ન્યાયાધીશ: …જવાબ આપો, તમે કામ કેમ નહોતા કરતા?
બ્રોડ્સ્કી: કામ તો કરતો હતો. મેં કવિતાઓ લખી છે.
ન્યાયાધીશ: બ્રોડ્સ્કી, એક નોકરીમાંથી બીજીમાં ગયા એની વચ્ચેના સમયગાળા દરમિયાન તમે કેમ કંઈ કામ ન કર્યું એ તમે અદાલતને સમજાવશો તો વધુ સારું રહેશે.
બ્રોડ્સ્કી: હું કવિતાઓ લખતો હતો. મેં કામ કર્યું હતું.
પત્રકાર ફ્રિડા વિગ્ડોરોવા દ્વારા અત્યંત ચોકસાઈપૂર્વક નોંધવામાં આવેલ અદાલતી મુકદ્દમાની 1964 માં થયેલ બે લાંબી સુનાવણીના અહેવાલોમાં 23 વર્ષના રશિયન કવિ ઇઓસિફ (જોસેફ) એલેક્ઝાન્ડ્રોવિચ બ્રોડ્સ્કી તેમના રાષ્ટ્ર અને તેની ભાવિ પેઢીઓ માટે પોતાની કવિતાના બચાવમાં એની ઉપયોગિતા બાબતે દલીલ કરે છે. પરંતુ ન્યાયાધીશને બ્રોડ્સ્કીની વાત ગળે ઊતરી નહોતી અને તેમણે બ્રોડ્સ્કીને બદઈરાદાપૂર્વકની સામાજિક પરોપજીવિતા માટે દોષિત ઠેરવી પાંચ વર્ષના આંતરિક દેશનિકાલ અને સખત મજૂરીની સજા કરી હતી.
જે વર્ષને આપણે આજે અલવિદા કહી રહ્યા છીએ એ વર્ષમાં પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાએ વધુ કવિતાઓ પ્રકાશિત કરી છે, વધુ ગાયકોને રજૂ કર્યા છે, લોકગીતોનો નવો આર્કાઈવ શરૂ કર્યો છે અને હાલના આર્કાઈવ સંગ્રહમાં વધુ ગીતો ઉમેર્યા છે.
તો સવાલ થાય કે અમે કવિતાને આટલું મહત્વ શા માટે આપીએ છીએ? શું (કવિતા લખવી) એ ખરેખર કોઈ 'કામ' છે ખરું? કે પછી બ્રોડ્સ્કીને ત્રાસ આપનારાઓએ દાવો કર્યો હતો તેમ એ સામાજિક પરોપજીવિતા છે?
કવિના 'કામ' ની માન્યતા, સુસંગતતા અને મૂલ્ય બાબતે સંદેહ વ્યક્ત કરવો એ તત્વજ્ઞાનીઓ અને રાજકારણીઓને ગમતું કામ રહ્યું છે અને તેઓ વર્ષોથી કરતા આવ્યા છે. શૈક્ષણિક જગતના અને તે બહારના બીજા ઘણા લોકો પણ જ્ઞાનવૃદ્ધિની બીજી વધુ વૈજ્ઞાનિક, પુરાવા-આધારિત રીતોની તરફેણમાં કવિતાને ઝડપથી અને સગવડતાપૂર્વક કોરાણે મૂકી દેતા હોય છે. ત્યારે ગ્રામીણ પત્રકારત્વના જીવંત આર્કાઇવ પર કવિતા, સંગીત અને ગીતોના સમૃદ્ધ વિભાગો જાળવવામાં આવે એ એક અનોખી જ વાત છે.
પારી તમામ પ્રકારની સર્જનાત્મક અભિવ્યક્તિઓને સ્વીકારે છે, કારણ કે આ અભિવ્યક્તિઓ આપણને જુદી જુદી વાર્તાઓ કહી શકે છે એટલું જ નહીં પણ વાર્તા કહેવાની, ગ્રામીણ ભારતના લોકોના અનુભવોનું અને તેમના જીવનનું દસ્તાવેજીકરણ કરવાની કંઈક નવી જ રીતો સાથે આપણો પરિચય કરાવે છે. અહીં વ્યક્તિગત અનુભવો અને સામૂહિક સ્મૃતિથી પ્રેરિત સર્જનાત્મક કલ્પના દ્વારા જ આપણને ઈતિહાસની મર્યાદા ઓળંગીને, પત્રકારત્વની પહોંચની બહાર જઈને, માનવ જ્ઞાન સુધી પહોંચવાનો બીજો રસ્તો સાંપડે છે. લોકોના જીવનમાં ગૂંથાયેલી આજના સમયની - રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક - પ્રક્રિયાઓના દસ્તાવેજીકરણ અને જાળવણી (આર્કાઇવિંગ)ની એક બીજી રીત હાથવગી થાય છે.
આ વર્ષે પારીએ ઘણી બોલીઓમાં - પચમહાલી ભીલી, અંગ્રેજી, હિન્દી અને બાંગ્લામાં - કવિતાઓ પ્રકાશિત કરી. વ્યક્તિને એક વિશાળ અનુભૂતિના કેન્દ્રમાં મૂકી આપતી આ કવિતાઓ વર્તમાન સમયની સાક્ષી છે. એક આદિવાસી જો તરછોડે ગામ જેવી કેટલીક કવિતાઓએ અંગત અનુભવોમાં રહેલા તણાવ અને દ્વિધાને વાચા આપી તો એક તાંતણે બાંધી કંઈ કેટલી જિંદગીઓ ને ભાષાઓ જેવી કેટલીક કવિતાઓએ ભાષાઓના પિતૃસત્તાક સ્વરૂપ વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને અંદર જ પ્રતિકારની નવી જગ્યાઓ ઊભી કરી, તો અન્નદાતા અને સરકાર બહાદુર જેવી બીજી કેટલીક કવિતાઓએ આપખુદ જુલમી સત્તાધારીના જૂઠાણાંને છતાં કર્યા, અને એક પુસ્તક અને ત્રણ પડોશીઓ જેવી કવિતાઓએ કોઈ જ પ્રકારના ડર વિના - ઐતિહાસિક અને સામૂહિક - સત્યને ઉજાગર કર્યું.
કલમ ઉપાડીને કોઈ વાત કરવી એ કોઈ નાનું અને માત્ર વ્યક્તિગત પગલું નથી. જ્યારે આપણે ધ ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટના ગીતો સાંભળીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એક કવિતા, એક ગીત, એક ઓવીની રચના એ સામૂહિક સંવાદની, સાખ્યની અને પ્રતિકારની ક્રિયા છે. આ ગીતો એ વ્યક્તિની દુનિયાને સમજવાનો, જે બધું કાયમ માટે સમયના પ્રવાહમાં, સંસ્કૃતિમાં, લાગણીઓમાં વ્યક્ત થતું રહ્યું છે તેને ભાષા દ્વારા ફરીથી રજૂ કરવાનો એક માર્ગ છે. પારીએ આ વર્ષે 3000 થી વધુ મહિલાઓએ તેમની આસપાસની દુનિયાના વિવિધ વિષયો પર ગાયેલા ગ્રામીણ મહારાષ્ટ્ર અને કર્ણાટકના 100000 લોકગીતોના આ સમૃદ્ધ સંગ્રહમાં વધુ આકર્ષક પ્રકરણો ઉમેર્યા છે.
આ વર્ષે રણના ગીતો: કચ્છી લોકગીતોનો સંગ્રહ નામે નવા મલ્ટીમીડિયા આર્કાઈવ સાથે પારીની વિવિધતા અનેકગણી વધી ગઈ છે. કચ્છ મહિલા વિકાસ સંગઠન (કેમવીએસ) ના સહયોગથી શરૂ થયેલો આ વિકસતો સંગ્રહ પ્રેમ, ઝંખના, ખોટ, લગ્ન, ભક્તિ, માતૃભૂમિ, લિંગ જાગૃતિ, લોકશાહી અધિકારોના વિષયવસ્તુ પરના ગીતોની જાળવણી કરે છે. ગીત-સંગીતનો આર્કાઇવ એ જે જમીનમાંથી આવે છે એના જેટલો જ વૈવિધ્યસભર છે. આ આર્કાઇવમાં 341 ગીતોનો સમૃદ્ધ સંગ્રહ હશે, જે ગુજરાતના 305 તાલવાદકો (પર્ક્યુશનિસ્ટ્સ), ગાયકો અને વાદ્યવાદકોના એક અનૌપચારિક સમૂહ દ્વારા રજૂ કરવામાં આવશે, તેઓ સંગીતના વિવિધ પ્રકારના સ્વરૂપો વગાડશે અને કચ્છની એક સમયે સમૃદ્ધ મૌખિક પરંપરાઓને અહીં પારીમાં પુનર્જીવિત કરશે.
કવિતા એ ભદ્ર વર્ગ અને ઉચ્ચ શિક્ષિત વર્ગનો ઈજારો છે અથવા વાક્પટુતા અને ભાષાશાસ્ત્ર તરફ પ્રભાવશાળી રીતે ધ્યાન ખેંચવા માટે કરેલી પ્રવૃત્તિ છે એવી એક માન્યતા સાધારણત: પ્રવર્તે છે, પારીએ કવિતા વિશેની એ માન્યતાને પડકારવાનું કામ કર્યું છે. કવિતા અને લોકગીતો વચ્ચે ભેદભાવ ન રાખીને અમે આ વૈવિધ્યસભર પરંપરાના સાચા સંરક્ષકો અને સર્જકોની - તમામ વર્ગ, જાતિ, લિંગના સામાન્ય લોકોની - કદર કરીએ છીએ. કડુબાઈ ખરાત કે સાહિર દાદુ સાલ્વે જેવા લોકો કે જેઓ સામાન્ય લોકોના દુ:ખ અને સંઘર્ષના તેમજ સમાનતા અને આંબેડકરના ગીતો ગાતા હોય છે. તેઓ લોકભોગ્ય રીતે લોકોના સંઘર્ષની રાજનૈતિક વાતનો રંગ કવિતાને આપે છે. શાંતિપુરના લંકાપાડાના એક સામાન્ય નારિયેળ વેચનાર સુકુમાર બિસ્વાસ , રહસ્યમય શાણપણથી ભરપૂર સુંદર ગીતો ગાય છે, આ ગીતો નિઃશંકપણે 1971 ના બાંગ્લાદેશ યુદ્ધ પછી ભારતમાં આશ્રિત તરીકે રહેવાના અનુભવમાંથી ઘડાયેલા છે. 97 વર્ષની વયે એક ગાયક જેવા ગુંજતા અવાજના માલિક પશ્ચિમ બંગાળના પીરા ગામના સ્વાતંત્ર્ય સેનાની લોકખી કાંતો મહાતો સંગીત અને ગીતોએ કેવી રીતે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ જ જરૂરી એવા આશા અને જોશ પૂર્યા હતા એ સમજાવે છે.
પણ કોણ કહે છે કે કવિતાઓ કે ગીતો માટે શબ્દ જરૂરી છે? અમે પારી પર પ્રકાશિત કરેલા ઘણા લેખોમાં ખૂબ જ અલગ પ્રકારની લીટીઓએ રંગો અને પરિપ્રેક્ષ્ય ઉમેર્યા છે. સંખ્યાબંધ કલાકારોએ પોતાની આગવી શૈલી વડે, બોલકાં રેખાંકનો સર્જ્યા છે જે હવે પ્રકાશિત વાર્તાનો અભિન્ન ભાગ બની ગયા છે.
પારીમાં વાર્તા કહેવાની રીતમાં ચિત્રોનું હોવું એ કંઈ નવી વાત નથી. અમે એવી વાર્તાઓ પ્રકાશિત કરી છે જેમાં કોઈ એક વાર્તાની ગૂંચ ઉકેલવા માટે ચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો વળી ક્યારેક બાળકો લાપતા થઈ રહ્યા છે ત્યારે... જેવી વાર્તાઓમાં નૈતિક કારણોસર અમે રેખાંકનોનો ઉપયોગ કર્યો છે. તો બીજી એક વાર્તામાં વાર્તાના લેખક જેઓ પોતે એક ચિત્રકાર પણ છે તેઓ વાર્તા ને નવું બળ અને અર્થ આપવા માટે ફોટોગ્રાફ્સને બદલે ચિત્રોનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. પરંતુ પારી પર કવિ અથવા ગાયકની લીટીઓમાં (પંક્તિઓમાં) જ્યારે કલાકારો તેમની લીટીઓ (રેખાઓ) ઉમેરે છે ત્યારે પૃષ્ઠ પર રજૂ થયેલ પહેલેથી જ સમૃદ્ધ વાર્તાનું પોત અર્થની નવી છટા લઈ આવે છે.
આવો અને આ સુંદર પોત તૈયાર કરતા તાણા-વાણાને સ્પર્શો.
આ લેખ માટે ફોટોગ્રાફ સંપાદિત કરવામાં મદદ કરવા બદલ આ ટીમ રિકિનનો આભાર માને છે.
જો અમે જે કામ કરીએ છીએ તેમાં તમને રુચિ હોય અને તમે પારીમાં યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને [email protected] પર અમને લખો. અમે ફ્રીલાન્સ અને સ્વતંત્ર લેખકો, પત્રકારો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, અનુવાદકો, સંપાદકો, ચિત્રકારો અને સંશોધકોને અમારી સાથે કામ કરવા માટે આવકારીએ છીએ.
પારી એ નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે અને અમે (અમારા કામ માટે) અમારી બહુભાષી ઓનલાઇન જર્નલ અને આર્કાઇવની પ્રશંસા કરતા લોકોના દાન પર આધાર રાખીએ છીએ. જો તમે પારીમાં આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને ડોનેટ પર ક્લિક કરો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક