આ એક અણધાર્યો જાદુનો ખેલ છે. ડી. ફાતિમા તેમની દુકાનની પાછળના ભાગમાં એક જૂના વાદળી ખોખામાંથી ખજાનો બહાર કાઢે છે. એમાંની એકેએક ચીજ એક-એક કલાકૃતિ છે: મોટી, મજબૂત માછલી, જે તૂતુકુડીથી ઘણે દૂર ઊંડા સમુદ્રમાં રહેતી હતી, જે હવે તડકો, મીઠું અને કુશળ હાથ એ ત્રણની કમાલથી સૂકવીને જાળવવામાં આવેલ છે.
ફાતિમા કટ્ટ પાર મીન (રાણી માછલી) ઉપાડે છે અને તેને પોતાના ચહેરાની નજીક પકડે છે. માછલીની લંબાઈ ફાતિમાની ઊંચાઈ કરતા અડધી છે અને તેનું ગળું તેમના હાથ જેટલું પહોળું છે. તેના મોંથી પૂંછડી સુધી એક ઊંડો કાપો છે, તેમાંના ભરાવદાર માંસમાં ફાતિમાએ ધારદાર છરી વડે કાપા પાડ્યા છે, આંતરડાં દૂર કરી, મીઠું ભરીને કટ્ટ પારઈને ભલભલાને - જેની પર પડે તે બધાયને, પછી તે માછલી હોય, જમીન હોય કે લોકો... - સૂકવી નાખતા ધોમધખતા તડકામાં મૂકી છે.
તેમના ચહેરા અને હાથ પરની કરચલીઓ એ બળબળતી વાર્તા કહે છે. પરંતુ તેઓ શરૂ કરે છે એક બીજી વાર્તા. એક જુદા જ યુગની, જ્યારે તેમના આચી (દાદી), મીઠું ચડાવીને માછલીઓ વેચતા. એક જુદા જ શહેરની અને શેરીની, જ્યારે રસ્તાની એક બાજુથી બીજી બાજુ સુધી લંબાતું માંડ થોડા ફૂટ પહોળું નાળું (કેનાલ) તેમના જૂના ઘરની બાજુમાં જ હતું. તેઓ વાત કરે છે 2004 માં આવેલ સુનામીની, જે તેમના જીવનમાં કીચડ અને નાળાનું ગંદુ પાણી લઈ આવ્યું હતું, અને સાથે-સાથે નવા ઘરનું વચન પણ. પરંતુ તેમાં (નવા ઘરમાં) એક સમસ્યા હતી. ફાતિમા માથું એક તરફ નમાવીને અંતર બતાવવા બીજો હાથ ઊંચો કરીને કહે છે કે ચોક્કસ ઉદ્દેશ્યથી બનાવેલું ઘર “રોમ્બ દૂરમ [ખૂબ દૂર] હતું." બસમાં (દરિયા કિનારે આવતા) લગભગ અડધો કલાક જેટલો સમય લાગતો અને ગમે તે થાય માછલી ખરીદવા માટે તો તેઓને દરિયા કિનારે આવવું જ પડે તેમ હતું.
નવ વર્ષ પછી, ફાતિમા અને તેમની બહેનો તેમના જૂના પડોશમાં - તૂતુકુડી નગરને સીમાડે આવેલા વિસ્તાર તરઇસ્પુરમમાં પાછાં આવ્યાં છે. તેમના ઘર અને દુકાન, હવે પહોળા-કરાયેલ નાળાની બાજુમાં છે, નાળામાં પાણી ધીમે ધીમે વહે છે. બપોર પછીનો સમય છે, સઘળું નિ:સ્તબ્ધ છે: ચપટીક મીઠું અને ખૂબ બધો તડકો એ બેની મદદથી આ મહિલાઓના જીવન જાળવતી પેલી સૂકવેલી માછલીઓની જેમ જ.
હાલ 64 વર્ષના ફાતિમાના લગ્ન થયા ત્યાં સુધી તેઓ તેમના દાદીના માછલીના વેપારમાં હતા. બે દાયકા પહેલાં તેમના પતિનું અવસાન થયા પછી તેઓ ફરીથી એ ધંધામાં પાછા ફર્યા. ફાતિમાને યાદ છે, તેઓ આઠ વર્ષના હતા ત્યારે જ્યારે જાળ કિનારે લાવવામાં આવતી ત્યારે માછલીઓ તરફડતી હતી - પકડેલી માછલીઓ એટલી તાજી રહેતી. તેઓ જણાવે છે કે આજે લગભગ 56 વર્ષ પછી હવે 'આઈસ મીન [માછલીઓ]' રહી ગઈ છે. માછલીઓને પેક કરીને કિનારે લઈ આવવા માટે બોટમાં બરફ લઈ જવામાં આવે છે. મોટી માછલીઓનું વેચાણ લાખો રુપિયામાં થાય છે. "એ જમાનામાં અમે આના ને પૈસામાં વ્યવહાર કરતા હતા, સો રુપિયા તો બહુ મોટી રકમ ગણાતી, હવે તો હજારો અને લાખોની વાત છે."



























