70 વર્ષીય ભીમા તંડાલે કહે છે કે, “લગભગ ચાર વર્ષ પહેલા મારો દીકરો મૃત્યુ પામ્યો હતો. એના એક વર્ષ પછી, મારા પતિનું મોત નીપજયું હતું.” દક્ષીણ મુંબઈના આઝાદ મેદાનમાં સખત તડકામાં બેસીને તેઓ એક જ વર્ષમાં બનેલી બે વિનાશકારી ઘટનાઓ વિષે કહે છે. એમના પતિ અને દીકરો પણ ખેતરમાં કામ કરતી વેળા બેભાન થઈને પડી ગયા હતા.
ભીમાનો દીકરો મૃત્યુ પામ્યો ત્યારે 30 વર્ષનો જ હતો અને એમના પતિ, ઉત્તમ 60 વર્ષના હતા. ખેત મજૂર તરીકે કામ કરતી ભીમા કહે છે કે, “ત્યારથી હું મારી વહુ સંગીતા સાથે મળીને ઘર ચલાવું છું. મારો પૌત્ર સુમિત 14 વર્ષનો છે. અમારે એની દેખભાળ પણ કરવી પડે છે.”
તેમ છતાં, ભીમા ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં 25-26 જાન્યુઆરી એ થનારા પ્રદર્શનમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચી ગયા છે. સંયુક્ત શેતકરી કામગાર મોર્ચા દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન દિલ્લીની સરહદો પર પ્રદર્શન કરી રહેલાં ખેડૂતો સાથે એકતા વ્યક્ત કરવા માટે કરવામાં આવ્યું છે. આ માટે મહારાષ્ટ્રના 21 જીલ્લાઓના ખેડૂતો મુંબઈ આવ્યા છે, જેમને અખિલ ભારતીય કિસાન સભા દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે.
ભીમા નાસિક જીલ્લાના ડિંડોરી તાલુકામાં આવેલ એમના ગામ, અંબેવાનીથી આવેલી 12-15 સ્ત્રીઓ સાથે શામેલ છે, જેઓ 23 જાન્યુઆરીની સવારે રવાના થઇ અને પછીના દિવસે મુંબઈ પહોંચી. એમાંથી ત્રણ ખેડૂતો વિધવા છે.
સુમન બોમ્બાલેના પતિનું મોત એક દશકા પહેલાં થયું હતું. “એમનું મોત થાક અને તણાવના લીધે થયું હતું,” સુમન કહે છે, જેમના પતિ, મોતીરામની ઉંમર એ વખતે 50 વર્ષની હતી. “અમે વર્ષોથી પાંચ એકર જમીન પર ખેતી કરીએ છીએ. તેમ છતાં અત્યાર સુધી આ જમીન અમારા નામે નથી થઇ. વન અધિકારી અમને હંમેશા પરેશાન કરે છે. મારા પતિ આ જ કારણે હંમેશા તણાવમાં રહેતા હતા.” ઉત્તમની જેમ જ, મોતીરામ પણ ખેતરમાં કામ કરતી વેળા બેભાન થઈને પડી ગયા હતા.






