"મારું જીવન, મા, દેન તારી
મારા શબ્દો, જીભ તારી
ચાલ્યો ડગ પહેલું
તુજ પ્રેમ પાલવ ઝાલી
તારી આંગળી દોરે
ડગલી મારી
તારી હથેળી ઝાલી
ઘૂંટી મેં કલમ મારી”
કોલકતાના ગરિયાહાટ બજારમાં પુસ્તક વિક્રેતા મોહન દાસની હાટડીમાં આ કવિતા લગાવેલી છે. આ કવિતાના કવિ મોહન દાસ પોતે જ છે અને તેમણે આવી બીજી ઘણી કવિતાઓ લખી છે.
મણિ મોહન દાસના તખલ્લુસથી કવિતાઓ લખતા 52 વર્ષના મોહન દાસ કહે છે, "નિજેર કાજકે ભાલોબાશા ખૂબી જોરૂરી અર આમાર જોન્ને આમાર પ્રોથોમ ભાલોબાશા હોચ્છે આમાર બોઇ" [તમારા કામને પ્રેમ કરવો એ ખૂબ જ અગત્યનું છે, અને મારો પહેલો પ્રેમ એ મારા પુસ્તકો છે].".
હેરમ્બા ચંદ્ર કોલેજમાંથી કોમર્સમાં સ્નાતકની પદવી હોવા છતાં મોહનને કોઈ સારી નોકરી મળતી નહોતી. પરિણામે લગભગ ત્રણ દાયકા પહેલા તેઓ ગરિયાહાટની શેરીઓમાં પુસ્તકો અને સામયિકો વેચવા મજબૂર બન્યા.
કોઈ જ પ્રકારની યોજના વિના સાવ અણધારી રીતે જ આ ધંધો શરુ કર્યો હોવા છતાં તેમણે ક્યારેય આ ધંધો બદલવાનું વિચાર્યું નથી. તેઓ કહે છે, “એ [પુસ્તકો વેચવા એ] મારે મન માત્ર પૈસા કમાવવાનો રસ્તો નથી. એ તેના કરતાં ઘણું વધારે છે. પુસ્તકો માટે મને પારાવાર પ્રેમ છે, પુસ્તકો મારો શોખ છે."
મોહનની પુસ્તકોની હાટડી દક્ષિણ કોલકતામાં ગોલપાર્ક વિસ્તારની નજીક હંમેશા વ્યસ્ત રહેતા ચાર રસ્તા પરના ગરિયાહાટ બજારમાં આવેલી આશરે 300 પૈકીની એક છે. આ બજારમાં નાસ્તા, ફળો અને શાકભાજી, માછલી, કપડાં, પુસ્તકો અને રમકડાં ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ વેચાય છે, બજારમાં કેટલીક કાયમી દુકાનો છે તો કેટલીક કામચલાઉ હાટડીઓ છે.
મોહન કહે છે કે તેમના જેવી કામચલાઉ હાટડીઓ ધરાવતા દુકાનદારો અને આ શેરીની કાયમી દુકાનોના માલિકો એક પરિવાર જેવા જ છે. તેઓ કહે છે, "લોકોમાં એવી ગેરસમજ છે કે દુકાનના માલિકોને અહીં અમારી [શેરી ફેરિયાઓની] હાજરી ખૂંચે છે, પરંતુ હકીકતમાં એવું નથી." તેઓ એકમેકના મિત્રો છે અને સાથે મળીને, વહેંચીને જમે છે.
મોહનના દિવસો લાંબા હોય છે. તેઓ સવારે 10 વાગે પોતાની દુકાન ખોલે છે અને રાત્રે 9 વાગે બંધ કરે છે - તેઓ દરરોજ 11 કલાક કામ કરે છે. જો કે તેમને આ કામ ગમે છે, પરંતુ તેમાંથી થતી કમાણીથી તેઓ ખુશ નથી, કારણ કે એ કમાણીમાંથી તેઓ પોતાનું અને પોતાના પાંચ જણના પરિવારનું ગુજરાન ચલાવી શકતા નથી. મોહન કહે છે, "કોખોનો તાકા પાઈ કોખોનો આબાર એક બેલા ખબરાર મોટોનો તાકા પાઈના" [ક્યારેક કમાણી સારી હોય તો ક્યારેક અમને એક ટંક ખાવા પૂરતાય પૈસા ન મળે]."
પુસ્તક વિક્રેતા અને કવિ મોહન પોતાની દીકરી પૌલોમી માટે ઉજ્જવળ ભવિષ્યના સપના જુએ છે, પૌલોમી હાલ કલકત્તા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની પદવી મેળવવા માટેનો અભ્યાસ કરી રહી છે. મોહન કહે છે કે તેમણે પોતાની બે બહેનો, પ્રતિમા અને પુષ્પાના લગ્ન કરાવવા પડશે અને એ માટે પૈસાની વ્યવસ્થા પણ કરવી પડશે.
આજીવિકાની અનિશ્ચિતતા છતાં મોહન હિંમત હારતા નથી, નિરાશ થતા નથી, તેઓ કહે છે, “કોઈ અમને અહીંથી હાંકી કાઢશે એવો મને ડર નથી. મારા જેવા ઘણા શેરી વિક્રેતાઓ છે અને અમારી આજીવિકા આ શેરી પર જ નિર્ભર છે. અમને અહીંથી કાઢી મૂકવાનું સરળ નથી.” પરંતુ એ માટેના પ્રયાસો થયા છે ખરા.
1996માં તત્કાલીન રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરના અમુક ભાગોમાં ફૂટપાથ પરથી ફેરિયાઓને હાંકી કાઢવા માટે હાથ ધરાયેલ અભિયાન ‘ઓપરેશન સનશાઇન’ ને યાદ કરતા મોહન કહે છે, “શું કરવું એની મને કંઈ જ સૂઝ પડતી નહોતી."
એ વખતે મોહન - પશ્ચિમ બંગાળમાં તત્કાલીન સત્તાધારી ડાબેરી મોરચાના ગઠબંધનના સભ્ય પક્ષ - ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ) ના સભ્ય હતા. તેમને બરોબર યાદ છે તેમણે પક્ષની ઓફિસમાં જઈને અધિકારીઓને આ અભિયાનનો અમલ ન કરવાની વિનંતીઓ કર્યાનું, પરંતુ અધિકારીઓ નમતું જોખવા તૈયાર ન હતા. જોકે સરકાર અને મ્યુનિસિપલ સત્તાવાળાઓએ આ વિસ્તારમાંની મોટાભાગની ફેરિયાઓની કામચલાઉ દુકાનો તોડી પાડી એ પહેલાં પોતાનો માલસામાન ત્યાંથી ઉઠાવી લઈ શકનાર નસીબદારોમાંના મોહન એક હતા.
તેઓ કહે છે, "સરકારે ઉતાવળમાં અચાનક લીધેલો એ નિર્ણય હતો. સરકારને ક્યારેય ખ્યાલ સરખોય ન આવ્યો કે એ એક રાતમાં કેટકેટલા લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું." મહિનાઓના વિરોધ પ્રદર્શન અને કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કર્યા પછી જ મોહન અને બીજા કેટલાક લોકો તેમની દુકાન ફરીથી ખોલી શક્યા હતા. 3 જી ડિસેમ્બર, 1996 ના રોજ દક્ષિણ કલકત્તા હોકર્સ યુનિયનના નેતૃત્વ હેઠળ આ બન્યું હતું. આ સંગઠન હોકર સંગ્રામ સમિતિનો ભાગ છે, અને મોહન તેના સભ્ય છે. મોહન ઉમેરે છે કે એ ઘટના પછી તેમણે (ભારતીય કોમ્યુનિસ્ટ) પાર્ટી છોડી દીધી અને તે દિવસ પછી તેઓ કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં સામેલ થયા નથી.
*****
“આજકલ અર કેઉ બોઇ પોરેના. [આજકાલ કોઈ ખરેખર પુસ્તકો વાંચતું જ નથી]." મોહન કહે છે કે ગૂગલને કારણે તેમણે ઘણા ગ્રાહકો ગુમાવ્યા છે. તેઓ કહે છે, “હવે આપણી પાસે આ ગૂગલ (Google) નામની ચીજ છે. લોકો તેમને જોઈતી ચોક્કસ માહિતી શોધે છે અને તેમને બરોબર એ જ માહિતી મળી જાય છે.” કોવિડ -19 મહામારીને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
તેઓ કહે છે, "અગાઉ ક્યારેય મેં મારી મરજીથી દુકાન બંધ રાખી નથી, પરંતુ કોવિડ દરમિયાન મારી પાસે નવરા બેસી રહેવા સિવાય કોઈ રસ્તો જ નહોતો." મહામારી દરમિયાન મોહનની બધી જ બચત ખર્ચાઈ ગઈ. જાન્યુઆરી 2023માં પારી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "ધંધોની આટલી ખરાબ હાલત પહેલા ક્યારેય નહોતી."
મોહનનું માનવું છે કે સરકાર દ્વારા જારી કરાયેલ વેન્ડિંગ લાયસન્સ તેમના ધંધાની અનિશ્ચિતતા ઘટાડવામાં મદદરૂપ થશે. તેમણે પાંચ વર્ષ પહેલા લાયસન્સ માટે અરજી કરી હતી પરંતુ હજી સુધી તેમને લાયસન્સ મળ્યું નથી. લાયસન્સની ગેરહાજરીમાં તેઓ હોકર્સ યુનિયનના સભ્ય હોવાને કારણે તેમની પાસે એ એકમાત્ર સુરક્ષા છે એવું તેમને લાગે છે, યુનિયનની સભ્ય ફી પેટે તેઓ દર અઠવાડિયે 50 રુપિયા આપે છે. તેનાથી પોતાની હાટડી ઊભી કરવા બજારમાં તેમને એક નિશ્ચિત જગ્યા પણ મળે છે.
મોહને કહ્યું કે 2022 ના અંતમાં કોલકતા મ્યુનિસિપલ કોર્પોરેશને પશ્ચિમ બંગાળ અર્બન સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઑફ લિવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઑફ સ્ટ્રીટ વેન્ડિંગ) રુલ્સ, 2018 લાગુ કરવાનું નક્કી કર્યું હતું. તમામ ફેરિયાઓને તેમની દુકાનોને ઢાંકતી, ઉપર લગાવેલી કોઈપણ પ્રકારની પ્લાસ્ટિક શીટ્સ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મોહન કહે છે, “હમણાં [શિયાળામાં] તો ઠીક છે. "પણ વરસાદ પડશે ત્યારે અમે શું કરીશું?"
মা আমার মা
সবচে কাছের তুমিই মাগো
আমার যে আপন
তোমার তরেই পেয়েছি মা
আমার এ জীবন
প্রথম কথা বলি যখন
তোমার বোলেই বলি
তোমার স্নেহের হাত ধরে মা
প্রথম আমি চলি
হাতটি তোমার ধরেই মাগো
চলতে আমার শেখা
হাতটি তোমার ধরেই আমার
লিখতে শেখা লেখা
করতে মানুষ রাত জেগেছ
স্তন করেছ দান
ঘুম পাড়াতে গেয়েছে মা
ঘুম পাড়ানি গান
রাত জেগেছ কত শত
চুম দিয়েছ তত
করবে আমায় মানুষ, তোমার
এই ছিল যে ব্রত
তুমি যে মা সেই ব্রততী
যার ধৈয্য অসীম বল
সত্যি করে বলো না মা কী
হল তার ফল
আমার ব্রতের ফসল যেরে
সোনার খুকু তুই
তুই যে আমার চোখের মনি
সদ্য ফোটা জুঁই ।
મા, મારી મા
કોઈ બીજું નથી
મારે તારાથી અદકું
મા,
મારી મા
મારું જીવન,
મા, દેન તારી
મારા શબ્દો,
જીભ તારી
ચાલ્યો ડગ પહેલું
તુજ પ્રેમ પાલવ
ઝાલી
તારી આંગળી
દોરે
ડગલી મારી
તારી હથેળી
ઝાલી
ઘૂંટી મેં કલમ
મારી
છાતીએ વળગાડી
મને ધાવતી
તું રાતોની
રાત હતી જાગતી
મીઠાં હાલરડાં
સંભળાવતી
મા તું મને
કેવી હતી પોઢાઢતી
હળવે હળવે ચુંબન
ચોઢતી
તું રાતો ની
રાતો, મા, જાગતી.
લીધું તેં પણ
જાણે, જાતે કંડારીને
મને માણસ બનાવતી
ધન્ય છે તારી
ધીરજ!
મા, કહે સાચેસાચ
છેવટ શું પામી
તું?
તું મારા વ્રતનું
ફળ
તું મારી
સોનપરી,
તું મારી આંખનો
ગુલાલ
તું મારો ચમેલીનો
મઘમઘતો બાગ
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક