મધ્ય ભારતના ખરગોન શહેરમાં એપ્રિલનો એક ગરમ દિવસ છે. મધ્યપ્રદેશના આ શહેરના ભીડભાડવાળા અને વ્યસ્ત ચાંદની ચોક વિસ્તારમાં ધમધમતા બુલડોઝરના પૈડાંના અવાજથી રહેવાસીઓની વહેલી સવારની રોજીંદી ઘરેડમાં અચાનક વિક્ષેપ પડે છે. રહેવાસીઓ ડરના માર્યા તેમની નાની-નાની દુકાનો અને ઘરોમાંથી બહાર ધસી આવે છે.
35 વર્ષના વસીમ અહેમદ ભયભીત થઈને ચૂપચાપ જોતા રહ્યા હતા અને તેમની નજર સામે બુલડોઝરની સ્ટીલની ભારે બ્લેડના દાંતાઓએ જોતજોતામાં તેમની દુકાનને અને દુકાનની અંદરની કિંમતી ચીજવસ્તુઓને કચડી નાખીને એનું નામોનિશાન મિટાવી દીધું હતું. તેઓ કહે છે, “મેં જે કંઈ પૈસા ભેગા કર્યા હતા એ બધા જ મેં મારી દુકાનમાં નાખ્યા હતા."
રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આદેશને પગલે 11 મી એપ્રિલ, 2022 ના રોજ બુલડોઝરોએ માત્ર વસીમની નાનકડી દુકાન જ નહીં, પરંતુ ખરગોનના મોટે ભાગે મુસ્લિમ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં લગભગ 50 બીજી દુકાનો અને ઘરો જમીનદોસ્ત કરી દીધા હતા. ખાનગી મિલકતનો આ વિનાશ એ મધ્યપ્રદેશની રાજ્ય સરકાર દ્વારા રામ નવમીના તહેવાર દરમિયાન પથ્થરમારો કરનારા "તોફાનીઓ" ને પાઠ ભણાવવા સજા રૂપે ફરમાવવામાં આવેલ પ્રતિશોધક ન્યાય હતો.
પરંતુ વસીમે પથ્થર ફેંક્યા હોય એ વાત સાબિત કરવી મુશ્કેલ છે - જેના બંને હાથ કાપી નાખવા પડ્યા છે તેવા વસીમ માટે પથ્થર ઉઠાવીને ફેંકવાની વાત તો જવા દો કોઈની મદદ લીધા વિના પોતાની મેળે ચા પીવાનું પણ શક્ય નથી.
વસીમ કહે છે, “એ દિવસની ઘટના સાથે મારે કોઈ લેવાદેવા નથી.
2005માં એક અકસ્માતમાં તેમણે પોતાના બંને હાથ ગુમાવ્યા એ પહેલાં તેઓ એક ચિત્રકાર હતા. તેઓ કહે છે, “એક દિવસ નોકરી પર હતો ત્યારે મને વીજળીનો કરંટ લાગ્યો હતો અને ડોક્ટરોએ મારા બંને હાથ કાપી નાખવા પડ્યા હતા. [આ દુકાન શરુ કરીને] મેં ભારે પ્રતિકૂળતામાંથી બહાર નીકળવાનો માર્ગ પણ શોધી કાઢ્યો હતો." તેમણે નિરાશ થઈને પોતાની જાત માટે દુઃખી થયા કરવામાં સમય બરબાદ કર્યો નહોતો એનો તેમને ગર્વ છે.
વસીમની દુકાનમાં ગ્રાહકો તેમને જે કંઈ જોઈતું હોય - કરિયાણું, સ્ટેશનરી વગેરે - તે જણાવતા અને પછી જાતે જ એ લઈ લેતા. વસીમ કહે છે, "તેઓ મારા ખિસ્સામાં અથવા દુકાનના ડ્રોઅરમાં પૈસા મૂકીને જતા રહેતા. છેલ્લા 15 વર્ષથી આ દુકાન જ મારી આજીવિકા હતી."
73 વર્ષના મોહમ્મદ રફીકે એ સવારે ખરગોનના ચાંદની ચોક વિસ્તારમાં તેમની ચારમાંથી ત્રણ દુકાનો ગુમાવી દીધી હતી – તેમને 25 લાખ રુપિયાનું ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. રફીક યાદ કરે છે, “મેં આજીજી કરી હતી, હું તેમના પગે પડ્યો હતો. તેઓએ [મ્યુનિસિપલ સત્તાવાળાઓએ] અમને કાગળો (દસ્તાવેજો) પણ બતાવવા ન દીધા. મારી દુકાનોનું બધુંય કાયદેસર છે. પણ તેનાથી તેમને કશો ફરક પડતો નહોતો."
તોફાનો દરમિયાન થયેલા નુકસાનની વસૂલાત માટે શિક્ષાત્મક પગલા રૂપે રાજ્ય સરકારે વસીમ અને રફીકની દુકાનો સહિત સ્ટેશનરી, ચિપ્સ, સિગારેટ, કેન્ડી, ઠંડા પીણાં વગેરેનું વેચાણ કરતી બીજી દુકાનો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. પછીથી જિલ્લા વહીવટીતંત્ર કહેશે કે તોડી પાડવામાં આવેલ બાંધકામો "ગેરકાયદેસર" હતા, પરંતુ મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પત્રકારોને કહ્યું હતું કે, “જીસ ઘરોં સે પથ્થર આયે હૈ, ઉન ઘરોંકો હી પથ્થરોંકા ઢેર બનાયેંગે [જે જે ઘરોમાંથી પથ્થરો ફેંકાયા હતા એ ઘરોને અમે રોડાના ઢગલામાં ફેરવી નાખીશું]."
બુલડોઝરથી દુકાનો અને મકાનો જમીનદોસ્ત કરી દેવાયા એ પહેલાં રમખાણો દરમિયાન મુખ્તિયાર ખાન જેવા કેટલાક લોકોએ તેમના ઘરો ગુમાવ્યા હતા. તેમનું ઘર સંજય નગરના હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા મુખ્તિયાર ખાન હિંસા ફાટી નીકળી ત્યારે પોતાની ફરજ પર હતા. તેઓ એ દિવસની ઘટના યાદ કરતા કહે છે, "મને એક મિત્રનો ફોન આવ્યો હતો અને તેણે મને તાત્કાલિક પાછા આવી જઈને પરિવારને સલામત સ્થળે ખસેડવા કહ્યું હતું."
એ સલાહ જીવનરક્ષક સલાહ સાબિત થઈ હતી કારણ કે મુખ્તિયારનું ઘર સંજય નગરના હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં આવેલું છે. સદનસીબે તેઓ સમયસર પાછા ફરી શક્યા હતા અને પોતાના પરિવાર મુસ્લિમ (બહુમતીવાળા) વિસ્તારમાં પોતાની બહેનના ઘેર ખસેડ્યો હતો.
જ્યારે તેઓ ત્યાં પાછા ફર્યા ત્યારે તેમનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. તેઓ યાદ કરે છે, "બધું ખલાસ થઈ ગયું હતું."
મુખ્તિયાર તેમની આખી જિંદગી - 44 વર્ષથી - આ જ વિસ્તારમાં રહ્યા હતા. તેઓ અફસોસ સાથે કહે છે, “અમારી [તેમના માતા-પિતાની] એક નાનકડી ઝૂંપડી હતી. મેં 15 વર્ષ સુધી પૈસા બચાવીને 2016 માં અમારે માટે એક ઘર બનાવ્યું હતું. હું મારી આખી જીંદગી ત્યાં જ રહ્યો છું અને હંમેશા બધા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખ્યા છે."
પોતાનું ઘર જતું રહેતા મુખ્તિયાર હવે ખરગોનમાં ભાડા પર રહે છે, પોતાના પગારનો ત્રીજો ભાગ, 5000 રુપિયા તેમને દર મહિને ઘરના ભાડા પેટે ચૂકવવા પડે છે. તેમને વાસણો, કપડાં અને રાચરચીલું બધું જ નવું ખરીદવું પડ્યું હતું કારણ કે તેમનું ઘર અંદરના સરસામાન સાથે બળીને ખાખ થઈ ગયું હતું.
“મારું જીવન બરબાદ કરી નાખતા પહેલા તેઓએ બે વાર વિચાર્યું પણ નહોતું. ખાસ કરીને છેલ્લા 4-5 વર્ષોમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે તણાવ વધ્યો છે. અગાઉ ક્યારેય પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી. આજકાલ અમે સતત ચિંતામાં રહીએ છીએ."
મુખ્તિયાર 1.76 લાખ રુપિયાનું વળતર મેળવવાની આશા રાખે છે, જોકે આ રકમ તેમણે જે ગુમાવ્યું છે તેનો એક નાનકડો અંશ માત્ર છે. પરંતુ આ વાર્તા પ્રકાશિત થઈ ત્યાં સુધી તેમને એ પણ મળ્યું નથી; અને બહુ ઝડપથી પૈસા મળી જશે એવી તેમને આશા પણ નથી.
તેઓ કહે છે, "મારું ઘર તોડી પાડવામાં આવ્યું હતું એટલે હું વળતર અને ન્યાય બંને ઇચ્છું છું." તેઓ ઉમેરે છે, "બે દિવસ પછી પ્રશાસને પણ બરાબર એ જ કર્યું જે તોફાનીઓએ કર્યું હતું."
છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ભાજપ શાસિત કેટલાંક રાજ્યો "બુલડોઝર ન્યાય "નો પર્યાય બની ગયા છે. મધ્યપ્રદેશ ઉપરાંત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ગુનાના આરોપીઓની માલિકીના ઘરો અને દુકાનોને બુલડોઝરથી જમીનદોસ્ત કરવામાં આવ્યા હોવાના કિસ્સાઓ જોવા મળ્યા છે. આ કિસ્સાઓમાં આરોપી હકીકતમાં દોષિત હોય કે ન પણ હોય. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં તોડી પાડવામાં આવેલી દુકાનો અને મકાનો મુસ્લિમોના હતા.
રાજ્યની ડિમોલિશન ડ્રાઇવની તપાસ કરનાર પીપલ્સ યુનિયન ઑફ સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ) પાસેથી આ પત્રકારને મળેલ એક અહેવાલ દર્શાવે છે કે ખરગોનમાં સરકારે માત્ર મુસ્લિમ માળખાને બુલડોઝ કર્યા હતા. તેમને જાણવા મળ્યું કે સરકાર દ્વારા લગભગ 50 જેટલા જે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા તે બધા જ મુસ્લિમોના હતા.
અહેવાલમાં જણાવાયું છે કે, "બંને સમુદાયો હિંસાથી પ્રભાવિત થયા હોવા છતાં, વહીવટીતંત્ર દ્વારા નષ્ટ કરવામાં આવેલી તમામ મિલકતો મુસ્લિમોની હતી. કોઈ નોટિસ આપવામાં આવી ન હતી, સામાન કાઢી લેવા માટે કોઈ સમય આપવામાં આવ્યો ન હતો. જિલ્લા અધિકારીઓની આગેવાની હેઠળની ડિમોલિશન ટીમો ઘરો અને દુકાનો પર તૂટી જ પડી અને તેને ભોંયભેગા કરી દીધા હતા.
*****
આ બધું શરૂ થયું હતું એક અફવાથી, જેમ ઘણીવાર થતું હોય છે. 10 મી એપ્રિલ, 2022 ના રોજ ચાલી રહેલા રામ નવમીની ઉજવણી દરમિયાન એવી વાત ફેલાઈ હતી કે પોલીસે ખરગોનના તાલાબ ચોક પાસે એક હિન્દુ સરઘસને અટકાવ્યું હતું. સોશિયલ મીડિયાએ બળતામાં ઘી હોમ્યું હતું અને જોતજોતામાં એક ઉગ્ર ભીડ જમા થઈ ગઈ હતી, તેઓ એ સ્થળ તરફ આગળ વધતાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
લગભગ તે જ સમયે નજીકની મસ્જિદમાંથી નમાઝ અદા કરીને બહાર નીકળતા મુસ્લિમો સાથે આ ગુસ્સે ભરાયેલા ટોળાનો ભેટો થયો હતો. પથ્થરમારો થતાં પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી અને આ હિંસા ટૂંક સમયમાં શહેરના બાકીના વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી જ્યાં ઉગ્રવાદી જમણેરી હિંદુ જૂથોએ મુસ્લિમ ઘરો અને દુકાનોને નિશાન બનાવી તેના પર હુમલા કર્યા હતા.
તે જ સમયે સીએનએન ન્યૂઝ 18 ના પ્રાઇમ ટાઇમ એન્કર, અમન ચોપરાએ ખરગોન પર એક ચર્ચાનું આયોજન કર્યું, જેનું શીર્ષક હતું "હિન્દુ રામ નવમી મનાયે, 'રફીક' પથ્થર બરસાયે" જેનો અનુવાદ થાય છે, "હિંદુઓ રામ નવમી ઉજવે છે ત્યારે 'રફીક' તેમના પર પથ્થરો વરસાવે છે." પરિણામે પરિસ્થિતિ વધુ વકરી.
ચોપરાનો ઈરાદો મોહમ્મદ રફીકને સીધું નિશાન બનાવવાનો હતો કે પછી તેઓ સામાન્ય મુસ્લિમ નામનો ઉપયોગ કરવા માગતા હતા એ સ્પષ્ટ નથી. પરંતુ આ શોની રફીક અને તેના પરિવાર પર ગંભીર અસર પડી. તેઓ કહે છે, "તે પછી દિવસો સુધી હું ઊંઘી શક્યો નહીં. આ ઉંમરે હું આવો તણાવ સહન કરી શકતો નથી."
રફીકની દુકાનો ધરાશાયી થયાને દોઢ વર્ષ વીતી ગયું છે. પરંતુ તેમની પાસે હજુ પણ ચોપરાના શોના સ્ક્રીનના પ્રિન્ટઆઉટ છે. જ્યારે જ્યારે તેઓ એ જુએ છે ત્યારે દરેક વખતે તેમને એટલી જ પીડા થાય છે જેટલી પીડા (એ શો જોતા) પહેલી વખત થઈ હતી.
તેઓ કહે છે કે ચોપરાના શો પછી થોડા સમય માટે હિંદુ સમુદાયે તેમની પાસેથી ઠંડા પીણા અને ડેરી ઉત્પાદનો ખરીદવાનું ટાળ્યું હતું. ઉગ્રવાદી જમણેરી હિંદુ જૂથોએ પહેલેથી જ મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ કરી હતી. આ શોએ પરિસ્થિતિ વધુ ખરાબ બનાવી દીધી હતી. રફીક મને કહે છે, “દીકરા, તું પણ પત્રકાર છે, સાચું કહેજે શું કોઈ પત્રકાર આવું કરે તે ઠીક કહેવાય?"
મારી પાસે તેમના આ સવાલનો કોઈ જવાબ નહોતો, હું માત્ર મારા પોતાના વ્યવસાય માટે શરમની લાગણી અનુભવી રહ્યો. તેઓ ઝડપથી હસીને કહે છે, “હું તને શરમાવવા માગતો નહોતો. તું તો સરસ છોકરો લાગે છે." અને પોતાની દુકાનમાંથી મને ઠંડુ પીણું આપે છે. તેઓ કહે છે, “મારી પાસે તો હજી એક દુકાન છે અને મારા દીકરાઓ પોતાના પગ પર ઊભા છે. પરંતુ મોટાભાગના બીજા લોકો પાસે આ સુવિધા નથી. ઘણા લોકો પાસે તો પેટનો ખાડો પૂરવાનાય પૈસા નથી.”
ફરીથી દુકાન ઊભી કરવા માટે વસીમ પાસે કોઈ બચત નથી. ડિમોલિશન બાદ છેલ્લા દોઢ વર્ષથી તેમની પાસે ચલાવવા માટે દુકાન જ ન રહેતા તેઓ કમાણી કરી શક્યા નથી. ખરગોન મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું હતું કે તેઓ તેમને મદદ કરશે: “મુઝે બોલા થા મદદ કરેંગે લેકિન બાસ નામ કે લિયે થા વો [તેઓએ કહ્યું હતું કે તેઓ મને (થયેલા નુકસાનનું) વળતર ચૂકવીને મદદ કરશે પરંતુ તે માત્ર પોકળ શબ્દો નીકળ્યા].”
તેઓ ઉમેરે છે, "બેય હાથ વિનાનો માણસ શું કરી શકે?"
વહીવટી તંત્ર દ્વારા વસીમની દુકાન તોડી પાડવામાં આવી એ પછી ખરગોનમાં એવી જ એક નાનકડી દુકાન ચલાવતા તેમના મોટા ભાઈ તેમની સંભાળ લઈ રહ્યા છે. તેઓ કહે છે, "મેં મારા બે બાળકોને સરકારી શાળામાં દાખલ કર્યા છે. ત્રીજો બે વર્ષનો છે. તેણે પણ સરકારી શાળામાં જવું પડશે. મારા બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ ગયું છે. મારે નાછૂટકે મારા નસીબ સાથે સમાધાન કરવું પડ્યું છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક