મહિનાઓની અસહ્ય ગરમી બાદ આખરે મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં શિયાળો શરુ થયો હતો. કામ પર રાતપાળી માટે હાજર થવા તૈયાર થતા થતા દામિની (નામ બદલવામાં આવ્યું છે) થોડો રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા. તેઓ કહે છે, "હું પીએસઓ [પોલીસ સ્ટેશન ઓફિસર] તરીકે ફરજ પર હતી અને શસ્ત્રો અને વોકી-ટોકી આપવાનો હવાલો સંભાળતી હતી."
એકવાર દામિની ફરજ પર હતા ત્યારે સ્ટેશન હાઉસ ઓફિસર ઉર્ફે પોલીસ ઈન્સ્પેક્ટર (એસએચઓ/પીઆઈ) એ તેમને પોતાના વોકી-ટોકી માટે ચાર્જ કરેલી બેટરીઓ પોલીસ મથકેથી એ જ પરિસરની અંદર આવેલા તેમના સરકારી નિવાસસ્થાન સુધી લઈ આવવા કહ્યું હતું. એ મધ્યરાત્રિ પછીનો સમય હતો, અને આવા કામો માટે તેમને પીઆઈને ઘેર બોલાવવાનું પ્રોટોકોલની વિરુદ્ધ હોવા છતાં એ રૂઢ થઈ ગયેલ સામાન્ય બાબત હતી. દામિની સમજાવે છે, "અધિકારીઓ ઘણીવાર સાધનસામગ્રી ઘેર લઈ જાય છે...અને અમારે અમારા ઉપરી અધિકારીઓના આદેશોનું પાલન કરવું પડે છે."
એટલે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ દામિની પીઆઈને ઘેર ગયા હતા.
અંદર ત્રણ માણસો બેઠા હતા: પીઆઈ, એક સામાજિક કાર્યકર અને એક થાણા કર્મચારી (નાના સેમી-ઓફિશિયલ (થોડેઘણે અંશે સરકારી) કામો માટે પોલીસ થાણા દ્વારા નિયુક્ત કરાયેલ નાગરિક સ્વયંસેવક). નવેમ્બર 2017 ની આ રાતને યાદ કરતી વખતે તેઓ અસ્વસ્થતાથી કહે છે, “મેં તેમની તરફ ધ્યાન ન આપ્યું અને વોકી ટોકીની બેટરી બદલવા એ રૂમમાંના ટેબલ તરફ વળી." જેવી તેમણે પીઠ ફેરવી એની સાથે જ અચાનક તેમને દરવાજો બંધ કરવાનો અવાજ સંભળાયો. “હું રૂમમાંથી બહાર નીકળવા માગતી હતી. મેં પ્રયત્ન કર્યો પણ ખરો, મારી બધી તાકાત અજમાવીને, પરંતુ એમાંના બે પુરુષોએ મારા હાથ જોરથી પકડ્યા, મને પલંગ પર ફેંકી, અને….એક પછી એક એ ત્રણેએ મારા પર બળાત્કાર ગુજાર્યો."
લગભગ 2:30 વાગ્યાની આસપાસ આંસુભરી આંખે દામિની એ ઘરની બહાર નીકળી પોતાની બાઇક પર બેસીને પોતાના ઘર તરફ હંકારી ગયા. તેઓ કહે છે, “મારું મન સુન્ન થઈ ગયું હતું. હું વિચારતી હતી... મારી કારકિર્દી વિષે અને જિંદગીમાં જે હાંસલ કરવા માગતી હતી એ વિષે. અને હવે આ?"







