આ બધું શરૂ થયું કાગળની એક ચબરખી અને એક અજાણી વ્યક્તિના એક પ્રશ્નથી.
માત્ર 12 વર્ષનો કમલેશ ડાંડોલિયા રાથેડ ગામમાં તેના ઘરની નજીક આવેલા પ્રવાસી અતિથિગૃહ પાસે ભટકતો હતો ત્યારે તેને એક પરદેશી (અજાણી વ્યક્તિ) નો ભેટો થયો. "તેમણે પૂછ્યું કે હું ભરિયા જાણું છું કે કેમ." કમલેશ જવાબ આપે તે પહેલાં, "તે માણસે મને એક કાગળ આપ્યો અને વાંચવાનું કહ્યું."
અજાણી વ્યક્તિને આશા હતી કે તેમનું કામ થઈ જશે - મધ્ય પ્રદેશમાં ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ - પીવીટીજી) તરીકે સૂચિબદ્ધ ભરિયા સમુદાયના ઘણા લોકો અહીં તામિયા બ્લોકની પાતાલકોટ ખીણમાં રહે છે. કમલેશ એક ભરિયા છે અને તે સહેજ પણ ખચકાયા વિના સહેલાઈથી તેના સમુદાયની ભાષા - ભરિયાટી - બોલી શકતો હતો.
નાના બાળકે પહેલા આત્મવિશ્વાસ સાથે કાગળ વાંચ્યો. તેમાં તેના સમુદાય વિશે સામાન્ય માહિતી હતી. એ દેવનાગરી લિપિમાં હતું એટલે "સરળ લાગ્યું." બીજો વિભાગ, જેમાં વસ્તુઓના નામ હતા એ વાંચતા કમલેશ ગોથા ખાવા લાગ્યો. તેઓ યાદ કરે છે, "શબ્દો ચોક્કસપણે ભરિયાટીમાં હતા. એ અવાજો ખૂબ પરિચિત હતા, પરંતુ એ શબ્દો અજાણ્યા હતા."
કંઈક યાદ કરવાનો સખત પ્રયાસ કરતા તેઓ એક મિનિટ માટે થોભે છે. તેઓ કહે છે, “ખાસ કરીને એક શબ્દ હતો. તે એક પ્રકારની જંગલી જડીબુટ્ટી [ઔષધીય વનસ્પતિ] હતી. કાશ મેં એ શબ્દ લખી લીધો હોત." પછી નિરાશામાં માથું હલાવતા ઉમેરે છે, "હવે આજે મને એ શબ્દ કે તેનો અર્થ યાદ પણ નથી."
કમલેશની તકલીફે તેમને વિચારતા કરી દીધા: "મને થયું કે ભરિયાટીમાં બીજા કેટલાય એવા શબ્દો હશે જે હું જાણતો પણ નહીં હોઉં." તેઓ જાણતા હતા કે પોતે સહેજ પણ ખચકાયા વિના સહેલાઈથી ભરિયાટી બોલી શકે છે – કમલેશને તેમના દાદા દાદીએ ઉછેર્યા હતા અને તેઓ તેમની સાથે ભરિયાટીમાં વાતો કરતા કરતા જ મોટા થયા હતા. “કિશોરાવસ્થા સુધી હું આ એકમાત્ર ભાષા બોલતો હતો." તેઓ હસતા હસતા ઉમેરે છે, "સહેજ પણ ખચકાયા વિના સહેલાઈથી હિન્દી બોલવા માટે હજી આજેય મારે ભારે મહેનત કરવી પડે છે.”





















