ઉત્તર પ્રદેશના લખનૌમાં 7 વર્ષીય કજરી તેમનાં ફોઈના ત્રણ વર્ષના દીકરા સાથે તેમના ભાડાના ઘરની પાછળના આંગણામાં રમી રહી હતી, ત્યારે બે શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું.
દસ વર્ષ પછી, ડિસેમ્બર 2020માં બેંક એજન્ટ તરીકે કામ કરતો તેમનો એક અન્ય પિતરાઈ ભાઈ કામ અર્થે શહેરમાં એક ઘરની મુલાકાત લઈ રહ્યો હતો, જ્યારે તેમણે કજરી જેવી દેખાતી એક છોકરીને જોઈ, જે ઘરમાં પોતું કરતી હતી. તેમણે તેને પૂછ્યું કે તેના પિતાનું નામ શું છે? પરંતુ એક મહિલાએ વાતચીતમાં વિક્ષેપ પાડ્યો અને તેમને વાત કરવા ન દીધી. તેણે ઘરની બહાર જઈને તરત હિંસાથી પીડિત મહિલાઓ અને છોકરીઓને ટેકો આપવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત લખનૌના વન-સ્ટોપ સેન્ટરને કૉલ કર્યો. થોડા જ કલાકોમાં, મોહનલાલગંજના પોલીસ સ્ટેશન અને વન-સ્ટોપ સેન્ટરની એક પોલીસ ટીમે, ઘરમાં દરોડો પાડ્યો, કજરીને છોડાવી અને તેના પરિવારને તેની કસ્ટડી સોંપી.
હવે 21 વર્ષની વયે પહોંચેલી કજરી એક માનસિક વિકલાંગતા સાથે જીવી રહી છે, તેના નીચેના આગળના જડબાના દાંત ગાયબ છે અને તેની પાસે તેના માનવ તસ્કરી, જાતીય હુમલા, અને બાળ મજૂરીનો ભોગ બનીને વિતાવેલાં 10 વર્ષોનાં બસ અસ્પષ્ટ સંસ્મરણો જ છે.











