અહીં માજુલીમાં ગાયના છાણ, માટી અને વાંસનો ઉપયોગ કરીને મહોરાં બનાવવામાં આવે છે. બ્રહ્મપુત્રાના આ ટાપુ પર કારીગરોની પેઢીઓની પેઢીઓ આ કૌશલ્યનો અભ્યાસ કરે છે. કારીગર અનુપમ ગોસ્વામી કહે છે, “અમારી સંસ્કૃતિ માટે મહોરાં મહત્વપૂર્ણ છે, અને અમે હજી આજે પણ મહોરાં બનાવી રહેલા કેટલાક છેલ્લા થોડાઘણા પરિવારોમાંથી એક છીએ.” અહીં બનાવેલા સરળ મહોરાં અને ઝીણવટપૂર્વક તૈયાર કરેલા જટિલ મહોરાં બ્રહ્મપુત્રાના આ ટાપુ પર ઉજવાતા વાર્ષિક નાટ્યકાર્યક્રમોમાં અને દેશભરના તહેવારોમાં પહેરાય છે.
25 વર્ષના અનુપમ કહે છે, “મારી પારિવારિક પરંપરાને આગળ લઈ જવાની મારી જવાબદારી છે." તેમનો પરિવાર પેઢીઓથી આ કામ કરી રહ્યો છે અને નવ જણના આ પરિવારની દરેક વ્યક્તિ આ હસ્તકલા સાથે સંકળાયેલ છે.
44 વર્ષના ધીરેન ગોસ્વામી કહે છે, “દુનિયાભરમાંથી ઘણા પ્રવાસીઓ માજુલીની મુલાકાતે આવે છે અને સંભારણા તરીકે તેઓ મહોરાં ખરીદે છે." તેઓ અનુપમના કાકા છે, તેઓ પરિવારની માલિકીની દુકાનમાં વિવિધ કદના મહોરાં વેચે છે. એક મહોરાની કિંમત 300 રુપિયા હોય છે પણ ખાસ જરૂરિયાત પ્રમાણે ફેરફારો કરીને બનાવેલા મોટા મહોરાની કિંમત 10000 રુપિયા જેટલી ઊંચી પણ જઈ શકે છે.
માજુલી એ ભારતનો સૌથી મોટો નદી-ટાપુ છે અને 2011 ની વસ્તી ગણતરી મુજબ તેને '62 સત્રો [વૈષ્ણવ મઠો] સાથે આસામી વૈષ્ણવ ધર્મ અને સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે'.
મહોરાં બનાવવા માટેની સામગ્રી - માટી અને વાંસ - બ્રહ્મપુત્રા પાસેથી મળી રહે છે. માજુલી આ નદી પરનો એક મોટો ટાપુ છે, બ્રહ્મપુત્રા નદી દુનિયાની સૌથી મોટી નદીતટીય પ્રણાલી ધરાવે છે, જે ભારતમાં 194413 ચોરસ કિલોમીટર પર વિસ્તારમાં ફેલાયેલ છે. હિમાલયન ગ્લેશિયર પીગળવાને કારણે અને ચોમાસાના ભારે વરસાદને કારણે નદી પાણીથી ભરાઈ જાય છે અને આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે: પરિણામે માજુલી અને આસપાસના ટાપુઓમાં થતું વાર્ષિક ધોવાણ એ એક કાયમી ખતરો છે.
મહોરાં બનાવનાર કલાકારો ધોવાણની અસર અનુભવી રહ્યા છે. ઈન્ડિયા ડેવલપમેન્ટ રિવ્યુમાં ધીરેન ગોસ્વામી લખે છે કે, “માજુલીમાં જમીનના સતત ધોવાણને કારણે [મહોરાં બનાવવા] માટે જરૂરી માટી મેળવવી મુશ્કેલ બની છે." નજીકના બજારમાંથી કુંભાર-માટી અથવા માટી ખરીદવા માટે તેઓ એક ક્વિન્ટલ માટીના 1500 રુપિયા ચૂકવે છે. અનુપમ ઉમેરે છે, "અગાઉ અમે મહોરાં રંગવા માટે કુદરતી રંગોનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે એ રંગો મેળવવાનું મુશ્કેલ બની ગયું છે."
ધીરેનના મતે આ હસ્તકલાનું મૂળ મહાપુરુષ શ્રીમંત શંકરદેવે લખેલા નાટકોમાંના એક નાટકની રજૂઆતમાં છે. “માત્ર મેકઅપ વડે કેટલાક [પૌરાણિક] પાત્રોનો દેખાવ ઊભો કરવાનું મુશ્કેલ હતું. તેથી શંકરદેવે મહોરાં બનાવ્યા જે આ નાટકમાં પહેરવામાં આવ્યા હતા અને એ રીતે આ પરંપરા શરૂ થઈ.”
ગોસ્વામી પરિવાર સમગુરી સત્રામાં સંગીત કલા કેન્દ્ર ચલાવે છે, આ સત્રા 1663 માં સ્થપાયેલ છે. સત્રો એ પરંપરાગત કલા પ્રદર્શન (ગીત-સંગીત, નૃત્ય, નાટકના કાર્યક્રમોની રજૂઆત) માટેના કેન્દ્રો છે, આ સત્રોની સ્થાપના સમાજ સુધારક અને સંત મહાપુરુષ શ્રીમંત શંકરદેવે કરી હતી.
અનુપમ ગોસ્વામી કહે છે, 'અમારી સંસ્કૃતિ માટે મહોરાં મહત્વપૂર્ણ છે, અને અમે હજી આજે પણ મહોરાં બનાવી રહેલા કેટલાક છેલ્લા થોડાઘણા પરિવારોમાંથી એક છીએ'
તેમની વર્કશોપમાં બે રૂમનો સમાવેશ થાય છે. આ રૂમ તેમના ઘરથી માંડ 10 ડગલાં દૂર છે. હાથીનું મહોરું બનાવવા માટેનું મોટું અને અધૂરું વાંસનું હાડપિંજર મહોરું પૂરું થવાની રાહ જોતું ખૂણામાં એક ટેબલ પડ્યું છે. 2003 માં, ધીરેન ગોસ્વામીના સ્વર્ગસ્થ પિતા, કોશા કાંતા દેવા ગોસ્વામીને આ વર્કશોપની સ્થાપના અને આ કલા સ્વરૂપમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો.
વર્કશોપમાં એક્ઝિબિશન હોલની દિવાલો પર વિવિધ આકાર, કદ અને રંગોના મહોરાં કાચના કબાટમાં મૂકેલા છે. કબાટમાં ન માય તેવા - લગભગ 10 ફૂટ ઊંચા ફુલ-બોડી માસ્ક (મહોરાં) - બહાર મૂકવામાં આવે છે. ધીરેન અમને ટાપુ પર ભાઓના (ધાર્મિક સંદેશાઓ સાથેના મનોરંજનના પરંપરાગત સ્વરૂપ) અથવા રાસ મહોત્સવ (કૃષ્ણના નૃત્યના ઉત્સવ) જેવા ધાર્મિક તહેવારો દરમિયાન વપરાતું ગરુડનું ફૂલ-બોડી માસ્ક (મહોરું) બતાવે છે.
અનુપમ કહે છે, “2018 માં અમને અમેરિકાના એક મ્યુઝિયમમાંથી આ કદના 10 મહોરાંનો ઓર્ડર મળ્યો. એ ખૂબ ભારે હતા એટલે અમેરિકા મોકલી શકાય એ માટે અમારે ડિઝાઈન બદલવી પડી."
તે નવીનીકરણની શરૂઆત હતી - કારીગરોએ વાળી શકાય એવા અને સરળતાથી છૂટા કરી બીજે સ્થળે મોકલી શકાય અને ફરી પાછા ભેગા કરી શકાય એવા મહોરાં બનાવવાનું શરૂ કર્યું. પરંપરાનું ઉલ્લંઘન થયું છે એવું માનતા તેમના ટીકાકારોની વાત ધ્યાન પર ન લેતા અનુપમ કહે છે, “અમે મહોરાં પ્રસ્તુત કરવાની રીતમાં ફેરફાર કર્યો છે. એકવાર કેટલાક પ્રવાસીઓએ કહ્યું કે તેઓને ભેટ તરીકે આપવા વોલહેંગિંગ જોઈએ છે, તેથી અમે તેમના માટે આ મહોરાં બનાવ્યા. (બદલાતા) સમય સાથે બધાએ બદલાવું પડે.
હવે તેમનું વેચાણ મુખ્યત્વે પ્રવાસન પર આધારિત છે. અનુપમ ચિંતા સાથે કહે છે, “પહેલા ક્યારેય અમે કમાણી પર ધ્યાન આપ્યું ન હતું. પ્રવાસી મહિનાઓ દરમિયાન પણ [નાણાકીય] સ્થિરતા હોતી નથી."
(પારિવારિક કલાની જાળવણી અને આર્થિક સ્થિરતા) બંને વચ્ચે સંતુલન સાધવા કૃતનિશ્ચયી, તાજેતરમાં દિબ્રુગઢ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ટુરિઝમ કરનાર યુવા સ્નાતક અનુપમ પ્રવાસન ઉદ્યોગમાં બીજી તકો શોધી રહ્યા છે. તેઓ કહે છે, "અમારા પરંપરાગત વ્યવસાયને કેવી રીતે આગળ વધારવો તે વિશે મારી પાસે ઘણા વિચારો અને સપના છે, પરંતુ હું જાણું છું કે [આ વ્યવસાયમાં] મૂકવા માટે પહેલા મારે મારી પોતાની બચત ઊભી કરવી પડશે."
આ પરિવાર જે કોઈ આ કલા શીખવા માગતું હોય તેને શીખવવાનું ચાલુ રાખે છે. અનુપમ કહે છે, “અમારી પાસે દર વર્ષે ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ આવે છે. તેઓ મોટે ભાગે નજીકના ગામડાઓમાં ખેતી કરતા પરિવારોમાંથી આવે છે. શરૂઆતમાં મહિલાઓ [આ હસ્તકલાનો] ભાગ બની શકતી નહોતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે." વિદ્યાર્થીઓએ તેમની વર્કશોપમાં બનાવેલા મહોરાં વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવે છે અને વેચાણ કિંમતના કેટલાક ટકા વિદ્યાર્થીને મળે છે.
વિદ્યાર્થીઓમાંથી એક ગૌતમ ભુયાણ હાલ વર્કશોપમાં આગામી ઓર્ડર માટે મહોરું બનાવી રહ્યા છે. 22 વર્ષના આ યુવાન કમલાબારી બ્લોકમાં નજીકના પોટિયારી કસ્બામાં રહે છે, ત્યાં તેમનો પરિવાર પોતાની આઠ વીઘા (આશરે બે એકર) જમીન પર ચોખા ઉગાડે છે. તેઓ કહે છે, "લોકોને અહીં મહોરાં બનાવતા જોઈને મને એ શીખવાનું મન થયું હતું, તેથી શાળા છૂટ્યા પછી જ્યારે મારે ખેતરમાં મદદ કરવાની જરૂર ન હોય ત્યારે અહીં (મહોરાં બનાવતા) શીખવાનું શરૂ કર્યું હતું."
ગૌતમ હવે મહોરાં માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફત વ્યક્તિગત ઓર્ડર લે છે. તેઓ કહે છે, “મારી કમાણીનો આધાર ઓર્ડર પર છે. કેટલીક વાર જ્યારે અહીં કેન્દ્રને મોટા ઓર્ડર મળે છે ત્યારે હું અહીં પણ કામ પણ કરું છું.” તેઓ ઉમેરે છે કે આ હસ્તકલા શીખવાથી તેમને પૈસા ઉપરાંત ઘણું બધું મળ્યું છે. તેઓ હસીને કહે છે, “જ્યારે જ્યારે અમે મહોરાં સાથે [નાટકની] રજૂઆતો કરીએ છીએ ત્યારે મને દેશભરમાં મુસાફરી કરવા મળે છે. મને પેલા ઢગલાબંધ વ્યૂઝ મેળવનાર બોલિવુડ મ્યુઝિક વીડિયોમાં પણ અભિનય કરવા મળ્યો હતો!
ગૌતમ અને અનુપમે તાજેતરમાં જ એક બોલિવુડ મ્યુઝિક વીડિયોમાં અભિનય કર્યો હતો. આ વીડિયોને યુટ્યુબ પર 45 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા. અનુપમે રામાયણના 10 માથાવાળા રાવણનું પાત્ર ભજવ્યું હતું અને તેમણે પોતે બનાવેલા મહોરાંમાં શરૂઆતના જ શોટમાં તેઓ દેખાયા હતા. તેઓ કહે છે, જોકે "તેના માટે ક્રેડિટ્સમાં મારા નામનો ઉલ્લેખ સરખોય થયો નથી." તેઓ ઉમેરે છે કે વીડિયોમાં અભિનય કરનાર અને પોતાના અભિનયને અનુરૂપ કોસ્ચ્યુમ બનાવનાર તેમના બે સાથી કારીગરોના નામનો પણ ક્રેડિટ્સમાં ઉલ્લેખ કરાયો નથી.
આ વાર્તામાં સહકાર આપવા બદલ આ પત્રકાર પારીના ભૂતપૂર્વ ઈન્ટર્ન સબઝારા અલી, નંદિની બોહરા અને વૃંદા જૈનનો આભાર માને છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક