એક પુરુષ તેની સાત વર્ષની દીકરી સાથે સામુદાયિક વાર્ષિક પદયાત્રા આષાઢી વારીમાં જોડાઈ પંઢરપુર તરફ પગપાળા મુસાફરી રહ્યો છે - અષાઢી વારી એ એક એવો તહેવાર છે જેમાં રાજ્યભરમાંથી વારકરી સંપ્રદાયના હજારો લોકો ભગવાન વિઠ્ઠલના મંદિરની મુલાકાત લે છે. રસ્તામાં તેઓ લાતુરના એક ગામ મહૈસગાંવ ખાતે રાતવાસો કરવાનું નક્કી કરે છે. જેમ જેમ સાંજ ઢળતી થાય છે તેમ તેમ વાતાવરણ કીર્તનના અવાજોથી ગૂંજી ઊઠે છે. ખંજીરી (ખંજરી) નો ઝીણો ઝણકાર સાંભળીને આ નાની છોકરી તેને એ કાર્યક્રમમાં લઈ જવા માટે પોતાના પિતાની પાછળ પડી જાય છે.
તેના પિતાની ખાસ ઈચ્છા નથી. દીકરીને સમજાવવાનો પ્રયાસ કરતા તેઓ કહે છે, "અહીંના લોકો આપણા જેવા મહાર અને માંગને અડકતા નથી. તેઓ આપણને નકામા માને છે. તેઓ આપણને અંદર નહીં જવા દે.” પરંતુ દીકરી માનવા તૈયાર નથી. આખરે તેઓ દૂર ઉભા રહીને રજૂઆત સાંભળશે એ શરતે પિતા દીકરીની માંગને સ્વીકારે છે. ખંજરીના ઝણકારના અવાજને પગલે-પગલે તેઓ બંને પંડાલમાં પહોંચે છે. તેઓ બંને તલ્લીન થઈને મહારાજને ખંજરી વગાડીને કીર્તન કરતા જોઈ રહે છે. થોડા વખતમાં જ આ નાનકડી છોકરી અધીરી થઈ જાય છે, તેને મંચ પર જવું છે. સાવ અચાનક, કંઈ જ કહ્યા વિના, એ દોડે છે અને પોતાનું ધાર્યું કરે છે, એ મંચ પર પહોંચી જાય છે.
આ નાનકડી છોકરી મંચ પરના સંત કલાકારને કહે છે, "મારે એક ભારુડ ગાવું છે [સામાજિક જાગૃતિ માટે રચાયેલા ગીતોમાં વ્યંગ અને રમૂજનો ઉપયોગ કરતી પ્રાચીન કવિતાનું એક સ્વરૂપ]." પ્રેક્ષકો સ્તબ્ધ છે. પણ મહારાજ એ છોકરીને ગાવા દે છે. અને પછીની થોડી મિનિટો માટે એ છોકરી મંચ પર છવાઈ જાય છે, તાલ માટે ધાતુના ઘડા પર થાપ આપી છોકરી એ જ મહારાજે લખેલું અને સ્વરબદ્ધ કરેલું એક ગીત રજૂ કરે છે.
माझा रहाट गं साजनी
गावू चौघी जनी
माझ्या रहाटाचा कणा
मला चौघी जनी सुना
કૂવા પરની ગરગડી, સજની
ચાલો ગાઈએ, આપણે ચારેય સાથે મળી
આ ગરગડી ને એની ધરી,
અને આ વહુવારુ મારા ચાર દીકરાની
આ બાળ ગાયકથી પ્રભાવિત થઈને સંત કલાકાર એ છોકરીને તેમની ખંજીરી ભેટમાં આપીને કહે છે, “મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. તું આ જગતને ઉજાળીશ."













