જ્યારે જસદીપ કૌરે વધુ સારી રીતે અભ્યાસ કરવા માટે સ્માર્ટફોન ખરીદવાની જરૂર હતી, ત્યારે તેમના માતાપિતાએ તેમને 10,000 રૂપિયા ઉધાર આપ્યા હતા. તેની ચૂકવણી કરવા માટે, આ 18 વર્ષીય યુવતીએ પોતાની 2023ની ઉનાળાની રજાઓ ડાંગરનું વાવેતર કરવામાં વિતાવી હતી.
પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં તેમના પરિવારોને ટેકો આપવા માટે ખેતરોમાં કામ કરતાં હોય તેવાં દલિત વિદ્યાર્થીઓમાં જસદીપ કૌર એકલાં નથી.
જસદીપ કહે છે, “અમે ખેતરમાં કામ ખુશીથી નહીં, પરંતુ અમારા પરિવારોની લાચારીના લીધે કરીએ છીએ.” તેમનો પરિવાર મઝહબી શીખ સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જે પંજાબમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેમના સમુદાયના મોટાભાગના લોકો પાસે જમીન નથી પરંતુ તેઓ ઉચ્ચ જાતિના ખેડૂતોના ખેતરોમાં કામ કરે છે.
તેમના માતાપિતાએ તેમને જે પૈસા આપ્યા હતા તે તેમણે ગાય ખરીદવા માટે એક માઇક્રોફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 38,000 રૂપિયાની લોનમાંથી આપ્યા હતા. 40 રૂપિયા પ્રતિ લિટર લેખે દૂધ વેચવાથી, તેમના પરિવારના ઘરખર્ચમાં મદદ મળશે. શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના ખુંડે હલાલ ગામમાં કમાણીની તકો મર્યાદિત છે, અને અહીંની 33 ટકા વસ્તી ખેત મજૂરો છે.
જસદીપે જ્યારે જૂનમાં કોલેજની પરીક્ષા આપવી પડી ત્યારે સ્માર્ટફોન અમૂલ્ય સાબિત થયો હતો, કેમ કે તેઓ ડાંગરના ખેતરોમાં મજૂરી કરવાથી બે કલાકનો વિરામ લઈને તરત ઓનલાઇન પરીક્ષા આપી શક્યાં હતાં. તેઓ કહે છે, “મને કામ છોડવાનું પોસાય તેમ નહોતું. જો હું તેના બદલે કોલેજ ગઈ હોત, તો મારો પગાર એક દિવસ માટે કાપી લેવામાં આવ્યો હોત.”



















