અબ્દુલ કુમાર માગરેએ છેલ્લે પટ્ટુ વણ્યાને 30 વર્ષ વીતી ગયા છે. તેઓ આ ઊની કાપડના છેલ્લા કેટલાક વણકરોમાંથી એક છે, તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસથીય નીચે જાય એવા કાશ્મીરના શિયાળાની હાડ ગાળી નાખતી ઠંડીનો સામનો કરવા માટે આ ઊની કાપડ જાણીતું છે.
હવે આંખોની રોશની લગભગ ગુમાવી ચૂકેલા આ 82 વર્ષના વૃદ્ધ યાદ કરે છે, "હું એક જ દિવસમાં 11 મીટર (પટ્ટુ) વણી શકતો હતો." ઓરડામાં એક તરફથી બીજી તરફ જવા માટે સાવધાનીપૂર્વક આગળ વધતા અબ્દુલ દિશાનો ખ્યાલ મેળવવા દિવાલ પર હાથ મૂકીને ચાલે છે. "વધુ પડતું વણાટકામ કરવાને કારણે હું લગભગ 50 વર્ષનો હતો ત્યારે જ મારી દૃષ્ટિ નબળી પડી ગઈ હતી."
અબ્દુલ હબ્બા ખાતૂન શિખરની નજીક 4253 લોકોની વસ્તી ધરાવતા (વસ્તી ગણતરી 2011) બાંદીપોર જિલ્લાના દાવર ગામમાં રહે છે. તેઓ અમને કહે છે કે હવે ત્યાં પટ્ટુ વણતા હોય એવા કોઈ કારીગરો નથી પરંતુ, "લગભગ એક દાયકા પહેલા સુધી, શિયાળાના મહિનાઓમાં ગામના એકેએક ઘરમાં વસંત ઋતુમાં અને ઉનાળામાં વેચવા માટે આ કાપડ વણાતું હતું."
અબ્દુલ અને તેમનો પરિવાર શ્રીનગર અને બીજા રાજ્યોમાં વેચવા માટે ફેરન (પરંપરાગત ગાઉન જેવું ઉપવસ્ત્ર), દુપાઠી (ધાબળો), મોજાં અને હાથ-મોજાં (ગ્લવ્ઝ) સહિત કેટલાક વસ્ત્રો તૈયાર કરે છે.
પરંતુ અબ્દુલને તેમની આ હસ્તકલા પ્રત્યે ખૂબ પ્રેમ હોવા છતાં આજે તેને ટકાવી રાખવાનું સરળ નથી કારણ કે એ માટે જરૂરી કાચો માલ – ઊન, હવે સરળતાથી ઉપલબ્ધ નથી. અગાઉ અબ્દુલ જેવા વણકરો ઘેટાં પાળતા અને પટ્ટુ વણવા માટે પોતે ઉછેરેલા પ્રાણીઓ પાસેથી જ તેમને ઊન મળી રહેતું. તેઓ કહે છે કે લગભગ 20 વર્ષ પહેલાં ઊન મેળવવાનું સરળ અને સસ્તું હતું કારણ કે તેમના પરિવાર પાસે જ લગભગ 40 થી 45 ઘેટાં હતાં." તેઓ યાદ કરે છે, "અમને સારો એવો નફો થતો હતો." હાલમાં આ પરિવાર પાસે માત્ર છ ઘેટાં છે.


















