHUATS) , પ્રયાગરાજના પ્રો. જહાનારા અને પ્રો. આરિફ બ્રોડવેના આભારી છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક