તારિક અહેમદે પ્રાથમિક શાળાના બાળકોને તેમનું મૂળભૂત શિક્ષણ આપતા શિક્ષક તરીકે 10 વર્ષ વિતાવ્યા છે. 37 વર્ષના તારિક 2009-2019 સુધી કેન્દ્રીય સમગ્ર શિક્ષા યોજના સાથે શૈક્ષણિક સ્વયંસેવક તરીકે સંકળાયેલા હતા. લદ્દાખમાં પોતાના ઘેટાં-બકરાંને ચરાવવા માટે સ્થળાંતર કરી રહેલા બકરવાલ પરિવારોના બાળકોને ભણાવવા માટે તેમને દ્રાસના ઊંચાઈવાળા વિસ્તારમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પરંતુ 2019 માં જ્યારે આ રાજ્યને જમ્મુ અને કાશ્મીર (જે&કે) અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું ત્યારે તેમની નોકરી છૂટી ગઈ. તેમનું ઘર રાજૌરી જિલ્લાના કાલાકોટમાં છે - જે&કે ના રહેવાસી તરીકે તેઓ જે&કે કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) ની બહારના બાળકોને ભણાવવા માટે પાત્ર નથી.
તારિક કહે છે, " જ્યારથી બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા ત્યારથી અમારા બાળકો માટેની શિક્ષણ પ્રણાલીમાં ગડબડ થઈ છે." વિચરતા સમુદાયોના બાળકોની ઉપેક્ષા કરવા માટે તેઓ વહીવટીતંત્રને દોષી ઠેરવે છે.
કાલાકોટના બથેરા ગામના સરપંચ શમીમ અહમદ બજરાન કહે છે, “કારગિલ જિલ્લાના ઝીરો પોઇન્ટથી દ્રાસ સુધીના આ પ્રદેશમાં અમારા માટે નથી કોઈ મોબાઈલ શાળાઓ કે નથી કોઈ મોસમી શિક્ષકો. અમારા બાળકો આખો દિવસ આસપાસ ભટકતા રહે છે અથવા ખાવાના માટે સ્થાનિકોને હેરાન કરતા રહે છે."
બકરવાલ સમુદાયનું કહેવું છે કે જે&કે માં સ્થળાંતર કરનારાઓ માટે હજારો કામચલાઉ શાળાઓ છે, પરંતુ જ્યારે તેઓ - મે અને ઓક્ટોબર વચ્ચે - છ મહિના માટે લદ્દાખમાં સ્થળાંતર કરે છે ત્યારે તેમના બાળકો ભણવાનું છૂટી જાય છે. અહીં તેમના બાળકો શૈક્ષણિક સૂચનાઓ સાથેનો સંપર્ક ગુમાવે છે અને તેઓ તેમના સહપાઠીઓ કરતા પાછળ રહી જાય છે. અનુસૂચિત જનજાતિ પર 2013નો અહેવાલ જણાવે છે કે બકરવાલ સમુદાયમાં સાક્ષરતાનું પ્રમાણ 32 ટકા છે, જે આ રાજ્યની તમામ જાતિઓમાં સૌથી ઓછું છે.









