નબા કુમાર મૈતીના આખા કારખાનામાં બતકના પીંછા વિખેરાયેલા છે. તેમાં સ્વચ્છ પીંછા, ગંદા પીંછા, કાપેલા પીંછા અને વિવિધ આકારના અને સફેદ રંગના વિવિધ રંગના પીંછા હોય છે. ખુલ્લી બારીઓમાંથી આવતી હળવી હવા, પીંછાઓને વેરવિખેર કરી દે છે, અને તે પડે તે પહેલાં તેમને હવામાં લહેરાવે છે.
અમે ઉલુબેરિયામાં નબા કુમારના ત્રણ માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર છીએ. વર્કશોપની અંદરની હવા કાતર કાપવાના અવાજ અને લોખંડને કાપવાના અવાજથી ભરાઈ જાય છે. આ તે જગ્યા છે જ્યાં ભારતના બૅડમિંટન માટેના શટલકૉક્સ બનાવવામાં આવે છે. વિતરણ માટે તૈયાર બેરલમાંથી એકને પસંદ કરીને તેઓ સમજાવે છે, “સફેદ બતકના પીંછા, કૃત્રિમ અથવા લાકડાનો ગોળાકાર કૉર્ક બેઝ, સુતરાઉ દોરી અને ગુંદર સાથે મિશ્રિત નાયલોનમાંથી શટલ બને છે.”
ઓગસ્ટ, 2023ના અંતમાં એક હુંફાળી અને ભેજવાળી સોમવારની સવારે 8 વાગ્યા છે. અમને તે સમયે તેના વિષે ખબર નહોતી, પણ પાંચ અઠવાડિયા પછી, ભારતીય શટલર્સ દક્ષિણ કોરિયાના ખેલાડીઓને 21-18 અને 21-16થી હરાવીને દેશનું પ્રથમ એશિયન ગોલ્ડ મેળવશે.
અહીં ઉલુબેરિયામાં, ઉત્પાદન એકમના પ્રવેશદ્વાર પર કારીગરોનાં ચપ્પલ અને સાઇકલ પહેલેથી જ હરોળમાં ગોઠવેલી છે. ઇસ્ત્રી કરેલ, ફુલ-સ્લીવ મરૂન શર્ટ અને ઔપચારિક પેન્ટ પહેરેલા નબા કુમાર પણ દિવસ માટે તૈયાર છે.
આ ઉદ્યોગમાં પીંછાને આકાર આપવાથી પોતાની સફરની શરૂઆત કરનાર આ 61 વર્ષીય કારીગર કહે છે, “મેં 12 વર્ષની ઉંમરે મારા ગામ બનીબાનના એક કરખાનામાં હંસ-એર પાલક (બતકના પીંછા)થી બૅડમિંટનની દડીઓ બનાવવાનું શરૂ કર્યું હતું.” હાથમાં પકડેલી લોખંડની કાતરનો ઉપયોગ કરીને, તેઓ પીંછાને આકાર આપવા માટે તેમને ત્રણ ઇંચ લાંબા કાપે છે. કારીગરો શટલકૉકને ‘દડા’ તરીકે ઓળખાવે છે.
તેઓ ઉમેરે છે, “[બંગાળમાં] પ્રથમ ફેક્ટરી જે. બોઝ એન્ડ કંપની હતી, જે 1920ના દાયકામાં પીરપુર ગામમાં શરૂ થઈ હતી. ધીમે ધીમે જે. બોઝના કામદારોએ નજીકના ગામડાઓમાં પોતાના એકમો ખોલ્યા. મેં આવા જ એક એકમમાં આ કળા શીખી હતી.”
1986માં, નબા કુમારે ઉલુબેરિયાના બનીબન ગામમાં હટ્ટાલા ખાતે પોતાનું એકમ શરૂ કર્યું હતું અને 1997માં, જાદુરબેરિયાના પડોશમાં વર્તમાન કારખાનાની ઈમારતનું નિર્માણ કર્યું અને તેમાં સ્થળાંતરિત થયા હતા. અહીં તે ઉત્પાદનની દેખરેખ રાખે છે, કાચા માલના પુરવઠાનું સંચાલન કરે છે અને વેચાણનું સંકલન કરે છે; તેઓ પીંછાઓની છટણી કરવાનું કામ પણ કરે છે.
વસ્તીની દૃષ્ટીએ નગરોનો દરજ્જો મેળવી ચૂકેલા બનીબન જગદીશપુર, વૃંદાવનપુર, ઉત્તર પીરપુર અને બનીબન અને હાવડા જિલ્લાના ઉલુબેરિયા નગરપાલિકા અને આઉટ ગ્રોથ વિસ્તારોમાં ઉત્પાદિત ત્રણ સૌથી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓમાં શટલકૉકનો સમાવેશ થાય છે (વસ્તી ગણતરી 2011).
નબા કુમાર કહે છે, “2000ના દાયકાની શરૂઆતમાં ઉલુબેરિયામાં લગભગ 100 એકમો હતા, પરંતુ આજે 50થી ઓછા એકમો બાકી છે. તેમાંથી લગભગ 10 એકમોમાં મારા કારખાનાની જેમ 10-12 કારીગરો જ છે.”
*****
નબા કુમારના કારખાનાની સામે એક આંગણું છે જે સિમેન્ટથી બનેલું છે; એક હેન્ડ પંપ, ઉનાન (ઈંટોનો બનેલો ખુલ્લો ચૂલો) અને જમીન પર લગાવેલા બે વાસણો આ જગ્યાને આવરી લે છે. તેઓ કહે છે, “આ વિસ્તાર પીંછા ધોવા માટે તૈયાર કરવામાં આવ્યો છે, જે શટલ બનાવવાનું પ્રથમ પગલું છે.”
અહીં કામ કરતા એક કારીગર, રણજીત મંડલ 10,000 બતકના પીંછાનો એક જથ્થો તૈયાર કરી રહ્યા છે. આ 32 વર્ષીય કારીગર સમજાવે છે, “પીંછાનો પુરવઠો પૂરો પાડનાર લોકો ઉત્તર બંગાળમાં કૂચ બિહાર, મુર્શિદાબાદ અને માલદા અને મધ્ય બંગાળમાં બીરભૂમમાં સ્થિત છે. કેટલાક સ્થાનિક વેપારીઓ પણ છે, પરંતુ તેમની કિંમત ઘણી વધારે છે.” તેઓ છેલ્લા 15 વર્ષથી કારખાનામાં કામ કરી રહ્યા છે અને ઉત્પાદન સુપરવાઇઝર છે.
પીંછા 1,000ના બંડલમાં વેચાય છે અને તેમની ગુણવત્તા અનુસાર કિંમતો બદલાય છે. રણજીત એક વાસણમાં ગરમ પાણીમાં ધોવા માટે પલાળેલા મુઠ્ઠીભર પીંછા ઉપાડીને કહે છે, “શ્રેષ્ઠ પીંછાઓની કિંમત આજે આશરે 1,200 રૂપિયા હોય છે, એટલે કે એક પીંછાની કિંમત છે એક રૂપિયો અને 20 પૈસા.”
તેઓ સર્ફ એક્સેલ ડિટર્જન્ટ પાવડરને મધ્યમ કદના દેગચી (દેગ)માં પાણી સાથે ભેળવે છે અને તેને બળતણથી ચાલતા ખુલ્લા ચૂલા પર ગરમ કરે છે. તેઓ કહે છે, “શટલ પરના પીંછા નિષ્કલંક રીતે સફેદ હોવા જરૂરી છે. તેમને ગરમ સાબુના પાણીમાં ધોવાથી તેમાં કોઈ પ્રકારની ગંદકી રહેતી નથી. તેમને વધુ લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાતા નથી કારણ કે તેઓ સડવા લાગે છે.”
પીંછાઓને સાફ કર્યા પછી, તેઓ દરેક સ્ટેકને વાંસની ટોપલી પર સરસ રીતે ગોઠવે છે જેથી સાબુના પાણીને વહેવડાવી શકાય અને પછી તેમને ફરીથી સાફ કરી શકાય અને આંગણામાં રાખેલા બીજા વાસણમાં છેલ્લી વખત પલાળી શકાય. 10,000 પીંછાઓની ટોપલીને તડકામાં સૂકવવા માટે છત પર લઈ જતી વખતે રણજીત કહે છે, “ધોવાની સમગ્ર પ્રક્રિયામાં બે કલાક લાગે છે.”
તેઓ ઉમેરે છે, “મોટાભાગના પીંછા બતકમાંથી આવે છે જેમને માંસ અને બતકના ખેતરો માટે કતલ કરવામાં આવે છે. પરંતુ કેટલાક ગ્રામીણ પરિવારો પણ છે જેઓ બતક ઉછેરે છે તેના કુદરતી રીતે પડેલા પાતળા જૂના પીંછા એકત્રિત કરે છે અને વેપારીઓને વેચે છે.”
છત પર, રણજીત એક કાળી ચોરસ તાડપત્રી મૂકે છે અને તેને ઉડતી અટકાવવા માટે તેની કિનારીઓ પર ઇંટોના ટુકડાઓથી ગોઠવે છે. સમગ્ર ચાદર પર સમાનરૂપે પીંછા ફેલાવીને, તેઓ મૂલ્યાંકન કરતાં કહે છે, “આજે સૂર્ય ખૂબ જ તીવ્ર છે. એક કલાકમાં પીંછા સુકાઈ જશે. તે પછી, તેઓ બૅડમિંટનની દડીમાં વાપરવા લાયક થઈ જશે.”
એક વાર પીંછા સૂકાઈ જાય પછી, તેમની વ્યક્તિગત રીતે તપાસ કરવામાં આવે છે. રણજીત કહે છે, “અમે તેમને બતકની પાંખની ડાબી કે જમણી બાજુ અને પાંખના કયા ભાગમાંથી તે મૂળ રૂપે આવ્યાં છે તેના આધારે તેમને એકથી છના ગ્રેડમાં વર્ગીકૃત કરીએ છીએ. દરેક પાંખમાંથી માત્ર પાંચ-છ જ પીંછા અમારી જરૂરિયાતને સંતોષે છે.”
નબા કુમાર કહે છે, “એક શટલ 16 પીંછાથી બને છે, જે બધા એક જ પાંખમાંથી આવવા જરૂરી છે, અને તેમાં શાફ્ટની મજબૂતાઈ સમાન હોવી જોઈએ, શાફ્ટની બન્ને બાજુએ વેનની જાડાઈ અને વળાંક પણ એકસરખો હોવો જોઈએ. નહીં તો તે હવામાં ફંગોળાઈ જશે.”
તેઓ ઉમેરે છે, “એક સામાન્ય વ્યક્તિ માટે, બધા પીંછા સમાન દેખાય છે. પરંતુ અમે ફક્ત સ્પર્શ કરીને જ તફાવત કહી શકીએ છીએ.”
અહીં બનેલા શટલકૉક્સ મોટાભાગે કોલકાતાની સ્થાનિક બૅડમિંટન ક્લબો અને પશ્ચિમ બંગાળ, મિઝોરમ, નાગાલેન્ડ અને પોંડિચેરીના જથ્થાબંધ વેપારીઓને વેચવામાં આવે છે. નબા કુમાર કહે છે, “ઉચ્ચ સ્તરે રમાતી મેચો માટે, જાપાનીઝ કંપની યોનેક્સ, જે હંસના પીંછાનો ઉપયોગ કરે છે, તેણે સમગ્ર બજાર પર કબજો જમાવી લીધો છે. અમે તેટલા સ્તરે તેમની સામે સ્પર્ધા કરી શકતા નથી. અમારા શટલકૉકનો ઉપયોગ નીચલા સ્તરે અને નવશીખીયાઓ દ્વારા પ્રેક્ટિસ માટે થાય છે.”
ભારત ચીન, હોંગકોંગ, જાપાન, સિંગાપોર, તાઇવાન અને યુકેથી પણ શટલકૉકની આયાત કરે છે. ભારત સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ 2019થી માર્ચ 2021 સુધી 122 કરોડ રૂપિયાની કિંમતના શટલકૉકની આયાત કરવામાં આવી હતી. નબા કુમાર કહે છે, “શિયાળાના મહિનાઓમાં માંગ વધે છે કારણ કે આ રમત મોટાભાગે ઘરની અંદર રમાય છે.” તેમના એકમમાં ઉત્પાદન આખું વર્ષ ચાલુ રહે છે, પરંતુ સપ્ટેમ્બરથી તેમાં નોંધપાત્ર વધારો થાય છે.
*****
બે ઓરડાઓમાં મેટ ફ્લોર પર પલાંઠી વાળીને બેસેલા કારીગરો કામ કરી રહ્યા છે. તેઓ પ્રક્રિયાના વિવિધ કાર્યો કરતી વખતે ઝૂકી ઝૂકીને કામ કરે છે. તેમની ચપળ આંગળીઓ અને સ્થિર નજરમાં ત્યારે જ ખલેલ પડે છે જ્યારે પસાર થતી પવનની લહેર પીંછાને હલાવે છે, જે શટલમાં ફેરવવાના વિવિધ તબક્કામાં હોય છે.
દરરોજ સવારે, નબા કુમારનાં પત્ની, 51 વર્ષીય કૃષ્ણ મૈતી, તેમની સવારની પ્રાર્થના વિધિઓ કરતી વખતે કારખાનાની સીડીઓથી નીચે આવે છે. શાંતિથી જપ કરતી વખતે, તેઓ બે ઓરડાઓમાંથી પસાર થતી વખતે વિવિધ સ્થળોએ સળગતી અગરબત્તી ફેરવે છે, અને મધ્ય સવારની હવામાં ફૂલોની સુગંધ ભરી દે છે.
ઓરડામાં, શટલ બનાવવાની પ્રક્રિયા 63 વર્ષીય શંકર બેરા સાથે શરૂ થાય છે, જેઓ એક વર્ષથી આ એકમમાં કામ કરી રહ્યા છે. તેઓ એક સમયે એક પીંછું લે છે અને તેને ત્રણ ઇંચની બોલ્ટવાળી લોખંડની કાતરોની વચ્ચે મૂકે છે. તેઓ કહે છે, “આશરે છથી દસ ઇંચના પીંછાઓને એકસમાન લંબાઈમાં કાપવામાં આવે છે.”
બીજા પગલા માટે ચાર કારીગરોને આપવા માટે તેમને કાપીને પ્લાસ્ટિકની નાની બાસ્કેટમાં એકત્રિત કરતી વખતે શંકર કહે છે, “પીંછાની દાંડીનો મધ્ય ભાગ સૌથી મજબૂત હોય છે અને તેને કાપવામાં આવે છે, અને આવા 16 ભાગો મળીને એક શટલ બને છે.”
35 વર્ષીય પ્રહલાદ પાલ, 42 વર્ષીય મોન્ટુ પાર્થ, 50 વર્ષીય ભબાની અધિકારી, અને 60 વર્ષીય લખન માઝી, ત્રણ ઇંચના પીંછાઓને કાપીને આકાર આપવાનું બીજું પગલું લે છે. તેઓ પીંછાઓને લાકડાની ટ્રેમાં રાખે છે, જેને તેઓ તેમના ખોળામાં મૂકે છે.
એક પીંછાની રચના કરવામાં લગભગ છ સેકન્ડનો સમય લેતી હાથથી પકડવાની લોખંરની કાતરની જોડીનો ઉપયોગ કરીને દર્શાવતાં પ્રહલાદ કહે છે, “શાફ્ટનો નીચેનો ભાગ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે, અને ઉપલા ભાગને શાફ્ટની એક બાજુ વક્ર ધાર પર અને બીજી બાજુ સીધી ધાર પર કાપવામાં આવે છે.” પીંછા કાપનારા કારીગરો અને તેનો આકાર આપનારા કારીગરો બન્નેને અનુક્રમે દર 1000 પીંછા માટે 155 રૂપિયાની કમાણી થાય છે, જેનો અર્થ થાય છે પ્રતિ શટલકૉક 2.45 રૂપિયા.
નબા કુમાર કહે છે, “પીંછા વજનહીન હોઈ શકે છે, પરંતુ તેમની શાફ્ટ સખત અને મજબૂત હોય છે. દર 10-15 દિવસે, અમારે અમારી કાતરોને સ્થાનિક લોખંડના કારીગરો પાસે ધાર ઉતરાવવા માટે મોકલવી પડે છે.”
આ દરમિયાન, 47 વર્ષીય સંજીબ બોડક, સમગ્ર ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા એકમાત્ર હાથથી સંચાલિત મશીન સાથે તૈયાર અર્ધગોળાકાર કૉર્ક બેઝને ડ્રિલ કરી રહ્યા છે. તેમના હાથની સ્થિરતા અને ઓપ્ટિકલ ચોકસાઈ પર આધાર રાખીને, તેઓ દરેક બેસમાં 16 સમાન અંતરનાં છિદ્રોની કવાયત કરે છે. એક કૉર્કને ડ્રિલ કરવાથી તેમને 3.20 રૂપિયાની કમાણી થાય છે.
સંજીબ કહે છે, “કૉર્કના બેઝ બે પ્રકારના હોય છે. અમે કૃત્રિમ બેઝ મેરઠ અને જલંધરથી અને કુદરતી બેઝ ચીનથી મેળવીએ છીએ. કુદરતી કૉર્કનો ઉપયોગ વધુ સારી ગુણવત્તાના પીંછા માટે થાય છે.” ગુણવત્તાનો તફાવત તેમની કિંમતમાં સ્પષ્ટ છે. “કૃત્રિમ કોર્કની કિંમત આશરે 1 રૂપિયા જેટલી હોય છે, જ્યારે કુદરતી કોર્કની કિંમત આશરે 5 રૂપિયા જેટલી હોય છે.”
એક વાર આકાર આપેલા પીંછા સાથે કૉર્કના પાયાને ડ્રિલ કરવામાં આવે, પછી તેને કલમ કરવાના નિષ્ણાત 52 વર્ષીય તપસ પંડિત, અને 60 વર્ષીય શ્યામસુંદર ઘોરોઈને આપવામાં આવે છે. તેઓ કોર્કના છિદ્રોમાં આકાર આપેલા પીંછા દાખલ કરવાનું સૌથી મૂલ્યવાન કાર્ય કરે છે.
ક્વિલ દ્વારા દરેક પીંછાને પકડીને, તેઓ તેના તળિયે થોડો કુદરતી ગુંદર લગાવે છે અને તેને એક પછી એક છિદ્રમાં દાખલ કરે છે. નબા કુમાર સમજાવે છે, “પીંછામાંથી શટલ બનાવવાનું દરેક કાર્ય વૈજ્ઞાનિક ઢબનું હોય છે. જો કોઈ પણ તબક્કે કંઈપણ ખોટું થશે, તો શટલની ઉડાન, પરિભ્રમણ અને દિશાને અસર થશે.”
30 વર્ષથી વધુ સમય કામ કરીને તેમણે જે કુશળતા હાસિલ કરી છે તે દર્શાવતાં તપસ કહે છે, “પીંછા ચોક્કસ ખૂણાએ ઓવરલેપ થાય તે જરૂરી છે, અને તેઓ એકસમાન હોવા પણ જરૂરી છે. આ અલાઇમેન્ટ શોના [ચિમટી]નો ઉપયોગ કરીને કરવામાં આવે છે.” તેમનું અને શ્યામસુંદરનું વેતન તેઓ કેટલાં શટલ બેરલ ભરી શકે છે તેની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. એક બેરલમાં 10 નંગ હોય છે, અને બેરલ દીઠ તેમને 15 રૂપિયા મળે છે.
પીંછાઓને કોર્કમાં કલમ કરવામાં આવે તે પછી, તે શટલનો પ્રારંભિક આકાર લે છે. પછી શટલને થ્રેડ બાઇન્ડિંગના પ્રથમ સ્તર માટે 42 વર્ષીય તારખ કોયલને આપવામાં આવે છે. એક હાથમાં તેના છેડા અને બીજા હાથમાં કૉર્ક અને પીંછાની જોડી સાથે દસ ઇંચ લાંબા દોરાને પકડીને તારખ સમજાવે છે, “આ દોરા સ્થાનિક રીતે ખરીદવામાં આવે છે. કપાસ સાથે મિશ્રિત નાયલોન તેમને વધુ તાકાત આપે છે.”
તેઓ 16 ઓવરલેપિંગ પીંછાઓને એક સાથે બાંધવા માટે માત્ર 35 સેકન્ડ જેટલો સમય લે છે. તારખ સમજાવે છે, “દોરી દરેક પીંછાના શાફ્ટને ગાંઠ દ્વારા પકડી રાખવા માટે બનાવવામાં આવે છે, ત્યારબાદ શાફ્ટ વચ્ચે ચુસ્ત રીતે વણાયેલા બેવડા વળાંક હોય છે.”
તેમનાં કાંડાં એટલી ઝડપથી ચાલે છે કે તે લગભગ અસ્પષ્ટ બની જાય છે. 16 ગાંઠ અને 32 વળાંક ત્યારે જ દેખાય છે જ્યારે તારખ અંતિમ ગાંઠ બાંધે છે અને વધારાના દોરાઓને કાતરની જોડી વડે કાપી નાખે છે. તેઓ દસ શટલ બાંધીને 11 રૂપિયાની કમાણી કરે છે.
50 વર્ષીય પ્રભાશ શ્યાશમલ દરેક શટલકૉકને અંતિમ વખત પીંછાની ગોઠવણી અને થ્રેડ પ્લેસમેન્ટ બરાબર છે કે કેમ તે માટે તપાસે છે. જ્યાં જરૂરી હોય ત્યાં તેને ઠીક કરીને, તેઓ શટલનું એક પછી એક બેરલ ભરે છે અને તેને ફરીથી સંજીબને આપે છે, જેઓ શટલની મજબૂતાઈ વધારવા માટે સાફ કરેલા શાફ્ટ અને દોરાઓ પર કૃત્રિમ રેઝિન અને હાર્ડનરનું મિશ્રણ લગાવવાનું કામ કરે છે.
એક વાર સૂકાઈ ગયા પછી, શટલ બ્રાન્ડિંગ માટે તૈયાર થાય છે જે અંતિમ પગલું છે. સંજીબ કહે છે, “અમે કૉર્કના કિનારે બ્રાન્ડ નામ સાથે 2.5 ઇંચ લાંબી વાદળી લાઇન ચોંટાડીએ છીએ અને પીંછાના શાફ્ટના તળિયે ગોળાકાર સ્ટીકર ચોંટાડીએ છીએ. પછી દરેક શટલકૉકને વ્યક્તિગત રીતે તોલવામાં આવે છે અને એકરૂપતા અનુસાર બેરલમાં ભરવામાં આવે છે.”
*****
નબા કુમાર ઓગસ્ટમાં પારી સાથે વાત કરતાં કહે છે, “આપણી પાસે સાઇના નેહવાલ અને પી.વી. સિંધુનાં ત્રણ ઓલિમ્પિક મેડલ છે. બૅડમિંટન ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. પરંતુ ઉલુબેરિયામાં, જો યુવાનો પીંછા સાથે ઉડાન ભરવાનું શીખે તો પણ, ખેલાડીઓની જેમ તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે તેની કોઈ ગેરેંટી નથી.”
પશ્ચિમ બંગાળ સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ નિયામક દ્વારા ઉલુબેરિયા નગરપાલિકાને શટલકૉક ઉત્પાદન સમૂહ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. પરંતુ નબા કુમાર કહે છે, “આ વિસ્તારને ક્લસ્ટર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો ત્યારથી કંઈપણ બદલાયું નથી. તે બધુ નામમાત્ર છે. દરેક વસ્તુનો બંદોબસ્ત અમારે જાતે જ કરવો પડે છે.”
જાન્યુઆરી 2020માં, પીંછા અને શટલ ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડ્યો હતો. આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા બૅડમિંટન વર્લ્ડ ફેડરેશને રમતના ટકાઉપણા અને “આર્થિક અને પર્યાવરણીય ધાર” અને “લાંબા ગાળાના ટકાઉપણા”નો હવાલો આપીને રમતના બધા સ્તરે કૃત્રિમ પીંછાવાળા શટલના ઉપયોગને મંજૂરી આપી હતી. ત્યારબાદ, તે કલમ 2.1માં બૅડમિંટનના નિયમોનો સત્તાવાર ભાગ બની ગયો, જે હવે જણાવે છે કે “શટલ કુદરતી અને/અથવા કૃત્રિમ સામગ્રીથી બનેલું હોવું જોઈશે.”
નબા કુમાર પૂછે છે, “શું પ્લાસ્ટિક અથવા નાયલોન પીંછા સાથે સ્પર્ધા કરી શકે છે? મને ખબર નથી કે રમતનું શું થશે, પરંતુ જો આ નિર્ણય વૈશ્વિક સ્તરે લેવામાં આવ્યો હોય, તો અમે ક્યાં સુધી ટકી રહીશું, તમને શું લાગે છે? અમારી પાસે કૃત્રિમ શટલ બનાવવાની ટેક્નોલોજી કે કુશળતા નથી.”
તેઓ કહે છે, “આજે મોટાભાગના કારીગરો મધ્યમ વયના અથવા વરિષ્ઠ નાગરિકો છે જેમની પાસે 30 કે તેથી વધુ વર્ષનો અનુભવ છે. આગામી પેઢી હવે આને આજીવિકાના વિકલ્પ તરીકે નથી જોઈ રહી.” દયનીય રીતે ઓછું વેતન અને વિશેષ કામ કરવાની કુશળતા પ્રાપ્ત કરવા માટે જરૂરી લાંબા કલાકો, નવા આવનારાઓ માટે એક મોટો અવરોધ છે.
નબા કુમાર કહે છે, “જો સરકાર ગુણવત્તાયુક્ત પીંછાના પુરવઠાને સરળ બનાવવા, પીંછાના ભાવ પર મર્યાદા મૂકવા અને નવીનતમ મશીન ટેક્નોલોજી પ્રદાન કરવા માટે પગલું નહીં ભરે, તો આ ઉદ્યોગ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જવામાં વધુ સમય નહીં લાગે.”
આ વાર્તામાં સહયોગ આપવા બદલ પત્રકાર અદ્રિશ મૈતેઇનો આભાર માને છે.
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ