લતતી મુર્મુ કહે છે, “અબરી જો આયેગા ન વોટ લેને, તા કહેંગે કી પહલે પેન્સન દો [જ્યારે તેઓ મત માગવા આવશે, ત્યારે અમે તેમને ચોખ્ખું કહીશું, 'પહેલા અમને પેન્શન આપો']."
તેઓ ઝારખંડના દુમકા જિલ્લાના કુસુમડીહ ગામમાં આવેલ બુરુટોલા નેસમાં પોતાના માટીના ઘરની બહાર દત્તી (ઓટલા) પર બેસીને પારી સાથે વાત કરી રહ્યા છે.
તેમની બાજુમાં બેઠેલા તેમના પાડોશી અને સખી શર્મિલા હેમબ્રમ ઉમેરે છે, "આ વખતે અમે ઘર અને પેન્શન માગીશું."
તેઓ રાજકીય નેતાઓનો ઉલ્લેખ કરતા મજાકમાં ઉમેરે છે, "આ જ સમય છે જ્યારે એ લોકોના મોઢા જોવા મળશે." મતદાનના સમય પહેલા જ્યારે તેઓ મોઢું બતાવે છે ત્યારે સામાન્ય રીતે તેઓ ગામલોકોને પૈસા આપે છે. શર્મિલા કહે છે, "તેઓ [રાજકીય પક્ષો] અમને 1000 રુપિયા આપે છે, 500 પુરુષોને મળે અને 500 અમને."
બંને મહિલાઓ માટે પૈસા મહત્વના છે કારણ કે સરકારી યોજનાઓ અને લાભોથી બંને મોટાભાગે વંચિત રહ્યા છે. 2022માં લતતીના પતિનું અચાનક અવસાન થયું હતું અને 2023માં એક મહિનાની બીમારી બાદ શર્મિલાના પતિનું અવસાન થયું હતું. આ દુઃખી મહિલાઓ કહે છે કે જ્યારે તેઓ કામ માટે નીકળે છે ત્યારે તેમને એકબીજાનો સાથ હોય છે એ વાતની બંનેને રાહત છે.
જ્યારે તેઓએ તેમના પતિ ગુમાવ્યા ત્યારે લતતી અને શર્મિલાએ વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો - સર્વજન પેન્શન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની વિધવા રુ. 1000 નું માસિક પેન્શન મેળવવા માટે હકદાર છે. નિરાશ થયેલા લતતી કહે છે, "અમે ઘણા બધા ફોર્મ ભર્યા અને મુખિયા [ગામના વડા] પાસે પણ ગયા, પણ કંઈ કરતા કંઈ ન મળ્યું."
માત્ર પેન્શન જ નહીં, પણ કેન્દ્રીય યોજના હેઠળના ઘરો, પીએમએવાય (પ્રધાનમંત્રી આવાસ યોજના) હેઠળના ઘરો મોટાભાગના (વસ્તી ગણતરી 2011 પ્રમાણે) (43 ટકા) આદિવાસી સમુદાયોને, મુખ્યત્વે સંથાલ, પહાડિયા અને માહલી સમુદાયોને, નસીબ થતા નથી. શર્મિલા પોતાની વાત જણાવતા કહે છે, "સાહેબ, આ આખા ગામમાં ફરો અને જુઓ, કોઈની પણ વસાહત [ પીએમએવાય હેઠળ ઘર] નથી."
કુસુમડીહથી લગભગ સાત કિલોમીટર દૂર હિજલા ગામમાં નિરુની મરાંડી અને તેમના પતિ રુબિલા હંસદાને કોવિડ-19 લોકડાઉન પહેલા ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર મળ્યો હતો પરંતુ, નિરુની મરાંડી કહે છે, “400 રુપિયાના ગેસ સિલિન્ડરના હવે 1200 રુપિયા થઈ ગયા છે." તેઓ પૂછે છે, "હવે અમારે એ સિલિન્ડર ભરાવવો શી રીતે?"
બીજી સરકારી યોજનાઓ જેમ કે નળ જળ યોજના અને આયુષ્માન ભારત યોજના, તેમજ મનરેગા હેઠળ ખાતરીપૂર્વકની આવક પણ જિલ્લાના મુખ્ય મથક દુમકા શહેરથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા તેમના ગામ સુધી પહોંચી નથી. ગામમાં અનેક હેન્ડપંપ સુકાઈ ગયા છે. હિજલાના એક રહેવાસીએ આ પત્રકારને જણાવ્યું કે તેમનો પરિવાર પાણી ભરવા માટે એક કિલોમીટર દૂર નદી સુધી ચાલીને જાય છે.
નોકરીઓ પણ મળતી નથી. દાડિયા તરીકે કામ કરતા રુબિલા કહે છે, “[નરેન્દ્ર] મોદી 10 વર્ષથી સત્તા પર છે. તેમણે [વડાપ્રધાન તરીકે] યુવાનોને કેટલી નોકરીઓ આપી? કેટલી બધી સરકારી જગ્યાઓ ખાલી છે." તેમની બે એકર ખેતીની જમીન, જ્યાં તેઓ ડાંગર, ઘઉં અને મકાઈ ઉગાડતા હતા, ત્યાં ગંભીર દુષ્કાળને કારણે ત્રણ વર્ષથી ખેતી થઈ નથી. રુબિલા કહે છે, "અમે 10-15 રુપિયે કિલો ચોખા ખરીદતા હતા, હવે એ 40 રુપિયે કિલો છે."
રુબિલા ઘણા વર્ષોથી ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના પોલિંગ એજન્ટ છે. તેમણે અનેક વખત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) ફેલ થતા જોયા છે. રુબિલા કહે છે, “ક્યારેક મશીન ખોટકાઈ પડે છે. 10-11 મત અપાય ત્યાં સુધી બધું બરોબર ચાલે. પણ બારમો મત પડે ત્યારે ખોટો કાગળ છપાય એવું બની શકે છે." તેને વધુ સારું બનાવવા માટે તેમની પાસે એક સૂચન છે.તેઓ કહે છે, "પ્રક્રિયા ખરેખર આવી હોવી જોઈએ - બટન દબાવો, કાગળ મેળવો, બરોબર છે કે કેમ એ ચકાસો અને તેને બોક્સમાં (મતપેટીમાં) મૂકો, પહેલાની પદ્ધતિની જેમ ."
અહીંની લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિની વ્યક્તિ માટે આરક્ષિત છે. ઝારખંડની દુમકા બેઠક આઠ ટર્મ સુધી જેએમએમના સ્થાપક શિબુ સોરેન પાસે હતી, 2019 માં તેઓ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) ના સુનિલ સોરેન સામે હારી ગયા હતા. હવે બીજેપીના સીતા સોરેન, શિબુ સોરેનના મોટા દીકરાના પત્ની, જેઓ બે મહિના પહેલા જેએમએમ છોડીને ભાજપમાં જોડાયા છે તેઓ, જેએમએમના નલિન સોરેન સામે ચૂંટણી લડી રહ્યા છે. જેએમએમ એ ઈન્ડિયા (આઈએનડીઆઈએ) એલાયન્સનો ભાગ છે.
31 મી જાન્યુઆરી, 2024 ના રોજ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ પછી પણ આ પ્રદેશમાં અસંતોષ વધી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
આજ આપકા સરકાર હૈ તો આપને ગિરફ્તાર કર લિયા. યે પોલિટિક્સ હૈ ઔર આદિવાસી અચ્છા સે સમજતા હૈ [આજે તમારી સરકાર સત્તામાં છે એટલે તમે તેમની ધરપકડ કરી છે, આ રાજકારણ છે અને આદિવાસી સમુદાય તેને બરોબર સમજે છે].”
*****
ઉંમરના ત્રીસીના દાયકામાં પહોંચેલા અને સંથાલ આદિવાસી સમુદાયમાંથી આવતા લતતી અને શર્મિલા પાસે કોઈ જમીન નથી અને તેઓ ખેતીની મોસમ દરમિયાન અધિયા (ગણોતિયા) તરીકે કામ કરે છે, અને ઉત્પાજના 50 ટકા મેળવે છે. પરંતુ શર્મિલા કહે છે કે છેલ્લા ત્રણ વર્ષથી, “એકો દાના ખેતી નહીં હુઆ હૈ [એક પણ ખેતરમાં ખેતી નથી થઈ].” પાંચ કિલોમીટર દૂર દસોરાયડીહમાં સ્થાનિક સાપ્તાહિક હાટ (બજાર) માં પોતાના પાંચ બતકનાં ઈંડા વેચી એ કમાણીમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે.
બાકીનું વર્ષ તેઓ મોટાભાગે તેમના ગામથી લગભગ ચાર કિલોમીટરના અંતરે દુમકા નગરમાં બાંધકામના સ્થળોએ કામ કરે છે, ટોટો (ઇલેક્ટ્રિક રિક્ષા) માં દુમકાની રાઉન્ડટ્રીપ (જવા-આવવા) ના તેઓ 20 રુપિયા ચૂકવે છે. શર્મિલા આ પત્રકારને કહે છે, "અમે રોજના 350 રુપિયા કમાઈએ છીએ, બધું મોંઘું થઈ ગયું છે. જેમતેમ કરીને અમારે નભાવવું પડે છે."
લતતી સંમત થાય છે અને હાથથી ઈશારો કરીને કહે છે, "અમે થોડું કમાઈએ છીએ અને થોડું ખાઈએ છીએ. કોઈ કામ ન મળે તો અમારે માઢ-ભાત [ભાત અને એનું ઓસામણ] ખાવા વારો આવે." મહિલાઓ કહે છે, આમેય તેમના ટોલામાં કોઈ કામ મળતું નથી.
અહીં દુમકા જિલ્લામાં મોટાભાગના આદિવાસીઓની આજીવિકા ખેતી અથવા ખેતી સંબંધિત કામ અથવા સરકારી યોજનાઓ પર આધારિત છે. જાહેર વિતરણ પ્રણાલી હેઠળ પાંચ કિલોગ્રામ રાશન એ એકમાત્ર સરકારી યોજના છે જેનો લાભ આ પરિવારોને મળે છે.
મહિલાઓની પાસે તેમના નામે શ્રમ કાર્ડ નથી. શર્મિલા કહે છે, “ગયા વર્ષે, લોકો કાર્ડ [શ્રમ કાર્ડ] બનાવવા આવ્યા હતા, પરંતુ અમે ઘેર નહોતા; અમે કામ પર ગયા હતા. એ પછી કોઈ પાછું આવ્યું નથી." કાર્ડ વિના તેઓ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી (મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી - મનરેગા) સાઇટ્સ પર કામ કરી શકતા નથી.
લતતી કહે છે, “અમને જે કામ મળે છે એ અમે કરીએ છીએ,” અને ઉમેરે છે, “જ્યાદા ઢોને કા કમ મિલતા હૈ, કહી ઘર બન રહા હૈ, તો ઇટા ઢો દિયે, બાલુ ઢો દિયે [અમને મોટાભાગે વસ્તુઓ એક જગ્યાએથી ઊંચકીને બીજે લઈ જવાનું કામ મળે છે; ક્યાંક ઘર બંધાતું હોય, તો અમે ઈંટો અને રેતી ઉપાડીને લઈ જઈએ છીએ]."
પણ શર્મિલા કહે છે તેમ કામ મળશે જ એવી કોઈ ખાત્રી નથી. "કોઈક દિવસ તમને કામ મળે, કોઈક દિવસ ના મળે. કેટલીકવાર અઠવાડિયામાં બે-ત્રણ દિવસ કામ ન મળે એવું પણ થાય." તેમને તેમનું છેલ્લું કામ ચાર દિસ પહેલા મળ્યું હતું. લતતીની જેમ, શર્મિલા પણ તેમના ઘરના એકમાત્ર કમાનાર સભ્ય છે, તેઓ પોતાના સાસરિયાઓ અને ત્રણ બાળકો સાથે રહે છે.
આ ટોલામાં 50 થી વધુ ઘરોની પાણીની જરૂરિયાતને સંતોષતા એક માત્ર કાર્યરત હેન્ડપંપમાંથી વહેલી સવારે પાણી ભરવા નીકળે ત્યારથી મહિલાઓનું કામ શરૂ થઈ જાય છે. પછી તેઓ તેમની કોદાળી અને પ્લાસ્ટિકની ટોપલીઓ ઉઠાવી કામ શોધવા માટે નીકળતા પહેલા રસોઈ કરે છે અને ઘરના બીજા કામો આટોપે છે. તેઓ તેમનો નેઠ્ઠો - સિમેન્ટના કોથળામાંથી બનાવેલી એક નાની ગાદી કે જે તેઓ પોતાના માથે મૂકી પછી એની ઉપર વજન મૂકે છે એ- પણ સાથે લઈ જાય છે.
મહિલાઓ કામ શોધવા દુમકા જાય છે ત્યારે તેમના બાળકોની સંભાળ તેમની સાથે રહેતા તેમના દાદા-દાદી રાખે છે.
ત્રણ બાળકોના માતા લતતી કહે છે, "જો કોઈ કામ ન મળે, તો ઘરે કંઈ જ હોતું નથી. જે દિવસે અમે કમાઈએ એ દિવસે થોડાઘણા શાકભાજી ખરીદી શકીએ." મેના પહેલા અઠવાડિયામાં જ્યારે તેઓ શાકભાજી ખરીદવા બજારમાં ગયા ત્યારે બટાકાનો ભાવ હતો, 30 રુપિયે કિલો. તેઓ શર્મિલા તરફ વળીને કહે છે, “દામ દેખ કર માથા ખરાબ હો ગયા [ભાવ જોઈને જ મારું માથું ચક્કર ચક્કર ઘૂમવા લાગ્યું]."
લતતી પારીના આ પત્રકારને કહે છે, "અમને ઝાડુ-પોછા [કચરા-પોતા] જેવું કંઈ કામ આપો, જેથી અમારે રોજેરોજ (કામની શોધમાં) ભટકવું ન પડે; અમને એક જગ્યાએ કામ તો મળી રહે.” તેઓએ એમ પણ જણાવ્યું કે તેમના ગામના મોટાભાગના લોકોની આજ હાલત છે, બહુ ઓછા પાસે સરકારી નોકરીઓ છે.
શર્મિલા સંમત થાય છે: “નેતા લોગ વોટ કે લિયે આતા હૈ, ઔર ચલા જાતા હૈ, હમલોગ ઓઈસેહી જસ કા તસ [રાજકારણીઓ મત માગવા આવે છે અને પછી જતા રહે છે; અમારી હાલત તો એવી ને એવી જ રહે છે]..."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક