ત્રણ દાયકા પહેલાં કોઈ યુવાન સંજય કાંબલેને વાંસમાંથી કારીગરી કરવાની કળા શીખવવા માંગતું ન હતું. આજે, જ્યારે તેઓ દરેકને તેમની આ મરતી કળા શીખવવા માંગે છે, ત્યારે કોઈ તેને શીખવા માંગતું નથી. 50 વર્ષીય સંજય કહે છે, “સમય કેવી રીતે બદલાઈ ગયો છે, તે વ્યંગાત્મક બાબત છે.”
તેમના એક એકરના ખેતરમાં ઉગતા વાંસમાંથી, કાંબલે મુખ્યત્વે ઇર્લા બનાવે છે, જે પશ્ચિમ મહારાષ્ટ્રના આ પ્રદેશમાં ડાંગરના ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો એક પ્રકારનો રેઇનકોટ છે. કેરલે ગામના આ રહેવાસી કહે છે, “આશરે વીસ વર્ષ પહેલાં, દરેક ખેડૂત ખેતરોમાં કામ કરતી વખતે ઇર્લાનો ઉપયોગ કરતો હતો કારણ કે અમારા શાહુવાડી તાલુકામાં ઘણો વરસાદ પડતો હતો.” જ્યારે તેઓ તેમના ખેતરમાં કામ કરતા, ત્યારે તેઓ પોતે પણ ઇર્લા જ પહેરતા હતા. વાંસનો આ રેઇનકોટ ઓછામાં ઓછો સાત વર્ષ સુધી ચાલે છે, અને “તે પછી પણ, તેને સરળતાથી સરખો કરી શકાય છે,” તેઓ ઉમેરે છે.
પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
સરકારી આંકડા દર્શાવે છે કે છેલ્લા 20 વર્ષોમાં કોલ્હાપુર જિલ્લામાં જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે વરસાદ 1,308 મીમી (2003માં) થી ઘટીને 973 (2023માં) થયો છે.
ઇર્લા બનાવતા કારીગર સંજય કાંબલે પૂછે છે, “કોને ખબર હતી કે અહીં વરસાદ એટલો બધો ઓછો થઈ જશે કે તે મારી કળાને લઈ ડુબશે?”
કાંબલે કહે છે, “અમે દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી જ ખેતી કરીએ છીએ કારણ કે અહીંની ખેતી વરસાદ પર નિર્ભર છે.” વર્ષોથી, વરસાદની અનિયમિતતાને કારણે મોટાભાગના ગ્રામજનોને મુંબઈ અને પૂણે જેવા શહેરોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે, જ્યાં તેઓ રેસ્ટોરાંમાં, ખાનગી બસ કંપનીઓમાં કંડક્ટર તરીકે, કડિયાઓ, દૈનિક વેતન મજૂરો અને શેરી વિક્રેતાઓ તરીકે અથવા સમગ્ર મહારાષ્ટ્રમાં ખેતરોમાં કામ કરે છે.


















