જ્યારે નારાયણ ગાયકવાડ તેમના ખેતરમાં ઉગતા મુઠ્ઠીભર એરંડાના છોડ જુએ છે, ત્યારે તેઓ તેમના કોલ્હાપુરી ચંપલને યાદ કરે છે − જે છેલ્લે 20 વર્ષ પહેલાં ઉપયોગમાં લેવાયાં હતાં. તેલ અને આ પ્રદેશના પ્રખ્યાત પગરખાં વચ્ચેના ગાઢ જોડાણને દર્શાવતાં 77 વર્ષીય ખેડૂત કહે છે, “અમે કોલ્હાપુરી ચંપલમાં એરંડિયું લગાવતા હતા. તેનાથી તેનું આયુષ્ય વધારવામાં મદદ મળતી હતી.”
કોલ્હાપુર જિલ્લામાં એરંડિયું મુખ્યત્વે કોલ્હાપુરની ચંપલને ઊંજણ કરવા માટે કાઢવામાં આવે છે. ભેંસ અથવા ગાયના ચામડામાંથી બનાવવામાં આવતાં આ પગરખાંની નરમાઈ અને આકારને જાળવી રાખવા માટે તેને ઊંજણ કરવામાં આવતું હતું, અને આ માટે પસંદગીનું તેલ એરંડિયું હતું.
આ છોડ મૂળ કોલ્હાપુરમાં ન ઉગતો હોવા છતાં, એરંડા (રિસિનસ કમ્યુનિસ) આ પ્રદેશનો લોકપ્રિય પાક હતો. લીલા પાંદડાવાળા આ જાડા દાંડા વાળા છોડને આખા વર્ષમાં ગમે ત્યારે ઉગાડી શકાય છે. ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ એરંડાનું ઉત્પાદન કરતો દેશ છે, જેણે 2021-22માં અંદાજે 16.5 લાખ ટન એરંડાનું ઉત્પાદન કર્યું હતું. ભારતમાં એરંડાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને રાજસ્થાન છે.
નારાયણ કહે છે, “માજે વડીલ 96 વર્ષ જાગલે [મારા પિતા 96 વર્ષ સુધી જીવ્યા હતા] − અને તેમણે દર વર્ષે એરંડી (એરંડા)નું વાવેતર કર્યું હતું.” નારાયણે પણ આ પરંપરા ચાલુ રાખી છે અને વર્ષ-દર-વર્ષે તેમના 3.25 એકરના ખેતરમાં એરંડાનું વાવેતર કર્યે જાય છે. તેઓ માને છે કે તેમનો પરિવાર લગભગ 150 વર્ષથી એરંડા ઉગાડી રહ્યો છે. નારાયણ અખબારમાં સુરક્ષિત રીતે વીંટાળેલા બીજ તરફ ધ્યાન દોરતાં ઉમેરે છે, “અમે એરંડીના બીન આકારના આ સ્વદેશી બીજને સાચવી રાખ્યા છે. તેમનો ઇતિહાસ ઓછામાં ઓછી એક સદી જૂનો છે. ફક્ત બાઈકો આણી મી શેવકીણ [હવે માત્ર હું અને મારી પત્ની જ તેની સંભાળ રાખીએ છીએ].”
નારાયણ અને તેમનાં 66 વર્ષીય પત્ની કુસુમ પણ તેઓ ઉગાડતા એરંડામાંથી જાતે જ તેલ કાઢે છે. આસપાસ તેલની મિલોનો ફેલાવો હોવા છતાં, તેઓ મહેનત માગી લેતી હાથથી તેલ કાઢવાની પ્રક્રિયાને વળગી રહ્યાં છે. નારાયણ કહે છે, “પહેલાં અમે દર ત્રણ મહિને એક વાર તેલ કાઢતા હતા.”
તેમનાં સાસુ પાસેથી એરંડિયું બનાવવાની કળા શીખનારાં કુસુમ કહે છે, “જ્યારે હું નાનો હતો, ત્યારે લગભગ દરેક પરિવાર એરંડાનું વાવેતર કરતો હતો અને તેનું તેલ કાઢતો હતો. પરંતુ અહીં દરેક વ્યક્તિએ એરંડાની ખેતી કરવાનું બંધ કરીને શેરડીની ખેતી કરવાનું શરૂ કરી દીધું છે.”
વર્ષ 2000 સુધી ગાયકવાડ પરિવારે તેમની જમીન પર સોથી વધુ એરંડાના છોડ ઉગાડ્યા હતા. આ સંખ્યા હવે ઘટીને માત્ર 15 છોડની થઈ ગઈ છે, અને કોલ્હાપુર જિલ્લાના જાંભલી ગામમાં હજુ પણ આ છોડ ઉગાડતા હોય તેવા મુઠ્ઠીભર ખેડૂતોમાં તેઓ સામેલ છે. કોલ્હાપુરમાં એરંડાના ઉત્પાદનમાં ઘટાડા સાથે, તેઓ ઉમેરે છે, “હવે અમે દર ચાર વર્ષે ભાગ્યે જ તેલ કાઢી શકીએ છીએ.”
તાજેતરના વર્ષોમાં કોલ્હાપુરી ચંપલની માંગમાં ઘટાડો થવાથી આ પ્રદેશમાં એરંડિયાના ઉત્પાદનને પણ ગંભીર અસર થઈ છે. આ પાછળનું કારણ સમજાવતાં નારાયણ કહે છે, “કોલ્હાપુરી ચંપલ મોંઘાં હોય છે અને હાલમાં તેની કિંમત ઓછામાં ઓછી 2,000 રૂપિયા થાય.” તેનું વજન પણ લગભગ બે કિલોગ્રામ જેટલું હોય છે અને ખેડૂતોમાં હવે તેની લોકપ્રિયતા ઘટી ગઈ છે. તેના બદલે હવે ઘણી સસ્તી અને હળવી રબરની ચંપલ પસંદ કરવામાં આવે છે. અને નારાયણ તેમની જમીન પર એરંડા વાવવાનું બંધ કરવાનું કારણ સમજાવતાં કહે છે, “મારા પુત્રોએ મોટા પાયે શેરડીની ખેતી કરવાનું શરૂ કર્યું છે.”
જ્યારે નારાયણ 10 વર્ષના હતા ત્યારે તેમને પહેલી વાર એરંડિયું કાઢવાનું શીખવવામાં આવ્યું હતું. તેઓ યાદ કરે છે કે તેમનાં માતાએ તેમના ખેતરમાં પડેલા પાંચ કિલોગ્રામથી વધુ એરંડાની તરફ ધ્યાન દોરતા કહ્યું હતું, “આ બધું સાફ કરો અને તેને ભેગું કરો.” એરંડાના છોડમાં વાવેતરના 3-4 મહિનાની અંદર જ એરંડાના દાણા ઉગી નીકળે છે, અને એકત્રિત કરેલા દાણાને ત્રણ દિવસ સુધી તડકામાં સૂકવવામાં આવે છે.
સૂકાયેલા દાણામાંથી તેલ કાઢવાની પ્રક્રિયા સહેલી નથી. નારાયણ કહે છે, “અમે સૂકા દાણા પર ચંપલ વડે ચાલીને તેને તોડી નાખીએ છીએ. આ કાંટાદાર તરફાલ (ફોતરા)ને દૂર કરે છે અને બીજને અલગ કરે છે.” ત્યારબાદ બીજને ચૂલી પર શેકવામાં આવે છે, જે સામાન્ય રીતે કાદવમાંથી બનેલો પરંપરાગત ચૂલો હોય છે.
એક વાર શેકાયા પછી, સૂકા એરંડાના બીજ તેલ કાઢવા માટે કચડી નાખવા માટે તૈયાર થઈ જાય છે.
નારાયણ બુધવારે તેમનાં માતા કાસાબાઈને એરંડા કચડવામાં મદદ કરતા. તેઓ યાદ કરીને કહે છે, “અમે રવિવારથી મંગળવાર સુધી અમારા ખેતરમાં કામ કરતા અને ગુરુવારથી શનિવાર સુધી નજીકના સાપ્તાહિક બજારોમાં [જેમ કે શાકભાજી અને અનાજના પાક]નું વેચાણ કરતા. અમને ફક્ત બુધવારે જ નવરાશ મળતી.”
આજે પણ − છ દાયકાથી વધુ સમય પછી − ગાયકવાડ માત્ર બુધવારે જ એરંડાનું તેલ કાઢે છે. આજે ઓક્ટોબર મહિનાની એક સવારે કુસુમનાં પાડોશી અને સંબંધી, વંદના મગદુમના ઘરે, તેઓ બન્ને જાતે જ બીજને કચડવા માટે ઉખલ-મસલનો ઉપયોગ કરે છે.
ઉખલ − કાળા પથ્થરોમાંથી કોતરવામાં આવેલ એક ખાંડણી છે, જેને લાદીમાં ગોઠવવામાં આવી હોય છે અને તે 6-8 ઇંચ ઊંડું હોય છે. કુસુમ જમીન પર બેસે છે અને સાગવાન લાકડાના બનેલા ઊંચા મસલને ઉપાડવામાં મદદ કરે છે, જ્યારે વંદના ઊભાં રહે છે અને તેનાથી એરંડાના બીજને બળપૂર્વક કચડી નાખે છે.
આ સાધનની સદીઓ જૂની લોકપ્રિયતા સમજાવતા કુસુમ કહે છે, “પહેલાં કોઈ મિક્સર ગ્રાઇન્ડર નહોતાં.”
આ પ્રક્રિયા શરૂ કર્યાની ત્રીસ મિનિટ પછી કુસુમ એરંડાના તેલનાં ટીપાં બનતાં બતાવે છે. તેમના અંગૂઠા પર જમા થયેલ કાળા મિશ્રણ તરફ નિર્દેશ કરતાં તેઓ કહે છે, “આટા યચા રબળા તૈયર હોતો (રબર જેવી વસ્તુ ટૂંક સમયમાં બનશે).”
બે કલાક સુધી તેને દળ્યા પછી, કુસુમ એક વાસણમાં ઉખલમાંથી નીકળેલ મિશ્રણ એકત્રિત કરે છે અને તેમાં ઉકળતું પાણી ઉમેરે છે. તેઓ કહે છે કે, એરંડાના બે કિલોગ્રામ કચડેલા બીજમાં ઓછામાં ઓછું પાંચ લિટર ઉકળતું પાણી ઉમેરવાનું હોય છે. બહારની ચૂલી (સ્ટોવ) પર, મિશ્રણને વધુ ઉકાળવામાં આવે છે. જ્યારે કુસુમ વધતા જતા ધુમાડાની વચ્ચે પોતાની આંખો ખુલ્લી રાખવા માટે સંઘર્ષ કરે છે, ત્યારે તેઓ ઉધરસ ખાતાં કહે છે, “અમને હવે આની આદત પડી ગઈ છે.”
જેમ જેમ મિશ્રણ ઉકળવા લાગે છે, કુસુમ મારા શર્ટમાંથી એક દોરો ખેંચે છે અને તેમાં ઉમેરે છે. તેઓ આવું કરવા પાછળનું કારણ સમજાવતાં કહે છે, “કોણ બાહેરચં આલા તાર ત્યાંચા ચિંદુક ઘેઉન ટાકાયચં, નાહી તર તે તેલ ઘેઉન જાતં [જો આ પ્રક્રિયા દરમિયાન કોઈ બહારનો વ્યક્તિ અમારા ઘરે આવે છે, તો અમે તેમના કપડામાંથી એક દોરી કાઢી નાંખીએ છીએ. નહીંતર, તેઓ તેલ ચોરી કરે છે].” નારાયણ તરત જ ઉમેરે છે, “તે એક અંધશ્રદ્ધા છે. પહેલાંના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે કોઈ પણ બહારનો વ્યક્તિ તેલ ચોરી કરશે. એટલા માટે તેઓ આ દોરી લગાવે છે.”
કુસુમ પાણી અને કચડેલા એરંડાના દાણાને દાવ (એક મોટી લાકડાની ચમચી) સાથે હલાવે છે. બે કલાક પછી, તેલ અલગ થાય છે અને ટોચ પર તરવા લાગે છે.
નારાયણ યાદ કરતા કહે છે કે કેવી રીતે જાંભલીના પડોશી ગામોના લોકો તેમના પરિવાર પાસે એરંડિયું લેવા આવતા હતા, “અમે ક્યારેય તેલ વેચ્યું ન હતું અને હંમેશાં તેને મફતમાં જ આપતા હતા.” શોધના (ગળણી) થી તેલને ફિલ્ટર કરતી વેળાએ કુસુમ કહે છે, “છેલ્લા ચાર વર્ષથી, કોઈ તેલ લેવા આવ્યું નથી.”
આજ દિન સુધી, ગાયકવાડોએ ક્યારેય નફો મેળવવા માટે એરંડિયું વેચવાનું વિચાર્યું નથી.
એરંડાનું ઉત્પાદન કરવાથી થતી ઉપજ આમ પણ નગણ્ય છે. કુસુમ કહે છે, “નજીકના જયસિંગપુર નગરના વેપારીઓ એરંડા માટે પ્રતિ કિલોગ્રામ 20-25 રૂપિયા જ આપે છે.” ઉદ્યોગોમાં, એરંડિયું કોટિંગ્સ, લ્યુબ્રિકન્ટ્સ, મીણ અને રંગોમાં વપરાય છે. તેનો ઉપયોગ સાબુ અને સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે.
કુસુમ કહે છે, “હવે લોકો પાસે જાતે તેલ કાઢવાનો સમય નથી. જ્યારે જરૂર પડે ત્યારે તેઓ સીધા બજારમાંથી તૈયાર એરંડિયું ખરીદે છે.”
આ સમયમાં પણ, ગાયકવાડો એરંડાના પરંપરાગત રીતે જાણીતા લાભોને જાળવી રાખવા આતુર છે. નારાયણ કહે છે, “ડોક્યાવર એરંડી થેવલ્યવર, ડોકા શાંત રહતે [જો તમે તમારા માથા પર એરંડાનું પાન રાખો છો, તો તે તમને શાંત રહેવામાં મદદ કરે છે]. સવારના નાસ્તા પહેલાં એરંડિયાનું એક ટીપું પીવાથી પેટમાં રહેલા બધા જંતુ (બેક્ટેરિયા) મરી જાય છે.”
પાણીને દૂર કરવામાં મદદ કરતા એરંડાના ચળકતા પાંદડાઓના નાના થતા જતા છેડા તરફ નિર્દેશ કરીને નારાયણ (જમણે) કહે છે, “એરંડાનો છોડ એ ખેડૂતની છત્રછાયા છે.” એપ્રિલ અને સપ્ટેમ્બરની વચ્ચે લાંબી વરસાદની મોસમ દરમિયાન આ ખાસ કરીને ઉપયોગી થાય છે. નારાયણ કહે છે, “એરંડાના કચડેલા બીજ પણ મહાન જૈવિક ખાતરો છે.”
તેના ઘણા પરંપરાગત ઉપયોગો હોવા છતાં, એરંડાના છોડ કોલ્હાપુરના ખેતરોમાંથી ઝડપથી અદૃશ્ય થઈ રહ્યા છે.
કોલ્હાપુરમાં શેરડીના પાકની વધતી માંગને કારણે એરંડાની ઘટતી લોકપ્રિયતા પર માઠી અસર કરી છે. મહારાષ્ટ્ર સરકારના ગેઝેટર્સ વિભાગના આંકડા દર્શાવે છે કે 1955-56 દરમિયાન કોલ્હાપુરમાં 48,361 એકર જમીન પર શેરડીની ખેતી કરવામાં આવી હતી. શેરડીની ખેતી હેઠળની જમીન 2022-23માં 4.3 લાખ એકરને વટાવી ગઈ છે.
નારાયણ કહે છે, “મારા બાળકો પણ એરંડા ઉગાડવાનું અને એરંડિયું બનાવવાનું શીખ્યા નથી. તેમની પાસે સમય જ નથી.” તેમના પુત્રો, 49 વર્ષીય મારુતિ અને 47 વર્ષીય ભગત સિંહ ખેડૂતો છે અને શેરડી સહિત અનેક પાકો ઉગાડે છે. તેમની 48 વર્ષની દીકરી મિનાતાઈ ગૃહિણી છે.
જ્યારે તેમને જાતે એરંડિયું બનાવવામાં નડતી મુશ્કેલીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે નારાયણ જવાબ આપે છે, “કોઈ સમસ્યા નથી. તે અમારા માટે સારી કસરત છે.”
તેઓ દૃઢ નિશ્ચયથી કહે છે, “મને છોડ સાચવવાનું ગમે છે, તેથી હું દર વર્ષે એરંડાનું વાવેતર કરું છું.” ગાયકવાડો એરંડા ઉગાડવા માટે જે મહેનત કરે છે તેનાથી તેમને કોઈ નાણાકીય નફો થતો નથી. તેમ છતાં, તેઓ તેમની પરંપરાને આગળ વધારવા માગે છે.
10 ફૂટ ઊંચી શેરડીની વચ્ચે, નારાયણ અને કુસુમ તેમના એરંડાના છોડને વળગી રહ્યાં છે.
આ વાર્તા સંકેત જૈન દ્વારા ગ્રામીણ કારીગરો પરની શ્રેણીનો એક ભાગ છે, જે મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ