દિલીપ કોળી માટે છેલ્લા કેટલાક વર્ષો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, જેમાં ચક્રવાત, માછલીઓની સંખ્યામાં ઘટાડો અને વેચાણમાં ઘટાડો સામેલ છે. જોકે, માર્ચ 2020માં શરૂ થયેલ લૉકડાઉન તેમના માટે સૌથી મુશ્કેલ તબક્કો સાબિત થયો હતો.

દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલ કોલીવાડાના રહેવાસી 50 વર્ષીય માછીમાર દિલીપ કહે છે, “ભૂતકાળમાં અમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે ગયા વર્ષની સરખામણીએ અડધી પણ નથી. ત્યાં લોકો માછલી પકડવાય તૈયાર હતા અને લોકો માછલી ખાવાય તૈયાર હતા, પરંતુ [સપ્ટેમ્બર 2020 સુધી, લૉકડાઉનને કારણે] માછલીઓનું વેચાણ નહોતું થઈ રહ્યું. બજારો બંધ હતા અને અમારે અમારી પકડેલી માછલીઓને પાછી દરિયામાં ફેંકી દેવી પડી હતી.”

દિલીપ લગભગ 35 વર્ષથી દક્ષિણ મુંબઈના સસ્સૂન ડૉક પર કામ કરી રહ્યા છે. તેમની પાસે ત્રણ હોડીઓ છે અને તેઓ 8-10 માછીમારોને રોજગારી પૂરી પાડે છે. તેઓ કહે છે, “લૉકડાઉન દરમિયાન અમે ગમે તેમ કરીને અમારા રેશનની વ્યવસ્થા તો કરી હતી, પરંતુ અન્ય ગરીબ કોળી માછીમારો પાસે ખોરાક કે પૈસા પણ નહોતા.”

માછીમારો સવારે 4 વાગ્યાની આસપાસ તેમનું કામ શરૂ કરે છે, ચોમાસાના મહિનાઓ દરમિયાન દરિયાકિનારાની આસપાસ 40-મિનિટના ઘણા ચક્કર લગાવે છે. જ્યારે ભરતી ઓછી થવા લાગે છે, ત્યારે તેઓ લગભગ એક કલાક આરામ કરે છે અને પછી સમુદ્રમાં પાછા આવી જાય છે. દિલીપ કહે છે, “અમે વહેલી સવારે માછીમારી શરૂ કરીએ છીએ અને બપોરે 2 કે 3 વાગ્યે સમાપ્ત કરીએ છીએ. અમને ચંદ્ર દ્વારા ભરતી વિશે જાણવા મળે છે. જ્યારે મોજાઓ ખૂબ નીચા અથવા ખૂબ ઊંચા હોય છે, ત્યારે અમે માછીમારી કરવા જતા નથી.”

તેમની હોડી પર કામ કરતા કેટલાક માછીમારો, જેઓ કોળી સમુદાયના છે, તેઓ રાયગઢ જિલ્લાના તાલા તાલુકામાં 1,040 (વસ્તી ગણતરી 2011 મુજબ) ની વસ્તી ધરાવતા ગામ ‘વાશી હવેલી’થી દક્ષિણ મુંબઈમાં સસ્સૂન ડૉક સુધી ટ્રેન અથવા ભાડાના વાહન દ્વારા લગભગ 150 કિમીની મુસાફરી કરે છે. તેઓ જૂનથી ઓગસ્ટ મહિના સુધી, ગણપતિ ઉત્સવ શરૂ થાય તે પહેલાં સુધી કામ કરે છે. બાકીના મહિનાઓમાં તેઓ મહારાષ્ટ્રના અન્ય દરિયાકાંઠાના ભાગોમાં — ખાસ કરીને રત્નાગિરી અને રાયગઢ જિલ્લાઓમાં — ફરતા રહે છે અને કોઈ બીજાની હોડી પર કામ કરીને દર મહિને 10,000-12,000 રૂપિયા કમાય છે.

PHOTO • Shraddha Agarwal

રાયગઢ જિલ્લાના વાશી હવેલી ગામના માછીમારો, જ્યાં મુખ્યત્વે માછીમારી કરવામાં આવે છે, ચોમાસાના મહિનાઓ દરમિયાન સસ્સૂન ડૉક પર કામ કરે છે. ઘણા લોકો અહીં બોમ્બિલ (બોમ્બે ડક) માટે આવે છે. તેઓ તેમનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ કરે છે અને બપોરે 2 કે 3 વાગ્યે કામ પૂરું કરી દે છે

જો કે, મેના અંતથી લઈને ઓગસ્ટની શરૂઆત સુધી ઊંડા સમુદ્રમાં જઈને માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે, દિલીપ જણાવે છે, “અહીં ક્રીક ફિશિંગની [ડોલ નેટ સાથે] મંજૂરી હોય છે. અમે વર્ષોથી આ કામ કરી રહ્યા છીએ. અમારી કોલાબા ખાડી બોમ્બિલ [બોમ્બે ડક] માટે પ્રખ્યાત છે અને આ માછલી અહીં જૂન અને જુલાઈમાં જ આવે છે. મહારાષ્ટ્રના નાના ગામડાઓના માછીમારો અમારા બોમ્બે ડક માટે અહીં આવે છે. 2-3 મહિના સુધી તેઓ કોલાબાને પોતાનું ઘર બનાવી દે છે. આ સારો વ્યવસાય છે.

વાશી હવેલી ગામના પ્રિયલ દુરી કહે છે કે સસ્સૂન ડૉકમાં આ મહિનાઓ દરમિયાન, તેઓ અને અન્ય માછીમારો ટકાવારી હિસ્સાના આધારે કામ કરે છે. તેઓ કહે છે, “માછીમારીમાંથી મળતા દિવસના નફાનો અડધો ભાગ હોડીના માલિકને ભાગે જાય છે અને બાકીનો હિસ્સો અમારી વચ્ચે વહેંચાય છે.” પ્રિયલે ગયા વર્ષે ત્રણ મહિનાના ગાળામાં તેમના પિતાને કોવિડ અને માતાને લ્યુકેમિયાને કારણે ગુમાવ્યા હતા. 27 વર્ષીય પ્રિયલે 12મા ધોરણનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો કારણ કે, તેમના મતે, “અમને આઈની સારવાર માટે પૈસાની જરૂર હતી.”

તેમણે આગળ કહ્યું, “ચોમાસા દરમિયાન, અમે દરરોજ આશરે 700 રૂપિયા કમાઇએ છીએ, પરંતુ ગયા વર્ષે, અમે ભાગ્યે જ દરરોજના 50 રૂપિયા કમાતા હતા. કોવિડને કારણે અમે આખું વર્ષ ઘરે બેઠા હતા.” કોઈ કામ ન હોવાથી, વાશી હવેલી ગામમાં માછીમારો અને તેમના પરિવારો પાસે મે 2020 સુધીમાં રાશન પૂરું થવાનું શરૂ થઈ ગયું હતું. પ્રિયલ કહે છે, “અમે નજીકની ખાડીમાંથી પકડેલી માછલીઓથી અમારું પેટ ભરતા હતા, પરંતુ ચક્રવાત (નિસર્ગ) પછી, અમે ભાગ્યે જ ખાવાપીવાની વ્યવસ્થા કરી શક્યા. અમારો આ વર્ષ (2020) જેટલો ખરાબ સમય ક્યારેય રહ્યો નથી.”

3 જૂન 2020ના રોજ ચક્રવાત નિસર્ગ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. પ્રિયલ કહે છે, “અમારી પાસે એક મહિના સુધી વીજળી કે ફોનનું જોડાણ નહોતું. અમારા મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને અમને સરકાર તરફથી કોઈ વળતર પણ મળ્યું ન હતું.” તેમણે અને તેમના મોટા ભાઈ ચંદ્રકાંત (જેઓ માછીમાર છે) જે મકાનમાં રહે છે તેના સમારકામ માટે મિત્રો પાસેથી 40,000 રૂપિયાની લોન લેવી પડી હતી.

Dilip Koli holding a crab: “During a crisis, farmers at least get some compensation from the government. But fishermen don’t get anything even though farmers and fishermen are both like brothers.”
PHOTO • Shraddha Agarwal
Dilip Koli holding a crab: “During a crisis, farmers at least get some compensation from the government. But fishermen don’t get anything even though farmers and fishermen are both like brothers.”
PHOTO • Shraddha Agarwal

કરચલો પકડી રહેલા દિલીપ કોળી: 'કટોકટી દરમિયાન, ખેડૂતોને ઓછામાં ઓછું સરકાર તરફથી થોડું ઘણું વળતર પણ મળે છે. પરંતુ ખેડૂતો અને માછીમારો બંને ભાઈ જેવા હોવા છતાં માછીમારોને કંઈ મળતું નથી'

તે પછી ફરીથી 14 મે, 2021ના રોજ ચક્રવાત તાઉતે ત્રાટક્યું. દિલીપના ત્રણ પુત્રો પણ માછીમારો છે અને તેમનાં 49 વર્ષીય પત્ની ભારતી, સસ્સૂન ડૉક પર જથ્થાબંધ ખરીદદારોને માછલી વેચે છે. તેઓ કહે છે, “અમારી હોડી ઊંચા મોજાઓમાં તૂટી ગઈ છે, અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સરકાર અમને માત્ર થોડા હજાર રૂપિયા આપીને બીજાની નજરમાં સારી બની શકે છે. માછીમારો હજુ પણ આ બાબતે ગુસ્સે છે. તેઓ કોઈપણ રીતે અમારા કોળી માછીમારો માટે ક્યારેય કંઈ કરતા નથી, પરંતુ આવા ચક્રવાતો દરમિયાન અમને સંપૂર્ણ વળતર મળવું જોઈએ.” (જુઓ કોળી મહિલાઓ: માછલીઓ, દોસ્તી અને જુસ્સો )

આ બધા અવરોધો ઉપરાંત, માછલીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિલીપ કહે છે, “જ્યારે હું નાનો હતો, ત્યારે માછલીની કિંમત ઓછી હતી, પરંતુ (હોડી માટે) ડીઝલની કિંમત પણ પ્રતિ લિટર 20 રૂપિયા હતી. ડીઝલની કિંમત હવે 100 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે અને માછલીઓ પણ ઓછી પકડાઈ રહી છે.”

તેઓ કહે છે કે માછીમારોની જાળમાં સુરમાઈ, પોમફ્રેટ અને સાર્ડીન જેવી ઘણી ઓછી લોકપ્રિય માછલીઓ આવે છે. સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, 2019માં મહારાષ્ટ્રના દરિયાકાંઠે પકડાયેલી માછલીઓ (બંદરોમાં લાવવામાં આવતી માછલીઓ) ની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીએ 32 ટકાનો ઘટાડો થયો હતો. અહેવાલમાં આ ઘટાડાનો આધાર તે વર્ષે ભારતમાં અને તેની આસપાસ આવેલા ચક્રવાતી તોફાનોને બતાવવામાં આવે છે, જેમાંથી છ ગંભીર ચક્રવાત હતા.

દિલીપ કહે છે, “અમારી આજીવિકા સંપૂર્ણપણે પ્રકૃતિ પર ટકેલી છે. જો પ્રકૃતિ અમારી સાથે સારી રીતે વર્તશે નહીં, તો અમે અમારું કામ અને જીવન બંને ગુમાવીશું.”

અને પછી, કોવિડ -19મી મહામારીની સાથેસાથે, સસ્સૂન ડૉકના માછીમારો પણ આ વાવાઝોડાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

PHOTO • Shraddha Agarwal

40 મિનિટની રાઉન્ડ ટ્રીપમાં , માછીમારો ચોમાસાના મહિનાઓ દરમિયાન લગભગ 400-500 કિલો માછલી પકડે છે અને 10-12 કલાકના અંદર આવી ઘણી ટ્રીપ કરે છે

PHOTO • Shraddha Agarwal

માછીમારો કહે છે કે જેલીફિશને પાછી દરિયામાં ફેંકી દેવામાં આવે છે કારણ કે તેમાંથી દુર્ગંધ આવે છે અને ભારતમાં લગભગ કોઈ પણ આને ખાતું નથી

PHOTO • Shraddha Agarwal

10 વર્ષથી વધુ સમયથી માછીમારી કરી રહેલા 34 વર્ષીય રામનાથ કોળી જાળીમાં પકડાયેલા દરિયાઈ સાપને પકડીને ઊભા છે . તેઓ કહે છે , ' અમારે દિવસ - રાત કામ કરવું ડે છે . કામ કરવા માટે કોઈ નિશ્ચિત સમય નથી અને કોઈ નિશ્ચિત આવક પણ નથી'

PHOTO • Shraddha Agarwal

49 વર્ષીય નારાયણ પાટિલને ત્રણ નાની દીકરીઓ અને એક દીકરો છે , જેઓ બધાં વાશી હવેલી ગામની સ્થાનિક જિલ્લા પરિષદ શાળામાં અભ્યાસ કરે છે , જ્યારે તેમનાં પત્ની ગૃહિણી છે . તેઓ લગભગ 20 વર્ષથી માછીમારી કરી રહ્યા છે અને કહે છે , ' હું ક્યારેય નથી ઇચ્છતો કે મારા બાળકો વ્યવસાયમાં કામ કરે'

PHOTO • Shraddha Agarwal

માછીમારો મોટી પકડની શોધમાં , દરિયામાં આગળના મુકામ તરફ આગળ વધી રહ્યા છે

PHOTO • Shraddha Agarwal

રામનાથ કોળી પાણીની અંદર ડૂબકી મારે છે અને જાળને અડધા ભાગમાં વહેંચે છે જેથી માછલીનું વજન સરખી રીતે વહેંચી શકાય અને જાળને હોડીમાં પાછી ખેંચવામાં સરળતા રહે

PHOTO • Shraddha Agarwal

માછલાંથી ભરેલી જાળને પાણીમાંથી બહાર કાઢીને હોડીમાં પાછા ખેંચવા માટે તે બધાની સામૂહિક તાકાતની જરૂર પડે છે

PHOTO • Shraddha Agarwal

તેઓ જાળમાંથી માછલીઓને હોડીના એક ખૂણામાં ખાલી કરે છે

PHOTO • Shraddha Agarwal

બીજી હોડી બાજુમાંથી પસાર થાય છે , જેમાં સવાર યુવકો માછીમારો તરફ હાથ લહેરા વે છે

PHOTO • Shraddha Agarwal

સમુદ્રતટના આસપાસ એક ચક્કકર લગાવવા માટે લગભગ 40 મિનિટનો સમય લાગે છે . જેવી હોડી બંદર પાસે પરત ફરે છે , તેવા જ્યાં ખરીદદારો રાહ જો રહ્યા હોય છે ત્યાં થોડા માછીમારો ઊતરી પડે છે અને હોડીમાં અન્ય માછીમારોને પ્લાસ્ટિકની મોટી ટોપલીઓ આપવાનું શરૂ કરે છે

PHOTO • Shraddha Agarwal

26 વર્ષીય ગૌરવ કોળી કહે છે કે તેઓ હંમે શાંથી માછીમાર બનવા માંગતા હતા . તેમણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારથી તેઓ તેમના પિતા દિલીપ કોળી સાથે કામ કરી રહ્યા છે

PHOTO • Shraddha Agarwal

19 વર્ષીય હર્ષદ કોળી ( પીળી ટી - શર્ટમાં આગળની તરફ ) ત્રણ વર્ષ પહેલાં 10 મા ધોરણ નો ભ્યાસ પૂરો કર્યો હતો અને ત્યારથી તેઓ માછીમારી કરી રહ્યા છે . વાશી હવેલી ગામમાં તેમના પરિવારની હોડી છે , પરંતુ તેઓ કહે છે , ' ત્યાં કોઈ ગ્રાહકો નથી , તેથી હું અહીં [ મુંબઈ ] કામ કરવા આવ્યો છું'

PHOTO • Shraddha Agarwal

ખરીદદારો અને હરાજી કરનારાઓ માછલીઓ સાથેની હોડી બંદર પર આવે તેની આતુરતાથી રાહ જો રહ્યા છે

PHOTO • Shraddha Agarwal

માછ લી વેચવાવાળાઓએ બરફમાં વિવિધ પ્રકારની માછલીઓ રાખી છે

PHOTO • Shraddha Agarwal

કેટલાક માછલી વેચનારાઓ પાલઘર જિલ્લામાંથી જથ્થાબંધ ખરીદદારોની શોધમાં આવ્યા છે

PHOTO • Shraddha Agarwal

સસ્સૂન ડૉક ખાતે ખુલ્લા ભાગમાં માછીમાર મહિલાઓ સૂર્યની નીચે સૂકવવા માટે તાજા કોલિમ ( નાના - જિંગા ) ફેલાવી રહી છે

PHOTO • Shraddha Agarwal

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કુશળ મજૂરો જૂનથી ઓગસ્ટ દરમિયાન મુંબઈના સસ્સૂન ડૉક પર આવે છે અને માછલી ની જાળનું સમારકામ કરીને દરરોજ 500-600 રૂપિયા કમાય છે

PHOTO • Shraddha Agarwal

કોવિડ - 19 મહામારી ફાટી નીકળી તે પહેલાં સસ્સૂન ડૉક પર માછીમારો , માછલી વેચનારાઓ , નાવિકો અને અન્ય મજૂરોની અવરજવર સવારે 4 વાગ્યે શરૂ જતી હતી . માર્ચ 2020 માં લૉકડાઉન શરૂ થયું ત્યારથી અહીં ભાગ્યે કોઈ ભીડ જોવા મળી છે

આ વાર્તા લૉકડાઉન હેઠળ આજીવિકા પરના 25 લેખોની શ્રેણીનો એક ભાગ છે, જેને બિઝનેસ અને કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

અનુવાદક: કનીઝફાતેમા

Shraddha Agarwal

ਸ਼ਰਧਾ ਅਗਰਵਾਲ ਪੀਪਲਸ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿੱਚ ਰਿਪੋਰਟ ਅਤੇ ਕਨਟੈਂਟ ਐਡੀਟਰ ਹਨ।

Other stories by Shraddha Agarwal
Editor : Sharmila Joshi

ਸ਼ਰਮਿਲਾ ਜੋਸ਼ੀ ਪੀਪਲਸ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਦੀ ਸਾਬਕਾ ਸੰਪਾਦਕ ਹਨ ਅਤੇ ਕਦੇ ਕਦਾਈਂ ਲੇਖਣੀ ਅਤੇ ਪੜ੍ਹਾਉਣ ਦਾ ਕੰਮ ਵੀ ਕਰਦੀ ਹਨ।

Other stories by Sharmila Joshi
Translator : Kaneez Fatema

Kaneez Fatema has been working in the field of translation for the past 7 years and is passionate about language, people, cultures, and their intersections.

Other stories by Kaneez Fatema