7 ડિસેમ્બર, 2023ના રોજ, અમારા સાથી અનુવાદક, કવિ, લેખક, શિક્ષણવિદ, કટારલેખક અને પેલેસ્ટાઇનના રિફત અલ અરીર, ગાઝામાં ચાલી રહેલા નરસંહારમાં એક લક્ષિત બોમ્બ ધડાકામાં માર્યા ગયા. પરંતુ જે દિવસે તેમનો અવાજ શમી ગયો, તે દિવસે તેમણે લખેલી એક કવિતા વિશ્વભરની એક ડઝનથી વધુ ભાષાઓમાં ગુંજી ઊઠી હતી.
આ દુનિયા અને આ સમયમાં ભાષાઓના વિશ્વમાં અમે પારીમાં અમારા કામ અને અમારી ભૂમિકા પર ફરી નજર કરીએ છીએ! અને અમે શરૂઆત કરીએ છીએ રિફતના શબ્દોથી જ:
આપણા સંઘર્ષને વાચા આપવા અને સામી લડત આપવા માટે આપણી પાસે એક ભાષા જ તો છે. શબ્દો આપણા સૌથી મૂલ્યવાન ખજાના છે, જેનો ઉપયોગ આપણે પોતાને અને અન્યોને શિક્ષિત કરવા માટે કરવો જ રહ્યો. અને આ શબ્દોને શક્ય તેટલી વધુ ભાષાઓમાં વ્યક્ત કરવા જ રહ્યા. હું એવી ભાષામાં વિશ્વાસ ધરાવું છું જે શક્ય તેટલા વધુ લોકોના હૃદય અને મનને સ્પર્શે… કારણ કે અનુવાદ એ માનવતાને મળેલી સૌથી અમૂલ્ય ભેટ છે. અનુવાદ અવરોધોને તોડીને એક કડી રચે છે અને સમજણ પેદા કરે છે. પરંતુ “ખરાબ” અનુવાદો ગેરસમજો પણ પેદા કરી શકે છે.
લોકોને એકસાથે લાવવાની, નવી સમજણ ઊભી કરવાની અનુવાદની આ ક્ષમતા પારીભાષાના કાર્યના કેન્દ્ર સ્થાને છે.
અને 2023 અમારા માટે એક મહત્ત્વપૂર્ણ વર્ષ રહ્યું છે.
આ વર્ષમાં અમે છત્તીસગઢી અને ભોજપુરી એમ બે નવી ભાષાઓ ઉમેરીને પારી જે તમામ ભાષાઓમાં પ્રકાશિત થાય છે તેની સંખ્યાને 14 સુધી લઈ ગયા છે.
આ વર્ષ અમારા માટે એટલા માટે પણ વિશેષ છે કેમ કે આ વર્ષે અમે અમારું નવું નામ “પરીભાષા” મેળવ્યું છે, જે અમારી ટીમની અંગ્રેજી સામગ્રીના અનુવાદથી એક ડગલું આગળ વધીને પારીને ગ્રામીણ પત્રકારત્વનું સાચું બહુભાષી મંચ માટેની અમારી ભૂમિકાને પ્રકાશિત કરે છે.
અમે આપણા દેશના રોજિંદા લોકોના જીવનમાં ભાષાઓ અને બોલીઓની ભૂમિકા વિષે વધુને વધુ જાણવાનું ચાલુ રાખ્યું છે. અનુવાદ અને ભાષાઓની આસપાસની વાર્તાઓ અને વાતચીત દ્વારા, અમે પારીના કાર્યને આ ક્ષેત્રમાં મજબૂત સ્થાન આપીએ છીએ.




