સુનિતા ભુરકુટેની માતૃભાષા કોલામી છે, પરંતુ આ કપાસના ખેડૂત દિવસનો મોટાભાગનો સમય મરાઠીમાં બોલે છે. તેઓ કહે છે, "અમારો કપાસ વેચવા માટે અમારે બજારની ભાષા શીખ્યા વગર છૂટકો નથી."
મહારાષ્ટ્રના યવતમળ જિલ્લામાં ઉછરેલા સુનિતાનો કોલામ આદિવાસી પરિવાર ઘરમાં તેમની ભાષા કોલામી બોલે છે. સુર દેવી પોડ (નેસ) માં તેમના માહેર (પિયર) માં તેમના દાદા-દાદીને સ્થાનિક ભાષા, મરાઠી બોલવામાં કેટલી મુશ્કેલી પડતી એ સુનિતાને યાદ આવે છે. સુનિતા કહે છે, "તેઓ ક્યારેય શાળાએ ગયા નહોતા, તેઓ [મરાઠી બોલતા] અચકાતાં અને તૂટ્યાં-ફૂટ્યાં વાક્યોમાં [મરાઠી] બોલતા."
પરંતુ જેમ જેમ પરિવારના વધુ ને વધુ સભ્યો સ્થાનિક બજારોમાં કપાસ વેચતા થયા તેમ તેમ તેઓ મરાઠી ભાષા શીખી ગયા. આજે ભુલગઢ ગામમાં તેમના પોડમાં દરેક જણ, બધા કોલામ આદિવાસીઓ, બહુભાષી છે: તેઓ મરાઠી, હિન્દીના થોડા વાક્યો અને અલબત્ત, કોલામી બોલી જાણે છે.
કોલામી એ મુખ્યત્વે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં બોલાતી એક દ્રવિડિયન ભાષા છે. યુનેસ્કોના એટલાસ ઓફ ધ વર્લ્ડસ લેંગ્વેજીસ ઇન ડેન્જર મુજબ, તેને 'ચોક્કસપણે લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહેલ' ભાષા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે - એક એવું વર્ગીકરણ જે સૂચવે છે કે હવે બાળકો માતૃભાષા તરીકે એ ભાષા શીખતા નથી.
40 વર્ષના સુનિતા દલીલ કરે છે, "પન આમચી ભાષા કમી હોત નાહી. આમ્હી વાપરતાત [પણ અમારી ભાષા મરી નથી રહી, અમે એ વાપરીએ છીએ]!”
મહારાષ્ટ્રમાં કોલામ આદિવાસીઓની વસ્તી 194671 જેટલી છે (ભારતમાં અનુસૂચિત જનજાતિની આંકડાકીય રૂપરેખા, 2013 ), પરંતુ વસ્તીગણતરીના આંકડામાં તેમાંના અડધા કરતાં પણ ઓછા લોકો કોલામીને તેમની માતૃભાષા તરીકે નોંધાવે છે.
સુનિતા કહે છે, “અમારા બાળકો શાળામાં જાય છે ત્યારે તેઓ મરાઠી શીખે છે. એ ભાષા અઘરી ભાષા નથી, પણ કોલામી અઘરી છે,” અને ઉમેરે છે, “શાળાઓમાં અમારી ભાષા બોલી શકે એવા કોઈ માસ્ટર્સ [શિક્ષકો] નથી.” તેમણે પણ તેમના પિતાના મૃત્યુ પછી શાળા અધવચ્ચે છોડી દેવી પડી એ પહેલાં 2 જા ધોરણ સુધી મરાઠીમાં જ અભ્યાસ કર્યો હતો.
અમે (પારી) સુનિતાને મળ્યા તે દિવસે તેઓ તેમના ત્રણ એકરના ખેતરમાં કપાસ ચૂંટવામાં વ્યસ્ત હતા. તેઓએ અમને કહ્યું, "સીઝન પૂરી થાય તે પહેલાં મારે એની લણણી કરી લેવી પડે." તેઓ ચપળતાપૂર્વક કાલાંમાંથી સફેદ કપાસ ચૂંટે છે ત્યારે તેમના હાથ સુમેળમાં ફરતા જણાય છે; થોડી મિનિટોમાં તો તેમની ઓડ્ડી અડધી ભરાઈ જાય છે.
સુનિતા કહે છે, “આ કાપસ [મરાઠીમાં કપાસ માટેનો શબ્દ] ની છેલ્લી બે બાકી રહેલી તાસ [મરાઠી અને કોલામીમાં હાર માટેનો શબ્દ] છે. તેમણે પોતાના કપડાં પર શર્ટ પહેરી લીધું છે કારણ કે "સૂકી રેક્કા [કોલામીમાં ફૂલના ડીંટા (વજ્ર) માટેનો શબ્દ] અને ગડ્ડી [કોલામીમાં નીંદણ માટેનો શબ્દ] ઘણીવાર મારી સાડીને ચોંટી જાય છે અને સાડી ફાડી નાખે છે." વજ્ર એ કપાસનું સૌથી બહારનું વલય છે જે ફૂલને પકડી રાખે છે, અને ગડ્ડી એ કપાસના ખેતરોમાં જોવા મળતા વણજોઈતા નીંદણનો સામાન્ય પ્રકાર છે. "
બપોરનું તાપમાન વધતાં તેઓ સેલંગા - લૂ ન લાગી જાય એ માટે પાઘડી તરીકે ઉપયોગમાં લેવાતું ટૂંકું સુતરાઉ કાપડ - બહાર કાઢે છે. પરંતુ તેમના ખેતરમાં પહેરવાના કપડાંનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ઓડ્ડી. દિવસ દરમિયાન તેમણે લણેલો કપાસ ભેગો કરવા માટે એક લાંબુ કાપડ, સામાન્ય રીતે એક સુતરાઉ સાડી ખભાથી લઈને કેડ પર બાંધવામાં આવે છે, તેઓ ટૂંકા વિરામ સાથે સાત કલાક સુધી કામ કરે છે, ક્યારેક-ક્યારેક નજીકના કૂવા તરફ થોડું ઇર (કોલામીમાં પાણી માટેનો શબ્દ) પીવા માટે ચાલીને જાય છે.
ઓક્ટોબર 2023થી શરૂ કરીને સીઝનના અંત સુધીમાં (જાન્યુઆરી 2024), સુનિતાએ 1500 કિલો કપાસની લણણી કરી હતી: “કપાસની લણણી ખરેખર ક્યારેય પડકારજનક ન હતી. હું ખેડૂત પરિવારમાંથી આવું છું.”
તેઓ લગભગ 20 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા, પરંતુ 15 વર્ષ પછી 2014 માં તેના પતિનું અવસાન થયું હતું. સુનિતા કહે છે "તેમને ત્રણ દિવસ તાવ આવ્યો હતો." જ્યારે તેમની તબિયત વધુ બગડી ત્યારે સુનિતા તેમને યવતમળની જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેઓ ઉમેરે છે, "બધું સાવ અચાનક થઈ ગયું. આજ સુધી મને તેમના મૃત્યુનું કારણ ખબર પડી નથી.”
(પતિના મૃત્યુ પછી) તેમના બે બાળકોની જવાબદારી સુનિતાને માથે આવી હતી: “માણુસ [પતિનું] મરી ગયો ત્યારે અર્પિતા અને આકાશ માંડ 10 વર્ષના હતા. એવો પણ સમય હતો જ્યારે મને ખેતરમાં એકલા જતાં ડર લાગતો હતો.” તેમને લાગે છે કે તેમની મરાઠી ભાષા પરની પકડે તેમને નજીકના ખેતરોના ખેડૂત મિત્રોનો વિશ્વાસ જીતવામાં મદદ કરી. તેઓ પૂછે છે, “જ્યારે અમે ખેતરમાં કે બજારમાં હોઈએ ત્યારે અમારે તેમની ભાષા બોલવી જ પડે ને? તેઓ અમારી ભાષા ક્યાંથી સમજી શકે?"
તેમણે ખેતી કરવાનું ચાલુ રાખ્યું હોવા છતાં, તેઓ કહે છે કે ઘણા લોકો પુરુષોનું પ્રભુત્વ ધરાવતા કપાસ બજારમાં તેમની ભાગીદારીની વિરુદ્ધ હતા અને તેથી તેઓ તેનાથી દૂર રહ્યા છે. તેઓ કહે છે, "હું ફક્ત પાક લણું છું, આકાશ [તેમનો દીકરો] એ વેચે છે."
સુનિતા ભુરકુટેની માતૃભાષા કોલામી છે, પરંતુ તેઓ દિવસનો મોટાભાગનો સમય મરાઠીમાં બોલે છે. તેઓ કહે છે, 'અમારો કપાસ વેચવા માટે અમારે બજારની ભાષા શીખ્યા વગર છૂટકો નથી'
*****
કોલામ આદિવાસી સમુદાય પટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી) તરીકે સૂચિબદ્ધ છે, જે મહારાષ્ટ્રના ત્રણ પીવીટીજીસમાંથી એક છે. તેઓ આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ રહે છે.
મહારાષ્ટ્રમાં આ સમુદાય પોતાને 'કોલાવર' અથવા 'કોલા' કહે છે, જેનો અનુવાદ વાંસ અથવા લાકડી જેવો કંઈક થાય છે. તેમનો પરંપરાગત વ્યવસાય વાંસમાંથી ટોપલીઓ, સાદડીઓ, વાડ અને સૂપડાં બનાવવાનો હતો.
સુનિતા યાદ કરે છે, "જ્યારે હું નાની હતી ત્યારે મેં મારા દાદા-દાદીને પોતાના ઉપયોગ માટે વેદુર [વાંસ] માંથી અલગ-અલગ વસ્તુઓ બનાવતા જોયા હતા." જેમ જેમ તેઓએ જંગલોમાંથી મેદાનો તરફ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું તેમ તેમ જંગલ અને ઘર વચ્ચેનું અંતર વધતું ગયું અને, "મારા માતા-પિતા ક્યારેય આ કૌશલ્યો શીખ્યા નહોતા," અને ન તો તેઓ પોતે.
ખેતી એ તેમની આજીવિકા છે અને તેઓ કહે છે, "મારી પાસે મારું ખેતર છે તેમ છતાં આજે પણ જો પાક નિષ્ફળ જાય તો મારે બીજા કોઈના ખેતરમાં કામે જવું પડશે." તેમની કોલામ જનજાતિના બીજા ખેડૂતોની પણ આ જ પરિસ્થિતિ છે. મોટા ભાગના ખેતમજૂરો તરીકે કામ કરે છે અને તેમની કૃષિ લોન ચૂકવવા અને તેમનાં દેવાં ફેડવા સંઘર્ષ કરી રહ્યા છે. સુનિતાને 40000 રુપિયાની લોન ચૂકવવાની બાકી છે, જે તેમણે ગયા જૂન 2023માં વાવણીની મોસમ દરમિયાન લીધી હતી.
તેઓ કહે છે, “કપાસ વેચ્યા પછી જૂન સુધી કોઈ કામ હોતું નથી. મે મહિનો સૌથી મુશ્કેલ હોય છે." તેમણે આશરે 1500 કિલોગ્રામ કપાસની લણણી કરી છે અને તેઓ કહે છે કે તેમને એક કિલોગ્રામ દીઠ 62-65 રુપિયા મળે છે, “એટલે લગભગ 93000 રુપિયા થયા. સાહુકાર (નાણાં ધીરનાર શાહુકાર) ને 20000 ના વ્યાજ સાથે લોન ચૂકવ્યા પછી, "આખા વર્ષ માટે મારી પાસે હાથમાં માંડ 35000 રુપિયા બચશે."
સ્થાનિક વિક્રેતાઓ તેમને નાનીમોટી રકમ ઉછીના આપે છે પરંતુ એ દર વર્ષે ચોમાસા પહેલા પાછી ચૂકવવી જરૂરી છે. તેઓ કહે છે, “ઇસકા 500 દો, ઉસકા 500 દો યે સબ કરતે કરતે સબ ખતમ! કુછ ભી નહીં મિલતા…સારે દિન કામ કરો ઔર મરો! [આને 500 આપો, પેલાને 500 આપો... છેવટે તમને કશું જ મળતું નથી. આખો દિવસ કામ કરો અને મરો!]." ગભરાટપૂર્વક હસીને તેઓ આડું જોઈ જાય છે.
ત્રણ વર્ષ પહેલા સુનિતા રાસાયણિક ખેતીમાંથી જૈવિક ખેતી તરફ વળ્યા હતા. તેઓ કહે છે, "મેં મિશ્ર પીક શેતી [આંતર-પાક/મિશ્ર પાક] પસંદ કરી." તેમણે મૂંગ (લીલા મગ), ઉરદ (અડદ), જોવાર (જુવાર), બાજરા (બાજરી), તિલ (તલ), મકાઈ અને તુર (તુવેર) ના બીજ ગામમાં મહિલા ખેડૂતો દ્વારા સ્થાપિત બીજ બેંકમાંથી મેળવ્યા હતા. વાસ્તવમાં તુવેર અને મગની ખેતીએ જ ગયા વર્ષે મે અને જૂન મહિનામાં, જ્યારે તેમની પાસે કોઈ કામ ન હતું ત્યારે, તેમને ગુજરાન ચલાવવામાં મદદ કરી હતી.
પરંતુ જ્યાં એક સમસ્યા હલ થઈ ત્યાં બીજી સમસ્યા આવીને ઊભી રહી. તુવેરની ઉપજ સારી રહી, પરંતુ બીજા પાકોની ઉપજ જોઈએ તેવી ન થઈ. સુનિતા કહે છે, “જંગલી ભૂંડોએ પાક બરબાદ કરી નાખ્યા."
*****
સૂર્ય આથમવામાં છે ત્યારે સુનિતા લણણી કરેલ કપાસને મુડી (ગોળ બંડલ) માં વીંટાળવાનું શરૂ કરે છે. તેમણે એ દિવસ માટેનું તેમનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. છેલ્લી બાકીની બે હારમાંથી તેમને આશરે છ કિલો કપાસ મળ્યો છે.
પરંતુ આવતીકાલ માટેનું તેમનું લક્ષ્ય અત્યારથી જ નક્કી છે: સંઘરેલા કપાસમાંથી કેસરા (કોલામીમાં કચરા માટેનો શબ્દ) અને સૂકા રેક્કાને બહાર કાઢવાનું. અને એ પછીના દિવસ માટેનું લક્ષ્ય છે: કપાસને બજાર (માં લઈ જવા) માટે તૈયાર રાખવાનું.
કોલામીની લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહેલ ભાષા તરીકેની સ્થિતિ વિશે બોલતા તેઓ કહે છે, "[તેમની પાસે તેમના ખેતર સિવાય] બીજું કશું વિચારવાનો સમય જ નથી." સુનિતા અને તેમના સમુદાયને જ્યારે મરાઠીમાં કડકડાટ બોલતાં આવડતું નહોતું, ત્યારે “બધા કહેતા, ‘મરાઠીમાં બોલો! મરાઠીમાં બોલો!’” અને હવે જ્યારે કોલામી ભાષા જોખમમાં છે, “બધાને જોઈએ છે કે અમે કોલામીમાં વાતો કરીએ." તેઓ હસી પડે છે.
તેઓ ભારપૂર્વક કહે છે, “અમે અમારી ભાષા બોલીએ છીએ. અમારા બાળકો પણ અમારી ભાષા બોલે છે. ફક્ત બહાર જઈએ ત્યારે જ અમે મરાઠીમાં વાત કરીએ છીએ. ઘેર પાછા ફરીએ ત્યારે અમે અમારી ભાષા બોલીએ છીએ."
“આપલી ભાષા આપલીચ રાહિલી પાહિજે [અમારી ભાષા અમારી જ રહેવી જોઈએ]. કોલામી કોલામી રહેવી જોઈએ અને મરાઠી મરાઠી. એ જ મહત્વનું છે."
આ પત્રકાર પ્રેરણા ગ્રામ વિકાસ સંસ્થા અને માધુરી ખડસે અને આશા કરેવાના આભારી છે.
પારીના એન્ડેજર્ડ લેંગ્વેજીસ પ્રોજેક્ટ (ઈએલપી) નો ઉદ્દેશ્ય ભારતની સંવેદનશીલ ભાષાઓનું એ ભાષા બોલતા લોકોના અવાજો અને જીવંત અનુભવો દ્વારા દસ્તાવેજીકરણ કરવાનો છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક