“જ્યારે પણ ભટ્ટી [ભઠ્ઠી] પ્રગટાવવામાં આવે છે, ત્યારે હું મારી જાતને ઇજા પહોંચાડી બેસું છું.”
સલમા લુહારના આંગળાના સાંધા પરના હાડકા પર ચાઠાં પડ્યાં છે અને તેમના ડાબા હાથની બે આંગળીઓમાં વાઢ પડ્યા છે. તેઓ ભઠ્ઠીમાંથી મુઠ્ઠીભર રાખ ઉપાડીને તેને ઘા પર લગાવી દે છે, જેથી તેમાં જલ્દીથી રૂઝ આવી જાય.
આ 41 વર્ષીયનો પરિવાર એ છ લુહાર પરિવારોમાંનો એક છે જે સોનીપતના બહલગઢ બજારમાં આવેલી જુગ્ગીઓમાં વસવાટ કરે છે. એક બાજુ વ્યસ્ત બજારનો માર્ગ છે અને બીજી બાજુ નગરપાલિકાનો કચરાનો ઢગલો છે. નજીકમાં એક સરકારી શૌચાલય અને પાણીનું ટેન્કર છે અને સલમા અને તેમનો પરિવાર સંપૂર્ણપણે આ સુવિધાઓ પર આધાર રાખે છે.
જુગ્ગીઓમાં વીજળી નથી અને જો 4 થી 6 કલાકથી વધુ સમય સુધી વરસાદ પડે, તો સમગ્ર વસાહતમાં પૂર આવે છે – જેવું કે કે ગયા ઓક્ટોબર (2023) માં થયું હતું. આવા સમયે તેમણે પગ ઊંચા કરીને તેમના ખાટલા પર બેસવું પડે છે, પાણી ઓછું થાય તેની રાહ જોવી પડે છે, જેમાં 2–3 દિવસ લાગે છે. સલમાનો પુત્ર દિલશાદ યાદ કરે છે કે, “તે દિવસોમાં ઘણી દુર્ગંધ આવતી હતી.”
સલમા પૂછે છે, “પણ અમે બીજે જઈએ ક્યાં? હું જાણું છું કે અહીં કચરાની બાજુમાં રહેવાથી અમે બીમાર પડીએ છીએ. ત્યાં બેસતી માખીઓ અમારા ઘરોમાં આવીને અમારા ભોજન પર પણ બેસે છે. પણ અમે બીજે જઈએ ક્યાં?”
ગડિઆ, ગડિયા અથવા ગડુલિયા લુહારોને રાજસ્થાનમાં વિચરતી જનજાતિ (એન.ટી.) તેમજ પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ સમુદાયના લોકો દિલ્હી અને હરિયાણામાં પણ રહે છે. દિલ્હીમાં તો તેમને વિચરતી જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હરિયાણામાં તેમને પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે.
તેઓ જ્યાં રહે છે તે બજાર રાજ્ય ધોરીમાર્ગ 11ની બાજુમાં આવેલું છે અને તાજી પેદાશો, મીઠાઈઓ, રસોડાના મસાલા, વિદ્યુત ઉપકરણો અને અન્ય ઘણી બધી વસ્તુઓ વેચતા વિક્રેતાઓને આકર્ષે છે. ઘણા લોકો ત્યાં સ્ટોલ લગાવે છે અને એક વાર બજાર બંધ થઈ જાય પછી ત્યાંથી નીકળી જાય છે.




















