સરસ્વતી બાઉરીને ખોટનો સમય હતો.
જ્યારથી તેમની સબૂજ સાથી સાયકલ ચોરાઈ ગઈ ત્યારથી નિશાળે જવું જ પડકારરૂપ હતું. સરકારી શાળાઓમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે રજૂ કરવામાં આવેલી રાજ્ય યોજનાના ભાગ રૂપે સરસ્વતીને આ અદભૂત ભેટ મળી તે દિવસ એને હજુ યાદ છે. ઓહ! પકવેલી માટી જેવા સૂરજના અજવાળામાં તે કેવી ચળકતી હતી!
આજે તે ગ્રામપ્રધાન પાસે એક આશા અને નવી સાયકલની અરજી લઈને આવી છે. "સાયકલ તો પેયે જાબી રે છૂડી, કિંતુ તોર ઈસકુલ-તા અર કોડીન થાકબે સેટા દેયાખ આગયે [સાયકલ તો સમજો તને મળી પણ જાય, છોડી, પણ આ નિશાળ જ અહીં લાંબા સમય સુધી નહીં રહે એનું શું?]," સરપંચ મોં પર એક સ્મિત સાથે ખભા ઉલાળતા બોલ્યા. સરસ્વતીના તો પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ગ્રામપ્રધાનના કહેવાનો અર્થ શું હતો? કારણ કે એણે શાળામાં જવા માટે 5 કિલોમીટર પેડલ મારતાં જવું પડે છે. હવે જો તે 10 કે 20 કિમી થયું કે પછી એથી ય વધારે તો તો સત્યાનાશ સમજો. કન્યાશ્રી તરફથી દર વર્ષે મળતા એક હજાર રૂપિયાના જોરે એ કેમની પિતા સાથે લડશે, જે તેના લગન લેવડાવવા પાછળ પડેલા છે.
સાયકલ
બેબીની સરકારી સાઇકલ સરરર જાય
જંગલમહાલને પાર કરી જાય
સ્ટીલના હળ જેવી મજબૂત ઘણી
બાબુઓની વૃત્તિ જમીન હડપવા ભણી
શાળા થાય બંધ તો શું?
કરી ભવાં બેન નાનકા ચડાવો છો શું?


