મેરઠમાં કેરમ બોર્ડના કારખાના (ફેક્ટરી) માં પાંચ કારીગરો 40 બોર્ડ્સની બેચ તૈયાર કરવા માટે સતત પાંચ દિવસ સુધી આઠ-આઠ કલાક કામ કરે છે. આ વર્કશોપના દરેક કારીગરો જાણે છે કે સ્ટ્રાઈકર અને કૂકરીઓને કેરમ બોર્ડની ફ્રેમની વચ્ચે ઝડપથી એક તરફથી બીજી તરફ લઈ જવા માટે શેની જરૂર છે. આ રમત વધુમાં વધુ ચાર ખેલાડીઓ રમી શકે છે - પરંતુ અહીં દરેક બોર્ડ પર પાંચ કારીગરો કામ કરે છે. તેઓ કેરમની રમતને શક્ય બનાવવામાં મદદ કરે છે, પરંતુ તેઓ પોતે ક્યારેય એ રમત રમ્યા નથી.
62 વર્ષના મદન પાલ કહે છે, “હું 1981 થી કેરમ બોર્ડ્સ બનાવું છું, પરંતુ મેં નથી ક્યારેય કેરમ બોર્ડ ખરીદ્યું કે નથી હું ક્યારેય કેરમ રમ્યો." તેઓ પૂછે છે, "ફાજલ સમય જ ક્યાં છે?” અમે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે પણ તેઓ અને તેમના સાથી કારીગરો 2400 ડંડા અથવા બબુલના (બાવળના) લાકડાના ટુકડાઓ ચોકસાઈપૂર્વક ગોઠવે છે. આ દરેક ટુકડા 32 અથવા 36 ઇંચની લંબાઇના છે અને કારીગરો તેને કારખાનાની બહારની દીવાલને અડીને આવેલી સાંકડી ગલીમાં મૂકે છે.
મદન પાલ કહે છે, “હું સવારે 8.45 વાગ્યે અહીં આવી જાઉં છું અને નવ વાગ્યે અમે કામ શરૂ કરીએ છીએ. હું ઘેર પાછો ફરું ત્યાં સુધીમાં સાંજના 7-7.30 વાગી જાય છે." 'અહીં,' એટલે ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં સૂરજ કુંડ સ્પોર્ટ્સ કોલોનીમાં આવેલ કેરમ બોર્ડ બનાવવાના નાનકડા કારખાના અથવા ફેક્ટરીમાં.
મેરઠ જિલ્લાના પૂઠ ગામમાં આવેલા પોતાને ઘેરથી મદન અઠવાડિયાના છ દિવસ સવારે સાત વાગ્યે સાયકલ પર નીકળી 16 કિલોમીટરની મુસાફરી કરીને તેમના કામના સ્થળે જાય છે.
મેરઠ શહેરના તારાપુરી અને ઈસ્લામાબાદ વિસ્તારમાં આવેલી લાકડા કાપવાની ફેક્ટરીઓ (સોમિલ્સ) માંથી લાકડાના કાપેલા ટુકડાઓ બે ટ્રાન્સપોર્ટરોએ છોટા હાથી (શાબ્દિક અર્થમાં નાનો હાથી - હકીકતમાં એક મીની ટેમ્પો ટ્રક) પર લાદીને હમણાં જ અહીં પહોંચાડ્યા છે.
મદન સમજાવે છે, “આ ટુકડાઓ કેરમ બોર્ડ્સની બહારની ફ્રેમ બનાવશે પરંતુ પહેલા તેમને સૂકવવા માટે ચારથી છ મહિના સુધી બહાર ખુલ્લામાં રાખવા પડશે. હવામાં અને તડકામાં સૂકવવાથી ટુકડાઓમાં ભેજ રહેતો નથી, એ સીધા રહે છે અને એમાં ફૂગ થતી નથી."



























