20 મી ડિસેમ્બર 2014 ના રોજ સત્તાવાર રીતે પારી લોન્ચ કરવામાં આવ્યું તેને આજે દસ વર્ષ પૂરા થયા છે.
અમારી સૌથી મોટી સિદ્ધિ? અમે હજી પણ અહીં છીએ એ. જ્યાં પ્રસારમાધ્યમોમાં કોર્પોરેટ પાવરનું રાજ ચાલે છે એવા વાતાવરણમાં સ્વતંત્ર પત્રકારત્વની એક વેબસાઇટ ટકી રહી છે એટલું જ નહીં પણ વિકસી રહી છે, પ્રગતિ કરી રહી છે. પારી હવે રોજેરોજ 15 ભાષાઓમાં પ્રકાશિત કરે છે. આ છે એ ટ્રસ્ટની મુખ્ય પ્રવૃત્તિ કે જેની રચના શૂન્ય કોર્પસ સાથે કરવામાં આવી હતી, કોઈ જ પ્રકારનું સરકારી ભંડોળ - નહોતું માગવામાં આવ્યું કે નહોતું આપવામાં આવ્યું. નહોતા કોઈ પ્રત્યક્ષ કોર્પોરેટ અનુદાનો અથવા રોકાણો, નહોતી કોઈ આવક ઊભી કરાઈ જાહેરાતોના માધ્યમથી (અમે જાહેરાતો પ્રસિદ્ધ કરવાથી અળગા રહેવાનું પસંદ કર્યું હતું) અને નહોતી કોઈ લવાજમ ફી કે જે લોકો મોટી સંખ્યામાં પારી પર પ્રકાશિત સામગ્રી વાંચે, જુએ, સાંભળે એવું અમે ઈચ્છીએ છીએ તેમને જ પારીથી દૂર રાખે. પારીનું નિર્માણ થયું છે પ્રતિબદ્ધ સ્વયંસેવકોના વિશાળ નેટવર્ક વડે - પત્રકારો, તકનીકી વિશેષજ્ઞો, કલાકારો, શિક્ષણવિદો, વિગેરેના કુશળ પરંતુ વિના મૂલ્ય સ્વૈચ્છિક શ્રમના નોંધપાત્ર હિસ્સા વડે. પારીનું નિર્માણ થયું છે જાહેર જનતા, ટ્રસ્ટીઓ અને જેમણે ક્યારેય પારીની સ્વતંત્રતા પર લગામ રાખવાનો પ્રયાસ સરખો નથી કર્યો એવા ફાઉન્ડેશન્સ તરફથી મળેલી ઉદાર સખાવતોથી.
હવે નિષ્ઠાવાન અને અતિ મહેનતુ કર્મચારીગણ દ્વારા સંચાલિત પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઇન્ડિયા એ એક એવી વેબસાઇટ છે જે ભારતના - ભૌતિક અથવા ઐતિહાસિક રીતે વિકસિત - લગભગ 95 કુદરતી વિસ્તારોમાંથી વ્યવસ્થિત રીતે અહેવાલ આપવાનો પ્રયાસ કરે છે. પત્રકારત્વની એક એવી સાઇટ જે સંપૂર્ણપણે સમર્પિત છે ગ્રામીણ ભારતને, તેના લગભગ 900 અબજ લોકોને, તેમના જીવનને અને આજીવિકાના સાધનોને, તેમની સંસ્કૃતિઓને, તેમની લગભગ 800 અલગ-અલગ ભાષાઓને. સાધારણ લોકોના રોજિંદા જીવનને આવરી લેવા પ્રતિબદ્ધ. લગભગ એક અબજ મનુષ્યોની વાર્તાઓ કહેવા પ્રતિબદ્ધ - કારણ કે અમે શહેરી ભારતમાં ખૂબ મોટી સંખ્યામાં રહેલા ગ્રામીણ સ્થળાંતરિતોને આવરી લેવા પર ભાર મૂકીએ છીએ.
પારીના સ્થાપકો શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે અમે એક એવા પારીનું નિર્માણ કરવા માગતા હતા જે પત્રકારત્વની સાઇટ હોવાની સાથોસાથ એક જીવંત અને ધબકતું આર્કાઈવ હોય. અને અમે એક એવી સાઇટ ઈચ્છતા હતા જેનું પત્રકારત્વ કોર્પોરેટ-વ્યાખ્યાયિત 'વ્યવસાયિક' પ્રસારમાધ્યમોના વાસી ચવાઈ ગયેલા સિદ્ધાંતોથી સંચાલિત ન હોય પણ માનવતા, વિજ્ઞાન અને ખાસ તો સામાજિક વિજ્ઞાનની ચોકસાઈ, જ્ઞાન અને તાકાતથી ભરેલું હોય. પહેલા દિવસથી જ અમે માત્ર ખૂબ અનુભવી પત્રકારોને જ નહીં પણ આ અન્ય પ્રવાહોના વિદ્વાન બિન-પત્રકારોને પણ અમારી સાથે લીધા હતા.
મૂંઝવણ, સંઘર્ષ, ગેરસમજ, દલીલ (ક્યારેક કડવી) અને છેવટે - અસાધારણ સિદ્ધિ માટેની એ રેસીપી હતી અને છે. કારણ કે બધા પ્રવાહો આ એક સિદ્ધાંતને સમજ્યા હતા અને એની પર સહમત થયા હતા: સામગ્રી પર પ્રભુત્વ ધરાવતા અવાજો અમારા નહીં પણ સામાન્ય, સાધારણ ભારતીયોના હશે. અમારા ફીલ્ડ પ્રોટોકોલ્સ તમામ પત્રકારોને આ બાબતો સુનિશ્ચિત કરવા સૂચના આપે છે: વાર્તા પર પ્રભુત્વ ધરાવતો અવાજ લોકોનો છે, તેમનો પોતાનો નહીં. અમે વાર્તાઓ કહીએ છીએ, બુલેટિન અથવા શૈક્ષણિક અથવા અમલદારશાહી અહેવાલો બહાર પાડતા નથી. શક્ય હોય ત્યાં સુધી અમે ખેડૂતો, વનવાસીઓ, શ્રમિકો, વણકરો, માછીમારો અને અસંખ્ય અન્ય આજીવિકા ધરાવતા લોકો પાસે - તેમની પોતાની વાર્તાઓ કહેવડાવવાની, લખાવવાની, કે કદાચ ગાઈ સંભળાવવાની પણ શરૂઆત કરાવવાનો પ્રયાસ કરીએ છીએ.














