સૈયદ ફૈઝાન રઝા કહે છે, “પટનામાં અઠવાડિયા સુધી ચાલતી તિલંગી [પતંગ] સ્પર્ધાઓનું આયોજન થતું. લખનૌ, દિલ્હી અને હૈદરાબાદના પતંગબાજોને આમંત્રણ આપવામાં આવતું. એ એક તહેવાર હતો." તેઓ વાતો કરે છે ત્યારે અમે ગંગાના કિનારે ચાલીએ છીએ, નદીનો વિશાળ પટ ખુલ્લા આકાશને પ્રતિબિંબિત કરે છે, સૈયદના કહેવા પ્રમાણે એક સમયે એ આકાશમાં હજારો પતંગો ઉડતા હતા.
પટનામાં નદી કિનારે આવેલા દુલીઘાટ પર વર્ષોથી રહેતા આવેલા રઝા કહે છે કે ઉમરાવથી લઈને તવાયફ સુધી, તમામ સામાજિક વર્ગના લોકો આ રમતને પ્રોત્સાહન આપતા હતા. તેઓ ઝડપથી એક પછી એક નામ બોલે છે - “બિસ્મિલ્લા જાન [તવાયફ] પ્રોત્સાહન આપતા હતા, અને મીર અલી ઝામીન અને મીર કેફાયત અલી પતંગ-સાઝી [પતંગ બનાવવા] અને પતંગ-બાઝી [પતંગ ઉડાડવાની રમત] ના કેટલાક વખાણાયેલા ઉસ્તાદ [નિષ્ણાતો] હતા."
આ રમત માટે પતંગ પૂરા પાડવા પટનાના અશોક રાજપથ ખાતે ગુડહટ્ટા અને ખ્વાજાકલાન વચ્ચેનો વિસ્તાર (લગભગ 700-800 મીટરનું અંતર) એક સમયે પતંગના વેપારીઓથી ભરેલો હતો, લોકોને પતંગ તરફ આકર્ષિત કરતા હોય એમ તેમના રંગબેરંગી પતંગો દુકાનોની બહાર લહેરાતા રહેતા. રઝા ઉમેરે છે, "પટનામાં પતંગો માટેનો દોરો સામાન્ય દોરા કરતાં જાડો રહેતો, અને એ સૂતર અને રેશમને ભેગા કરીને બનતો, જે નખ તરીકે જાણીતો હતો."
બેલુના માસિક સામયિકની 1868 ની એક નકલ પટના પતંગ માટે પ્રખ્યાત હોવાનો ઉલ્લેખ કરે છે. “કોઈપણ વ્યક્તિ, જે ઝડપથી પોતાનું નસીબ બનાવવા માગતી હોય તેણે અહીં પટના પતંગને અપનાવવી જોઈએ. આ બજારોમાં દર દસમી દુકાન એ પતંગની દુકાન છે, અને તમને લાગશે કે આખી વસ્તી પતંગ ઉડાડતી હશે. આ પતંગ હીરાના આકારનો, પીંછા જેવો હલકો હોય છે, એને પૂંછડી હોતી નથી અને શક્ય તેટલી હલકી રેશમની દોરી વડે એ ઉડાડવામાં આવે છે.”
સો કરતાં વધુ વર્ષો પછી, ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે, પરંતુ પટનાની તિલંગીએ તેમની અસામાન્ય વિશેષતા જાળવી રાખી છે - એ પૂંછડી વગરના પતંગો છે. પતંગ કારીગર શબીના હસતા હસતા કહે છે, “દૂમ તો કુત્તે કા હોતા હૈ ન જી, તિલંગી કા થોડે [પૂંછડી તો કૂતરાઓને હોય, પતંગોને નહીં].” ઉંમરના સિત્તેરના દાયકામાં પહોંચેલા શબીનાએ થોડા સમય પહેલા તેમની આંખો નબળી પડી ત્યારે તિલંગી બનાવવાનું બંધ કરી દીધું હતું.




















