એક ફોટોગ્રાફરની વાયનાડ [હોનારત]ના ઘટનાસ્થળની મુલાકાત.
ચેન્નઈથી વાયનાડ સુધીની મારી સફરમાં, હું એવા વિસ્તારો પાસેથી પસાર થયો જે સ્વયંસેવકોથી ભરપૂર હતા. ત્યાં કોઈ બસ નહોતી, અને મારે અજાણ્યા લોકો પાસેથી લિફ્ટ લેવી પડી હતી.
ત્યાં એમ્બ્યુલન્સ આવ જા કરતી હોવાથી તે જગ્યા એક યુદ્ધક્ષેત્ર જેવી લાગતી હતી. લોકો ભારે મશીનરીની મદદથી મૃતદેહોને શોધવામાં વ્યસ્ત હતા. સૂરલમલા, અટ્ટમલા અને મુંડક્કઈ નગરો ખંડેર હતા — રહેવા યોગ્ય જગ્યાઓના કોઈ ચિહ્નો ન હતા. રહેવાસીઓના જીવન વિખેરાઈ ગયા હતા, અને તેઓ પ્રિયજનોના મૃતદેહને પણ ઓળખી શક્યા ન હતા.
નદીના કાંઠે કાટમાળ અને મૃતદેહોના ઢગલા હતા, તેથી બચાવકર્તાઓ અને મૃતદેહોની શોધ કરતા પરિવારો નદીના કાંઠે લપસી જઈને રેતીમાં ફસાઈ ન જવાય તે માટે લાકડીના સહારે ચાલતા હતા. મારો પગ પણ રેતીમાં ફસાઈ ગયો હતો. મૃતદેહોની ઓળખ કરવી અશક્ય હતું, ફક્ત તેમનાં ચીંથરાં આસપાસ પથરાયેલાં હતાં. આમ તો, કુદરત સાથે મારો ઊંડો સંબંધ રહ્યો છે, પરંતુ આ અનુભવે મને હચમચાવી મૂક્યો.
ભાષાના અવરોધને લીધે, હું આ વિનાશનો ફક્ત સાક્ષી જ બની શક્યો. મેં તેમને ખલેલ પહોંચાડવાનું ટાળ્યું. હું અહીં પહેલાં આવવા માંગતો હતો પરંતુ ખરાબ તબિયતે મને રોકી રાખ્યો હતો.
વહેતા પાણીના માર્ગને અનુસરીને હું લગભગ ત્રણ કિલોમીટર ચાલ્યો. ઘરો જમીનમાં દટાયેલાં હતાં, અને કેટલાંક તો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયાં હતાં. દરેક જગ્યાએ મેં સ્વયંસેવકોને મૃતદેહો શોધતા જોયા. સૈન્યએ પણ શોધખોળ હાથ ધરી હતી. હું ત્યાં બે દિવસ રોકાયો અને તે દરમિયાન કોઈ મૃતદેહ મળ્યો ન હતો, પરંતુ તે માટેની શોધ સતત ચાલુ હતી. બધા લોકો હાર માન્યા વિના સાથે મળીને કામ કરી રહ્યા હતા, અને સાથે ખોરાક અને ચા લેતા હતા. ત્યાંની એકતાની લાગણીથી મને આશ્ચર્ય થયું હતું.































