જેમ જેમ આકાશમાં અંધારું છવાતું જાય છે, તેમ તેમ રંગબેરંગી સીરીયલ લાઈટોથી સજ્જ ઓમ શક્તિનું એક વિશાળ કટ-આઉટ જીવંત થાય છે. બંગ્લામેડના ઇરુલર લોકો હિન્દુ દેવી ઓમ શક્તિને સમર્પિત વાર્ષિક તિમીતિ તિરુવડા અથવા દેવી માટે આગ પર ચાલવાના તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
આખી બપોર સળગી રહેલ લાકડું હવે અંગારામાં પરિવર્તન પામી રહ્યું છે; સ્વયંસેવકો તેને ફેલાવીને ઝળહળતા ફૂલોની પથારી જેવું પાતળું સ્તર બનાવે છે, જે ઇરુલર લોકોને તિમીતિને ‘પૂ-મીતિ’ અથવા ફ્લાવર-વૉક તરીકે પણ ઓળખાવે છે.
માહોલ ગરમ છે. આજુબાજુના ગામડાઓમાંથી સેંકડો લોકો ઇરુલર લોકોને આગ પર ચાલતા જોવા માટે એકઠા થયા છે, જેઓ સમગ્ર તમિલનાડુમાં ભક્તો ધરાવતાં ઓમ શક્તિ- બિન-ઇરુલર દેવીમાં તેમની શ્રદ્ધાની પુષ્ટિ કરે છે - જેમને શક્તિ અને તાકાતની અભિવ્યક્તિ તરીકે પૂજવામાં આવે છે.
ઇરુલર સમુદાય (જેને ઇરુલા તરીકે પણ ઓળખવામાં આવે છે), તે તમિલનાડુમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેઓ પરંપરાગત રીતે કણીઅમ્માને પૂજતા આવ્યા છે, જેમને તેઓ સાત કુમારિકા દેવીઓમાંનાં એક માને છે; દરેક ઇરુલર ઘરમાં કળસમ અથવા માટીનો એક ઘડો હોય છે, જે લીમડાના પાંદડાઓના ગુચ્છ પર મૂકવામાં આવે છે, જે આ દેવીનું પ્રતીક છે.
























