માલતી માલ તેમની બાજુમાં જમીન પરની જગ્યા તરફ ઈશારો કરતાં કહે છે, “ઓસોબ વોટ-ટોટ છારો. સંધ્યા નામર એજ અનેક કાજ ગો. [મત-બત તે વળી શેનો! સાંજ પડતાં (આના કરતાંય વિશેષ) હજારો વસ્તુઓ કરવાની છે અમારે.] આવો, જો તમે આ ગંધને સહન કરી શકતાં હો, તો અમારી સાથે અહીં બેસો.” તેઓ મને મહિલાઓના એક જૂથ સાથે જોડાવા માટે આમંત્રિત કરી રહ્યાં છે, જે ગરમી અને ધૂળથી પ્રભાવિત થયા વિના ડુંગળીના વિશાળ ઢગલાની આસપાસ બેસીને કામ કરી રહ્યાં છે. હું લગભગ એક અઠવાડિયાથી આ ગામમાં ફરી રહી છું, આ મહિલાઓના કદમથી કદમ મિલાવીને તેમની સાથે ફરી રહી છું, અને તેમને આગામી ચૂંટણીઓ વિશે પ્રશ્નો પૂછું છું.
એપ્રિલની શરૂઆતનો સમય છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના આ ભાગમાં ગરમીનો પારો દરરોજ 41 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે. સાંજે 5 વાગ્યે પણ આ માલ પહાડીયા ઝૂંપડીમાં અસહ્ય ગરમી પડી રહી છે. આ વિસ્તારની આસપાસના થોડા વૃક્ષો પર એક પત્તું પણ ફરકતું નથી. તાજી ડુંગળીની ભારે, તીખી ગંધ હવામાં પ્રસરી રહી છે.
મહિલાઓ તેમના કામચલાઉ ઘરોથી માંડ 50 મીટર દૂર ખુલ્લી જગ્યાની મધ્યમાં, ડુંગળીના ઢગલાની આસપાસ અર્ધવર્તુળ બનાવીને બેઠી છે. તેઓ દાતરડાનો ઉપયોગ કરીને દાંડીમાંથી ડુંગળીના ગોળ ભાગને અલગ કરવામાં વ્યસ્ત છે. ધગધગતી બપોર, કાચી ડુંગળીની વરાળ સાથે ભળીને, તેમના ચહેરાને એવી રીતે તેજસ્વી બનાવે છે કે જેવું માત્ર સખત મહેનતથી જ શક્ય બને છે.
60 વર્ષીય માલતી કહે છે, “આ અમારો દેશ [વતન] નથી. છેલ્લા સાત કે આઠ વર્ષથી અમે અહીં આવી રહ્યાં છીએ.” તેઓ અને જૂથની અન્ય મહિલાઓ માલ પહાડીયા આદિવાસી સમુદાયની છે, જે સત્તાવાર રીતે રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે અને સૌથી સંવેદનશીલ આદિવાસી જૂથોમાંથી એક તરીકે ઓળખાય છે.
તેઓ કહે છે, “અમારા ગામ ગોઆસ કાલિકાપુરમાં, અમારી પાસે કોઈ કામ ઉપલબ્ધ નથી.” મુર્શિદાબાદ જિલ્લાના રાણીનગર-1 બ્લોકમાં ગોઆસના 30થી વધુ પરિવારો હવે બિશુરપુકુર ગામના કિનારે કામચલાઉ ઝૂંપડીઓમાં રહે છે અને સ્થાનિક ખેતરોમાં કામ કરે છે.
તેમણે મને કહ્યું હતું કે, તેઓ 7 મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે તેમના ગામે પાછાં જવાનાં હતાં. ગોઆસ કાલિકાપુર બિશુરપુકુર ગામથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલું છે.
માલ પહાડી સમુદાયના લોકોનું રાણીનગર-1 બ્લોકમાંથી બેલડાંગા-1 બ્લોકમાં તેમના હાલના રહેણાંલમાં આંતર-તાલુકાનું સ્થળાંતર જિલ્લામાં મજૂર સ્થળાંતરની અનિશ્ચિત પ્રકૃતિને દર્શાવે છે.
માલ પહાડીયા આદિવાસીઓ પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વેરવિખેર વસાહતો ધરાવે છે, અને એકલા મુર્શિદાબાદમાં જ તેમાંથી 14,064 લોકો વસે છે. ઝારખંડના દુમકાના સમુદાયના વિદ્વાન અને કાર્યકર્તા રામજીવન આહારી કહે છે, “અમારા સમુદાયનું મૂળ નિવાસસ્થાન રાજમહલ ટેકરીઓની આસપાસના વિસ્તારોમાં છે. અમારા લોકો ઝારખંડ [જ્યાં રાજમહલો આવેલા છે ત્યાં] અને પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં સ્થળાંતરિત થયા હતા.”
રામજીવન પુષ્ટિ કરે છે કે, ઝારખંડમાં, પશ્ચિમ બંગાળથી વિપરીત, માલ પહાડીઓ ખાસ કરીને નબળા આદિવાસી જૂથ (PVTG) તરીકે નોંધાયેલા છે. તેઓ ઉમેરે છે, “જુદા જુદા રાજ્યોમાં આ એક જ સમુદાયની જુદી જુદી પરિસ્થિતિ સમુદાયની નબળાઈ અંગે દરેક સરકારના વલણને પ્રતિબિંબિત કરે છે.”
તેઓ ઘરથી દૂર વસાહતમાં કેમ રહે છે તે સમજાવતાં માલતી કહે છે, “અહીંના લોકોને તેમના ખેતરોમાં કામ કરાવવા માટે અમારી જરૂર છે. વાવણી અને કાપણી [લણણીનો સમય] દરમિયાન અમે દૈનિક 250 રૂપિયા કમાતાં હોઈએ છીએ.” અમુક વાર તેઓને એકાદ ઉદાર ખેડૂત પાસેથી તાજી લણણીમાંથી થોડોક હિસ્સો પણ મળતો હોય છે, તેઓ ઉમેરે છે.
મુર્શિદાબાદમાં સ્થાનિક ખેત કામદારોની ભારે અછત છે, કારણ કે આ જિલ્લામાંથી મોટી સંખ્યામાં મજૂરો કામની શોધમાં બીજે જતા રહે છે. આદિવાસી ખેડૂતો અમુક અંશે તે માંગને પૂર્ણ કરે છે. બેલડાંગા-1 બ્લોકના ખેત મજૂરો પ્રતિ દિન 600 રૂપિયા વસૂલે છે, જ્યારે આંતર-તાલુકા સ્થળાંતર આદિવાસી મજૂરો, જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે, તેનાથી અડધા વેતન માટે કામ કરે છે.
માત્ર 19 વર્ષની ઉંમરની એક નબળી, યુવાન ડુંગળી કાપનાર અંજલિ માલ સમજાવતાં કહે છે, “એક વાર ડુંગળીને ખેતરમાંથી કાપીને ગામમાં લાવવામાં આવે, ત્યારે અમે આગળનું કામ કરીએ છીએ.”
તેઓ ફોરિયાઓ (વચેટિયાઓ) ને વેચવા માટે અને રાજ્યભરમાં અને બહાર દૂરના સ્થળોએ મોકલવા ડુંગળીને તૈયાર કરે છે. “અમે દાંડીમાંથી ડુંગળીના ગોળાકાર ભાગને દાતરડાથી અલગ કરીએ છીએ, અને ઉપરનાં ફોતરાં, માટી અને મૂળને ફેંકી દઈએ છીએ. પછી અમે તેમને એકત્રિત કરીએ છીએ અને કોથળામાં ભરીએ છીએ.” 40 કિલોગ્રામ વજનનો એક કોથળો વેચીને, તેઓ 20 રૂપિયા કમાય છે. “અમે જેટલું વધારે કામ કરીએ છીએ, તેટલી વધુ કમાણી કરીએ છીએ. તેથી, અમે દરેક સમયે કામ જ કરતાં રહીએ છીએ. તે ખેતરોમાં કામ કરવા કરતાં અલગ છે, જ્યાં કલાકો નિશ્ચિત હોય છે.”
સાધુન મંડલ, સુરેશ મંડલ, ધોનુ મંડલ અને રાખોહોરી વિસ્વાસ, જેઓ તમામ બિશુરપુકુરના 40 વર્ષની આસપાસના ખેડૂતો છે, તેઓ આદિવાસીઓને ભાડે રાખે છે. તેઓ કહે છે કે આખા વર્ષ દરમિયાન “સમયાંતરે” ખેત-મજૂરોની જરૂર રહે જ છે. માંગ પાકની મોસમ દરમિયાન ટોચ પર હોય છે. ખેડૂતો જણાવે છે કે મોટાભાગે માલ પહાડીઓ અને સંથાલ આદિવાસી મહિલાઓ આ વિસ્તારોમાં ગામડાઓમાં કાપણી માટે આવે છે. અને તેઓ આ બાબત પર સર્વસંમત લાગે છે: “તેમના વિના, અમે ખેતીને ટકાવી શકીશું નહીં.”
આ કામ ખરેખર મહેનત માંગી લે તેવું હોય છે. ડુંગળીનું કામ કરવામાં વ્યસ્ત માલતી કહે છે, “અમને બપોરનું ભોજન રાંધવા માટે ભાગ્યે જ સમય મળે છે… બેલા હોયે જાય. કોનોમોટે દુતો ચાલ ફૂટિયે ની. ખાબર-દાબરેર ઓનેક દામ ગો. [જમવામાં બહુ મોડું થાય છે. અમે ઝડપથી કોઈક રીતે થોડા ચોખા બાફી દઈએ છીએ. ખાદ્ય પદાર્થો ખૂબ મોંઘા છે].” એક વાર ખેતરનું કામ પૂરું થઈ જાય પછી, સ્ત્રીઓએ ઘરના કામકાજમાં પરોવાઈ જવું પડે છે: ઝાડુ મારવું, ધોઈને સાફ સફાઈ કરીને નહાવું, અને પછી રાત્રિભોજન રાંધવા માટે તૈયારી કરવી.
તેઓ ઉમેરે છે, “અમને દર વખતે નબળાઈનો અનુભવ થતો રહે છે.” તાજેતરનું રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ (NFHS-5) આપણને તેનું કારણ જણાવે છે. તે જિલ્લાની તમામ મહિલાઓ અને બાળકોમાં એનિમિયા (લોહતત્ત્વની ઉણપ) ના વધતા સ્તરને દર્શાવે છે. આ ઉપરાંત, અહીં 5 વર્ષથી ઓછી ઉંમરના 40 ટકા બાળકો વામણા (કુંઠિત) છે.
શું તેમને અહીં રેશન નથી મળતું?
માલતી સમજાવે છે, “ના, અમારા રેશનકાર્ડ અમારા ગામ માટે છે. અમારા પરિવારના સભ્યો અમારા હિસ્સાનું રેશન લે છે. જ્યારે અમે અમારા ઘરની મુલાકાત લઈએ છીએ, ત્યારે અમે અમારી સાથે થોડું અનાજ પાછું લાવીએ છીએ.” તેઓ જાહેર વિતરણ વ્યવસ્થા (પી.ડી.એસ.) હેઠળ જે જોગવાઈઓ માટે હકદાર છે, તેનો ઉલ્લેખ કરી રહ્યાં છે. તેઓ ઉમેરે છે, “અમે અહીં કંઈપણ ન ખરીદવાનો પ્રયાસ કરીએ છીએ અને અમારા પરિવારોને પાછા મોકલવા માટે શક્ય તેટલી બચત કરીએ છીએ.”
મહિલાઓને એ જાણીને આશ્ચર્ય થાય છે કે વન નેશન વન રેશનકાર્ડ (ONORC) જેવી રાષ્ટ્રવ્યાપી ખાદ્ય સુરક્ષા યોજનાઓ ખરેખર તેમના જેવા આંતરિક સ્થળાંતર કરનારાઓને લાભ પહોંચાડી શકે છે. માલતી પૂછે છે, “અમને કોઈએ આ વિશે જણાવ્યું નથી. અમે ભણેલાં નથી. અમે આ વિશે કેવી રીતે જાણી શકીએ?”
અંજલિ કહે છે, “હું ક્યારેય શાળાએ નથી ગઈ. જ્યારે હું ફકત 5 વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું હતું. પિતાએ અમને ત્રણેય બહેનોને ત્યજી દીધી હતી. અમારા પડોશીઓએ અમારો ઉછેર કર્યો છે.” આ ત્રણેય બહેનોએ નાની ઉંમરે ખેત મજૂરો તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને કિશોરાવસ્થામાં જ તેમના લગ્ન થઈ ગયા હતા. 19 વર્ષીય અંજલિ 3 વર્ષીય અંકિતાની માતા છે. તેઓ કહે છે, “મેં ક્યારેય શાળાનું પગથિયું નથી જોયું. ગમે તે રીતે માત્ર નામ-સોઈ [સહી] કરવાનું જ શીખી છું.” તેઓ ઉમેરે છે કે આ સમુદાયમાં મોટાભાગના કિશોરો અને કિશોરીઓ શાળા છોડી દે છે. તેમની પેઢીમાંથી ઘણાબધા અશિક્ષિત છે.
“હું નથી ઇચ્છતી કે મારી દીકરીની પરિસ્થિતિ પણ મારા જેવી થાય. હું ઇચ્છું છું કે હું તેને આવતા વર્ષે શાળામાં મૂકી શકું. નહીંતર તે કશું જ શીખી નહીં શકે.” તેઓ બોલે છે ત્યારે તેમની ચિંતા સ્પષ્ટ દેખાય છે.
કઈ શાળા? બિશુરપુકુર પ્રાથમિક શાળા?
તેઓ કહે છે, “ના, અમારા બાળકો અહીંની શાળાએ નથી જતા. નાના બાળકો પણ ખિચુડી સ્કૂલ (આંગણવાડી) માં નથી જતા.” શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) સામે પણ સમુદાય જે ભેદભાવ અને કલંકનો સામનો કરે છે તે અંજલિના શબ્દોમાં છુપાયેલું રહે છે. “તમે અહીં જુઓ છો તેમાંથી મોટાભાગના બાળકો શાળાએ નથી જતા. તેમાંના કેટલાક જેઓ ગોઆસ કાલિકાપુરમાં રહે છે તેઓ શાળાએ જાય છે. પરંતુ તેઓ અમારી મદદ કરવા માટે અહીં આવતા રહે છે અને તેથી તેમના વર્ગો ચૂકી જાય છે.”
2022ના એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે સામાન્ય રીતે માલ પહાડીઓ સમુદાયમાં અને ખાસ કરીને મહિલાઓમાં સાક્ષરતા દર અનુક્રમે 49.10 ટકા અને 36.50 ટકા જેટલો છે, જે ચિંતાજનક રીતે ઓછો છે. પશ્ચિમ બંગાળમાં આદિવાસીઓનો રાજ્યવ્યાપી સાક્ષરતા દર પુરુષો માટે 68.17 ટકા અને મહિલાઓ માટે 47.71 ટકા છે.
હું પાંચ કે છ વર્ષની નાની છોકરીઓને તેમની માતાઓ અને દાદીઓને ડુંગળી ભેગી કરવામાં અને શેરડીની ટોપલીમાં મૂકવામાં મદદ કરતી જોઉં છું. બે કિશોરો ટોપલીમાંથી મોટા પ્લાસ્ટિકના કોથળામાં ડુંગળીના ગોળા ફેંકી રહ્યા છે. શ્રમનું વિભાજન વય, લિંગ અને કાર્યમાં સામેલ શારીરિક શક્તિનું સન્માન કરતું હોય તેવું લાગે છે. અંજલિ સરળતાથી કહે છે, “જોતો હાટ, તો તો બોસ્તા, તો તો ટાકા (જેટલા વધુ હાથ, તેટલી જ વધુ બોરીઓ, ને તેટલા જ વધુ પૈસા).”
અંજલિ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યાં છે. તેઓ કહે છે, “મેં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું છે. પરંતુ મોટી ચૂંટણી માટે પ્રથમ વખત! હું જઈશ. આ બસ્તીમાંથી અમે બધાં અમારા ગામમાં મતદાન કરવા જઈશું. નહીં તો તેઓ અમને ભૂલી જશે…”
શું તમે તમારા બાળકોને શિક્ષણ મળે તેવી માંગ કરશો?
“કોની પાસે માંગણી કરીએ?,” અંજલિ થોડી ક્ષણો માટે થોભી જાય છે અને પછી પોતાના જ સવાલનો જવાબ આપે છે. “અમે અહીં [બિશુરપુકુરમાં] મત આપી શકતાં નથી. તેથી, કોઈને અમારી પડી નથી. અને અમે ત્યાં [ગોઆસમાં] આખું વર્ષ નથી રહેતાં, તેથી ત્યાં પણ અમારા અવાજનું મહત્ત્વ નથી. આમ્ર ના એખનેર, ના ઓખનેર [અમે ન અહીંનાં છીએ કે ન ત્યાંનાં].”
તેઓ કહે છે કે ચૂંટણીમાં ઉમેદવારો પાસેથી શું અપેક્ષા રાખવી તે વિશે તેઓને વધુ ખબર નથી. તેઓ નિસાસો નાખતાં કહે છે, “મારે બસ એટલું જ જોઈએ છે કે અંકિતા પાંચ વર્ષની થાય ત્યારે તેને શાળામાં દાખલ કરાવું, અને તેની સાથે ગામમાં રહું. મારે અહીં પાછું નથી આવવું. પણ કોણ જાણે?”
બીજી યુવાન માતા, 19 વર્ષીય મધુમિતા માલ, અંજલિની શંકાનો પડઘો પાડતાં કહે છે, “અમે કામ વગર જીવી શકતાં નથી. અમારાં બાળકોને જો શાળામાં દાખલ કરવામાં નહીં આવે, તો તેઓ પણ અમારા જેવાં જ રહેશે,” તેમના અવાજમાં દુઃખદાયક નિશ્ચિતતા સાથે તેઓ આગાહી કરતાં કહે છે. આ યુવાન માતાઓ આશ્રમ છાત્રાલય અથવા રાજ્ય દ્વારા આપવામાં આવતી શિક્ષાશ્રી જેવી વિશેષ યોજનાઓ અથવા કેન્દ્ર દ્વારા સંચાલિત એકલવ્ય મોડલ ડે બોર્ડિંગ સ્કૂલ્સ (EMDBS) થી અજાણ છે, જેનો ઉદ્દેશ આદિવાસી બાળકોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
બહરામપુર મતવિસ્તારમાં તેમના મતવિસ્તાર મુર્શિદાબાદ પર 1999થી સત્તા ભોગવતા કોંગ્રેસ પક્ષે પણ આદિવાસી બાળકોના શિક્ષણ માટે બહુ ઓછું કામ કર્યું છે. તેઓએ છેક 2024ના તેમના ઘોષણાપત્રમાં ગરીબો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે દરેક બ્લોકમાં રહેણાંક શાળાઓનું વચન આપ્યું છે. પરંતુ મહિલાઓ આ વિશે કંઈ જાણતી નથી.
મધુમિતા કહે છે, “જો કોઈ અમને તેમના વિશે કહેશે જ નહીં, તો અમે તેના વિશે ક્યારેય જાણી શકીશું નહીં.”
19 વર્ષીય સોનામોની માલ કહે છે, “દીદી, અમારી પાસે બધાં કાર્ડ છે — મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ, જોબ કાર્ડ, સ્વાસ્થ્ય સાથી વીમા કાર્ડ, રેશન કાર્ડ.” તેઓ અન્ય એક યુવાન માતા છે, જેઓ તેમનાં બે બાળકોને શાળામાં દાખલ કરવા માટે આતુર છે. “હું મત આપવાની હતી. પરંતુ આ વખતે મારું નામ મતદાર યાદીમાં નથી.”
લગભગ 80 વર્ષનાં સાવિત્રી માલ (નામ બદલેલ) કહે છે, “વોટ દીયે અબર કી લાભ હોબે? [મત આપીને મળે છે શું?] હું યુગોથી મતદાન કરતી આવી છું.” ને પછી મહિલાગણમાં હાસ્યની લહેર પેદા થાય છે.
લગભગ 80 વર્ષનાં સાવિત્રી કહે છે, “મને માત્ર 1,000 રૂપિયાનું વૃદ્ધાવસ્થા પેન્શન મળે છે. બીજું કંઈ નહીં. અમારા ગામમાં કોઈ કામ નથી, પરંતુ મતદાન માટે અમારું નામ ત્યાં બોલે છે.” સાવિત્રી ફરિયાદ કરતાં કહે છે, “છેલ્લાં ત્રણ વર્ષથી તેમણે અમને અમારા ગામમાં એકશો દિનેર કાજ નથી આપ્યો નથી.” તેઓ મનરેગા યોજના સ્થાનિક રીતે જે નામથી જાણીતી છે તેવા ‘100 દિવસના કામ’ ની વાત કરી રહ્યાં છે.
અંજલિ પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનાનો ઉલ્લેખ કરતાં કહે છે, “સરકારે મારા પરિવારને ઘર આપ્યું છે. પણ હું તેમાં રહી શકતી નથી, કારણ કે અમારી પાસે ત્યાં કોઈ કામ ઉપલબ્ધ નથી. જો અમારી પાસે એકશો દિનેર કાજ [100 દિવસનું કામ] હોત, તો હું અહીં ન આવી હોત.”
તેમના આજીવિકાના અત્યંત મર્યાદિત વિકલ્પોએ આ મોટા પ્રમાણમાં જમીનવિહોણા સમુદાયમાંથી ઘણાંને દૂરના સ્થળોએ સ્થળાંતર કરીને જવાની ફરજ પાડી છે. સાવિત્રી અમને જણાવે છે કે ગોઆસ કાલિકાપુરના મોટાભાગના યુવકો કામની શોધમાં બેંગલુરુ અથવા કેરળ સુધી સ્થળાંતર કરીને જાય છે. અમુક ચોક્કસ ઉંમર પછી પુરુષો તેમના ગામની નજીક કામ કરવાનું પસંદ કરે છે, પરંતુ ત્યાં ખેતીમાં પૂરતું કામકાજ નથી. ઘણા લોકો તેમના બ્લોક, રાણીનગર-1માં ઈંટની ભઠ્ઠીઓમાં કામ કરીને પેટનો ખાડો ભરે છે.
સાવિત્રી કહે છે, “જે મહિલાઓ ઈંટોની ભઠ્ઠીમાં કામ કરવા ન માંગતી હોય, તેઓ નાનાં બાળકો સાથે અન્ય ગામડાઓમાં જાય છે. આ ઉંમરે હું ભાટા [ભઠ્ઠી] માં કામ કરી શકતી નથી. મારા પેટનો ખાડો ભરવા માટે હું અહીં આવવા લાગી છું. અમારા શિબિરમાં મારા જેવા વૃદ્ધો પાસે કેટલીક બકરીઓ છે. હું તેમને ચરાવવા લઈ જાઉં છું” જ્યારે પણ તેમના જૂથમાંથી કોઈ તેની વ્યવસ્થા કરી શકે ત્યારે, તેઓ “અનાજ લાવવા માટે છેક ગોઆસ જાય છે. અમે ગરીબ છીએ; અમે અહીં કંઈપણ ખરીદી શકતાં નથી.”
ડુંગળીની મોસમ પૂરી થયા પછી શું થાય છે? શું તેઓ ગોઆસમાં પાછાં જાય છે?
અંજલિ કહે છે, “ડુંગળીને કાપીને પેક કર્યા પછી, તલ, શણ અને થોડો ખોરાર ધાન [સૂકી મોસમમાં ઉગાડવામાં આવતા ડાંગર] વાવવાનો સમય પાકી જાય છે.” હકીકતમાં, વર્ષના આ સમયથી જૂનના મધ્ય સુધી જ્યારે ખેતીકામમાં મજૂરીની માંગમાં વધારો થાય છે ત્યારે “બાળકો સહિત વધુને વધુ આદિવાસીઓ ઝડપથી રોકડા પૈસા કમાવવા માટે તેમની સામુદાયિક વસાહતોમાં જોડાય છે.”
આ યુવાન ખેત મજૂર સમજાવે છે કે ખેતીમાં પાક ચક્ર વચ્ચેના સમયે રોજગારી ઉપલબ્ધ નથી હોતી, જેનાથી તેમને વેતનનું કામ ઓછા દિવસો માટે મળે છે. પરંતુ પગપાળા સ્થળાંતર કરનારાઓથી વિપરીત, તેઓ ત્યાં જ રહે છે અને તેમના વતનમાં પાછાં નથી ફરતાં. અંજલિ કહે છે, “અમે જોગાડેર કાજ, ઠીકે કાજ [કરાર પર મિસ્ત્રીઓના સહાયક તરીકે] કરીએ છીએ. અમે અમારાથી જે પણ થઈ શકે તે કરીએ છીએ. અમે આ ઝૂંપડીઓ બનાવી છે અને અહીં રહીએ છીએ. દરેક ઝૂંપડી માટે અમે જમીનમાલિકને દર મહિને 250 રૂપિયા ચૂકવીએ છીએ.”
સાવિત્રી કહે છે, “અહીં કોઈ અમારી ભાળ કાઢવા નથી આવતું. ન કોઈ નેતા, કે ન બીજું કોઈ… તમે જાતે જ જોઈ લો ને.”
હું એક સાંકડા કાચા રસ્તા પર ચાલીને ઝૂંપડી તરફ જાઉં છું. 14 વર્ષીય સોનાલી મારી માર્ગદર્શક છે. તે પોતાની ઝૂંપડી સુધી 20 લિટરની ડોલમાં પાણી લઈ જઈ રહી છે. વસાહતથી લગભગ 200 મીટર દૂર આવેલા જળાશયનો ઉલ્લેખ કરીને તે કહે છે, “હું તળાવમાં સ્નાન કરવા ગઈ હતી અને આ ડોલ ભરી લાવી છું. અમારી બસ્તીમાં વહેતું પાણી નથી આવતું. તળાવ ગંદુ છે. પણ શું કરવું?” તે એ જ જગ્યા છે જ્યાં ચોમાસામાં લણણી કરાયેલા શણના પાકની દાંડીમાંથી રેસાને અલગ પાડવામાં આવે છે. આ પાણી મનુષ્યો માટે હાનિકારક બેક્ટેરિયા અને રસાયણોથી ભરેલું છે.
તે ભીનાં કપડાં બદલીને સૂકાં પહેરવા ઝૂંપડીમાં જતાં કહે છે, “આ અમારું ઘર છે. હું અહીં બાબા સાથે રહું છું.” હું બહાર રાહ જોઉં છું. વાંસની ડાળીઓ અને શણની લાકડીઓથી બનેલી તે કેબિન ઢીલી રીતે એકબીજા સાથે બંધાયેલી છે અને અંદરથી કાદવ અને ગાયના છાણના સ્તરથી ઢંકાયેલી છે, જેમાં ભાગ્યે જ કોઈ ગોપનીયતા રહે છે. ત્યાં વાંસના થાંભલાઓ પર તાડપત્રીની ચાદરથી ઢંકાયેલાં વાંસના ટુકડાઓ અને ઘાસની છત છે.
સોનાલી કાંસકાથી તેના વાળ ઓળતાં મને પૂછે છે, “તમારે અંદર આવવું છે?” લાકડીઓ વચ્ચેના અંતરમાંથી પસાર થતા ઝાંખા પ્રકાશમાં, 10 * 10 ફૂટની ઝૂંપડીની અંદરની બાજુઓ ખુલ્લી જ રહે છે. તેઓ કહે છે, “મા ગોઆસમાં મારા ભાઈઓ અને બહેનો સાથે રહે છે.” તેમનાં મા રાણીનગર-1 બ્લોકમાં એક ઈંટની ભઠ્ઠીમાં કામ કરે છે.
સોનાલીને ખેતરમાં કામ કરવા માટે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી હતી. તેઓ કહે છે, “મને મારું ઘર બહુ જ યાદ આવે છે. મારાં કાકી પણ પોતાની દીકરીઓ સાથે અહીં આવ્યાં છે. રાત્રે હું તેમની સાથે સૂઈ જાઉં છું.”
હું ઝૂંપડીની આસપાસ જોઉં છું જ્યારે સોનાલી તળાવમાં ધોયેલાં કપડાં લટકાવે છે. ખૂણામાં કામચલાઉ પાટલી પર કેટલાક વાસણો, પડોશમાં રહેતા ઉંદરોથી ચોખા અને અન્ય આવશ્યક ચીજોને સુરક્ષિત રાખવા માટે ચુસ્ત ઢાંકણવાળી પ્લાસ્ટિકની ડોલ, વિવિધ કદના પ્લાસ્ટિકના પાણીના થોડા કેન અને કાદવની લાદીમાં જડિત માટીનો ચૂલો, એટલે તેમનું રસોડું.
કેટલાક કપડાં અહીં અને તહીં લટકે છે, એક અરીસો અને કાંસકો બીજા ખૂણામાં દિવાલમાં લટકાવવામાં આવે છે, એક પ્લાસ્ટિકની સાદડી, મચ્છરદાની અને એક જૂનો ધાબળો — આ બધા એક દિવાલથી બીજી દિવાલ તરફ ત્રાંસા ગોઠવેલા વાંસ પર મૂકેલા છે. સ્પષ્ટપણે, સખત મહેનત અહીં સફળતાની ચાવી નથી જ. એક વસ્તુ જે અહીં વિપુલ પ્રમાણમાં છે, અને જે એક પિતા અને તેની કિશોરવયની દીકરીની મહેનતનું સાક્ષી છે, તે છે — જમીન પર પડેલી, અને ઉપરથી લટકતી ડુંગળીઓ.
સોનાલી અંદર જતી વખતે કહે છે, “ચાલો હું તમને અમારું શૌચાલય બતાવું.” હું તેનો પીછો કરું છું, અને કેટલીક ઝૂંપડીઓ પાર કર્યા પછી, વસાહતના એક ખૂણામાં 32 ફૂટના સાંકડા વિસ્તાર સુધી પહોંચી જાઉં છું. પ્લાસ્ટિકની અનાજનો સંગ્રહ કરવાની શીટ્સથી ઢંકાયેલી 4 * 4 ફૂટ ખુલ્લી જગ્યા એટલે તેમનું ‘શૌચાલય’. તેઓ કહે છે, “આ તે જગ્યા છે જ્યાં અમે પેશાબ કરીએ છીએ અને અહીંથી થોડી દૂર ખુલ્લી જગ્યાઓનો ઉપયોગ શૌચ કરવા માટે કરીએ છીએ.” હું એકાદ પગલું આગળ વધવાનો પ્રયાસ કરું છું, એટલામાં તે મને ચેતવણી આપે છે કે રખે ને મારો પગ મળમુત્ર પર પડી જાય.
આ બસ્તીમાં સ્વચ્છતા સુવિધાઓની કથળેલી હાલત મને મિશન નિર્મળ બંગ્લાના રંગબેરંગી સચિત્ર સંદેશાઓની યાદ અપાવે છે, જે મેં આ માલ પહાડીયા વસાહત તરફ જતી વખતે જોયાં હતાં. આ પોસ્ટરોમાં રાજ્ય સરકારની સ્વચ્છતા યોજના તેમજ માડ્ડાની ખુલ્લામાં શૌચથી મુક્ત ગ્રામ પંચાયતોની વાત કરવામાં આવી છે.
સોનાલી શરમ અને ખચકાટને બાજુએ મૂકીને કહે છે, “પીરિયડ્સ દરમિયાન તો તે ખૂબ જ મુશ્કેલ હોય છે. અમને ઘણી વાર ચેપ લાગે છે. પાણી વિના અમે કેવી રીતે કામ ચલાવી શકીએ? અને તળાવનું પાણી ગંદકી અને કાદવથી ભરેલું છે.”
તમને પીવાનું પાણી ક્યાંથી મળે છે?
“અમે [ખાનગી] પાણી પુરવઠાકાર પાસેથી તેને ખરીદીએ છીએ. તે 20 લિટરની બરણીને ભરવા માટે 10 રૂપિયા લે છે. તે સાંજે આવે છે અને મુખ્ય રસ્તા પર રાહ ઊભો રહે છે. અમારે મોટી બરણીઓને લઈને અમારી ઝૂંપડીઓમાંથી છેક ત્યાં જવું પડે છે.”
તેના અવાજમાં અચાનક ઉત્સાહભેર તે પૂછે છે, “શું તમે મારી સહેલીને મળવા માગશો? આ પાયલ છે. તે મારાથી ઉંમરમાં મોટી છે. પણ અમે સહેલીઓ છીએ.” સોનાલી મને તેની 18 વર્ષીય નવપરિણીત સહેલીનો પરિચય કરાવે છે, જે તેની ઝૂંપડીમાં જમીન પર બેસીને રસોઈની તૈયારી કરે છે. પાયલ માલનો પતિ બેંગલુરુમાં બાંધકામ સ્થળો પર સ્થળાંતર મજૂર તરીકે કામ કરે છે.
પાયલ કહે છે, “હું અહીં આવતી-જતી રહું છું. મારાં સાસુ અહીં રહે છે. ગોઆસમાં એકલવાયું હોય છે. તેથી, હું તેમની સાથે અહીં આવું છું અને રહું છું. મારા પતિ લાંબા સમયથી ચાલ્યા ગયા છે. તે ક્યારે પાછા આવશે તે મને ખબર નથી. કદાચ ચૂંટણી માટે આવશે.” સોનાલી જણાવે છે કે પાયલને એક બાળક થવાની અપેક્ષા છે અને તેને પાંચ મહિના થઈ ગયા છે. પાયલ શરમાય છે.
શું તમને અહીં દવાઓ અને તેની સાથે પૂરક મળે છે?
તેઓ જવાબ આપે છે, “હા, મને એક આશા દીદી પાસેથી લોહતત્ત્વની ગોળીઓ મળે છે. મારાં સાસુ મને [આઇસીડીએસ] કેન્દ્રમાં લઈ ગયાં હતાં. તેમણે મને કેટલીક દવાઓ આપી હતી. મારા પગમાં ઘણી વાર સોજો આવે છે અને ખૂબ દુખાવો થાય છે. અહીં અમારી પાસે તપાસ કરાવવા માટે કોઈ નથી. ડુંગળીનું કામ પૂરું થયા પછી હું ગોઆસ પાછી જાઉં છું.”
કોઈપણ તબીબી કટોકટી માટે મહિલાઓ અહીંથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલા બેલડાંગા શહેરમાં દોડી જાય છે. ઓવર-ધ-કાઉન્ટર દવાઓ અને પ્રાથમિક સારવારના પુરવઠા માટે તેમને વસાહતથી લગભગ એક કિલોમીટર દૂર મકરમપુર બજારમાં જવું પડે છે. પાયલ અને સોનાલી બંનેના પરિવારો પાસે સ્વાસ્થ્ય સાથી કાર્ડ છે, પરંતુ તેઓ કહે છે કે તેમને “કટોકટી દરમિયાન સારવાર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.”
જ્યારે અમે વાતચીત કરી રહ્યાં છીએ ત્યારે, વસાહતનાં બાળકો અમારી આસપાસ દોડતાં રહે છે. 3 વર્ષીય અંકિતા અને મિલન અને 6 વર્ષીય દેવ્રાજ અમને તેમનાં રમકડાં બતાવે છે. આ જુગાડું રમકડાં, નવીનીકરણની જાદુઈ શક્તિ સાથે આ નાના જાદુગરો દ્વારા હાથથી બનાવેલાં છે. દેવરાજ, વાદળી અને સફેદ રંગની આર્જેન્ટિના ફૂટબોલ ટીમની ટી-શર્ટમાં તેની ફરિયાદ દાખલ કરે છે, “અમારે અહીં ટીવી નથી. હું ક્યારેક મારા બાબાના મોબાઇલ પર રમતો રમું છું. મને કાર્ટૂન યાદ આવે છે.”
બસ્તીના તમામ બાળકો કુપોષિત લાગે છે. પાયલ કહે છે, “તેઓ હંમેશા તાવ અને પેટની સમસ્યાઓથી પીડાય છે.” સોનાલી કહે છે, “અને મચ્છર બીજી એક સમસ્યા છે. એક વાર અમે મચ્છરદાનીમાં દાખલ થઈ જઈએ પછી તો અમારા પર નરક તૂટી પડે તો પણ અમે બહાર નીકળતાં નથી.” બંને સહેલીઓ ખડખડાટ હસી પડે છે. મધુમિતા તેમની સાથે જોડાય છે.
હું ફરી એક વાર તેમને ચૂંટણી વિશે પૂછવાનો પ્રયાસ કરું છું. મધુમિતા નિખાલસપણે બોલે છે, “અમે જઈશું. પણ તમને ખબર છે, અહીં અમને મળવા કોઈ નથી આવતું. અમે જઈએ છીએ, કારણ કે અમારા વડીલોને લાગે છે કે મતદાન કરવું મહત્ત્વપૂર્ણ છે…” મધુમિતા પણ આ વખતે પહેલવહેલી વાર મતદાન કરશે. પાયલનું નામ હજુ મતદાર યાદીમાં આવ્યું નથી, કારણ કે તે હમણાં જ 18 વર્ષની થઈ છે. સોનાલી ઉમેરે છે, “ચાર વર્ષ પછી હું તેમના જેવી થઈ જઈશ. ત્યારે હું પણ મત આપીશ. પણ તેમની જેમ હું આટલી જલ્દી લગ્ન નહીં કરું.” ને ફરી પાછું હાસ્યનું મોજું ફરી વળે છે.
જેમ જેમ હું વસાહતમાંથી બહાર નીકળું છું, તેમ તેમ આ યુવતીઓનું હાસ્ય, બાળકોના રમતિયાળ અવાજો ઝાંખા પડી જાય છે, અને ડુંગળી કાપનારી મહિલાઓના મોટા અવાજો તેમના પર હાવી થઈ જાય છે. તેઓ દિવસનું કામ પૂરું કરી ચૂક્યાં છે.
હું પૂછું છું, “શું તમારી બસ્તીમાં કોઈ એવી વ્યક્તિ છે જે તમારી માલ પહાડીયા ભાષા બોલે છે?”
ભાનુ માલ કહે છે, “થોડી હડિયા (આથો લાવેલા ચોખાથી બનેલો પરંપરાગત દારૂ) અને ફ્રાઈઝ લાવો. હું તમને પહડીયામાં એક ગીત ગાઈ સંભળાવીશ.” 65 વર્ષીય વિધવા ખેત મજૂર પોતાની ભાષામાં કેટલીક પંક્તિઓ કહે છે અને પછી પ્રેમથી ઉમેરે છે, “જો તમારે અમારી ભાષા સાંભળવી હોય, તો તમે ગોઆસમાં આવો.”
હું અંજલિ તરફ વળું છું, જે તેની ભાષા વિશે આ અસામાન્ય પ્રશ્ન સાંભળીને થોડી મૂંઝવણમાં દેખાય છે, “શું તમે પણ આ જ બોલો છો?” “અમારી ભાષા? ના. ગોઆસમાં માત્ર વૃદ્ધો જ અમારી ભાષામાં બોલે છે. અહીં લોકો અમારા પર હસે છે. અમે અમારી ભાષા ભૂલી ગયાં છીએ. અમે માત્ર બંગાળી જ બોલીએ છીએ.”
જ્યારે અંજલિ બસ્તી તરફ ચાલતી બાકીની મહિલાઓ સાથે જોડાય છે, ત્યારે કહે છે, “ગોઆસમાં, અમારે ઘર ને બાકી બધું છે, પણ અહીં અમારી પાસે કામ છે. આગે ભાત… વોટ, ભાષા શબ તાર પોરે [પહેલા ચોખા [ખોરાક], અને મત, ભાષા ને બીજું બધું પછી].”
અનુવાદક: ફૈઝ મોહંમદ