કુનોના ચિત્તાને લગતી માહિતી હવે રાષ્ટ્રીય સુરક્ષાની બાબત થઈ ગઈ છે, જેનો ભંગ કરવાથી વિદેશી દેશો સાથેના ભારતના સંબંધોને પણ પ્રતિકૂળ અસર કરી શકે છે.
અથવા, ઓછામાં ઓછું આ એ કારણ છે જે મધ્યપ્રદેશ સરકારે જુલાઈ 2024માં માહિતીના અધિકાર (આર.ટી.આઈ.) ની વિનંતીને નકારી કાઢતાં આપ્યું હતું, જેમાં ચિત્તાના વ્યવસ્થાપનની વિગતો માંગવામાં આવી હતી. આર.ટી.આઈ. દાખલ કરનારા ભોપાલ સ્થિત કાર્યકર્તા અજય દુબે કહે છે, “વાઘ વિશેની તમામ માહિતી પારદર્શક છે, તો પછી ચિત્તા વિશેની કેમ નહીં? વન્યજીવન વ્યવસ્થાપનમાં પારદર્શિતા સામાન્ય વાત છે.”
કુનો પાર્કને અડીને આવેલા અગરા ગામમાં રહેતા રામ ગોપાલને ખબર નથી પડતી કે તેમની આજીવિકાથી આપણી રાષ્ટ્રીય સુરક્ષા અને રાજદ્વારી સંબંધો પર કઈ રીતે કોઈ જખમ આવી પડશે. તેમને અને તેમના જેવા હજારો આદિવાસીઓને અન્ય, વધુ ગંભીર ચિંતાઓ છે.
તેમણે તાજેતરમાં જ ટ્રેક્ટરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. એટલા માટે નહીં કે તેમને અચાનક બળદોના બદલે આ મશીન પોસાવા લાગ્યું છે. ના, વાત આખી અલગ છે.
“મોદીજીએ અમને આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમારે અમારા બળદોને જવા ન દેવા જોઈએ. પરંતુ એકમાત્ર ચરાઈ [કુનોના] જંગલમાં જ છે અને જો અમે તેમાં પ્રવેશ કરીએ છીએ તો ફોરેસ્ટ રેન્જર્સ અમને પકડી લે છે અને જેલમાં ધકેલી દે છે. તેથી, અમે વિચાર્યું, ચાલો તેના બદલે એક ટ્રેક્ટર જ ભાડે લઈ લઈએ.”
આ એક એવો ખર્ચ છે જે રામ ગોપાલ અને તેમના પરિવારને પરવડી શકે તેમ નથી. તેમની ઘરગથ્થુ આવક તેમને ગરીબી રેખાથીય નીચે રાખે છે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ચિત્તાનું ઘર બન્યા પછી, તેનાથી તેમને જંગલ આધારિત જે આજીવિકા મળતી હતી તેમાં ભારે નુકસાન થયું છે.
આ સંરક્ષિત વિસ્તારને 2022માં રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળી હતી જ્યારે એસિનોનિક્સ જુબાટસ — આફ્રિકન ચિત્તા — ને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા, કે જેથી નરેન્દ્ર મોદીની એકમાત્ર એવા દેશના વડા પ્રધાન તરીકેની છબી પર છાપ પાડી શકાય જે તમામ મોટી બિલાડીઓનું ઘર છે. તેમના જન્મદિવસ પર તેમણે ચિત્તાનું સ્વાગત કર્યું હતું.
રસપ્રદ વાત એ છે કે, સંરક્ષણ લક્ષ્ય તરીકે ચિત્તાનો પુનઃપરિચય આપણી રાષ્ટ્રીય વન્યજીવ કાર્ય યોજના 2017-2031 માં સંપૂર્ણપણે ગેરહાજર છે, જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ગંગેટિક ડોલ્ફિન, તિબેટીયન એન્ટેલોપ અને અન્ય જેવી સ્થાનિક અને લુપ્તતાના આરે રહેલી પ્રજાતિઓના સંરક્ષણ માટેનાં પગલાંની યાદી આપે છે. 2013માં સુપ્રીમ કોર્ટે ચિત્તા લાવવાની યોજનાને વખોડી કાઢવામાં આવી હતી, જેમણે તેનો ‘વિગતવાર વૈજ્ઞાનિક અભ્યાસ’ કરવા કહ્યું હતું.
આ બધા છતાં ચિત્તાને અહીં લાવવા, તેના પુનર્વસન અને પ્રચારમાં સેંકડો કરોડ રૂપિયા ખર્ચી કાઢવામાં આવ્યા છે.
કુનોને ચિત્તા સફારીમાં ફેરવવાથી રામ ગોપાલ જેવા સહારિયા આદિવાસીઓનું જીવન અને આજીવિકા બરબાદ થઈ ગઈ છે, જેઓ ફળ, મૂળ, જડીબુટ્ટીઓ, રાળ અને બળતણ જેવી લાકડા સિવાયની વન પેદાશો (એન.ટી.એફ.પી.) માટે જંગલ પર નિર્ભર છે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાન (કે.એન.પી.) નોંધપાત્ર વિસ્તારને આવરી લે છે અને મોટા કુનો વન્યજીવ વિભાગનો એક ભાગ છે, જે કુલ 1,235 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલુ છે.
રામ ગોપાલ કહે છે, “સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી 12 કલાક સુધી, હું મારા ઓછામાં ઓછા 50 વૃક્ષોનું ધ્યાન રાખતો હતો અને ચાર દિવસ પછી રાળ લેવા માટે પાછો આવતો હતો. માત્ર મારા ચિરના વૃક્ષોમાંથી જ દર મહિને 10,000 રૂપિયાની કમાણી થતી હતી.” તે 1,200 કિંમતી ચિર ગોંદના વૃક્ષો હવે સ્થાનિક લોકો માટે સરહદની પેલે પાર થઈ ગયા છે. જ્યારે આ ઉદ્યાનને ચિત્તા પ્રોજેક્ટમાં ફેરવવામાં આવ્યું, ત્યારે વૃક્ષો નવા બફર ઝોનમાં જતા રહ્યા હતા.
આ દંપતી, રામ ગોપાલ અને તેમનાં પત્ની સંતુ, બંને ત્રીસેક વર્ષની ઉંમરનાં છે અને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની ધાર પર વરસાદ આધારિત જમીન પર કેટલાક વીઘામાં ખેતી કરે છે, જે મોટે ભાગે તેમના પોતાના વપરાશ માટે જ છે. રામ ગોપાલ ઉમેરે છે, “અમે બાજરી ઉગાડીએ છીએ જેને અમે ખાઈએ છીએ, અને કેટલીક તલ અને સરસવ વેચીએ છીએ.” અહીં તેમણે વાવણીની મોસમ દરમિયાન ટ્રેક્ટર ભાડે લેવું પડે છે.
તેઓ કહે છે, “આ જંગલ સિવાય અમારી પાસે કંઈ નથી. અમારા ખેતરોમાં પૂરતું પાણી પણ નથી. હવે જંગલમાં પ્રવેશ અમારા માટે નિષેધ હોવાથી, અમારે [કામ માટે] સ્થળાંતર કરવું પડશે.” અને વધારાનો ફટકો એ છે કે વન વિભાગ તેમની પાસેથી નિયમિત પણે જે તેંદુનાં પત્તાં ખરીદતો હતો તેમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. સરકારની આખા વર્ષ દરમિયાન તેંદુનાં પત્તાંની ખરીદી આદિવાસીઓ માટે એક સુનિશ્ચિત આવક હતી, અને જેમ જેમ ખરીદી ઘટી છે તેમ તેમ રામ ગોપાલની કમાણીમાં પણ ઘટાડો થયો છે.
સમગ્ર મધ્ય પ્રદેશ રાજ્યમાં, લાકડા સિવાયની વન પેદાશો (એન.ટી.એફ.પી.) જંગલોમાં અને તેની આસપાસ રહેતા લોકો માટે એક જીવનરેખા છે. આમાંથી મુખ્ય છે ચિર ગોંદ — જે લગભગ માર્ચથી જુલાઈ સુધીના ઉનાળાના મહિનાઓ ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢને બાદ કરતાં આખા વર્ષ દરમિયાન એકત્ર કરવામાં આવે છે. આ 2022નો અહેવાલ જણાવે છે કે, કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને તેની આસપાસ રહેતા મોટાભાગના લોકો સહારિયા આદિવાસી છે, જેઓ ખાસ કરીને નબળા આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) છે અને 98 ટકા લોકો તેમની આજીવિકા માટે જંગલ પર નિર્ભર છે.
રાજૂ તિવારી જેવા વેપારીઓને વેચવા માટે વન પેદાશો લાવનારા સ્થાનિક લોકો માટે અગરા ગામ એક મહત્ત્વપૂર્ણ વેપારી કેન્દ્ર છે. તિવારી કહે છે કે જંગલની પહોંચ બંધ થઈ તે પહેલાં, સેંકડો કિલોગ્રામ રાળ, મૂળીયાં અને જડીબુટ્ટીઓ બજારમાં પ્રવેશતાં હતાં.
તેઓ કહે છે, “આદિવાસીઓ જંગલ સાથે જોડાયેલા હતા, અને અમે આદિવાસીઓ સાથે જોડાયેલા હતા. જંગલ સાથેનો તેમનો સંબંધ કાપી નાખવામાં આવ્યો છે અને અમે બધા તેની અસર અનુભવી રહ્યા છીએ.”
સમગ્ર મધ્ય પ્રદેશ રાજ્યમાં, ગોંદ (રાળ) જેવી લાકડા સિવાયની વન પેદાશો (એન.ટી.એફ.પી.) જંગલોમાં અને તેની આસપાસ રહેતા લોકો માટે એક જીવનરેખા છે
*****
જાન્યુઆરી મહિનાની એક ઠંડી સવારે, રામ ગોપાલ થોડા મીટર લાંબું દોરડું અને દાતરડા સાથે ઘરેથી નીકળ્યા છે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની પથ્થરની દિવાલોથી ઘેરાયેલી સીમાઓ અગરાામાં તેમના ઘરથી ત્રણ કિલોમીટર દૂર છે, અને તે એક એવી યાત્રા છે જેને તેઓ ઘણી વાર કરે છે. આજે તેઓ અને તેમનાં પત્ની બળતણનું લાકડું લેવા જઈ રહ્યાં છે; દોરડું બંડલને બાંધવા માટે છે.
તેમનાં પત્ની સંતુ ચિંતિત છે અને તેમને ખાતરી નથી કે તેઓ બળતણ મેળવી શકશે કે કેમ. તેઓ કહે છે, “તેઓ [વન અધિકારીઓ] અમને ક્યારેક અંદર જવા નથી દેતા. શક્ય છે કે અમારે ધક્કો ખાઈને પાછાં આવવું પડે.” આ પરિવારનું કહેવું છે કે તેમને ક્યારેય ગેસ કનેક્શન પરવડી શક્યું નથી.
સંતુ આગળ વધતાં કહે છે, “જૂના ગામમાં [ઉદ્યાનની અંદર] કુનો નદી હતી તેથી અમને બારે બાર મહિના સુધી પાણી મળી રહેતું હતું. અમને તેંદુ, બેર, મહુઆ, જડીબુટ્ટી, બળતણ પણ મળી રહેતું હતું.”
સંતુ કુનો પાર્કમાં ઉછર્યાં હતાં અને તેમનાં માતા-પિતા સાથે રહેવા ગયાં હતાં — 1999માં વિસ્થાપિત થયેલા 16,500 લોકોનો એક ભાગ હતાં, જેમને ગુજરાતના ગીરમાં એશિયાટિક સિંહની વિશ્વભરમાં એકમાત્ર વસ્તી માટેનું બીજું ઘર બનાવવા માટે વિસ્થાપિત કરાયા હતા. આ પણ વાંચોઃ કુનોના જંગલમાં: જે સિંહનો ના થયો તે કોઈનો નહીં
રામ ગોપાલ કહે છે, “આગળ જતાં તો એક પરિવર્તન આવ્યું. જંગલ મેં જાના હી નહીં [જંગલમાં જવા જ નહીં મળે].”
જોકે, વન અધિકાર અધિનિયમ 2006 સરકારને સ્થાનિક લોકોની સંમતિ વિના જમીન છીનવવાની મંજૂરી આપતો નથી, તેમ છતાં ચિત્તાના આગમન સાથે, વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972 લાગુ કરવામાં આવ્યો છે. “… રસ્તાઓ, પુલો, ઇમારતો, વાડ અથવા અવરોધ દરવાજાનું નિર્માણ કરી શકે છે. (બી) અભયારણ્યમાં જંગલી પ્રાણીઓની સુરક્ષા અને અભયારણ્ય અને જંગલી પ્રાણીઓની જાળવણી સુનિશ્ચિત કરે તેવા પગલાં લેશે.”
જ્યારે રામ ગોપાલે પહેલી વાર દિવાલ [વાડાબંધી] વિશે સાંભળ્યું ત્યારે તેઓ યાદ કરીને કહે છે, “મને કહેવામાં આવ્યું હતું કે તે વાવેતર માટે છે, તેથી અમે વિચાર્યું કે તે ઠીક છે. પરંતુ ત્રણ વર્ષ પછી તેઓએ કહ્યું કે ‘હવે તમે પ્રવેશ કરી શકતા નથી. તે સીમાથી આગળ પ્રવેશ ન કરતા. જો તમારા પ્રાણીઓ અંદર આવી જશે, તો તમારે દંડ ચૂકવવો પડશે અથવા જેલમાં જવું પડશે.’” તેઓ હસીને ઉમેરે છે, “[અમને કહેવામાં આવ્યું હતું કે] જો અમે પ્રવેશ કરીશું, તો અમારે 20 વર્ષ માટે જેલમાં જવું પડશે. મારી પાસે તેના [જામીનના] પૈસા નથી.”
ચરાઈના અધિકારો ગુમાવવાથી પશુઓની વસ્તીમાં ઘટાડો થયો છે અને સ્થાનિકો કહે છે કે પશુ મેળાઓ હવે ભૂતકાળની વાત થઈ ગયા છે. 1999ના વિસ્થાપનમાં, ઘણા લોકો તેમના પ્રાણીઓને ઉદ્યાનમાં છોડીને ગયા હતા, કારણ કે, તેઓ ઉદ્યાનથી દૂર તેમના નવા વાતાવરણમાં ચરાઈનું સંચાલન ક્યાં અને કેવી રીતે કરશે તેની ખાતરી ન હતી. આજે પણ, ગાયો અને બળદો ઉદ્યાનના બફર ઝોનની આસપાસ ફરતાં હોય છે, તેમાંના ઘણા છૂટી જાય છે કારણ કે તેમના માલિકો હવે તેમને ચરાવી શકતા નથી. પશુઓ પર જંગલી કૂતરાઓ દ્વારા હુમલો થવાનો ભય પણ છે, જેમના વિશે રેન્જરોએ ચેતવણી આપી છે કે, “જો તમે અથવા તમારા પ્રાણીઓ ઉદ્યાનની અંદર જશે તો તેઓ તમને શોધી કાઢશે અને તમને મારી નાખશે.”
પરંતુ ઈંધણ માટે એવી મજબૂરી છે કે “ચોરી ચુપકે [શાંતિથી અને ગુપ્ત રીતે]” ઘણા લોકો હજુ પણ ત્યાં જાય છે. આગરાનાં રહેવાસી સાગૂ તેમના માથા પર વીંટાળેલાં પાંદડાં અને ડાળીઓના નાના ઢગલા સાથે પરત ફરી રહ્યાં છે, તેઓ સાઠ વર્ષથી વધુની વયે પહોંચ્યાં હોવાથી આનાથી વધુ વજન ઉપાડી નથી શકતાં.
પ્રશ્નનો જવાબ આપવાને બહાને ઘડી બે ઘડીનો આરામ મળી જાય તે માટે તેઓ બેસીને કહે છે, “જંગલ મેં ના જાને દે રહે [અમને જંગલમાં જવાની મંજૂરી નથી]. મારે મારી બાકીની ભેંસો વેચી દેવી પડશે.”
સાગૂ કહે છે કે અગાઉ તેઓ બળતણનો મોટો જથ્થો લાવતાં હતાં અને તેને વરસાદની મોસમ માટે રાખી મૂકતાં હતાં. તેઓ એક સમય યાદ કરે છે જ્યારે તેમણે આ જ જંગલનાં લાકડા અને પત્તાંનો ઉપયોગ કરીને તેમનું આખું ઘર બનાવ્યું હતું. “જ્યારે અમારાં પ્રાણીઓ ચરતાં હતાં, ત્યારે અમે બળતણ, અન્ય પ્રાણીઓ માટે ઘાસચારો, વેચવા માટે તેંદુનાં પત્તાં એકત્રિત કરતાં હતાં.”
તે સેંકડો ચોરસ કિલોમીટરનો વિસ્તાર હવે માત્ર ચિત્તા માટે છે અને તેમને જોવા આવતા પ્રવાસીઓ માટે છે.
અગરા ગામમાં, કાશી રામ હિંમત હારી ગયેલા ઘણા લોકોનો અવાજ બનતાં કહે છે, “ચિત્તાના આગમનથી [અમારા માટે] કંઈ સારું થયું નથી. માત્ર નુકસાન જ થયું છે.”
*****
ચેન્ટીખેડા, પદરી, પૈરા-બી, ખજૂરી ખુર્દ અને ચકપારોનના ગામડાઓમાં મોટી સમસ્યાઓ છે. તેઓ કહે છે કે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને કુઆરી નદી પર ડેમ માટે કામ શરૂ કરવામાં આવ્યું છે જેનાથી તેમના ઘરો અને ખેતરોમાં પૂર ફરી વળશે.
જસરામ આદિવાસી કહે છે, “અમે છેલ્લાં 20 વર્ષથી ડેમ વિશે સાંભળી રહ્યા છીએ. અધિકારીઓ કહે છે, ‘તમને મનરેગા નહીં મળે, કારણ કે તમારા ગામડાઓ ડેમથી વિસ્થાપિત થવાના છે.’” ચેન્ટીખેડાના ભૂતપૂર્વ સરપંચ નિર્દેશ કરે છે કે ઘણા લોકોને તેમના મનરેગાના લાભો નથી મળ્યા.
તેમના ઘરની છત પર ઊભા રહીને, થોડા અંતરે રહેલી કુઆરી નદીને બતાવતાં તેઓ કહે છે, “ડેમ આ વિસ્તારને આવરી લેશે. અમારું ગામ અને બાજુનાં 7-8 ગામો ડૂબી જશે પણ અમને હજુ સુધી કોઈ સૂચના આપવામાં આવી નથી.”
તે જમીન સંપાદન, પુનર્વસન અને પુનર્વ્યવસ્થાપનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ , 2013 (LARRA) ના નિયમોની વિરુદ્ધ છે, જે ગામડાના લોકો સાથે સામાજિક અસરના અભ્યાસ જેવાં વિસ્થાપન માટેનાં પગલાં લેવાને સ્પષ્ટપણે નિર્ધારિત કરે છે. આ માટેની તારીખો સ્થાનિક ભાષામાં જાહેર કરવી આવશ્યક છે (Ch II A 4 (1)), બધાંને હાજરી આપવા માટે સૂચના આપવી આવશ્યક છે, વગેરે.
ચકપારા ગામના સતનામ આદિવાસી કહે છે, “અમે 23 વર્ષ પહેલાં વિસ્થાપિત થયા હતા. ખૂબ જ મુશ્કેલી સાથે અમે અમારું જીવન ફરી બેઠું કર્યું છે.” તેઓ ઘણી વાર જયપુર, ગુજરાત અને અન્ય સ્થળોએ બાંધકામ સ્થળો પર વેતનના કામ માટે જાય છે.
સતનામે ડેમ વિશે સમાચારમાં સાંભળ્યું જે ગામના એક વ્હોટ્સઅપ ગ્રૂપ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેઓ ઉમેરે છે, “કોઈએ અમારી સાથે વાત કરી નથી, અમને ખબર પણ નથી કે કયાં અને કેટલાં ગામો આમાં ડૂબી જશે.” મહેસૂલ વિભાગના અધિકારીઓએ કયાં મકાનો પાકાં છે, કાચાં છે, તેઓએ કેટલી જમીન પર કબજો કર્યો હતો, વગેરે જેવી વિગતો નોંધી છે.
છેલ્લા વિસ્થાપનની યાદ તેમના પિતા સુજાનસિંહ માટે ઝાંખી પડી નથી, જેઓ હવે બે વાર વિસ્થાપિત થશે. “હમારે ઉપર ડબલ કષ્ઠ હો રહા હૈ [અમે બેવડી મુશ્કેલીમાં ફસાયા છીએ].”
અનુવાદક: ફૈઝ મોહંમદ