પોતોના સમુદાયના અન્ય લોકોની માફક, જાટ ઐયૂબ અમીન કહે છે કે તે એક સંતુષ્ટ વ્યક્તિ છે. “અમે દારુ નથી પીતા, અને અમને બીજાઓની સંપત્તિની લાલચ નથી, અમે અમારી પોતાની ધૂનમાં , અમારા પોતાના તાલે ચાલીએ છીએ”.
હું જાટ ઐયૂબ અને અન્ય માલધારીઓને આશરે બે વર્ષ અગાઉ ભૂજની બહાર એક ધૂળિયા રસ્તા પર મળ્યો હતો. માલધારીઓ કચ્છના ભ્રમણશીલ પશુપાલકો છે – ગુજરાતીમાં ‘ માલ’ નો અર્થ છે પશુ (આ શબ્દનો શબ્દશઃ અર્થ છે ‘સામગ્રી’) અને ‘ધારી’ આ પશુઓના પાલન કરનારા લોકો હોય છે. તેમના ધણમાં ઊંટ, ઘેટાં, બકરીઓ, ભેંસો અને ગાયોનો સમાવેશ થાય છે.
ઘણાં માલધારી સમુદાયો ઉનાળો શરૂ થાય તે પહેલા, માર્ચ-એપ્રિલમાં, લીલા ચારણ ની શોધમાં હિજરત કરે છે. તેઓ જુલાઈ-ઑગષ્ટમાં ચોમાસું શરૂ થતા તેમનાં ગામોમાં પાછાં ફરે છે. તેમનો હિજરતનો સમય તેમનાં ઢોર પ્રમાણે બદલાય છે.પરંતુ ચાલવું એ એમના સૌનું જીવન છે. .
કચ્છના મુખ્ય માલધારી સમુદામાં છે, જાટ, રબારી અને સામ્મા. તેઓ હિંદુ (રબારી) હય , કે પછી મુસલમાન (જાટ અને સામ્મા), પણ બધાંજ સમુદાયો મૈત્રીપૂર્ણ રીતે જીવે છે અને ભ્રમણશીલ જીવનનું એક-સરખું દર્શન ધરાવે છે.
મારા માટે વિલક્ષણ માલધારીઓની તસ્વીરો ઉતારવી એ પડકારરૂપ હતું.. પર્વતીય પ્રદેશોમાં રહેવાવાળા પશુપાલકોનાસમુદાયની સરળ રાચનાની સરખામણીમાં કચ્છના આ સમુદાયની રચનાઓ જટિલ છે અને તેમને સમજવામાં સમય લાગે છે – દાખલા તરીકે જાટમાં ચાર સમુદાયોનો સમાવેશ થાય છે – ફકીરાણી જાટ , હાજિયાણી જાટ, દાનેતા જાટ અને ગરાસિયા જાટ . એમનામાંથી કેટલાક ઘણા લાંબા સમય પહેલા સ્થાયી થયેલાં છે અને ગાયો અને ભેંસો રાખે છે. માત્ર ફકીરાણી ઊંટ રાખે છે, હિજરતી હોય છે, અને આખા વર્ષ દરમિયાન સામાન્ય રીતે તેમના તાલુકામાં ફર્યા કરે છે,.
“સંત સાવલા પીરના માર્ગને અનુસરનારાઓ ફકીરાણી જાટ કહેવાય છે” એક મોટી ઉંમરના આદરણીય ફકીરાણી જાટ, અને આધ્યાત્મિક ગુરુ આગાખાન સાવલાણી જણાવ્યા પ્રમાણે 1600 ઈ.સ્વીમાં સાયલા પીરે એક દેવીદાસ રબારીને એક ઊંટ ભેટમાં આપ્યું –અને આ રીતે રબારીઓએ ખારાઈ ઊંટ રાખવાના શરૂ કર્યાં, જે તેમના માટે આજે પણ મૂલ્યવાન છે.
રૂઢિચુસ્ત ફકીરાણી જાટને કૅમેરા ગમતા નથી. મહેમાનોનું સ્વાગત એ સૌ ભલે ઊંટના દૂધની ચા થી કરે, પણ જો ફોટા લેવાની વાત આવે તો ઘસી ને ના પાડી દે છે. મેં જેમની સાથે વાતચીત કરી તેમનામાંના મોટાભાગના કુટુંબોએ તેમના રોજિંદા જીવનને કૅમેરામાં કેદ કરવાનો મારો વિચાર નકારી કાઢ્યો. .
પછી હું કચ્છના ભચાઉ તાલુકાના એક સરળ, નમ્ર ફકીરાણી જાટ ઐયૂબ અમીનને મળ્યો. તેઓ તેમના કુટુંબ -- તેમનાં પત્ની ખાતૂન અને બહેન હસીના, અને ઊંટોના એક ધણ સાથે ફરે છે છે. 2016ની શરુઆતમાં તેમણે મને મારા કૅમેરા સાથે પોતાના જીવનમાં પ્રવેશ આપ્યો.
અહીંયાના જાટ સમુદાયો મુખ્યત્વે કચ્છી ભાષા બોલો છે, તેમ છતાં, આશરે 55 વર્ષના અમીન અસ્ખલિત હિંદી બોલી શકે છે, જે, તેમના કહેવા પ્રમાણે, તેઓ રેડિયો સાંભળીને શીખ્યા છે. બીજાફકીરાણી જાટની જેમ અમીન અને એમનું કુટુંબ પખ્ખા (બરૂં, શણ, રાંઢવા અને લાકડાના બનેલા કામચલાઉ મકાનો)માં નથી રહેતા. તેઓ ખુલ્લામાં સૂવે છે, આકાશ ઓઢીને.
ફકીરાણી જાટ બે જાતના ઊંટ રાખે છે -- ખારાઈ અને કચ્છી, પણ ઐયૂબ પાસે ફક્ત ખારાઈ ઊંટો છે. અને આ પ્રાણીનો મુખ્ય ખોરાક ખારાપાટના વૃક્ષ હોવાને કારણે, તેમણે સતત ચારણની શોધમાં રહેવું પડે છે. 1982માં વનવિભાગે આ દરિયા કિનારાના તટવર્તી વિસ્તારોને સંરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કર્યા છતાં વનનાબૂદીકરણ અને ઔદ્યિગીકરણના પરિણામે અબડાસા, લખપત અને મુંદ્રાની આજુબાજુમાં ખારાપાટનો ફેલાવો ઘટતો જાય છે.. ઐયૂબ પણ ગાંડો બાવળ ( પ્રોસોપિસ યૂલિફ્લોરા) કહેવાતા એક છોડના વધતા જતા ત્રાસ વિશે વાત કરે છે, જે ઢોરો માટે સૌથી વધુ અનકૂળ ઘાસ અને બીજાં ઝાડને ઉગવા દેતો નથી.
આ મુશ્કેલીઓ છતાં, તેમના સમુદાયના બીજાં ઘણાંલોકોની જેમ, ઐયૂબ અમીન કહે છે કે તેઓ ખુશ છે: “દિવસના અંતે, અમને રોટી અને ઊંટનું દૂધ મળી રહે છે. અમે તે ખાઈને સૂઈ જઈએ છીએ.”
માલધારીઓ સાથે કામ કરનાર ભૂજ સ્થિત ટ્રસ્ટ અને બિનસરકારી સંસ્થા સહજીવનના બધાજ કાર્યકર્તાઓ , અને કચ્છની રખડુ સંસ્કૃતિ સાથે મારી ઓળખ કરાવનાર મારાં રચનાત્મક સહયોગી અને મિત્ર હાર્દિકા દાયલાણીનો હૃદયપૂર્વક આભાર .
ભાષાંતર: ધરા જોષી