ભારતના પ્રથમ કાયદા મંત્રી, ડૉ. બી.આર. આંબેડકર, (જો હાજર હોત તો) નવા સંસદ ભવનમાં થયેલ કાર્યવાહી પર શંકાસ્પદ નજર કરતા. કેમ કે, તેમણે જ કહ્યું હતું કે, “જો મને બંધારણનો દુરુપયોગ થતો જોવા મળશે, તો સૌથી પહેલાં હું જ તેને બાળી નાખીશ.”

પારી લાઇબ્રેરી 2023માં સંસદમાં પસાર કરાયેલા મહત્ત્વપૂર્ણ નવા ખરડાઓ, કે જે નાગરિકોના બંધારણીય અધિકારોને જોખમમાં મૂકે છે, તેના પર એક નજર નાખે છે.

વન (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2023નું જ ઉદાહરણ લો ને. જો ભારતનાં જંગલ હવે સરહદોની નજીક આવેલાં હોય, તો તેઓ પહેલાંની જેમ અભેદ નથી રહ્યાં. બહુવિધ દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવતા ભારતના પૂર્વોત્તર વિસ્તારનું ઉદાહરણ લો. પૂર્વોત્તરનાં ‘બિનવર્ગીકૃત જંગલો’ ભારતના નોંધાયેલા 50 ટકાથી વધુ વન વિસ્તાર બનાવે છે, જેમને હવે કાયદામાં સંશોધન પછી લશ્કરી અને અન્ય ઉપયોગો માટે વાપરી શકાય તેવી જોગવાઈ કરી દેવામાં આવી છે.

ડિજિટલ ગોપનીયતાની વાત કરીએ, તો એમાં ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા અધિનિયમ, નામનો એક નવો કાયદો તપાસ એજન્સીઓ માટે તપાસ દરમિયાન ફોન અને લેપટોપ જેવાં ડિજિટલ ઉપકરણોને જપ્ત કરવાનું સરળ બનાવે છે, જે નાગરિકોના ગોપનીયતાના સૌથી મૂળભૂત અધિકારને જોખમમાં મૂકે છે. એ જ રીતે નવો ટેલિકોમ્યુનિકેશન એક્ટ સંચાર સેવાઓની અધિકૃત સંસ્થા દ્વારા ચકાસી શકાય તેવા બાયોમેટ્રિક આધારિત ઓળખનો ઉપયોગ કરવાનું નિર્ધારિત કરે છે. બાયોમેટ્રિક રેકોર્ડ્સનું સંપાદન અને સંગ્રહ કરવું એ ગોપનીયતા અને સાયબર સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.

આ નવા કાયદાકીય સુધારા 2023માં ભારતના સંસદીય સત્રોમાં અમલમાં મૂકવામાં આવ્યા હતા. સંસદના 72 વર્ષના જૂના ઇતિહાસમાં સૌપ્રથમ વખત, ડિસેમ્બર 2023માં આયોજિત શિયાળુ સત્રમાં આશ્ચર્યજનક રીતે વિપક્ષી સાંસદોને હાંકી કાઢવામાં આવ્યા હતા. આ એક જ સત્રમાં સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોની સૌથી વધુ સંખ્યા છે.

રાજ્યસભાના 46 સભ્યો અને લોકસભાના 100 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે ફોજદારી કાયદામાં સુધારાની ચર્ચા થઈ ત્યારે વિપક્ષની બેઠક ખાલી નજરે પડતી હતી.

આ ચર્ચા થકી લોકસભામાં ભારતીય ફોજદારી કાયદામાં સુધારા અને વસાહતી સરકારે પસાર કરેલા ભારતીય દંડ સંહિતા, 1860; ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973; અને ભારતીય પુરાવા અધિનિયમ, 1872 કાયદાઓને દૂર કરવાના ઉદ્દેશ સાથે આ મુજબના ત્રણ ખરડા રજૂ કરાયા હતાઃ ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા, 2023 (BNS), ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા, 2023 (BNSS) અને ભારતીય સાક્ષી (દ્વિતીય) બિલ, 2023 (BSS), જેમણે અનુક્રમે આ મુખ્ય કાયદાઓનું સ્થાન લીધું હતું. 13 દિવસની અંદર આ બિલને 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને તે 1 જુલાઈ, 2024ના રોજ અમલમાં પણ આવી જશે.

ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા, 2023 ( BNS ) કાયદો મુખ્યત્વે હાલની જોગવાઈઓનું પુનર્ગઠન કરે છે, ત્યારે BNS બિલના બીજા પુનરાવર્તન દ્વારા નોંધપાત્ર સુધારા રજૂ કરવામાં આવ્યા છે, જે તેના પુરોગામી, ભારતીય દંડ સંહિતા, 1860 ( IPC ) કાયદાથી અલગ છે.

આ કાયદાએ રાજદ્રોહના ગુનાને (હવે નવા નામથી ઓળખાતા) જાળવી રાખ્યો છે, જ્યારે “ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો”ની મર્યાદાને વિસ્તૃત કરી છે. પ્રસ્તાવિત કલમ 152 રાજદ્રોહના આરોપોને લાગુ કરવા માટેની પૂર્વશરતો તરીકે “હિંસા માટે ઉશ્કેરણી” અથવા “જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ”ના અગાઉના માપદંડથીય આગળ વધે છે. તેના બદલે, તે કોઈપણ એવા કૃત્યને ગુનાહિત બનાવે છે જે “અલગતાવાદ અથવા સશસ્ત્ર બળવો, અથવા વિધ્વંસક પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરણી કરે અથવા ઉશ્કેરવાનો પ્રયાસ કરે.”

BNS કાયદાના બીજા પુનરાવર્તનમાં અન્ય એક નોંધપાત્ર સુધારો એ છે કે IPCની કલમ 377ને બાકાત રાખવામાં આવી છેઃ “જે કોઈ પણ સ્વેચ્છાએ કોઈ પણ પુરુષ, સ્ત્રી અથવા પ્રાણી સાથે પ્રકૃતિની વ્યવસ્થા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધે છે, તેને આજીવન કેદની સજા કરવામાં આવશે.” જો કે, નવા અધિનિયમમાં જરૂરી જોગવાઈઓની ગેરહાજરી અન્ય જાતિની વ્યક્તિઓને જાતીય હુમલા સામે સુરક્ષા વિના છોડી દે છે.

2023નો ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા કાયદો, જેને BNSS કાયદા તરીકે ઓળખવામાં આવે છે, તે 1973ની ફોજદારી કાર્યવાહી સંહિતાનું સ્થાન લે છે. આ કાયદો ધરપકડ પછી પોલીસ અટકાયતનો સ્વીકાર્ય સમયગાળો પ્રારંભિક 15 દિવસથી વધારીને મહત્તમ 90 દિવસ સુધી લંબાવીને નોંધપાત્ર લંબાણ વધારે છે. અટકાયતનો વિસ્તૃત સમયગાળો ખાસ કરીને મૃત્યુદંડ, આજીવન કેદ અથવા ઓછામાં ઓછી 10 વર્ષની કેદ જેવા ગંભીર ગુનાઓના કિસ્સામાં લાગુ પડે છે.

વધુમાં, આ કાયદો એજન્સીઓને તપાસ દરમિયાન ફોન અને લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણો જપ્ત કરવાની મંજૂરી આપે છે, જે સંભવિત રીતે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરી શકે છે.

ભારતીય સાક્ષી (દ્વિતીય) કાયદો , 2023 મોટાભાગે ઓછામાં ઓછા સુધારા સાથે 1872ના ભારતીય પુરાવા અધિનિયમના માળખાને જાળવી રાખે છે.

વન (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2023 એ વન (સંરક્ષણ) અધિનિયમ, 1980 ના બદલે અસ્તિત્વમાં આવશે. આ સુધારેલ કાયદો તેની જોગવાઈઓ હેઠળ અમુક પ્રકારની જમીનને મુક્તિ આપે છે. તેમાં નીચેની જમીનનો સમાવેશ થાય છેઃ

“(a) રેલવે લાઇન અથવા સરકાર દ્વારા જાળવવામાં આવતા જાહેર માર્ગની બાજુમાં આવેલી એવી જંગલની જમીન, જે વસવાટ અથવા રેલવે સુધી પહોંચ પૂરી પાડે છે અને દરેક કિસ્સામાં મહત્તમ કદ 0.10 હેક્ટર સુધીની રસ્તાની બાજુની સુવિધા પૂરી પાડે છે;

(b) પેટા-કલમ (1) ના ખંડ (a) અથવા ખંડ (b) માં નિર્દિષ્ટ ન હોય તેવી જમીન પર ઊભા કરવામાં આવેલાં વૃક્ષો, વૃક્ષારોપણ અથવા પુનઃવનીકરણ; અને

(c) આવી જંગલની જમીનઃ

(i) જે આંતરરાષ્ટ્રીય સરહદો અથવા નિયંત્રણ રેખા અથવા વાસ્તવિક નિયંત્રણ રેખાથી સો કિલોમીટરના અંતરે સ્થિત છે, જેનો ઉપયોગ રાષ્ટ્રીય મહત્ત્વ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા વ્યૂહાત્મક રેખીય પ્રોજેક્ટના નિર્માણ માટે પ્રસ્તાવિત છે; અથવા

(2) દસ હેક્ટર સુધીની જમીન, જેનો ઉપયોગ સુરક્ષા સંબંધિત માળખાગત બાંધકામ માટે કરવાનો પ્રસ્તાવ છે; અથવા

(iii) જેનો ઉપયોગ સંરક્ષણ સંબંધિત પ્રોજેક્ટ અથવા અર્ધલશ્કરી દળો અથવા જાહેર ઉપયોગિતા પ્રોજેક્ટ્સ માટે કેમ્પના નિર્માણ માટે પ્રસ્તાવિત છે. [...]”

નોંધપાત્ર રીતે, આ સુધારો આબોહવાની કટોકટી અને પર્યાવરણના અધઃપતનની પર્યાવરણીય ચિંતાઓ પર ભાર મૂકતો નથી.

સંસદે ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 , ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 ( DPDP એક્ટ ) અને બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ (રેગ્યુલેશન) બિલ 2023 પસાર કરીને ભારતના ડિજિટલ ક્ષેત્ર પર નોંધપાત્ર અસરો ધરાવતાં કેટલાંક કાયદાકીય પગલાં પણ અમલમાં મૂક્યાં છે. આ પગલાં, નાગરિકોના ડિજિટલ અધિકારો અને બંધારણીય રીતે સંરક્ષિત ગોપનીયતા અધિકારો પર સીધો પ્રભાવ પાડતાં, ઓનલાઇન સામગ્રીને નિયંત્રિત કરે છે અને નિયમનકારી સાધન તરીકે ટેલિકોમ્યુનિકેશન નેટવર્કને બળજબરીથી બંધ કરે છે.

વિપક્ષના અવાજો ગેરહાજર હોવાથી, ટેલિકોમ્યુનિકેશન બિલ લોકસભામાં પસાર થયાના માત્ર ચાર દિવસ પછી, 25 ડિસેમ્બરના રોજ મંજૂરી મેળવીને ઝડપથી રાષ્ટ્રપતિ પાસે સહી માટે પહોંચી ગયું હતું. ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885 અને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ, 1933માં સુધારા કરવાના તેના પ્રયાસમાં, આ કાયદો નિયમનકારી માળખાના આધુનિકીકરણને સમર્થન આપે છે જેમ કેઃ

“(a) [...] ચોક્કસ ઉલ્લેખિત સંદેશાઓ અથવા સ્પષ્ટ સંદેશાઓના વર્ગ પ્રાપ્ત કરવા માટે વપરાશકર્તાઓની પૂર્વ સંમતિ લેવી;

(b) વપરાશકર્તાઓ પૂર્વ સંમતિ વિના ચોક્કસ સંદેશાઓ અથવા ચોક્કસ સંદેશાઓના વર્ગમાંથી સંદેશા ન મેળવે તેની ખાતરી કરવા માટે, એક અથવા વધુ રજિસ્ટર તૈયાર કરવાં અને તેની જાળવણી કરવી, જેને “ડૂ નોટ ડિસ્ટર્બ” રજિસ્ટર તરીકે ઓળખવામાં આવશે; અથવા

(c) આ વિભાગના ઉલ્લંઘનમાં પ્રાપ્ત થયેલા કોઈપણ માલવેર અથવા ચોક્કસ સંદેશાઓની જાણ કરવા માટે વપરાશકર્તાઓને સક્ષમ કરવા માટેની પદ્ધતિ.

આ કાયદો ફોજદારી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરણીને રોકવા માટે જાહેર કટોકટીના સમયે સરકારને “અધિકૃત સંસ્થા કે વ્યક્તિ પાસેથી કોઈપણ ટેલિકમ્યુનિકેશન સેવા અથવા ટેલિકમ્યુનિકેશન નેટવર્કનો કામચલાઉ કબજો લેવાની” પણ સત્તા આપે છે.

આ જોગવાઈ અધિકારીઓને જાહેર સલામતી જાળવવાના નામે ટેલિકોમ નેટવર્કમાં સંચાર પર દેખરેખ અને નિયમન કરવા માટે નોંધપાત્ર સત્તાઓ આપે છે.

દેશના ગૃહ મંત્રી દ્વારા જાહેર કરાયેલા મૂળ કાયદાઓમાં આ સુધારાઓને ‘નાગરિક-કેન્દ્રિત’ માનવામાં આવે છે. પૂર્વોત્તરના આદિવાસી સમુદાયો, જે આપણા જ દેશના નાગરિકો છે, અને ‘બિનવર્ગીકૃત જંગલો’ની નજીક રહે છે, તેઓ સંભવિત રીતે તેમની આજીવિકા, સંસ્કૃતિ અને ઇતિહાસ ગુમાવી શકે છે. નવા વન સંરક્ષણ (સુધારા) અધિનિયમ હેઠળ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં નહીં આવે.

ફોજદારી કાયદામાં સુધારા નાગરિકોના ડિજિટલ અધિકારો તેમજ બંધારણીય રીતે સંરક્ષિત ગોપનીયતાના અધિકારને અવરોધે છે. આ કાયદાઓ નાગરિકોના અધિકારો અને ફોજદારી કાનૂની કાર્યવાહી વચ્ચેના સંતુલનને જાળવી રાખવામાં પડકારો ઊભા કરે છે, જે સુધારાઓની કાળજીપૂર્વક વિચારણા કરવાની બાંયધરી આપે છે.

રાષ્ટ્રના બંધારણના મુખ્ય ઘડવૈયા ચોક્કસપણે એ શોધવામાં રસ ધરાવતા હશે કે, કેન્દ્ર સરકાર અનુસાર, ‘નાગરિક-કેન્દ્રિત’ બાબત કઈ છે.

કવર અનાવરણ: સ્વદેશા શર્મા

અનુવાદક: ફૈઝ મોહંમદ

Siddhita Sonavane

ਸਿੱਧੀਤਾ ਸੋਨਾਵਨੇ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿਖੇ ਇੱਕ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਸਮੱਗਰੀ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਨੇ 2022 ਵਿੱਚ ਐੱਸਐੱਨਡੀਟੀ ਮਹਿਲਾ ਯੂਨੀਵਰਸਿਟੀ, ਮੁੰਬਈ ਤੋਂ ਆਪਣੀ ਮਾਸਟਰ ਡਿਗਰੀ ਪੂਰੀ ਕੀਤੀ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਦੇ ਹੀ ਅੰਗਰੇਜ਼ੀ ਵਿਭਾਗ ਵਿੱਚ ਇੱਕ ਵਿਜ਼ਿਟਿੰਗ ਫੈਕਲਟੀ ਹਨ।

Other stories by Siddhita Sonavane
Editor : PARI Library Team

ਦੀਪਾਂਜਲੀ ਸਿੰਘ, ਸਵਦੇਸ਼ਾ ਸ਼ਰਮਾ ਅਤੇ ਸਿੱਧੀਤਾ ਸੋਨਾਵਨੇ ਦੀ ਪਾਰੀ ਲਾਇਬ੍ਰੇਰੀ ਟੀਮ ਨੇ ਪਾਰੀ ਦੇ ਰੋਜ਼ਾਨਾ ਜੀਵਨ ਦੇ ਲੋਕਾਂ ਦੇ ਸਰੋਤ ਸੰਗ੍ਰਹਿ ਦੀ ਸਿਰਜਣਾ ਕਰਨ ਦੇ ਫਤਵੇ ਨਾਲ ਸਬੰਧਿਤ ਦਸਤਾਵੇਜ਼ਾਂ ਨੂੰ ਤਿਆਰ ਕੀਤਾ।

Other stories by PARI Library Team
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad